• 22 November, 2025 - 9:06 PM

પાઇન લેબ્સ IPO થકી પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 3900 કરોડ એકત્રિત કરશે

  • કંપની પોતાના કેટલાક નાણાં તેની સહાયક કંપનીઓમાં રોકાણ કરવા માટે વાપરશે — જેમાં ક્વિકસિલ્વર સિંગાપુર, પાઇન પેમેન્ટ સોલ્યુશન્સ (મલેશિયા) અને પાઇન લેબ્સ UAE સામેલ છે

નોઈડા સ્થિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન પૂરી પાડતી કંપની પાઇન લેબ્સ(Pine Labs) કંપની 7 નવેમ્બરે પ્રાઈમરી માર્કેટમાં પબ્લિક ઇશ્યૂ લાવીને તેના IPOના માધ્યમથી રૂ. 3,900 કરોડ એકત્રિત કરશે. કુલ રૂ. 3900 કરોડની પબ્લિક ઓફરમાં રૂ. 2,080 કરોડના મૂલ્યના નવા શેર્સ ઓફર કરશે અને રૂ.1,819.9 કરોડના મૂલ્યના શેર્સ ઓફર ફોર સેલ (offer for sales-OFS)ના શેર્સનો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલમાં કંપનીના વર્તમાન શેરહોલ્ડર્સ તેમની માલિકીની શેર્સનું આંશિક વેચાણ(Partial sale of share holding) કરે છે. ઓફર ફોર સેલ કેટગરીના શેર્સના વેચાણ થકી એકત્રિત થનારા ભંડોળની રકમ તેનું વેચાણ કરનારા શેરહોલ્ડરના હાથમાં જ જાય છે. આ ભંડોળ આઈપીઓ લાવનાર કંપનીને મળતું નથી(the company dosent get the money) . બીજી તરફ નવા શેર્સની ઓફર થકી એકત્રિત થનારા નાણાં કંપનીના હાથમાં જાય છે. તેનો ઉપયોગ કંપનીના કામકાજમાં અને કંપનીની નફાકારકતા વધારવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે કંપનીને આરંભમાં ભંડોળ પૂરું પાડનારી વેન્ચર કેપિટલ પઢીઓ, પ્રાઈવેટ ઇક્વિટી ફંડ અથવા તો એન્જલ ઇન્વેસ્ટર્સ ઉપરાંત કંપનીના સ્થાપક કે પ્રમોટર્સ, ફાળવવામાં આવેલા સંપૂર્ણ શેર્સ કે પછી તેનો આંશિક હિસ્સાનું વેચાણ કરવામાં આવે છે. આ રીતે તેઓ આઈપીઓના માધ્યમથી પહેલા જ નફો બુક કરી લે છે.

કંપની ચાલુ કરવા માટે ભંડોળ આપનારાઓ પોતે કંપની માટે લીધેલા ધિરાણની રકમ પરત કરવા માટે પણ આ વેચાણ કરવામાં આવતું હોવાનું જોવા મળે છે. બજારમાં ફરતાં કુલ શેર્સના 25 ટકાથી વધુ શેર્સ આ રીતે વેચવા દેવામાં આવતા નથી. તેની સાથે સાથે જ શેરબજારમાં હાથબદલા એટલે કે લે-વેચ(buying and selling of shares) કરવા માટેના શેર્સની સંખ્યા વધે તે જોવા માટે પણ ઓફર ફોર સેલ્સ હેઠળ શેર્સનું વેચાણ કરવામાં આવે છે. ઓફર ફોર સેલથી કંપનીની શેરમૂડી વધતી નથી. તેની સાથે જ જે નવા શેર્સની ઓફર કરવામાં આ છે તેના થકી વર્તમાન શેરધારકોની માલિકીના શેર્સની ટકાવારીમાં ઘટાડો થતો નથી. ઓફર ફોર સેલથી થતાં ફાયદાની વત કરવામાં આવે તો શેરબજારમાં લે-વેચ કરવા માટેના શેર્સની સંખ્યા વધી જતાં બજારમાં લિક્વિડિટી વધે(Increase in liquidity of shares) છે. ભવિષ્યમાં કંપનીને જરૂર પડે તો એફપીઓ અથવા તો ક્યૂઆઈપીના માધ્યમથી ભંડોળ એકત્રિત કરી શકાય છે. તેમ જ કંપનીના શેર્સનું બજારમાં વાસ્તવિક મૂલ્ય શું છે તેનો પણ અંદાજ આવી જાય છે.

