top of page

10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતા તથા રિટર્ન ન ફાઈલ કરનાર વ્યક્તિ માટે TDS-TCSમાં મહત્વનો ફેરફાર

  • Team Vibrant Udyog
  • Jun 16, 2021
  • 3 min read

Updated: Jul 5, 2021



બિઝનેસ કે વેપારના કરદાતાનું વાર્ષિક ટર્નઓવર રૂ. 10 કરોડથી વધુ હોય અને કોઈ એક જ વ્યક્તિ પાસેથી વર્ષ દરમિયાન રૂ. 50 લાખથી વધુ રકમની ખરીદી કરી હશે તથા જેની પાસેથી ખરીદી કરી હોય તેવી વ્યક્તિ દ્વારા વેચાણ સમયે ટીસીએસ વસૂલ કરવામાં ન આવ્યો હોય તો તેવા કેસમાં ખરીદનાર વેપારીએ વેચનારને ચૂકવવા પાત્ર રકમમાંથી 0.1 ટકાના (રૂ. 100 પર 10 પૈસાના) દરે ટીડીએસ કાપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 2021-22ના બજેટમાં આ માટે આવકવેરા ધારાની કલમ 194 – ક્યૂ નવી દાખલ કરવામાં આવી છે. નાણાં મંત્રીએ બજેટમાં કલમ 206 (એબી)ની નવી જોગવાઈ પણ દાખલ કરી છે. આ કલમમાં જે વ્યક્તિને રકમની ચૂકવણી કરવામાં આવતી હોય તે વ્યક્તિએ તેની પહેલાના બે નાણાંકીય વર્ષમાં રૂ. 50,000 કે તેનાથી વધુ ટીડીએસ કે ટીસીએસ થયેલો હોય અને બંને વર્ષના રિટર્ન ફાઈલ ન કર્યા હોય તેવા કિસ્સામાં આ જોગવાઈ લાગુ પડશે. જે કરદાતા વ્યાજ, કમિશન, પ્રોફેશનલ ફી, કોન્ટ્રાક્ટની રકમ, રેન્ટની રકમ, રોયલ્ટીની રકમની ચૂકવણી કરતાં હોય અને જેને ચૂકવણી કરવામાં આવતી હોય તે વ્યક્તિએ અગાઉના બે વર્ષમાં રિટર્ન ન ભર્યું હોય તથા રૂ. 50,000થી વધુ ટીડીએસ કે ટીસીએસ થયેલો હોય તો તેવા કિસ્સામાં 1, 2, 5 કે 10 ટકાના દરે કરકપાત કરવાને બદલે બમણા દરથી અથવા તો મિનિમમ પાંચ ટકાના દરે કપાત કરવી પડશે. જુદા જુદાં કિસ્સામાં લાગુ પડતા દર જુદા જુદા રહેશે. ઉદાહરણ આપીને વાત કરીએ. સબકોન્ટ્રાક્ટરને જે પેમેન્ટ કરવામાં આવે તે રકમમાંથી એક ટકાના દરે ટીડીએસ કરવાની જોગવાઈ અત્યારે છે. હવે હવે કલમ 206 (એબી)માં કરવામાં આવેલી નવી જોગવાઈ મુજબ સબકોન્ટ્રાક્ટરે અગાઉના બે વર્ષ રિટર્ન જ ન ભર્યા હોય અને તેમને થયેલા પેમેન્ટમાંથી રૂ.50,000થી વધુ ટીડીએસ કે ટીસીએસ થયેલો હોય તો નવી જોગવાઈ હેઠળ એક ટકાને બદલે પાંચ ટકાના દરે ટીડીએસ કાપવાની જોગવાઈ કરવામાં આવી છે. ટીડીએસ કરવામાં પેમેન્ટ કરનાર કસૂર કરે તો તેના પર વ્યાજ અને પેનલ્ટીની જવાબદારી આવશે. આ સંજોગોમાં પોતાની સલામતી માટે કરદાતાએ સબકોન્ટ્રાક્ટર પાસેથી કે પછી જેના કેસમાં ટીડીએસ કાપવાનો આવતો હોય તે તમામ પાસેથી બે વર્ષના રિટર્નની નકલ માગી લેવી પડશે. રિટર્ન ન ફાઈલ કર્યું હોય તેવી વ્યક્તિ પાસેથી તેના બે વર્ષના 26એએસનું ફોર્મ લેવું જોઈએ. આ ફોર્મ લેવામાં આવશે તો જ તેણે