DRC-3 ફોર્મની નોટિસથી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓમાં ફફડાટ
- Team Vibrant Udyog
- Jun 16, 2021
- 5 min read
Updated: Jul 5, 2021

"એક વાર ડીઆરસી-3 ફોર્મ ભરી દેવામાં આવે તે પછી કરદાતા કોઈ પણ કોર્ટમાં કે એપેલેટ ઓથોરિટીમાં વેરાની ડિમાન્ડને પડકારી શકતો નથી. પરિણામે વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે." વારિસ ઇશાની, કરવેરા નિષ્ણાત "સરકાર તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી હોય અને તમે ડીઆરસી-3 ફોર્મથી નાણાં જમા કરાવી દો તો જ તમારો ઉપરની ઓથોરિટીમાં ચેલેન્જ કરવાનો અધિકાર છીનવાઈ જાય છે. અન્ય સંજોગોમાં ઉપરની ઓથોરિટીમાં ધા નાખવાનો તમારો અધિકાર પૂર્વવત જળવાઈ રહે છે." ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રિયમ શાહ
ગુજરાતમાં ડીઆરસી-3 ફોર્મ ભરીને જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓને તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ કે કેશ લેજરમાં પડેલી રકમ સામે એડજસ્ટ કરી આપવા માટે નોટિસ આપવામાં આવી છે. જીએસટીની બાકી રકમ એડજસ્ટ કરવા માટે ડીઆરસી-3 ફોર્મ ભરવાનું થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જીએસટીની વધારાની જવાબદારી અદા કરવા માટે જ ડીઆરસી-03 ફોર્મની જોગવાઈ કરવામાં આવેલી છે. તેની મદદથી સરકાર વેપારીઓ પાસેના બાકી લેણા વસૂલી લઈને જીએસટીની ખરી આવક નિશ્ચિત કરે છે. આ ફોર્મ ભરવા માટે અમદાવાદ અને ગુજરાતમાં અંદાજે 20થી 25 હજાર વેપારીઓને નોટિસ આપવામાં આવેલી છે. તેનો અર્થ એ થયો કે તેમણે સરકારને જીએસટી પેટે રકમ ચૂકવવાની બાકી છે. તેની સામે તેમના કેશ લેજરમાં જીએસટીની ક્રેડિટની ખાસ્સી રકમ જમા પડેલી છે. આ નોટિસનો મારો ચાલુ થઈ ગયો હોવાથી વેપારીઓની હાલાકી વધી ગઈ છે. તેનું કારણ આપતા કરવેરા નિષ્ણાત વારિસ ઇશાની કહે છે, "એકવાર ડીઆરસી-3 ફોર્મ ભરી દેવામાં આવે તે પછી કરદાતા કોઈપણ કોર્ટમાં કે એપેલેટ ઓથોરિટીમાં વેરાની ડિમાન્ડને પડકારી શકતો નથી. પરિણામે વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે." જોકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રિયમ શાહ આ અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે, "સરકાર તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી હોય અને તમે ડીઆરસી-3 ફોર્મથી નાણાં જમા કરાવી દો તો જ તમારો ઉપરની ઓથોરિટીમાં ચેલેન્જ કરવાનો અધિકાર છીનવાઈ છે. અન્ય સંજોગોમાં ઉપરની ઓથોરિટીમાં ધા નાખવાનો તમારો અધિકાર પૂર્વવત જળવાઈ રહે છે."