પાઈન લેબ્સના આઈપીઓ થકી ઓફર ફોર શેર્સનો હિસ્સો રૂ. 1820 કરોડનો છે. આ હિસ્સો વેચનારાઓમાં પે પલ, પીક એક્સવી, એક્ટિસ પાઈલ લેબ્સ તથા માસ્ટરકાર્ડ જેવા ઇન્વેસ્ટર્સનો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલના નાણાં ઉપરોક્ત ઇન્વેસ્ટર્સના હાથમા જ જશે. આમ કંપનીની સ્થાપના કરવામાં આરંભમાં મૂડી રોકનારાઓને તેમનું રોકાણ પાછું ખેંચી લેવાનો મોકો મળી જાય છે. તેમ જ વધુ સંખ્યામાં શેરહોલ્ડર્સ કંપનીના ભાગીદાર બને છે. ઓફર ફોર સેલની મર્યાદાની વાત કરવામાં આવે તો કંપનીને વિસ્તરણ માટે નવું ભંડોળ મળતું નથી. ઓફર ફોર સેલ વધુ હોય તો આરંભમાં કંપનીમાં રોકાણ કરનારાઓ નફો લણી લેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો નિર્દેશ મળે છે. તેથી છૂટક રોકાણકારોની ચિંતામાં થોડો વધારો પણ થાય છે. તેને કારણે પબ્લિક ઇશ્યૂ આવી ગયા પછી બજારમાં વેચવાલીનું દબાણ વધી જવાની સંભાવના રહેલી છે.

IPOના નાણાંનો ઉપયોગ

કંપની તાજા ઇશ્યૂમાંથી મળનારા નાણાંનો ઉપયોગ તેનું દેવું (લોન) ચૂકવવા માટે કરશે. તદુપરાંત ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નેટવર્કને સંગીન બનાવવા તેને માટે જરૂરી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે એટલે કે ક્લાઉડ સિસ્ટમ ઊભી કરવા માટે આ નાણાંનો ઉપયોગ કરશે. તદુપરાંત Qwikcilver Singapore, Pine Payment Solutions Malaysia અને Pine Labs UAE જેવી સહાયક કંપનીઓમાં રોકાણ કરવા માટે પબ્લિક ઇશ્યૂના નાણાંનો ઉપયોગ કરવામાં આવશે.

પાઇન લેબ્સનો વ્યવસાય વિસ્તાર

પાઇન લેબ્સ વેપારીઓ, કન્ઝ્યુમર બ્રાન્ડ્સ, ઉદ્યોગો અને નાણાકીય સંસ્થાઓને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન પૂરા પાડે છે. પાઈન લેબ્સ ભારત સિવાય મલેશિયા, સિંગાપુર, UAE, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ કાર્યરત છે. એક વરિષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરનું કહેવું છે કે આ મૂડીરોકાણ કરીને પાઈન લેબ્સ વૈશ્વિક સ્તરે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવાની સાથે સાથે જ  વૈશ્વિક ફિનટેક બિઝનેસમાં વધુ હિસ્સો મેળવવાનો પ્રયાસ કરવા માગે છે.

