• 9 October, 2025 - 12:53 AM

NFT એટલે શું? તેને ખરીદી કે વેચી કેવી રીતે શકાય?

NFTમાં પડવા જેવું ખરું? તેમાં પૈસા કમાવાની કેવી છે તકો?
 
 
 
ree

 
 

ક્રિપ્ટોકરન્સીની જેમ છેલ્લા થોડા સમયથી એક વધુ શબ્દ લોકોની જીભે ચડી ગયો છે- NFT. NFT એટલે નોન ફંજીબલ ટોકન. પરંતુ વાસ્તવમાં તે છે શું, કેવી રીતે કામ કરે છે, તેની ખરીદ-વેચ કેવી રીતે કરી શકાય, તેમાં કમાણીની તક કેવી છે એ અંગે ઘણા ઓછા લોકોને ખબર છે. અમે સાવ સરળ ભાષામાં રોકાણના આ વિકસી રહેલા ક્ષેત્ર અંગે આપને પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે.

 
NFT એટલે શું?
 

NFT એટલે નોન-ફંજીબલ ટોકન. ફંજીબલ એટલે એવી ચીજ જેના બદલામાં તમે બીજુ કંઈ મેળવી શકો. નોન-ફંજીબલને સરળતાથી સમજવા માટે આપણે ફંજીબલની જગ્યાએ રિપ્લેસેબલ શબ્દ વાપરીશું. નોન-ફંજીબલ એટલે નોન-રિપ્લેસેબલ. જેને રિપ્લેસ ન કરી શકાય તેવી વસ્તુ.

 

ઉદાહરણ આપીને સમજીએ. એક લેખક તેના કોઈ પુસ્તકની 1000 કોપી છપાવે છે. આ પુસ્તક તમે એમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો કે પછી બુકસ્ટોરમાંથી પણ ખરીદી શકો છો. અર્થાત્ આ બુકની 1000 કોપી છે જે તદ્દન સરખી છે અને એક બીજાથી રિપ્લેસ કરી શકાય તેમ છે.

 

હવે, ધારો કે તમારી પાસે જે પુસ્તક છે, તે વાંચતા વાંચતા તમે અમુક ભાગ હાઈલાઈટ કરો છો, વાંચતી વખતે તમને જે વિચાર આવે તેની નોટ્સ બનાવીને પુસ્તકમાં લખો છો. હવે આ જ પુસ્તક નોન-રિપ્લેસેબલ બની ગઈ. પુસ્તકની બાકી જે 999 કોપી છે, તેમાં આ હાઈલાઈટ્સ, નોટ્સ કે તમારા વિચારો નથી. એટલે કે તમારા હાઈલાઈટ્સ, તમારી નોટ્સ ધરાવતી બુક તમે વિશ્વમાં બીજે ક્યાંયથી નહિ ખરીદી શકો. આ તમારી નોન-ફંજીબલ એસેટ ગણાય.

 

હવે વિચારો, તમે હોન્ડાનું બાઈક ખરીદો છો. પરંતુ તેને તમારી રીતે કસ્ટમાઈઝ કરો છો. તો એ બાઈક નોન-ફંજીબલ એટલે કે રિપ્લેસ ન કરી શકાય તેવું બની જાય છે. કોઈ ચિત્ર, કેલેન્ડર, કાર કોઈપણ ચીજ એવી હોઈ શકે જે ફક્ત તમારી પાસે જ હોય, બીજા કોઈ પાસે ન હોય. તેને નોન-ફંજીબલ કહેવાય.

 
ટોકન એટલે શું?
 

NFTમાં બીજો શબ્દ છે ટોકન. આ ટોકન બ્લોકચેઈન પર બને છે. ટોકન ક્રિપ્ટો કરન્સી કરતા જુદા છે. દરેક ક્રિપ્ટો કરન્સીની પોતાની બ્લોકચેઈન હોય છે. જેમ કે, બિટકોઈન અને ઈથિરિયમની પોતપોતાની જુદી જુદી બ્લોકચેઈન છે. ઈથિરિયમની બ્લોકચેઈન પર બિટકોઈન ન બની શકે અને એ જ રીતે બિટકોઈનની બ્લોકચેઈન પર ઈથિરિયમ કે બીજા કોઈ કોઈનનું માઈનિંગ શક્ય નથી. જ્યારે ઈથિરિયમ બ્લોકચેઈન પર Maker, Bat, Tether જેવા અનેક કોઈન્સ ઓપરેટ કરે છે. અર્થાત્, ક્રિપ્ટો કરન્સી અને ટોકન એ બંને જુદી વસ્તુ છે.