પ્રિયમ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
એડિશનલ ડ્યૂટી ભરવાની જવાબદારી સ્વૈચ્છિક પણ હોઈ શકે છે. વેપારીને તેના વાર્ષિક હિસાબોનું ઓડિટ કરતી વેળાએ લાગે કે તેની જે તે નાણાંકીય વર્ષ દરમિયાનની ચોક્કસ આવક દર્શાવવાનું તે ભૂલી ગયો છે તે તો તે આવકના પ્રમાણમાં તેના પરનો જીએસટી ડીઆરસી-03 ફોર્મ ભરીને જમા કરાવી શકે છે. ડીઆરસી-03 ફોર્મની વ્યવસ્થા જીએસટી એક્ટની કલમ 142 (2) (3) હેઠળ કરવામાં આવેલી છે. ઓડિટર વધારાની ડ્યૂટી ભરવાની જવાબદારીનો નિર્દેશ આપે તો પણ તે ડીઆરસી-03ના માધ્યમથી સરકારમાં જમા કરાવી શકે છે. જીએસટી એક્ટની કલમ 73ની જોગવાઈ હેઠળ સ્વૈચ્છિક રીતે બાકી જીએસટી જમા કરાવી શકાય છે. બીજું જીએસટી કચેરી તરફથી શૉ કૉઝ નોટિસ આપવામાં આવી હોય તેવા સંજોગોમાં ડીઆરસી-03થી પૈસા જમા કરાવી શકે છે. જે વેપારીઓ પર દરોડા પડ્યા હોય, જે વેપારીઓના ઇન્વોઈસ મિસમેચ થતાં હોય, જે વેપારીઓના માલની હેરફેર કરતી ગાડી પકડાઈ હોય અને તેના થકી તેમણે વેરાની ચોરી કરી હોવાનો નિર્દેશ મળ્યો હોય અને તેમને સરકારી અધિકારી દ્વારા પેનલ્ટી કરવામાં આવી હોય તેવા વેપારીઓને ગુજરાત સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવામાં આવે છે. તેમણે કલમ 74ની જોગવાઈ હેઠળ જીએસટી જમા કરાવવાનો હોય છે. આ ઇવેઝન ખોટા ઈરાદા સાથેનું હોય છે. બોગસ બિલિંગ કરનારાઓને પણ કલમ 74 હેઠળ જ નોટિસ આપવામાં આવે છે. ટેક્સપર્ટ (વેરા નિષ્ણાત) વારિસ ઇશાનીનું કહેવું છેઃ "કરદાતાએ તેને ભરવાના થતાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કરતાં ઓછો ટેક્સ જમા કરાવ્યો હોય તો તેવા સંજોગોમાં કરદાતાઓએ બાકીનો ટેક્સ જમા આપવા માટે જીએસટીના ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર કે કેશ લેજરમાં પડેલી તેમની રકમ જમા આપવા માટે ડીઆરસી-3 ફોર્મ ભરવું પડે છે."
વેપાર ધંધા બરાબર ન ચાલતા હોય તેવા સંજોગોમાં સરકારની નોટિસને પરિણામે ઇનપુટ ટેક્સ ક્રેડિટની કેશ લેજરમાં પડેલી રકમમાંથી ખાસ્સી મોટી રકમ કપાઈ જાય તો તેનો સહજ ભય વેપારીને લાગે જ છે. તેનો જ ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્યારે ધંધા બરાબર ચાલતા નથી ત્યારે વેપારીઓને રાહત થાય તેવા પગલાં લેવાને બદલે સરકાર નોટિસ પર નોટિસ ફટકારીને તેમની ઊંઘ હરામ કરી રહી છે તેનો વેપારીઓને વાંધો છે. સરકારની એટલે કે જીએસટી કચેરીની પણ મજબૂરી છે. બોગસ બિલિંગના