ટેક્સની વધુમાં વધુ બચત કરવી છે? તો આ ભૂલો કરવાથી બચો
- Team Vibrant Udyog
- Mar 7, 2022
- 4 min read

વર્ષ 2006માં મોર્ગન સ્ટેનલીએ એક જાહેરાત પ્રકાશિત કરી હતી જે ખાસ્સી ચર્ચાનો વિષય બની હતી. તેમાં એક ધ્યાન ખેંચે તેવી લાઈન એ હતી કે, "તમારે ટેક્સ ચોક્કસ ભરવો જોઈએ, પણ કોઈ કાયદો એવું નથી કહેતો કે ટિપ આપવી ફરજિયાત છે." આ જાહેરાતનો આશય એ હતો કે તમે ટેક્સની બચત કરવાની તકને પારખો. તમે જેટલો ઓછો ટેક્સ ભરશો, તમારી પાસે ખર્ચ કરવા માટે તેટલા વધારે રૂપિયા બચશે.
માર્ચ મહિનો નજીક આવે એટલે લોકો ટેક્સની બચત કરવા માટે સલાહ લેવા જાય છે. આ સમય જ એવો છે જ્યારે મોટા ભાગના પગારદાર ટેક્સ ડિક્લેરેશન સબમિટ કરે છે. આ આર્ટિકલમાં આપણે તમે વધુમાં વધુ ટેક્સની બચત કેવી રીતે કરી શકો અને કઈ ભૂલો ટાળી શકો તેના પર ચર્ચા કરીશું.
ભૂલ 1: છેક છેલ્લી ઘડીએ ટેક્સનું આયોજન કરવું
ઘણા લોકો ટેક્સ સેવિંગનું આયોજન નાણાંકીય વર્ષ પૂરુ થવા આવે ત્યારે એટલે કે માર્ચ મહિનામાં કરે છે. જો કે આ યોગ્ય સ્ટ્રેટેજી નથી. તમે જેટલું વહેલું ટેક્સ સેવિંગનું આયોજન કરશો, તેટલા ફાયદામાં રહેશો.
દાખલા તરીકે, જો તમે નાણાંકીય વર્ષના પહેલા જ મહિનામાં PPF એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દેશો તો તમને માર્ચમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની સરખામણીએ વધારે ટેક્સ-ફ્રી વ્યાજનો લાભ મળશે.
ટેક્સ પ્લાનિંગ વહેલુ કરવાથી તમારી પાસે વધારાના ફંડને SIP મારફતે ELSSમાં રોકાણ કરવાનો રસ્તો પણ ખુલ્લો રહે છે. જો આમ નહિ કરો તો તમારે વર્ષ પૂરુ થવા આવે ત્યારે એકસામટી રકમ ક્યાંક રોકવી પડશે. કેશ ફ્લોની દૃષ્ટિએ આ તકલીફ ઊભી કરી શકે છે. ઘણા લોકોને તો પછી ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઊછીના લઈને ઈન્વેસ્ટ કરવાનો વારો આવે છે. આવી ભયંકર ભૂલ કરવાથી બચવું જ જોઈએ.
ટેક્સ પ્લાનિંગ માટે માર્ચ મહિનાની રાહ ન જુઓ. જેટલું જલ્દી શક્ય બને એટલું જલ્દી આયોજન કરો. તમારા આર્થિક સલાહકાર સાથે વાત કરો અને યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દો.
ભૂલ 2: ફક્ત ઈન્વેસ્ટમેન્ટથી ટેક્સ બચાવી શકાય છે એમ સમજવું
લોકો એવું જ સમજે છે કે ટેક્સ સેવિંગ પ્રોડક્ટમાં રૂપિયા ઈન્વેસ્ટ કરવાથી ટેક્સની બચત થાય છે. ELSS, ઈન્શ્યોરન્સ પોલીસી અને FDના દમદાર માર્કેટિંગને કારણે તમે આવું માનવાની ભૂલ કરી બેસો છો.
રોકાણ એ ટેક્સ મેનેજમેન્ટનો એક ભાગ છે. તમે સમજી-વિચારીને ખર્ચ કરીને પણ ખાસ્સો એવો ટેક્સ બચાવી શકો છો. ઈન્કમ ટેક્સ અંતર્ગત તમને તમારા અમુક ખર્ચ પણ કરપાત્ર આવકમાંથી બાદ મળે છે. દાખલા તરીકે, તમે બાળકની ટ્યુશન ફી, હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમિયમ, હોમ લોનના હપ્તા, એજ્યુકેશન લોન, ઘરનું ભાડું વગેરે બતાવીને ટેક્સમાં રાહત મેળવી શકો છો.
કમનસીબે મોટા ભાગના કરદાતાઓ આ અંગે જાગૃત નથી અને તેઓ ટેક્સ મેનેજમેન્ટના આ પાસાને સમજવાની કોશિશ પણ કરતા નથી. આ કારણે તે હજારો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે જે આસાનીથી બચાવી શકાય છે.
દાખલા તરીકે, મોટા ભાગના લોકો ભાડાની રકમ પાછળ મોટો ખર્ચ કરે છે. જુદા જુદા સંજોગો અંતર્ગત ટેક્સના કાયદા હેઠળ તમને ભાડાના ખર્ચ માટે એક્ઝેમ્પશન મળી શકે છે. તમે અમુક શહેરમાં ભાડે રહેતા હોવ કે પછી પોતાના મા-બાપના જ ઘરમાં રહેતા હોવ તો પણ તમે રેન્ટનો ખર્ચ દર્શાવી ટેક્સમાં બાદ મેળવી શકો છો.
એક કરદાતા તરીકે તમારે ટેક્સ ક્યાં ક્યાંથી બચી શકે છે તેના બધા જ વિકલ્પ તપાસવા જોઈએ. તમે ટેક્સના કાયદાથી જેટલા વધુ વાકેફ હશો, જેટલા જલ્દી ટેક્સ બચાવવા માટે પગલા ભરશો, તેટલા વધુ ફાયદામાં રહેશો.

ભૂલ 3: ટેક્સ સેવિંગ પ્રોડક્ટનું યોગ્ય મૂલ્યાંકન ન કરવુ
તમારે જુદા જુદા પાસાને ધ્યાનમાં રાખીને ટેક્સ સેવિંગ પ્રોડક્ટ્સનું મૂલ્યાંકન કરવું જોઈએ. પહેલું, તમે તેમાંથી કેટલી સરળતાથી રૂપિયા ઉપાડી શકો છો. આ માટે તમારે સ્કીમનો લોક-ઈન પિરિયડ, વિથડ્રો કરવાના નિયમો, તેના પર લાગતો ટેક્સ, પેનલ્ટીના ચાર્જ વગેરે ધ્યાનમાં લેવા જોઈએ.
બીજું, આ સ્કીમમાં પૈસા ગુમાવવાની શક્યતા કેટલી છે તે ધ્યાનમાં લો. અમુક રોકાણ, ખાસ કરીને શેર બજાર સાથે જોડાયેલા રોકાણમાં ભરપૂર ચડ-ઉતર આવે છે. લાંબા ગાળે ફૂગાવા સાથે બાથ ભીડવા માટે તમારા પોર્ટફોલિયોમાં ELSS, ULIP NPS વગેરેને સ્થાન આપવું પણ જરૂરી છે. તમારે નક્કી કરવાનું છે કે તમે વધુ રિટર્ન મેળવવા માટે પોર્ટફોલિયોમાં કેટલી ચડ-ઉતર ખમી શકો છો.

