ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ: ઓછાપાણીએ ઊગતા બાસમતીની જાત વિકસાવી
- Team Vibrant Udyog
- Nov 8, 2022
- 2 min read

દુષ્કાળની સ્થિતિમાં પણ ટકી શકે તેવા બાસમતી ચોખાના બિંયારણનું આગામી ખરીફ સીઝનથી વિતરણઃ એક હેક્ટર જમીનમાં 4.6 ટનનું ઉત્પાદન આપવાને સમર્થ
ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ઓછા પાણીથી ઊગી શકે તેવી બાસમતી ચોખાની નવી જાત વિકસાવી અને તેને નોટિફાય પણ કરી દીધી છે. આ બાસમતી ચોખાનું બિંયારણનું આગામી ખરીફ સીઝનમાં ખેડૂતોમાં વિતરણ કરવામાં આવશે. બાસમતી ચોખાની આ જાતને કારણે યુરોપિયન સંઘના દેશોમાં બાસમતી ચોખાની નિકાસની શક્યતાઓ વધી જશે. યુરોપિયન સંઘના દેશોમાં જ બાસમતી ચોખાની વધુ નિકાસ થાય છે.
ધરુ રોપવાની પદ્ધતિથી ચોખાની ખેતી કરવામાં આવે તો એક કિલો બાસમતી ચોખા ઉગાડવા માટે 3000 લિટર પાણીનો વપરાશ થાય છે.
તેની સામે નવી બાસમતીની જાતને ઉગાડવામાં 35 ટકા ઓછું પાણી વપરાય છે. આ પ્રકારના બાસમતીની પાંચ અલગ અલગ જાત વિકસાવવામાં આવી છે. તેમાંથી બાસમતીની બે વરાયટી બેક્ટેરિયાથી કે ફંગસ-ફુગથી થતાં રોગ સામે પણ રક્ષણ મેળવવાને સમર્થ છે. ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉક્ટર અશોક કુમાર સિંહના નેતૃત્વ હેઠળ 2020-2021 દરમિયાન કરવામાં આવેલા સંશોધન અને અખતરાઓને અંતે આ નવી જાત ઊગાડવાનો આરંભ કરી દેવાની તૈયારી થઈ ચૂકી છે.
દુષ્કાળની સ્થિતિમાં પણ ટકી શકે તેવા બાસમતી ચોખાના બિંયારણનું આગામી ખરીફ સીઝનથી વિતરણ કરવામાં આવશે. બાસમતી ચોખાની આ જાત એક હેક્ટર જમીનમાં 4.6 ટનનું ઉત્પાદન આપવાને સમર્થ હોવાનું ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે. આ નવી જાત જે બીજમાંથી વિકસાવવામાં આવી છે તે પુસા બાસમતી-પીબી-1 તરીકે જાણીતી છે. નવી વરાયટીના બાસમતિ ચોખાની બે વર્ષથી તેની ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવી રહી છે, એમ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે જણાવ્યું છે. બિંયારણ નાખ્યા પછૂ કૂંપળો ફૂંટીને વિકસવા માંડે તે ગાળામાં વરસાદ ઓછો પડે તો તેવી સ્થિતિમાં પણ બાસમતી ચોખાની આ જાત પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ છે. આ જાત જે મૂળ બીજમાંથી વિકસાવવામાં આવી છે તેની સરેરાશ હેક્ટરદીઠ ઉપજ 4.2 ટનની છે. આમ તેમની મૂળ જાત કરતાંય વધુ ઉત્પાદન આપી રહી છે.
Comments