 

વધુ સરળતાથી સમજીએ. ધારોકે, તમે દુકાનમાં પુસ્તક ખરીદવા જાવ છો. એ પુસ્તકની કિંમત રૂ. 100 છે. તમે UPI કોડ સ્કેન કરીને પૈસા ચૂકવો છો. તમને 1 સેકન્ડ રહીને બેન્કનો મેસેજ આવે છે કે તમે પૈસા જમા કરાવી દીધા છે. હવે આ 1 સેકન્ડમાં બેન્કે એ ચેક કર્યું કે તમારા ખાતામાં ચૂકવવા માટે રૂ.100નું બેલેન્સ છે કે નહિ, જો છે તો ટ્રાન્ઝેક્શન અપ્રૂવ કર્યું. જો ન હોય તો ટ્રાન્ઝેક્શન ફેઈલનો મેસેજ આવે છે. એ જ રીતે, 1 જ સેકન્ડમાં સામેવાળાને મેસેજ પણ પહોંચી જાય છે કે કોઈએ તેમના એકાઉન્ટમાં રૂ. 100 જમા કરાવ્યા છે. અહીં બેન્ક સેન્ટ્રલ ઓથોરિટી છે અને તે ટ્રાન્ઝેક્શનને માન્યતા આપે છે અને તેનો રેકોર્ડ જાળવે છે.

 

ક્રિપ્ટો કરન્સી એ સરકાર કે બેન્કોની પૈસા પરની ઓથોરિટી તોડવા માટે બનાવાઈ હતી. ક્રિપ્ટો કરન્સી પર કોઈ એક દેશ કે સરકારનો કાબુ નથી. તે આખા દુનિયાના લોકો માટે એકસમાન જ છે. એટલે કે, તમે આજે 100 ટોકનનું પેમેન્ટ કરો, તો આખા વિશ્વના લાખો કોમ્પ્યુટરમાંથી એ ચેક થાય છે કે તમારા બેલેન્સમાં 100 ટોકન છે કે નહિ, જો હોય તો ટ્રાન્ઝેક્શન અપ્રૂવ થાય છે, અથવા તો કેન્સલ થાય છે. આ તમામ રેકોર્ડ બ્લોકચેઈન પર રજિસ્ટર થાય છે. તેને ડિલિટ નથી કરી શકાતો અથવા તો તેમાં ફેરફાર પણ નથી કરી શકાતો.

 
ree

 
બ્લોકચેઈનનો NFT સાથે શું સંબંધ છે?
 

તમે ધારોકે કોઈને તમારી બુક વેચવા માંગો છો. પુસ્તક એક ચીજ હોવાથી તમે તેને ખરીદી કે વેચી શકો છો. પરંતુ આ જ બુક ડિજિટલ હોય તો તમે તમારી ઓનરશિપ કેવી રીતે પુરવાર કરી શકો? ધારો કે કોઈ ગીત, કોઈ ટ્યુન, કોઈ પોસ્ટર, કોઈ વિડિયો ક્લિપ પર તમારી માલિકી દર્શાવવી હોય તો તમે કેવી રીતે દર્શાવી શકો? તમે કેવી રીતે ખાતરી કરી શકો કે એ ક્યારેય એડિટ કે ડિલિટ ન થાય? અહીં NFT નો કોન્સેપ્ટ લાગુ પડે છે.

 

ધારો કે, શોલેના ફિલ્મ મેકર્સ તેનું ડિજિટલ પોસ્ટર વેચવા માંગે છે. તમે તે NFT થકી ખરીદી શકો છો. તમારી માલિકી બ્લોકચેઈન પર રજિસ્ટર થઈ જાય છે. તેને કોઈ એડિટ નથી કરી શકતું, કોઈ ડિલિટ નથી કરી શકતું. તમે ઈચ્છો ત્યારે તેની માલિકી બીજાના નામે ટ્રાન્સફર કરી શકો છો.

 

હવે, તમને એમ થશે કે ઈન્ટરનેટ પર તો બધા બધુ મફતમાં જ ડાઉનલોડ કરે છે, તો પછી NFTથી શું ફાયદો? અહીં હ્યુમન સાઈકોલોજીનો એ સિદ્ધાંત લાગુ પડે છે કે જે વસ્તુની જેટલી વધારે અછત, તેને મેળવવાની ચાહ એટલી જ વધારે. અર્થાત્, તમે શોલેનું પોસ્ટર ખરીદ્યું, તેની નકલ થઈ પરંતુ ઓરિજિનલ તો તમારી પાસે જ રહેવાનું. ઉલ્ટું, તેની જેટલી નકલ થશે, તેટલી જ ઓરિજિનલની કિંમત ઊંચી જશે. તેનો માલિક તમારા સિવાય બીજું કોઈ નહિ બની શકે.

