વડોદરા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

- આઠ જાન્યુઆરીએ હાઈકોર્ટમાં કેસની હિયરિંગ થશે
- દિનુ મામા અને સતીશ પટેલની પાંખો કાપવામાં ભાજપના સહકારી આગેવોનો નિષ્ફળ જતાં ચૂંટણીને ટલ્લે ચઢાવી દીધી
- અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી ડેરીની ચૂંટણીમાં પણ વિલંબ કરાતા કોર્ટે ડેરીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.
અમદાવાદ: વડોદરા ડેરી મુદત ત્રણ મહિના પૂરી થઈ ગયા હોવા છતાંય ડેરીના બોર્ડની ચૂંટણી યોજવામાં ભાજપ સરકાર અને સંગઠન ગલ્લાતલ્લાં કરી રહ્યા હોવાથી ચૂંટણી યોજવાની ફરજ પાડવા માટે આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો છે. આ પિટીશન વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ ધરાવતા દિનુ મામાએ કરી છે. તેમાં વડોદરા ડેરીની ચૂંટણી વહેલામાં વહેલી યોજીને પૂરી કરી આપવાની દાદ માગવામાં આવી છે. આઠમી જાન્યુઆરીએ આ પીટીશનની હિયરિંગ થશે. વડોદરાના સહકારી આગેવાન દિનુ મામાના વર્ચસ્વને ખતમ કરવા માટેના ભાજપના સહકારી આગેવાનોના પ્રયાસને સફળતા ન મળતા તેમણે ચૂંટણી ટલ્લે ચઢાવી દીધી હોવાનું માનવામાં આવે છે. દિનુ મામા વડોદરા ડેરીમાં છે ત્યાં સુધી ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો માટે જીતવું કઠિન બની ગુયું હોવાથી તેમણે ચૂંટણી ટલ્લે ચઢાવી દેતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ તેમના પક્ષના કાર્યકરોને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમાં ગોઠવી દેવા પ્રયત્નશીલ છે. પરંતુ સહકારી ક્ષેત્રના જૂના જોગીઓ ભાજપના નવા કાર્યકરોને સહકારી સંસ્થાઓમાં ન પેસવા દેવા મક્કમ હોવાથી ભાજપના નેતાઓ, આરએસએસના નેતાઓ અને સહકારી આગેવાનો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આ અગાઉ અમેરલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ-ડેરી, ગાંધીનગરની મધુર ડેરી અને અમદાવાદની ઉત્તમ ડેરીની ચૂંટણી સમયસર ન યોજવામાં આવી નહોતી. તેથી આ ડેરીના સંચાલકો પણ હાઈકોર્ટમા ગયા હતા અને હાઈકોર્ટે ડેરીની ચૂંટણી સત્વર યોજવા આદેશ કર્યો હતો. તેથી પણ દિનુમામા હાઈકોર્ટમાં ગયા હોવાનું માનવામાં આવે છે.
વડોદરા ડેરીની અઢી વર્ષની ચૂંટણીની મુદત પૂરી થતાં વડોદરા ડેરીના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ચેરમેન અને વાઈસ ચરમેન બંનેને દૂર કરવાનું ભાજપના મોવડી મંડળે નક્કી કર્યું હતું. આ ઓપરેશનમાં ભાજપના મોવડીઓએ દિનુ મામાને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વડોદરા ડેરીના બધાં જ ડિરેક્ટરો દિનુ મામાની તરફેણમાં હતા. તેથી ભાજપના નેતાઓ તેમાં સફળ થયા નહોતા. ભાજપના ઉમેદવારોનો પરાજય થવાની સંભાવના હોવાથી ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.
આખરે નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા અને દિનુમામાને ચેરમેન પદેથી દૂર કરીને તેમને સ્થાને સતીશ પટેલને ચેરમેન બનાવી દીધા હતા. આ તબક્કે બોર્ડના દરેક ડિરેક્ટરો દિનુ મામાની તરફેણમાં હોવાથી બળવો થઈ જવાનો ભાજપને ભય હતો. તેથી તેમણે જ સૂચવેલા સતીશ પટેલને ચેરમેનના હોદ્દા પર ગોઠવી દેવામાં આવ્યા હતા. આ તબક્કે વાઈસચેરમેન તરીકે જે.બી. સોલંકીને ચાલુ રાખવામાં આવ્યા હતા.
ત્યારબાદ ઓગસ્ટ 2025ના અરસામાં પાદરા એપીએમસીની ચૂંટણી આવી હતી. આ ચૂંટણીમાં દિનુ મામાએ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો સામે પોતાની આખી પેનલ ઉતારીને ભાજપના તમામ સભ્યોને પરાજય આપ્યો હતો. ત્યારબાદ વડોદરા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી નવેમ્બર 2025ના અરસામાં યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં પણ ભાજપના મેન્ડેટવાળા નવ ઉમેદવાર બિનહરીફ થયા હતા. બાકીના ત્રણ ઉમેદવાર સામે કરજણમાં સતીશ પટેલનો એક ઉમેદવાર અને પાદરામાં દિનુમામાએ બે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. કરજણમાં સતીશ પટેલ સમર્થિત ઉમેદવાર પરાજિત થયો હતો. પરંતુ પાદરામાં દિનુ મામાએ ઊભા રાખેલા બે ઉમેદવાર ચૂંટાઈ ગયા છે. આ દર્શાવે છે કે વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં દિનુ મામાનો દબદબો જળવાઈ રહ્યો હોવાનો નિર્દેશ મળે છે. ભાજપના સહકારી આગેવાનો તેથી જ ચૂંટણી ટાળી રહ્યા હોવાનું માનવામાં આવે છે.