પાઈન લેબ્સના સ્પર્ધકો

ભારતમાં પાઇન લેબ્સની સ્પર્ધા કરનારી કંપનીઓમાં Paytm, Razorpay, Infibeam, PayU Payments અને PhonePe જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન પાઈન લેબ્સે કુલ રૂ. 11.4 લાખ કરોડના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા પૂરી કરી હતી. અગાઉ કંપનીનું ખર્ચ (capex) વધુ હતું, પરંતુ ઈન-સ્ટોર સર્વિસિસની બહારના ક્ષેત્રોમાં વૃદ્ધિને કારણે, હવે કંપનીનું કેપેક્સ ટોપ લાઇનના આશરે 20 ટકાથી ઘટીને 10-11 ટકા સુધી આવી ગયું છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ

આઈપીઓ બજારમાં આવવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે પાઈન લેબ્સનું ગ્રે માર્કેટમાં શેરદીઠ પ્રીમિયમ રૂ. 35થી 40ની આસપાસનું બોલાઈ રહ્યું છે. ગ્રે માર્કેટનું પ્રીમિયમ દર્શાવે છે કે કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા ધરાવનારાઓ તેના શેર્સના ઓફર ભાવ કરતાં વધુ ભાવ ઓફર કરવા પણ તૈયાર છે. પાઈન લેબ્સની શેરદીઠ ઓફર પ્રાઈસરૂ. 210થી 221ની છે. બીજું, ગ્રે માર્કેટનું પ્રીમિયમ આઈપીઓમાં ઓફર કરવામાં આવી રહેલા શેર્સનું માર્કેટમાં લિસ્ટિંગ ઓફર પ્રાઈસ કરતાં ઊંચા ભાવે થવાનો પણ નિર્દેશ આપે છે. પરિણામે આઈપીઓમાં અરજી કરીને એલોટમેન્ટ થયા પછી લિસ્ટિંગ ટાણે નફો ગજવે કરી લેનારાઓ અરજી કરીને કમાઈ લેવાનો વ્યૂહ નક્કી કરી છે. જોકે આઈપીઓ આવે તે પહેલા ગ્રે માર્કેટના ભાવમાં વધઘટ થયા જ કરે છે.

પાઈન લેબ્સના આઈપીઓ વિશે થોડીક માહિતી

  • ડિજિટલ પેમેન્ટના સેક્ટરની કંપની પાઈન લેબ્સનો પબ્લિક ઇશ્યૂ સાતમી નવેમ્બરે ખૂલી રહ્યો છે.
  • ફિનટેક કંપની પાઈન લેબ્સનો પબ્લિક ઇશ્યૂ 11મી નવેમ્બરે બંધ થશે.
  • નફો કરવાની દિશામાં આગળ વધી રહેલી કંપની પાઈન લેબ્સના શેર્સનું લિસ્ટિંગ 14મી નવેમ્બરે થવાનો અંદાજ છે.
  • અપર પ્રાઈસ બેન્ડથી રૂ. 25,400 કરોડનું મૂલ્ય ધરાવતી પાઈન લેબ્સના શેરનો શેરદીઠ ઓફર ભાવ રૂ. 210થી 221નો છે.
  • મર્ચન્ટ પેમેન્ટમાં માર્કેટ લીડરનું સ્થાન ધરાવતી પાઈન લેબ્સ રૂ. 2080 કરોડના મૂલ્યના નવા શેર્સ ઓફર કરી રહી છે.
  • મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવતી કંપની પાઈન લેબ રૂ. 1819.9 કરોડના શેર્સ ઓફર ફોર સેલની કેટેગરી હેઠળ ઓફર કરવાની છે.
  • 2025-26ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની નફાકારકતામાં વધારો થયો છે. આ સાથે જ કંપનીની નફાકારકતા વધી રહી હોવાનો નિર્દેશ મળ્યો છે.

