બજેટમાં નાણાંમંત્રીની એક ઘોષણાથી આવકવેરા અધિકારીઓની જોહુકમી વધશે, કરદાતાઓ ફિક્સમાં મૂકાશે
- Team Vibrant Udyog
- Feb 3, 2022
- 1 min read
નાણાંમંત્રીએ આવકવેરા અધિકારીઓની ભૂલ છાવરવા માટે બજેટમાં કલમ 144 (બી) (9) રદ કરવાની જાહેરાત કરી દીધી

ફેસલેસ એસેસમેન્ટમાં વિવાદ થાય તો કરદાતા કમિશનરને અપીલ કરીને કે હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને વિરોધ નોંધાવતા હતા. હવે આવકવેરા અધિકારીઓની ભૂલને છાવરવા માટે નાણાંમંત્રી સીતારમણે બજેટમાં કરદાતાઓ પાસેથી આ વિરોધ કરવાની સત્તા જ છીનવી લીધી છે. આવકવેરા ક્ષેત્રના નિષ્ણાંતોના મતે આવકવેરા ધારાની કલમ 144 (બી)ની પેટાકલમ (9) રદ કરવાની જાહેરાતને પગલે અધિકારીઓ સામે વિરોધ નોંધાવનારા હજારો કરદાતાઓની મુશ્કેલી વધી જશે. નિષ્ણાંતોના મતે આવકવેરા અધિકારીઓની ભૂલ છાવરવા માટે જ નાણાંમંત્રીએ આવી જોગવાઈ કરી છે.
શું છે કલમ 144 (બી) (9)?
ઈન્કમટેક્સ એક્ટની આ કલમ અંતર્ગત આવકવેરા અધિકારીઓને એસેસમેન્ટ માટે ચોક્કસ ગાઈડલાઈન આપવામાં આવી છે. આ અંતર્ગત તેમણે કરદાતાને બચાવ માટે તક આપવી પડતી હતી. ઉપરાંત એસેસમેન્ટ પૂર્વે નિયમાનુસાર શો કોઝ નોટિસ ઈશ્યુ કરવી પડતી હતી. જો અધિકારીએ આ નિયમોનું પાલન ન કર્યું હોય, એસેસમેન્ટ ઓર્ડરનો મુસદ્દો ન મોકલ્યો હોય તો તેવા કેસમાં વિવાદ અપીલ કે કોર્ટ સુધી પહોંચતા હતા.

કરદાતાને શું તકલીફ પડશે?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ આ અંગે વધુ પ્રકાશ પાડતા જણાવે છે, "આ કલમ હેઠળ અધિકારીઓએ કરદાતાને વિડીયો કોન્ફરન્સની સુવિધા પણ આપવી પડતી હતી. જો કલમ 144 (બી)ના નિયમોનું પાલન ન થાય તો તેવા એસેસમેન્ટના ઓર્ડર રદબાતલ ગણાતા હતા. હવે નાણાંમંત્રીએ આ કલમ જ કાઢી નાંખતા આ પ્રકારના કેસમાં આવકવેરા અધિકારીઓની જોહુકમી અનેકગણી વધી જશે અને કરદાતાની વિરોધ કરવાની સત્તા છીનવાઈ જશે."
આ જોગવાઈ 1 એપ્રિલ 2021થી રેટ્રોસ્પેક્ટિવ ઈફેક્ટથી લાગુ પડશે. આ તારીખ પછી જે કેસમાં એસેસમેન્ટમાં વિવાદ થયો છે, જે કેસ CIT અપીલ કે હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે, તેવા તમામ કેસમાં કરદાતાના વિરોધને હવે માન્ય રાખવામાં આવશે નહિ. આવા કરદાતાને એસેસમેન્ટ મુજબ ટેક્સ ભરવાની ફરજ પડશે.
Commentaires