રિટર્ન ફાઈલ કર્યું છે કે નહિ તેની ખબર પડશે. તેમાંય એક સમસ્યા થશે. સબકોન્ટ્રાક્ટર કે પછી ટીડીએસને પાત્ર અન્ય કરદાતાની ઇન્કમ એક્સપોઝ થઈ જશે. પરિણામે તેઓ તેમના 26 એએસ કે પછી રિટર્ન ભર્યાની નકલ આપશે કે નહિ તે પણ એક સવાલ છે. તેને પરિણામે આર્થિક વહેવાર કરનારા બે પક્ષ વચ્ચેના વિવાદો ખાસ્સા વધી જવાની શક્યતા રહેલી છે. આ વખતે ટીસીએસ માટેની કલમ 206 (સીસીએ)માં પણ ટીડીએસ જેવો જ ફેરફાર રિટર્ન ન ફાઈલ કરનારાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે વેચાણ કરનાર કરદાતાએ જે વ્યક્તિને વેચાણ કર્યું હોય તેની પાસેથી એક કે અઢી ટકાના નિર્ધારિત કરેલા દરનો પેમેન્ટની રકમમાં ઉમેરીને બિલ બનાવવાની હાલમાં જોગવાઈ છે. અત્યાર સુધી ટીસીએસ પેટે અલગ અલગ કિસ્સામાં એકથી અઢી ટકા જેટલી રકમ બિલમાં ઉમેરીને લેવાની જોગવાઈ છે. દ્રષ્ટાંત આપીને વાત કરીએ તો કોલસો, લિગ્નાઈટ કે પછી આયર્ન ઓરના વેચાણના પેમેન્ટ કરતી વેળાએ એક ટકાના દરે ટીસીએસ ઉમેરીની બિલ બનાવવા પડે છે. આ જ રીતે ભંગારની ખરીદીના બિલમાં એક ટકા, લાકડું કે તેન્દુ પત્તા સિવાયની જંગલની પેદાશોના કેસમાં અઢી ટકા, જંગલની લીઝ સિવાયના કોઈપણ માધ્યમથી લાકડું ખરીદીને તેનું પેમેન્ટ કરે તો તેવા સંજોગોમાં અઢી ટકા ટીસીએસ વસૂલ કરવાનો રહેતો હતો. હવે જે ખરીદનાર વ્યક્તિના કિસ્સામાં બે વર્ષથી વધુ સમયથી રિટર્ન ન ફાઈલ કરતાં હોય અને ટીડીએસ 50,000થી વધુ થયો હોય તેવા કિસ્સાઓમાં તે કરદાતાઓ પાસેથી 5 ટકાના દરે ટીસીએસ વસૂલવાની ફરજ પડશે. ટીડીએસમાં જે ફેરફાર કરવામાં આવ્યા તેવા જ ફેરફારો કલમ 206 (સીસીએ)ના કિસ્સામાં પણ કરવામાં આવ્યા છે. તેમાં એક ટકાને બદેલ પાંચ ટકા ટીસીએસ કરવો પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે. રિટર્ન ફાઈલ ન કરનારા કરદાતાના કેસમાં ટીસીએસ માટે પણ આ જોગવાઈ દાખલ કરવામાં આવી હોવાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુરુષોત્તમ ખંડેલવાલનું કહેવું છે. ટીડીએસ અને ટીસીએસની નવી જોગવાઈને ખોટા ખર્ચ નાખનારા વેપારીઓ પકડાઈ જવાની સંભાવના વધી જશે. તેમની આકારણીની રકમ પણ વધી જવાની સંભાવના રહેલી છે. કરવેરાની ચોરી કરવાનો પ્રયાસ કરનારાઓને અંકુશમાં લેવાનો આ કલમ મારફતે પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીડીએસ કે ટીસીએસ ન કાપનાર પર વ્યાજ તથા પેનલ્ટીની જવાબદારી પણ આવી જશે. રૂ. 10 લાખથી વધુની કિંમતની કાર-મોટરમાં 1 ટકાના દરે ટીસીએસ વસૂલવાની જોગવાઈ છે. હવે તેને બદલે 5 ટકા ટીસીએસ સાથેનું બિલ બનાવીને વસૂલી કરવી પડશે.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page