• 22 November, 2025 - 8:53 PM

17 નવેમ્બરથી છ દિવસ માટે અમદાવાદનું મસ્કતી કાપડ માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ હવે બનશે એક્ઝિબિશન સેન્ટર

  • દેશ-દેશાવરના 500-1000 વેપારીઓને આમંત્રણ આપ્યુઃ એર ટિકીટ ઉપરાંત વેપારીઓને એક દિવસ અને એજન્ટોને બે દિવસ માટે આઈટીસી નર્મદામાં ઉતારો આપશેઃ
  • વેપારીઓને માર્કેટ સુધી લાવવા લઈ જવા માટે મોટરકારનો કાફલો તૈયાર રખાશેઃ માર્કેટમાં ફરવા માટે ગોલ્ફ કારનો ઉપયોગ કરવામાં આવશે
  • 66 વર્ષ જૂની આખી ન્યુક્લોથ માર્કેટમાં લાલ જાજમ બિછાવવામાં આવશે, માર્કેટને શણગારવામાં આવશે
  • 17થી 22 નવેમ્બર સુધી માર્કેટના વેપારીઓના વાહનો એકા ક્લબમાં મૂકવાની ગોઠવણ કરાઈ

અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટ અને મસ્કતી કાપડ માર્કેટ 17મી નવેમ્બરથી 22મી નવેમ્બર સુધી માર્કેટને જ એક્ઝિબિશન સેન્ટરમાં રૂપાંતરિત કરી દેશે. કાપડના વેપારીઓના આ એક્ઝિબિશનમાં 115થી વધુ બ્રાન્ડના પ્રોડક્ટ્સને પ્રદર્શનમાં મૂકવામાં આવશે.આ એક્ઝિબિશનમાં માર્કેટના જ 1500 વેપારીઓ ભાગ લેશે. આ એક્ઝિબિશનમાં ગ્રુ ફેબ્રિક્સ, મહિલાઓના ડ્રેસ મટિરિયલ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ-શર્ટિંગ અને બેડશીટ્સની વરાયટીઓને મૂકવામાં આવશે.

આ સાથે જ આ આયોજનનો હિસ્સો બનવા માટે મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે ન્યુ ક્લોથ માર્કેટમાં એકવાર જરૂરથી પધારવાનો આગ્રહ કર્યો છે. ગૌરાંગ ભગતનું કહેવું છે કે દ્રઢ નિર્ધાર હોય તો દરેક આયોજનોને પાર પાડી શકાય છે. બજારના વેપારીઓ ઇદ, પોંગલ, હોળી સહિતના તહેવારો અને આવી રહેલી લગનસરામાં ઊભી થનારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી રહ્યા છે. આ દરેક પ્રોડક્ટ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ એક્ઝિબિશન માટે વેપારીઓએ ખાસ વેટ ડાયટિંગ, વેટ પ્રિન્ટ, ડિજિટલ પ્રિન્ટ, પિગ્મેન્ટ પ્રિન્ટ અને અન્ય અત્યાધુનિક કાપડના પ્રિન્ટ્સ તૈયાર કરી રાખી છે. પરિણામે રોજના ચારથી પાચ હજાર કસ્ટમર્સ આવે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે. છ દિવસમાં ઓછામાં ઓછા 25000થી વધુ વિઝિટર્સ આવવાની ધારણા મૂકવામાં આવી રહી છે.

ગૌરાંગ ભગતનું કહેવું છે કે ટીએનસી ફેબેક્સા-TNC-FEBEXAના આ એક્ઝિબિશનને પરિણામે ભારતના અન્ય રાજ્યમાં અને ભારતની બહારના દેશોમાં નિકાસ કરવા માટેનો નવો માર્ગ ખૂલી જશે. આમ ટીએનસી ફેબેક્સા એક્ઝિબિશન વેપારીઓના ઉત્થાન અને વિકાસ માટેનું પ્લેટફોર્મ બની રહેવાની ઉજળી શક્યતાઓ છે. મસ્કતી મહાજન, ન્યુક્લોથ માર્કેટ, ફેબેક્સાના ચેરમેન અમિષભાઈ, મસ્કતી કાપડ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત, સેક્રેટરી નરેશ શર્મા, ઉપપ્રમુક કાન્તિભાઈ સંઘવી, જોઈન્ટ સેક્રેટરી લલિત અગ્રવાલ, ટ્રેઝરર બાબુલાલ સોનગ્રા, અંકિત શેઠ, ભરત ટેકવાણી આ એક્ઝિબિશનને સફળ બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે ભારતની ખ્યાતનામ બ્રાન્ડ, કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, પરચેઝ મેનેજર, ફેશન ડિઝાઈનર્સ, મર્ચન્ટ ટ્રેડર્સ સહિતના લોકો આવશે. તેમના રેલવે અને એર બુકિંગની વ્યવસ્થા થઈ ચૂકી છે. તેમને આઈટીસી નર્મદામાં ઉતારો આપવામાં આવશે. હોટલથી માર્કેટ સુધી લાવવા માટેનો કારનો કાફલો પણ સક્રિય કરી દેવાનું આયોજન થઈ ચૂક્યું છે.

સેક્રેટરી નરેશ શર્માનું કહેવું છે કે બજારમાં ખરીદી કરવા માટે દેશાવરથી આવનારા દરેકને માટે આ એક્ઝિબિશન વન સ્ટોપ સોલ્યુશન બની રહેશે. આ એક્ઝિબિશન ગુજરાતના ટેક્સટાઈલ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝને આત્મનિર્ભર બનાવવામાં, સ્વદેશી કાપડના પ્રચારને વેગ આપવાની ભૂમિકા અદા કરશે. નહિ નફા નહિ નુકસાનને ધોરણો આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગને વૈશ્વિક હરીફાઈમાં આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

Read Previous

સરકારે નકલી બીજના વેચાણ પર નિયંત્રણ લાવવા બીજ બિલનો મુસદ્દો રજૂ કર્યો

Read Next

બિહારમાં મહાગઠબંધનનાં સૂપડા સાફ, NDAની સુનામી, 208 બેઠક પર વિજય, ભાજપને 96 સીટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular