• 8 October, 2025 - 10:29 PM

પહેલી ઓક્ટોબરથી GST રિફંડ રૂલ્સમાં ફેરફાર થશે

GSTનું રિફંડ મેળવવા માટે વેપારીએ આધારકાર્ડથી પોતાની ઓળખ અધિકૃત હોવાનું સ્પષ્ટ કરવું પડશે

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-GST- પેટે જમા કરાવેલી રકમના રિફંડ-REFUND-માટેના નિયમોમાં પહેલી ઓક્ટોબર 2025થી નવા ફેરફારો અમલમાં આવી રહ્યા છે(RULES) પરિણામે જીએસટીના રિફંડ ઝડપથી મળતાં થશે. જોકે જીએસટીના ક્રેડિટ લેજરમાં પડેલી રકમમાંથી 90 ટકા રકમનું રિફંડ ઝડપથી આપી દેવામાં આવશે. દસ ટકા રકમનું રિફંડ આપતા પહેલા તમામ ચકાસણી કરી લેવામાં આવશે.

આધાર ઓથેન્ટિકેશન

વેપારીઓએ જોકે આ રિફંડ મેળવવા માટે આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન-Aadhar Authentication-આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બિઝનેસ માટેની આ રિફંડ સિસ્ટમમાં રિફંડ લેનારે પોતાની ઓળખને આધારકાર્ડના માધ્યમથી અધિકૃત ઠેરવવી પડશે. આધારકાર્ડથી પોતે અધિકૃત વ્યક્તિ હોવાનું પ્રસ્થાપિત નહિ કરે તે વ્યક્તિ કે વેપારીને જીએસટીનું રિફંડ મળશે નહિ. સેન્ટ્રલ જીએસટી એક્ટની કલમ 54(6) હેઠળ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

જીએસટી રિફંડ

બીજીતરફ પાનમસાલા, ગુટકા, તમાકુ, તમાકુની બનાવટ, સોપારી અને આવશ્યક તેલ માટે ચૂકવવામાં આવેલા જીએસટીનું કોઈ જ રિફંડ આપવામાં આવશે નહિ.(No GST Refund) સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (CBIC) 17મી સપ્ટેમ્બરે એક નોટિફિકેશન(Notification) બહાર પાડીને જીએસટીના નિયમ નંબર 10બી હેઠળ ઉપરોક્ત પાંચ વસ્તુઓ માટે ચૂકવેલા જીએસટીનું રિફંડ ન આપવાનો નિર્ણય કર્યો છે.

આઈટીસી ઓટો પોપ્યુલેશન

બીજીતરફ વેપારીની આઈટીસી આપોઆપ જ તેના જીએસટીઆર-2બીમાં રિફ્લેક્ટ થશે નહિ.(Auto population of ITC) આજ રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ઓટોપોપ્યુલેટેડ થશે નહિ. તેમાંય ખાસ કરીને સપ્લાયર દ્વારા આઈટીસીની ક્રેડિટ નોટ ઇશ્યૂ કરવામાં આવશે તો તે રકમ સપ્લાયરને પરત કરવી જ પડશે. સપ્લાયરના ઇન્વોઈસને ખરીદનાર વેપારી ઇન્વોઈસ મેનેજમેન્ટ સિસ્ટમમાં જઈને રિજેક્ટ કરી દેશે તો સપ્લાયરની જીએસટી જમા કરાવવાની જવાબદારી ઓછી થશે નહિ. આ વ્યવસ્થાને કારણે સરકારને વેરાનું નુકસાન થતું અટકી જશે. વેપારીઓએ તેમના જીએસટીઆર 3-બી 25મી ઓક્ટોબર સુધી જમા કરાવી દેવા પડશે. જીએસટીઆર-3બી ફાઈલ ન કરી શકનારા વેપારીઓ છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન ફાઈલ કરી શકશે નહિ.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભિપ્રાય

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA Karim Lakhani) કરીમ લાખાણીનું કહેવું છે કે અત્યારે તો જીએસટીઆર-2બીમાં આપવામાં આવેલી વિગતોને આધારે સંબંધિત વેપારીઓના ખાતામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની વિગતો આપોઆપ જ આવી જાય છે. હવે પહેલી ઓક્ટોબર 2025થી વેપારીઓએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે જીએસટીઆર-2બીની વિગતોમાં મેન્યુઅલી પ્રોસેસ કરવી પડશે અને તેમાં જઈને પોતાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જનરેટ કરવી પડશે. કારણ કે પહેલાની જીએસટીઆર 2બીમાં મૂકવામાં આવેલી વિગતોને આધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત વેપારીઓના ખાતામાં આપોઆપ પહોંચી જતી હતી. પરંતું પહેલી ઓક્ટોબર 2025થી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.

  • પાનમસાલા, ગુટકા, તમાકુ, સોપારી અને આવશ્યક તેલ માટે ચૂકવવામાં આવેલા જીએસટીનું કોઈ જ રિફંડ આપવામાં આવશે નહિ.

ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓએ ઈન્વોઈસ મેનેજમેન્ટ સિસ્ટમમાં જવું પડશે. તેમાં જઈને જે બિલ-ઇન્વોઈસને સ્વીકારવું હોય તેના પર ક્લિક કરવું પડશે. તેમ જ જે ઈન્વોઈસને રિજેક્ટ કરવું હોય તે ઇન્વોઈસને રિજેક્ટ કરવું પડશે. આમ માલ ખરીદનાર અને માલ વેચનાર વચ્ચેના વિવાદોનો અંત આવી જશે. માત્ર ને માત્ર સાચી ઇનપુટ ટેક્સ ક્રેડિટ જ પાસ થશે.

ઇ-કોમર્સ ઓપરેટર્સ

ઈ-કોમર્સ ઓપરેટર્સ(E-commerece operators) જીએસટી રજિસ્ટ્રેશન ન ધરાવતા વેપારીને અથવા તો કોમ્પોઝિશનનો એટલકે લમસમ જીએસટી જમા કરાવવાના વિકલ્પનો આશરો લેનારા વેપારીને સપ્લાય કરશે તો તેવા સંજોગોમાં નવા નિયમ હેઠળ ઇ-કોમર્સ ઓપરેટરને પેનલ્ટી કરવામાં આવશે. ઈ-કોમર્સ ઓપરેટર્સને રૂ. 20,000નો દંડ કરવામાં આવશે. જોકે ટેક્સની રકમ તેનાથી વધારે હશે તો ટેક્સ જેટલી જ રકમનો દંડ કરવામાં આવશે.

જીએસટીઆર-3બી ટાઈમબાર થશે

પહેલી ઓક્ટોબરથી કેટલાક જીએસટી રિટર્નને ટાઈમબાર પણ કરી દેવામાં આવશે. પહેલી ઓક્ટોબર 2025થી 2022ના જીએસટીઆર-3બી ટાઈમ બાર થઈ જશે. તેમાં કોઈપણ જાતના સુધારાવધારા કરી શકાશે નહિ.

Read Previous

આજે શેરબજારના ફ્ચુયર ટ્રેડિંગમાં તમે શું કરશો? (FUTURE TRADING)

Read Next

GSTના દરના ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં વેપારીઓના ગલ્લાતલ્લાં: કન્ઝ્યુમર ફોરમમાં વેપારીઓ સામે 3000થી વધુ ફરિયાદો કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular