લગ્ન પ્રસંગમાં ધૂમ ખર્ચો કર્યો છે? 10 વર્ષ સુધી હિસાબ સાચવી રાખજો
- Team Vibrant Udyog
- Feb 3, 2022
- 1 min read

જો તમે લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ વહેવારમાં તગડો બિનહિસાબી ખર્ચ કર્યો હશે તો તમને 10 વર્ષમાં ગમે ત્યારે આવકવેરા ખાતાનું તેડું આવી શકે છે. બજેટ 2022માં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિએસેસમેન્ટની કલમ 149માં ફેરફાર જાહેર કર્યો છે. આ અંતર્ગત આવકવેરા અધિકારીઓ મિલકત, બિનહિસાબી ખર્ચ, ચોપડામાં જમા એન્ટ્રી, પ્રસંગના ખર્ચ, વહેવારના ખર્ચની નવેસરથી ચકાસણી કરી શકશે. અત્યાર સુધી અધિકારીઓ મિલકતના ખર્ચના જ કેસ રિઓપન કરી શકતા હતા, હવે તેઓ ત્રણથી દસ વર્ષના સમયગાળા માટે મિલકત ઉપરાંતના મોટા બિનહિસાબી ખર્ચની પણ તપાસ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે દેશની જુદી જુદી હાઈકોર્ટમાં આ કલમને લગતા અઢળક કેસો ચાલી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેશ છાજેડ જણાવે છે, "અત્યાર સુધી મિલકતમાં મોટી રકમની ચૂકવણીનો હિસાબ ન હોય તેવા કેસ જ રિઓપન થતા હતા. હવે ચોપડામાં બોગસ એન્ટ્રી કરાઈ હશે, લગ્ન કે અન્ય વહેવારમાં રૂ. 50 લાખથી વધુનો બિનહિસાબી ખર્ચ કરાયો હશે તેવા કેસ પણ આવકવેરા અધિકારીઓને રિઓપન કરવાની સત્તા મળી છે. આ કારણે ઘણા કરદાતા ફિક્સમાં મૂકાશે."
Comentarios