 
 
ree

 
 
નાના અને મધ્યમ રોકાણકારોએ NFTમાં ન પડવું જોઈએઃ
 
ree

 

બજેટ 2022માં NFT ટ્રેડિંગ પર સરકારે 30 ટકા ટેક્સની જાહેરાત કરી છે. વળી, તેમાં કોઈ નુકસાન થશે તો લોસ ક્યાંયથી સેટ ઓફ નહિ મળે તેવી સ્પષ્ટ જાહેરાત સરકારે કરી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિકાસ જૈન રોકાણકારોને સલાહ આપે છે, “NFT એક પ્રકારની ક્રિપ્ટો એસેટ જ છે. આ માર્કેટ હજુ મેચ્યોર થયું નથી અને તેને લઈને કેવા ડેવલપમેન્ટ થશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. હાઈ-રિસ્ક લેનારા અને જેની પાસે પોર્ટફોલિયો ખૂબ મોટો હોય તે થોડી મૂડી આ ક્ષેત્રે રોકી શકે છે, પરંતુ નાના અને મધ્યમ ઈન્વેસ્ટરે તેમાં ન જ પડવું જોઈએ.”

 
 
જાણો કેમ કરોડોમાં વેચાય છે BAYCના NFT
 

છેલ્લા થોડા સમયમાં NFTની લોકપ્રિયતામાં અધધ વધારો થયો છે. તેમાં સૌથી મોંઘા NFT BAYC (Bored Ape Yacht Club) એટલે કે બોર્ડ એપ યોટ ક્લબના હોય છે. આ ખૂબ જ લોકપ્રિય NFT કલેક્શન છે અને તેના એક એક ચિત્ર કરોડોમાં વેચાય છે. જસ્ટિન બીબર, સ્નૂપ ડૉગ, એમિનમ સહિતના સેલેબ્રિટીઝ BAYC NFT ખરીદી રહ્યા છે.

 

BAYC એ એક વર્ચુઅલ ક્લબ છે જેમાં એક સમયે 10,000 કરતા વધારે મેમ્બર સમાવી શકાશે નહિ. BAYC NFT ખરીદનારને જ આ ક્લબની મેમ્બરશિપ આપવામાં આવે છે. તેના તમામ ચિત્ર ઈથિરિયમ બ્લોકચેઈન ઉપર અવેલેબલ છે. અર્થાત્, આ ચિત્ર ખરીદવા માટે તમારે ઇથિરિયમ ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવું પડે છે.

BAYC NFT ખરીદનારને બાથરૂમ નામની એક વર્ચુઅલ જગ્યાનો એક્સેસ મળે છે. એવું કહેવાય છે કે આ બાથરૂમ વૉલ પર ઓનર તેને મન ફાવે તેમ દોરી શકે છે, ગાળો પણ લખી શકે છે. તેમને દર પંદર મિનિટે કંઈ લખવા કે દોરવાની છૂટ મળે છે. આ ક્લબમાં એવી ઘણી અતરંગી ચીજો થાય છે જેના અંગે દુનિયાને ખાસ ખ્યાલ જ નથી. BAYC NFT ખરીદનારને જ આ લાભ મળતો હોવાથી વિશ્વના ધનિક વર્ગમાં તેનો ક્રેઝ વધી રહ્યો છે.

 
ree

 

બીજું, ઘણા લોકો તેને કિંમતી પેઈન્ટિંગની જેમ પણ ખરીદી રહ્યા છે. તેમને આશા છે કે ભવિષ્યમાં તેમને આના પર ઘણું સારુ રિટર્ન મળશે. BAYCનું દરેક NFT યુનિક હોય છે. તેના જેવું બીજું NFT ક્યારેય બનશે નહિ.

એપ્રિલ 2021માં 0.08 ઈથિરિયમની વેલ્યુ ધરાવતા બોર્ડ એપ ચિત્રની જાન્યુઆરી 2022માં વેલ્યુ 77.99 ઈથિરિયમ થઈ ગઈ હતી. આમ ટૂંકા ગાળામાં 1,00,000%નું અવિશ્વસનીય રિટર્ન મળ્યું છે. હવેના બોર્ડ એપ્સના ચિત્ર $2.5થી $2.9 મિલિયનની આસપાસ વેચાય છે. અર્થાત્ તેની કિંમત રૂ.20 કરોડ આસપાસની છે.