માધ્યમથી જીએસટીની ચોરી કરવાના કેસ સતત વધી રહ્યા છે. તેથી જીએસટી કચેરીએ બોગસ બિલિંગ કરનારાઓને ડામી દેવા માટે આક્રમકતા બતાવીને નોટિસ પર નોટિસ મોકલવા માંડી છે. આ નોટિસ આપીને જીએસટીનો અમલ થયો ત્યારથી આજ સુધીમાં તેમણે સ્વૈચ્છિક રીતે જમા કરાવેલા જીએસટીની રકમના સંદર્ભમાં કેટલાક ખુલાસાઓ વેપારીઓ પાસે માગ્યા છે. આ નોટિસના માધ્યમથી વેપારીઓએ જીએસટી પેટે ઓછી જમા કરાવેલી રકમ જમા કરાવવાની સૂચના આપવામાં આવી છે. જીએસટી જમા કરાવવાની તેમની જવાબદારી પૂરી કરવા માટે નોટિસ અપાઈ છે. નોટિસ મળ્યા બાદ વેપારીઓએ ડીઆરસી-3 ફોર્મ ભરીને તેના માધ્યમથી સરકારના જીએસટીના બાકી લેણાની રકમ જમા કરાવી દીધી છે. પરંતુ તેમની રકમ જમા મળી ગઈ હોવાનું સમર્થન કે વળતો જવાબ જીએસટી કચેરી તરફથી વેપારીઓને આપવામાં આવ્યો જ નથી. કાયદાકીય જોગવાઈ મુજબ જીએસટી અધિકારીએ આ અંગેની સ્પષ્ટતા કે જાણ કરતો પત્ર વેપારીઓને આપી દેવો ફરજિયાત છે. છતાંય તેઓ પત્ર પાઠવતા નથી. વાત અહીં પૂરી થતી નથી. જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતા એક વેપારીને તો તેણે ડીઆરસી-3 ફોર્મ શા માટે ભર્યુ તેના કારણો આપવા માટે નવેસરથી નોટિસ આપી છે. સરકાર દ્વારા વેપારીને આપવામાં આવેલી કારણદર્શક નોટિસ અને બાકી રકમ જમા કરાવવાના આદેશનો પત્ર સહિતના દસ્તાવેજો સરકારી અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની સૂચના પણ અપાઈ છે. આમ ડીઆરસી-3 ફોર્મ ભરી દીધા પછીય જફા વેપારીઓનો કેડો મૂકતી ન હોવાથી તેમની ફરિયાદ વધી રહી છે. જીએસટીની પ્રથા અમલમાં આવી ત્યારબાદ અઢીથી ત્રણ વર્ષ અગાઉ જે વેપારીઓએ સ્વૈચ્છાએ ટેક્સ જમા કરાવી દીધો હતો તે વેપારીઓને જીએસટી કચેરી તરફથી નોટિસ આપવામાં આવી રહી છે. તેમને તેમના એકાઉન્ટ કે તેમણે ટેક્સ ભરવા તૈયાર કરેલી શીટ્સ નવેસરથી ચેક કરી લેવા જણાવવામાં આવી રહ્યું છે. તેમની વેરાની જવાબદારીની ગણતરી તેમણે બરાબર કરી છે કે નહિ તેની ફરીથી ગણતરી કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. તેથી વેપારી આલમમાં ફફડાટ વધી ગયો છે. વેપારીઓને ગભરાવવાનું જીએસટી અધિકારીઓનું વલણ ઉચિત નથી. જીએસટી કચેરીના અધિકારીઓ નામ ન આપવાની શરતે કહે છે, "બોગસ બિલ બનાવીને ફ્રોડ કરનારાઓને વીણી વીણીને પકડી લેવા માટે તેમણે આ કવાયત ચાલુ કરી છે. પરિણામે નોટિસ મોકલવામાં આવી રહી છે. આ નોટિસ મોકલીને સરકારી તંત્ર જે તે વેપારીઓ અંગે વધુને વધુ માહિતી એકત્રિત કરી રહી છે." આ માહિતી એકત્રિત કર્યા બાદ જીએસટી કચેરીના અધિકારીઓ વેપારીઓના બીજા બિલ બતાવીને તેના પર ટેક્સ જમા ન કરાવ્યો હોવાના કારણો મૂકીને વેપારીઓની રીતસર કનડગત કરે છે. આવકવેરા કચેરી પણ જીએસટી રજિસ્ટર્ડ વેપારીને દંડ કરી શકે સરકારની આ કવાયત આવકવેરા ખાતા તરફથી પણ મોટી રકમની પેનલ્ટીને આમંત્રણ આપી શકે છે એમ ટેક્સપર્ટ વારિસ ઇશાની કહે છે. બોગસ બિલ પકડાય તો આવકવેરા ધારાની કલમ 272 (એએ-ડી) હેઠળ ચોપડામાં જે રકમની એન્ટ્રી બોલતી હોય તેટલી જ રકમનો દંડ આવકવેરા ખાતું પણ કરે છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો જીએસટી કચેરી એક વેપારીને રૂ. 10 લાખની બાકી રકમ પર 18 ટકા વ્યાજ ચઢાવીને તેની વસૂલી કરે તો તેવા સંજોગોમાં આવકવેરા કચેરી પણ તેને ચોપડે ન દર્શાવેલી રૂા.1.18 લાખની રકમનો દંડ કરી શકે છે. ડીઆરસી-03 ફોર્મ કઈ રીતે ભરશો ડીઆરસી ફોર્મ ઓનલાઈન જ ભરવું પડે છે. ડીઆરસી-03 ફોર્મ ભરવા માટે પહેલા તો જીએસટીની સાઈટમાં લૉગ ઇન થવું પડે છે. લૉગ ઇન થયા પછી સર્વિસના ઓપ્શનમાં જવું પડે છે. સર્વિસના ઓપ્શનમાં યુઝર સર્વિસના ઓપ્શનમાં જવાનું રહેશે. તેમાં એપ્લિકેશનનો ઓપ્શન દેખાશે. માય એપ્લિકેશનના વિકલ્પમાં ગયા પછી એપ્લિકેશનના ટાઈપમાં ચારથી પાંચ ઓપ્શન જોવા મળશે. તેમાં જઈને ડીઆરસી-03 ફોર્મ સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ એપ્લિકેશન ક્રિયેટ કરવી પડશે. એપ્લિકેશન ક્રિયેટ કર્યા પછી તેમાં કયા કારણસર તમે પેમેન્ટ કરો છો તે જણાવવાનું રહેશે. આ પેમેન્ટ સ્વૈચ્છિક કરતા હોવ તો તેની જાણકારી આપ્યા બાદ કયા ગાળાનો વધારાનો બાકી વેરો જમા કરાવો છો તેની વિગત વર્ષ અને મહિના પ્રમાણે આપવાની રહેશે. આ વિગતો ભર્યા બાદ કોમેન્ટના બોક્સમાં તમને તેને લગતી કેટલીક વિગતો પણ લખી શકો છે. પેમેન્ટ કરવાના કારણને મૂકી શકો છો. આ કારણ મૂકવામાં આવે તો ભવિષ્યમાં કોઈ રેફરન્સ નીકળે ત્યારે તેની વિગતો તમારી પાસે હાથવગી રહેશે. તમે સ્વૈચ્છાએ કે સરકારી તંત્ર તરફથી આપવામાં આવેલી શૉ કૉઝ નોટિસ હેઠળ પેમેન્ટ કરો છો તે પણ તેમાં દર્શાવી શકો છો. ત્યારબાદ તમે પેમેન્ટ કરો તો શૉ કૉઝ નોટિસનો રેફરન્સ નંબર માગે છે. આ નંબર પડ્યા પછી કઈ સેક્શન હેઠળ એટલે કે સેક્શન 73 હેઠળ કે સેક્શન 74 હેઠળ પેમેન્ટ કરો તેની વિગતો પણ આપવી પડે છે. ત્યારબાદ ઓનલાઈન ચલણ જનરેટ થાય છે. આ રીતે તમારું સંપૂર્ણ પેમેન્ટ થઈ જાય છે.
Comments