આઈપીઓમાં અરજી અને લૉટની સાઈઝ

  • શેરદીઠ રૂ. 221ના ભાવને આધારે ત્રિરાશી માંડીએ તો આઈપીઓમાં અરજી કરવા માટે 67 શેર્સનો એક લૉટ નક્કી કરવામાં આવ્યો છે. એક લૉટ માટે અરજી કરવા ઓછામાં ઓછા રૂ. 14807નું રોકાણ કરવું પડશે.
  • છૂટક રોકાણકાર વધુમાં વધુ 13 લૉટ એટલે કે 871 શેર્સ માટે અરજી કરી શકે છે.તેને માટે રૂ. 1,92,491નું રોકાણ કરવાનું રહેશે.
  • નાના એચએનઆઈ કુલ 938 શેર્સની અરજી કરી શકશે. રૂ. 2,07,298નું રોકાણ કરવાનું રહેશે.

મોટા એચએનઆઈ વધુમાં વધુ 4556 શેર્સ માટે અરજી કરી શકે છે. તેને માટે રૂ. 10,06,876નું રોકાણ કરવાનું આવશે. * Based on upper band price ₹221 per share.

કંપની સામેના જોખમો

પાઈન લેબ્સના પબ્લિક ઇશ્યૂમાં ઓફર ફોર સેલ્સનો હિસ્સો મોટો જણાઈ રહ્યો છે. આ દર્શાવે છે કે કંપનીને આરંભમાં મૂડી આપનારાઓ ઝડપથી તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. પરિણામે પબ્લિક ઇશ્યૂ પછી શેર્સનું લિસ્ટિંગ થયા બાદ શેર્સના ભાવ સુધરવાની શક્યતા સીમિત થઈ જાય છે. બીજું, કંપનીના જૂના ઇન્વેસ્ટર્સ જાણે છે કે કંપની ઘણાં વરસોથી નુકસાન કરી રહી છે. છેલ્લા થોડા સમયની નફાકારકતા રોકાણકારોમાં પ્રભાવ ઊભો કરી શકતી નથી. કંપનીએ બજારમાંથી મોટો ઉપાડ કરીને ખાસ્સું દેવું કરી દીધું હોવાનો નિર્દેશ પણ તેના પરથી મળી રહ્યો છે. ગ્રે માર્કેટના પ્રીમિયમમાં વધઘટ થયા જ કરે છે. તેથી ગ્રે માર્કેટના પ્રીમિયમ જોઈને તેમાં રોકાણ કરવા માટે કૂદી પડવું ન જોઈએ.

પાઈન લેબ્સની નાણાંકીય સ્થિતિ

જૂન 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જ પાઈન લેબ નફો કરતી કંપની બની છે. આ ગાળામાં કંપનીએ રૂ. 4.78 કરોડનો નફો કર્યો છે. ડૉલરના મૂલ્યમાં આ નફો માત્ર 5,40,000નો છે. આગલા વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 2.79 કરોડની ખોટ કરી હતી. જૂન 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના કામકાજ થકી થતી આવકમાં 17.9 ટકાનો વધારો થયો છે. આવક વધીને 6.16 અબજ રૂપિયાની થઈ છે.

પાઈન લેબના આઈપીઓમાં અરજી કરાય કે નહિ?

પાઈન લેબના આઈપીઓમાં અરજી કરાય કે નહિ તેની વાત કરીએ તો લિસ્ટિંગ ટાણે મળનારો લાભ લણીને નીકળી જવા માગતા રોકાણકારો તેના આઈપીઓમાં અરજી કરી શકે છે. ગ્રે માર્કેટના પ્રીમિયમ જળવાઈ રહે તો પાઈન લેબનું લિસ્ટિંગ ઓફર પ્રાઈસ કરતાં ઊંચા ભાવે થવાની સંભાવના રહેલી છે. રોકાણકારોએ એક વાત ચોક્કસ યાદ રાખી લેવી જોઈએ કે લિસ્ટિંગ પહેલા ગમે તે ઘડીએ ગ્રે માર્કેટના પ્રીમિયમ સાવ જ ગગડી જતાં હોવાનું જોવા મળે છે. આ સંજોગોમાં સટ્ટાકીય માનસિકતા ધરાવતા અને જોખમ લેવામાં માનતા રોકાણકારોએ જ પાઈન લેબ્સના આઈપીઓમાં અરજી કરવી જોઈએ.