 

Pudgy Penguinesની પણ બોલબાલા છેઃ

 

બોર્ડ એપ ઉપરાંત પજી પેંગ્વિન્સ પણ ખૂબ જ સફળ NFT છે. અત્યાર સુધી તેમણે 45,400 ઈથિરિયમના NFT વેચ્યા છે જેની કિંમત $140 મિલિયન જેટલી થાય છે. તેમાં 8888 જેટલા પેંગ્વિન્સના જુદા જુદા ચિત્રો છે જેમાં તેમણે બેઝબૉલ કેપથી માંડીને ફિશિંગ રોડ્સ જેટલી જુદી જુદી એક્સેસરીઝ પહેરી છે. આ કલેક્શન જુલાઈ 2021માં લોન્ચ થયું ત્યારે તેની કિંમત 0.03 ઈથિરિયમ ($93.24) હતી જે હાલ વધીને 1.28 ઈથિરિયમ ($3978.25) થઈ ગઈ છે.

 
ree

 
તમારી પોતાની NFT કેવી રીતે બનાવશો?
 

1. આઈટમ સિલેક્ટ કરોઃ

 

નક્કી કરો તમે કઈ ડિજિટલ એસેટને NFTમાં કન્વર્ટ કરવા માંગો છો. એ કોઈ પેઈન્ટિંગ, ચિત્ર, મ્યુઝિક, વીડિયો ગેમ કલેક્ટિબલ, મીમ, GIF કે પછી ટ્વીટ પણ હોઈ શકે છે. NFT એક એવી ડિજિટલ આઈટમ છે જેની માલિકી ફક્ત તમારી પાસે જ છે. આ કારણે તેનું મૂલ્ય છે.

– તમે જે NFT ક્રિએટ કરી તેના ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ તમારી પાસે હોય તેની ખાતરી કરો. બીજાના વર્કને પોતાના નામે ચડાવશો તો કાયદાકીય ગૂંચમાં ફસાઈ શકો છો.

– NFT માટે કોપીરાઈટ તમે બીજા આર્ટવર્ક માટે જે પ્રક્રિયાથી મેળવો છો તે જ રીતે મેળવી શકાય છે.

 

2. તમારી બ્લોકચેઈન પસંદ કરોઃ

 

એક વખત તમે તમારી યુનિક ડિજિટલ એસેટ ક્રિએટ કરો, પછી તેને NFTમાં મિંટ કરવા માટે તમારે બ્લોકચેઈનની જરૂર પડશે. નક્કી કરો કે તમે કઈ બ્લોકચેઈન ટેક્નોલોજી યુઝ કરવા માંગો છો. ઉલ્લેખનીય છે કે NFT માટે સૌથી લોકપ્રિય બ્લોકચેઈન ઈથિરિયમ છે. આ ઉપરાંત ટેઝોસ, પોલકાડોટ, કોસ્મોસ, બાઈનાન્સ સ્માર્ટ ચેઈન પર પણ NFT ક્રિએટ કરી શકાય છે.

 

3. ડિજિટલ વૉલેટ બનાવોઃ

 

NFTને ફંડ કરવા તમારે શરૂઆતમાં થોડું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે. આ માટે ડિજિટલ વોલેટ બનાવો. આ

વોલેટ મારફતે તમને તમારી ડિજિટલ એસેટનો એક્સેસ મળશે. મેટા માસ્ક, મેથ વોલેટ, આલ્ફા વોલેટ, ટ્રસ્ટ વોલેટ, કોઈન બેઝ વોલેટ વગેરે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. વોલેટ ક્રિએટ થાય પછી ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ પરથી તેમાં બેલેન્સ ઉમેરો.

 

4. NFT માર્કેટપ્લેસ પસંદ કરોઃ

 

OpenSea, Axie Marketplace, Larva Labs/CryptoPunks, NBA Top Shot, Rarible, SuperRare, Foundation, Nifty Gateway, Mintable, ThetaDrop એ NFT ખરીદ-વેચ કરવાના લોકપ્રિય માર્કેટપ્લેસ છે. દરેકની પોતાની ખાસિયત છે. તમારી NFT કયા માર્કેટપ્લેસમાં ફિટ બેસે છે તે નક્કી કરો. Axie ગેમિંગ માટે પોપ્યુલર છે, NBA ટોપ-શોટ બાસ્કેટ બોલ પર ફોકસ ધરાવે છે.

અમુક માર્કેટપ્લેસ પર તેની જ ક્રિપ્ટોકરન્સી ચાલે છે. જેમ કે Rarible માટે તમારી પાસે RARI ક્રિપ્ટો હોવી જરૂરી છે. આમાંથી OpenSea સૌથી લોકપ્રિય છે.

આ માર્કેટ પ્લેસને તમારા ડિજિટલ વોલેટથી કનેક્ટ કરો. ત્યાર પછી ફીઝ ચૂકવીને તમે NFT મિંટ કરવાની અને વેચવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.

 

5. તમારી ફાઈલ અપલોડ કરો.

 

આ ડિજિટલ ફાઈલ અપલોડ કરવા માટે તમને સ્ટેપ બાય સ્ટેપ સૂચના એ પ્લેટફોર્મ પરથી જ મળી જશે. તમે તમારી PNG, GIF કે MP3 ફાઈલને NFTમાં કન્વર્ટ કરી શકો છો.

 

6. વેચાણની પ્રક્રિયા શરૂ કરોઃ

 

તમે તમારી NFTની એક ફિક્સ્ડ કિંમત નક્કી કરી શકો છો અને જે તે આપવા તૈયાર થાય તેને NFT વેચી શકો છો. બીજું, તમે તેનું ઓક્શન રાખી શકો છો અને તેમાં જે વધુ બોલી લગાવે તેને વેચી શકો છો. તેમાંય તમે નિશ્ચિત સમય માટે અથવા અનલિમિટેડ ઓક્શન રાખી શકો છો. આમાં ઓક્શન ક્યારે પૂરુ થશે તે તમે નક્કી કરી શકો છો. ઓક્શનમાં તમારે લઘુત્તમ કિંમત નક્કી કરવાની હોય છે. રોયલ્ટી નિશ્ચિત કરીને તમે તેમાંથી આવકનો રસ્તો પણ ખુલ્લો કરી શકો છો.

 
તમારે NFT મિંટ કરવા અને વેચવા માટે ફી અને કમિશન આપવું પડશે. દરેક પ્લેટફોર્મના ચાર્જ જુદા જુદા હોય છે. આથી NFTની કિંમત નક્કી કરતા તેનો અભ્યાસ કરવો જરૂરી છે.
 
NFTની ઓનરશિપની શું ગેરન્ટી? ફિઝિકલ આર્ટને રિપ્લેસ ન કરી શકે ડિજિટલ આર્ટ
 
ree

 

NFT એટલે ડિજિટલ એસેટ પર બ્લોકચેઈન ટેક્નોલોજીના માધ્યમથી પોતાની ઓનરશિપ ક્લેઈમ કરવી. આ અંગે વાત કરતા ટ્રેડમાર્ક એટર્ની સમ્રાટ મહેતા જણાવે છે, “NFT પર માલિકી સ્વઘોષિત છે. બ્લોકચેઈન એક એવી ટેક્નોલોજી છે જે ડિજિટલ ડેટા સ્ટોર, રેકોર્ડ અને મેઈન્ટેઈન કરી શકે છે. પરંતુ તે કોઈ માન્યતા આપનારી ઓથોરિટી નથી. આવામાં ડિજિટલ આર્ટ બનાવનારને NFT શું તે જ ન ખબર હોય અને તેની આર્ટને પોતાના નામે કોઈ NFT બનાવી દે તો બ્લોકચેઈન પાસે તેને રોકવાનો કોઈ રસ્તો નથી. આથી NFTમાં તેના મૂળ માલિકને તેનો લાભ ન મળે તેવું પણ બની શકે. બીજી ખામી એ છે કે ફિઝિકલ ચીજમાં તેની ફીલ હોય છે. જેમ કે, ફ્રાન્સની આર્ટ ગેલેરીમાં મૂકાયેલા મોનાલિસાના પેઈન્ટિંગને તમે નજરે જોશો, સ્પર્શશો તો એવી ફીલ તમને તેની બીજી કરોડો કોપીમાં નહિ આવે. NFT એ ડિજિટલ આર્ટ છે. એટલે તેમાં ફીલ નથી, ફક્ત વિઝ્યુઅલ અપીલ જ છે. આથી તમે કોઈ NFT કરોડોમાં ખરીદી હોય તે બીજું કોઈ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને ફ્રીમાં વાપરે તો તે માટે તમારે માનસિક તૈયારી રાખવી પડે. હા, ફક્ત તમને તેનો હાઈરિઝોલ્યુશન એક્સેસ મળે તેવું બની શકે. આર્થિક લાભ મેળવવો હોય તો NFTને રોયલ્ટી બેઝ ઉપર આપીને તેમાંથી કમાણીનો રસ્તો શોધી શકાય.”

Read Previous

આજે શેરબજારમાં શું કરશો?

Read Next

ગુજરાતનું IT સેક્ટર પાંચ વર્ષમાં મોટી છલાંગ મારશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular