શાકાહારી ભોજનનો ઓર્ડર કરનાર ને માંસાહારી ભોજન પીરસી દીધું
માંસાહારી ભોજન પીરસનાર રેસ્ટોરાંને ઓર્ડર કરનારની બ્રાહ્મણ પરિવારની ધાર્મિક લાગણી દુભવવા માટે રૂ. 25000 ચૂકવી આપવા કન્ઝ્યુમર ફોરમે ઓર્ડર કર્યો
શાકાહારી ભોજનનો ઓર્ડર કરનાર ગ્રાહકને માંસાંહારી ભોજન પીરસી દેવાની એક રેસ્ટોરાંએ કરેલી ભૂલ માટે અમદાવાદના કન્ઝ્યુમર ફોરમે રેસ્ટોરાંને ગ્રાહકની ધાર્મિક લાગણી દુભવવા માટે રૂ. 20,000 અને કાનૂની ખર્ચના રૂ. 5000 મળીને રૂ. 25000 ચૂકવી આપવાનો ઓર્ડર કર્યો છે. શાકાહારી ભોજનનો ઓર્ડર કરનાર ગ્રાહકે રેસ્ટોરાં સામે પોતાની ધાર્મિક લાગણી દુભાવવા માટે રૂ. 30 લાખનો દાવો કર્યો હતો. રેસ્ટોરાં માલિકે સર્વિસ આપવામાં થયેલી ભૂલ બદલ માફી માગી હતી. તેમ જ ગ્રાહકની ધાર્મિક લાગણી દુભવવા બદલ પણ માફી માગી હતી.
કન્ઝ્યુમર ફોરમે ચૂકાદો આપતા જણાવ્યું છે કે આ ઘટનાએ શાકાહારી ભોજનનો ઓર્ડર કરનાર હિન્દુ બ્રાહ્મણ પરિવારની લાગણીને દુભવી શકે છે. તેને માટે વળતર મેળવવાને હિન્દુ પરિવાર હકદાર છે. શેલાનો એક બ્રાહ્મણ પરિવાર સાતમી માર્ચ 2024ના દિને બોપલની એક ક્લબના રેસ્ટોરાંમાં તેની બહેન અને બનેવી સાથે ભોજન લેવા માટે ગયો હતો. તેમણે અન્ય આહાર સાથે વેજ મખ્ખનવાલાનો ઓર્ડર આપ્યો હતો. તેમને ટેબલ પર મુર્ગ મખ્ખનવાલા ટેબલ પર આપવામાં આવ્યા હતા. આ રીતે ફૂડ સર્વ કરવામાં વેઈટરે ભૂલ કરી હોવાનું રેસ્ટોરાંના માલિકે સ્વીકાર્યું હતું. તેને માટે લેખિત માફી પણ માગી હતી. આ ભૂલ બદલ ગ્રાહકને કોમ્પ્લીમેન્ટરી આહાર આપવાની પણ ઓફર કરી હતી.
પરંતુ વેઈટરની ભૂલને કારણે ધાર્મિક લાગણી છંછેડાઈ ગઈ હોવાથી ગ્રાહકે રેસ્ટોરાં માલિક સામે રૂ. 30 લાખનું વળતર આપવાની માગણી કરતો દાવો ઠોકી દીધો હતો. સેવામાં ખામી બદલ રૂ. 30 લાખનો દાવો કરવામાં આવ્યો હતો. તેની સામે રેસ્ટોરાં માલિક વતીથી એવી દલીલ કરવામાં આવી હતી કે ગ્રાહકની લાગણી દુભાવવાનો તેમનો જરાય ઇરાદો નહોતો. કોમ્પ્યુટર સિસ્ટમમાં ભૂલથી જુદો ઓર્ડર પ્લેસ કરી દેવામાં આવ્યો હતો. આ ફરિયાદ લોકમાં જાણીતા થઈ જવા માટે જ કરવામાં આવી હોવાની દલીલ પણ કરવામાં આવી હતી. તેમ જ તગડું વળતર મેળવી લેવા માટે જ આ ફરિયાદ કરવામાં આવી હોવાની દલીલ પણ રેસ્ટોરાં માલિક વતીથી કરવામાં આવી હતી.
હિન્દુ શાકાહારી પરિવારને માંસાહારી ભોજન પીરસવામાં આવતા તેમની લાગણી દુભાઈ હોવાનું સ્વીકારીને તેમને પૈસા લીધા વિના કોમ્પ્લિમેન્ટરી ભોજન આપવાની ઓફર પણ કરવામાં આવી હતી. તેની સાથે જ તેમની માફી પણ માગી હતી. જોકે કન્ઝ્યુમર ફોરમે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે રેસ્ટરાંએ સર્વિસ આપવામાં મોટી ભૂલ કરી છે.