હા, તમે લાંબા ગાળાના રોકાણકાર હોવ તો જ તમારે તેના વિકાસની શક્યતાઓનો અંદાજ બાંધીને રોકાણ કરવું જોઈએ. કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરે તે પછી તેના કામકાજ, આવક અને નફાના માર્જિનમાં વધારો થવાની સંભાવનાનો અંદાજ લગાવીને પછી જ રોકાણ કરવું જોઈએ. આમ આઈપીઓમાં અરજી કરીને લાંબા ગાળા સુધી રોકાણ જાળવી રાખનારાઓ અરજી કરવાનો વિચાર કરી શકે છે. કંપનીએ નફો કરવાની સંભાવના દેખાડી છે, પરંતુ ભૂતકાળમાં તેણે કરેલા નુકસાનની રકમ ઓછી નથી. પરિણામે રોકાણ કરવામાં જોખમ વધારે પણ છે. એકાદ-બે લૉટ માટે અરજી કરો. તમારા પોર્ટફોલિયોમાં એકથી ત્રણ ટકાથી વધુ પાઈન લેબ્સના શેર્સ ન થઈ જાય તેની તકેદારી રાખો. લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવાના ધ્યેય સાથે અરજી કરો.

પાઈન લેબ્સને માથે દેવું

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપેલી વિગતો મુજબ પાઈન લેબ્સને માથે 30મી એપ્રિલ 2025ની સ્થિતિએ રૂ. 870.4 કરોડનું દેવું હજી ઊભું જ છે. કંપનીએ લીધેલી લોન ચૂકવવાન જવાબદારી ઊંચી છે. આ લોન ટૂંકા ગાળાની આર્થિક જવાબદારી પૂરી કરવા કે પછી તાકીદના સમયે ઊભી થયેલી નાણાંકીય જરૂરિયાત પૂરી કરવા માટે માર્કેટમાંથી નાણાં ઊછીના લેવામાં આવેલા છે. કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો 0.41 ગણો છે. આઈપીઓની આપેલી વિગતો મુજબ કંપની આઈપીઓ થકી એકત્રિત થનારા ભંડોળમાંથી જૂની લોન પરત ચૂકવવા માટે જ કરવા માગે છે. કંપની દ્વારા નવા ઓફર કરવામાં આવનારા શેર્સ થકી ઊભા થનારા નાણાંમાંથી જ રૂ. 532 કરોડનો ઉપયોગ જૂનું દેવું પરત કરવા માટે ઉપયોગ કરવા માગે છે. આઈપીઓમાં પૂરતું ભંડોળ એકત્રિત થાય અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં દર્શાવેલા હેતુ માટે નાણાં ચૂકવાઈ જાય તે પછી જ બચતા નાણાંનો ઉપયોગ જૂનું દેવું ચૂકવવા માટે કરવામાં આવશે.  ગ્રે માર્કેટ પ્રીમિયમ જળવાઈ રહે તો શેર ઓફર પ્રાઈસ કરતાં ઊંચા ભાવે લિસ્ટ થવાની સંભાવના છે. જ્યારે બીજા નિષ્ણાત કહે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધઘટ જોવા મળી રહી હોવાથી અરજી કરવા માટે સો ટકા તેના પર જ મદાર ન બાંધવો જોઈએ.

 

Read Previous

7,000 થી વધુ ટ્રક ડ્રાઈવરો પર ટ્રમ્પનો પ્રકોપ,, અંગ્રેજી આવડતી ન હોવાથી કાઢી મૂક્યા

Read Next

નીચા ભાવો સાથે ઝઝૂમી રહ્યું છે સ્ટીલ સેક્ટર, 150 યુનિટનું ઉત્પાદન બંધ, સરકારના વિસ્તરણ લક્ષ્યો જોખમમાં 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular