top of page

હોમ લોનને ઈન્ટરેસ્ટ-ફ્રી બનાવવા માંગો છો? આ રહ્યો રસ્તો

  • Team Vibrant Udyog
  • Mar 7, 2022
  • 4 min read
હોમ લોન પર ભરેલી વ્યાજની રકમ તમને પાછી મળે તો કેવું? આ ફોર્મ્યુલાથી તમે હોમ લોન પૂરી થાય ત્યારે વ્યાજ કરતા પણ વધુ રકમ પરત મેળવી શકશો.


મોટાભાગના લોકોને 20 વર્ષ જેટલા લાંબા ગાળા માટે ચાલતી હોમ લોનનું વ્યાજ જ ભારે પડી જતું હોય છે. તેને કારણે પ્રોપર્ટીની કિંમત પણ ઘણી વધી જાય છે. જો હોમ લોન પતે ત્યારે તમે તેના પર જેટલું વ્યાજ ભર્યું હોય તેટલી જ રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં પાછી આવી જાય તો? જી હા, તમારી હોમ લોનને ઈન્ટરેસ્ટ ફ્રી બનાવવી શક્ય છે. જાણીએ એવું કઈ રીતે કરી શકાય.


ઘરનું ઘર એ મધ્યમવર્ગ માટે તો સપનું સાકાર થવા જેવી વાત છે. પહેલાની પેઢી આખી જીંદગી મહેનત કરીને પૈસા બચાવીને રિટાયરમેન્ટ સમયે ઘર લેતી હતી. પરંતુ હવેની પેઢી નસીબદાર છે કે તેમને ઘર ખરીદવા માટે સરળતાથી લોન મળી જાય છે. હવે તો ભાઈબંધોનું જોઈને નવી નવી નોકરી શરૂ કરનારા યુવાનો પણ પોતાનું ઘર લેવાનું સપના જોતા થઈ ગયા છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે હોમ લોનની રકમ પણ બહુ મોટી હોય છે અને તેના પર વ્યાજ પણ ઘણુ વધારે ચૂકવવું પડે છે. આથી ઘર ખરીદો ત્યારે ખુશી તો થાય પણ સાથે સાથે દર મહિને EMI ભરવાનો હોવાથી સ્ટ્રેસ અને ટેન્શન પણ થાય છે.


તમને ખબર છે, તમે લોનમાં લીધી તેના કરતી અનેકગણી વધુ રકમ તમે EMI મારફતે બેન્કને પરત કરો છો?

દાખલા તરીકે, તમે 7 ટકા વ્યાજદરે રૂ. 50 લાખની લોન 20 વર્ષ માટે લીધી હશે તો તમે રૂ. 38,765નું EMI ચૂકવશો. આ રીતે 20 વર્ષમાં તમે રૂ. 93,03,587 રૂપિયા બેન્કને ચૂકવશો.

જો 25 વર્ષ માટે લોન લીધી હશે તો તમારો EMI રૂ. 35,339 થશે અને ટોટલ તમે બેન્કને રૂ. 1,06,01,688 ચૂકવશો. એ રીતે 30 વર્ષના ગાળા માટે તમારો EMI રૂ. 33,265 થશે અને તમારે બેન્કને રૂ. 1,19,75,445 ચૂકવવા પડશે.

લોનનો ગાળો વધે તેમ EMIની રકમ ઘટે છે. પરંતુ ગાળો ગમે તે હોય, કડવી વાસ્તવિકતા એ છે કે વ્યાજના રૂપે તમારે બેન્કને ઘણી મોટી રકમ ચૂકવવી પડશે.


આજે હું વાઈબ્રન્ટ ઉદ્યોગના રીડર્સ સાથે એક સિક્રેટ શેર કરવા જઈ રહ્યો છું. તમે આ વ્યાજ પાછુ મેળવી શકો છો અને તમારી હોમ લોન ઈન્ટરેસ્ટ ફ્રી બનાવી શકો છો. તમને ગણિત ન ગમતું હોય તો પણ આ ફોર્મ્યુલા તમને દિમાગમાં તરત ઉતરી જશે.


તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારે ધારી લેવાનું છે કે તમારો EMI 10 ટકા વધારે છે. જો રેટ વધે તો તમે ઉપરની રકમ નહિ ભરો? એટલે કે તમારો હપ્તો રૂ. 30,000નો હોય તો તમારે ધારી લેવાનું કે તે રૂ. 33,000નો છે. જો તમારો હપ્તો રૂ. 25,000નો હોય તો ધારી લો કે તે રૂ. 27,500નો છે.


હવે આ વધારાના 10 ટકા તમારે બેન્કને નથી આપવાના પણ મ્યુચ્યુઅલ ફંડમાં SIP (માસિક સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) તરીકે ઈન્વેસ્ટ કરવાના છે. એટલું ધ્યાન રાખો કે તમે એવા પ્લાનમાં પૈસા રોકો જેમાં રિટર્ન તમારી બેન્ક લોનના વ્યાજ કરતા વધારે મળતું હોય.

હવે તમે એમ કહેશો, "હું પહેલેથી આટલો બધો હપ્તો ભરું છું, તેમાં વધારાના 10 ટકાનું બર્ડન ક્યાં લઉં? "


ધારી લો કે તમારી લોન પાસ થઈ જાય, બધુ પેપર વર્ક પૂરુ થઈ જાય, તમે સગાવહાલાની સલાહ લઈ લો પછી બેન્ક એમ કહે કે હવે 7ને બદલે 8 ટકા વ્યાજ ભરવું પડશે તો તમે શું ડ્રીમ હોમનો પ્લાન કેન્સલ કરી દેશો? ના, તમે ગમે તેમ તે વધારાની રકમ મેનેજ કરશો. એ જ રીતે, તમારે તમારી જાતને કહેવાનું છે કે મારે ગમે તેમ આ 10 ટકાની વ્યવસ્થા કરવાની જ છે.

તમને એમ થશે કે આ તો ભારણ ઓછું કરવાને બદલે વધારવાની વાત કરે છે. તો ચાલો આપણે આ પાછળની ગણતરી સમજીએ.


ધારોકે તમે રૂ. 50 લાખની હોમ લોન 7 ટકા વ્યાજ દરે 30 વર્ષ માટે લો છો. આ માટે તમારે રૂ. 33,265નું EMI ભરવું પડશે. તેની સામે રૂ. 3300 રૂપિયા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ નિષ્ણાંતની સલાહ લઈને ઈન્વેસ્ટ કરો. અમારા 17 વર્ષથી વધુના અનુભવ અને લોંગ ટર્મ રિટર્નના પુરાવાને આધારે ધારી લો કે તમારુ ઈન્વેસ્ટમેન્ટ વાર્ષિક 12 ટકા રિટર્ન આપે છે.

તમે 30 વર્ષમાં લોનમાં રૂ. 1,19,75,445 ભરશો. આ સામે તમે 30 વર્ષ સુધી SIPમાં કુલ રૂ.11,88,000 ભરશો. યાદ રાખો કે તમે 50 લાખની લોન પર રૂ. 69.75 લાખ તો ફક્ત વ્યાજના જ ભરો છો.


હવે જોઈએ કે 30 વર્ષ સુધીની રૂ.3300ની SIP 12 ટકાના દરે પણ વધે તો તેમાંથી તમને કેટલી રકમ મળશે. મિત્રો, આ રકમ વધીને રૂ. 1,13,46,381 જેટલી થઈ ગઈ હશે. તમે કુલ રૂ. 1,19,75,445 EMI ભર્યા, જેમાં રૂ. 50 લાખ તો લોનની પ્રિન્સિપાલ એમાઉન્ટ હતી. સામે મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 1,13,46,381નું રિટર્ન મળે છે.


તમને ન માત્ર તમારા વ્યાજની બધી રકમ મળી ગઈ, પણ બોનસ તરીકે પ્રિન્સિપાલ એમાઉન્ટમાંથી પણ થોડી રકમ પાછી મળી ગઈ.


આ જાદુ કેવી રીતે થયું? ફક્ત એટલું ધારી લેવાથી કે તમારો EMI 10 ટકા વધારે છે. જો તમે તેના 15 ટકા રોકશો તો તો તમને રિટર્ન ઘણા વધારે સરસ મળશે.


તમને રૂ. 3300ની રકમ નાની લાગતી હશે પણ જ્યારે તમે તેને 30 વર્ષના લાંબા ગાળા માટે રોકો છો ત્યારે કમ્પાઉન્ડિંગ ઈફેક્ટથી તમારા હાથમાં આટલી મોટી રકમ આવે છે. આ કારણે ન માત્ર તમારી હોમ લોન ઈન્ટરેસ્ટ ફ્રી થઈ જાય છે, પણ સાથે સાથે પ્રિન્સિપાલ એમાઉન્ટની કેટલીક રકમ પણ પાછી મળી જાય છે.

આપણા દેશમાં જેવા લગ્ન થાય એટલે તરત જ યુવાન પર પોતાનું ઘર લેવાનું પ્રેશર આવી જાય છે અને તેઓ યુવાનીના વર્ષોથી જ EMIની જાળમાં ફસાઈ જાય છે. ખર્ચ વધતા તેઓ બચત કરવાના બીજા તમામ વિકલ્પો બંધ કરી દે છે. આ ફોર્મ્યુલા અમલમાં મૂકીને તમે તમે બેન્કને વ્યાજમાં ચૂકવેલી રકમ પરત મેળવી શકો છો. તમારે ફક્ત શિસ્તબદ્ધ રીતે ઈન્વેસ્ટમેન્ટ કરતા રહેવાનું છે.


ગૌરવ સિંઘવી, વેલ્થ એડવાઇઝર


યાદ રહે, મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ સાથે જોડાયેલા હોવાથી તેમાં વચગાળામાં ચડાવ-ઉતાર આવતા રહેશે. તેનાથી તમારે ટેવાવું પડશે. રેફરન્સ માટે મ્યુચ્યુઅલ ફંડનું ભૂતકાળનું પરફોર્મન્સ અવશ્ય ચેક કરો.


આ નિર્ણય લેવા માટે તમારે કોઈ નિષ્ણાંત કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટરની સલાહ લેવી જોઈએ.


(લેખક બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના વેલ્થ એડવાઈઝર છે. )

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page