છેલ્લે, ટેક્સ સેવિંગ પ્રોડક્ટ પસંદ કરતી વખતે તમારે એ ધ્યાનમાં લેવાનું છે કે ટેક્સ કપાત પછી રિટર્ન કેવું મળે છે. લોકો સામાન્ય રીતે ડિડક્શનને ધ્યાનમાં રાખીને લાભ જોતા હોય છે પણ તમને મૂડીમાંથી કેટલી આવક થાય છે તેને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઘણી વખત રોકાણકારો પોતાના માતા-પિતા કે હિતેચ્છુઓ પાસેથી સલાહ લઈને તેમણે કરેલી ભૂલ જ ફરી દહોરાવતા હોય છે. દાખલા તરીકે, ઘણા રોકાણકારો LIC પોલીસી કે સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કર્યા જ કરે છે જે તેમને ફૂગાવા સામે ટકવા સક્ષમ બનાવે એટલું રિટર્ન નથી આપતી. તમે ટેક્સ તો બચાવી લેશો, પણ સામે તમે બીજી પ્રોડક્ટ્સમાં રોકાણ કરીને આકર્ષક રિટર્ન મેળવવાની સુવર્ણ તક પણ ગુમાવી દેશો.

ભૂલ 4: ઈન્શ્યોરન્સ જેવી પ્રોડક્ટ્સમાં વધુ રોકાણ
દર વર્ષે માર્ચ મહિનામાં લાખો ભારતીયો આંખો મીંચીને લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરે છે. આવા પ્લાન પર 5થી 6 ટકા રિટર્ન માંડ મળે છે જે ભાવવધારા અને ફૂગાવા સામે ટકી રહેવા માટે પૂરતું નથી. આ રોકાણ PPF, NSC અથવા તો અન્ય નાની બચત યોજના કરતા પણ ઓછું રિટર્ન આપે છે. વળી, આ યોજનામાં 10થી 20 વર્ષ સુધી રોકાણ કરવું પડે છે. તમે જો વહેલા પૈસા ઉપાડવાની કોશિશ કરો તો તગડી પેનલ્ટી ચૂકવવી પડે છે. ખૂબ લાંબા ગાળા માટેનું રોકાણ, સાવ ઓછી લિક્વિડી, નબળા રિટર્ન અને પૈસા વહેલા વિથડ્રો કરવા માટે ભારે પેનલ્ટી- આ એક પણ સારા ઈન્વેસ્ટમેન્ટના લક્ષણ નથી. આથી આવા ઈન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરવાનું ટાળો.
જો તમે સુરક્ષિત રોકાણ કરવા માંગતા હોવ તો સરકાર દ્વારા પ્રમાણિત ટેક્સ સેવિંગ પ્રોડક્ટ્સમાં રોકાણ કરો. લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી કરતા તેમાં વધારે સારુ રિટર્ન મળે છે. જો તમારે તગડું રિટર્ન જોઈતું હોય તો તમારી ઈન્વેસ્ટમેન્ટ યાત્રામાં થોડા ચડાવ-ઉતાર માટે તૈયાર રહો. આવા રોકાણકારો ELSS, ULIP કે NPSમાં રોકાણ કરી શકે છે.
ભૂલ 5: ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટમાં વિવિધતા ન લાવવી
તમામ ટેક્સ સેવિંગ પ્રોડક્ટમાં લોક-ઈન પિરિયડ હોય જ છે. ટૂંકા ગાળાના આર્થિક લક્ષ્યો પૂરા કરવા માટે આવું રોકાણ કામ લાગતું નથી. આથી તમારે એ નિશ્ચિત કરવું જોઈએ કે રોકાણ તમને લોંગ ટર્મ ગોલ પૂરા કરવામાં કેવી રીતે મદદ કરશે.

મોટાભાગના કરદાતા PPF, EPF અને આવા ટેક્સ સેવિંગ માટે કરેલા રોકાણને ફાયનાન્શિયલ પોર્ટફોલિયોનો ભાગ જ નથી ગણતા. આ કારણે તે એસેટ એલોકેશનની ગણતરીમાં ભારે ભૂલ કરી બેસે છે. આ કારણે તે ઈક્વિટીમાં ઓછું રોકાણ કરે છે અને લાંબા ગાળા માટે મોટું ભંડોળ ઊભુ કરવાનો મોકો ગુમાવી દે છે અને શેર બજારમાં રોકાણનું રિસ્ક ટાળવા માટે તેઓ નીચા રિટર્નનું રિસ્ક વહોરી લે છે.
(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના વેલ્થ એડવાઈઝર છે)
Comments