ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ સાથે જ કેન્દ્ર સરકારની હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન મળી જશેે

પેન્શનર્સને હવે પોસ્ટ ઓફિસમાંથી પણ હયાતીનું પ્રમાણપત્ર મળશે
નિવૃત્ત થયા પછી ચાર ચાર મહિના સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમનું રજિસ્ટ્રેશન અને કાર્ડ મળતું નહોતું
અમદાવાદ: પેન્શનર્સને દર વર્ષે નવેમ્બર માસમાં આપવાના થતાં હયાતીના પ્રમાણ પત્રને હવે ડિજિટલ લાઈવ સર્ટિફિકેટના સ્વરૃપમાં આપવાની સાથોસાથ જ નિવૃત્ત થતાં કર્મચારીઓને સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ-સીજીએચએસનું કાર્ડ મળી જાય તે માટેની પ્રક્રિયા પણ થઈ જાય તેવી સિસ્ટમ કેન્દ્ર સરકાર લાવશે, એમ આજે કેન્દ્ર સરકારના પેન્શન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વી. શ્રીનિવાસે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નિવૃત્ત થતાં કર્માચીરીઓને સીજીએચએસ સ્કીમ માટેના કાર્ડ મળવામાં ચાર મહિને જેટલો વિલંબ થઈ જતો હતો તે વિલંબ હવે ન થાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
તેની સાથે સાથે જ પેન્શન માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી હોવાનું જણાવતા કેન્દ્ર સરકારના પેન્શન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે અત્યારે પેન્શન માટેનું ફોર્મ ભરવા માટે ૧૨૫ જેટલી કોલમ ભરવી પડે છે. પરંતુ નવી ઊભી કરવામાં આવી રહેલી પ્રક્રિયા હેઠળ પેન્શન માટે ફોર્મ ભરનાર વ્યક્તિના ફોર્મમાં તેની નોકરીના કાર્યકાળ સહિતની ૭૫ જેટલી કોલમની વિગતો ઓનલાઈન ભરેલી જ જોવા મળશે. પરિણામે નિવૃત્ત થતાં કર્મચારીએ માત્ર ૫૦ જ કોલમ ભરવાની આવશે. આમ પેન્શન માટેનું ફોર્મ ભરવાનું અત્યંત સરળ બનાવી દેવામાં આવશે.
આ સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ સાથે કરાર કરીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે પેન્શનર્સ તેમના લાઈવ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કમાંથી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુપર સિનિયર સિટીઝનને તો તેમને ઘરને દરવાજો ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ મેળવવાની સુવિધા મળી શકેશે. તેમણે ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ માટે સીસીએની ઓફિસ સુધી ધક્કો પણ ખાવો પડશે નહિ. પેન્શનર્સ ઓનલાઈન એપ ડાઉન લૉડ કરીને ચહેરાની ઓળખ આપીને તેમના ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ મેળવી શકે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
ફેસ ઓથેન્ટિકેશનની મદદથી પેન્શનર્સ પોતાની રીતે જ ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ્સ મેળવી શકશે. આજે અમદાવાદમાં ઇન્કમટેક્સ, રેલવે, ટેલિકોમ અને પોસ્ટલ સહિતના કેન્દ્ર સરકારના જુદાં જુદાં ડિપાર્ટમેન્ટના નિવૃત્ત કર્મચારીઓને ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ આપવા માટે મેગાકેમ્પનું આયોજન ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રીસમી નવેમ્બર ૨૦૨૫ સુધી ડિજિટલ લાઈવ સર્ટિફિકેટ માટેનો મેગા કેમ્પ ચાલશે. તેને માટે દેશભરમાં ૨૦૦૦થી વધુ ડિવિઝનલ હેડક્વાર્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે.



