IPO માર્કેટઃ પૂરબહારમાં ખીલશે કે પછી પરપોટો સાબિત થશે?
- Team Vibrant Udyog
- Sep 13, 2021
- 14 min read
Updated: Sep 14, 2021

ઇનિશિયલ પબ્લિક ઓફર-IPOના બજારમાં તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર 1992ની જેમ નાના-નાના લોકો પણ શેરબજારમાં રોકાણ કરીને કમાઈ લેવા ઉત્સુક બન્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-સેબીએ માર્ચ 2021ના પહેલા પખવાડિયામાં આપેલા આંકડા મુજબ એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021ના દસ માસના ગાળામાં 1.07 કરોડ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા છે. 2020-21ના આખા વર્ષમાં માત્ર 47 લાખ ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા હતા. 2018 અને 2019ના વર્ષમાં પણ અનુક્રમે 40.8 અને 35.90 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા હતા. જાન્યુઆરી 2021માં જ 17 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા હતા. આ અગાઉ સપ્ટેમ્બર 2019માં એક જ મહિનામાં 19 લાખ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા હતા. જાન્યુઆરી 2021ની સ્થિતિએ કુલ ડિમેટ એકાઉન્ટ વધીને 5.15 કરોડ અને આજની સ્થિતિએ અંદાજે 6 કરોડથી વધુ ડિમેટ એકાઉન્ટ ખૂલી ગયેલા છે, જે બતાવે છે કે શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં તગડો વધારો થયો છે. રોકાણકારો, ખાસ કરીને યુવાન રોકાણકારોમાં IPOમાં રોકાણ કરવાનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના રોકાણકારો IPO ખૂલે એટલે તાત્કાલિક શેર્સ વેચીને માર્જિન મેળવી લેવાની ગણતરીએ જ રોકાણ કરે છે. હાલમાં ઝોમેટોના IPOનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે LICના તગડા IPOની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આવામાં IPO પ્રત્યેનું આકર્ષણ આવું જ રહેશે, વધશે કે પછી ઘટશે તે અંગે નિષ્ણાંતો જુદા જુદા મત ધરાવે છે.
મુંબઈ શેરબજારના પૂર્વ ડિરેક્ટર અનિલ શાહ કહે છે, “આ વખતે IPO બજારની તેજી સંગીન છે, કારણ કે એન્કર ઇન્વેસ્ટર્સ એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ પોતાનું ફંડ લઈને આવ્યા છે. હાઈનેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ વધુ સંગીનતાથી ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અગાઉ તેઓ 20 ટકા પોતાનું ફંડ લગાડતા હતા, આ વખતે તેઓ પોતાના ફંડના જ 80 ટકા જેટલા નાણાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. તેથી બેન્ક પાસેથી બોરો કરેલા નાણાં કે અન્ય પાસેથી ટૂંકા ગાળા માટે મેળવેલા નાણાં પરત ચૂકવવાનો બોજ તેમને માથે જોવા મળતો નથી.” ફાઈનાન્શિયલ એડવાઈઝર ગૌરવ સિંઘવી તેમની વાતને સમર્થન આપે છે. તેઓ કહે છે, “મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી-સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરનારાઓ સતત વધી રહ્યા છે. બેન્કો દ્વારા આપવામાં આવતા વ્યાજના દર ઘટીને 5 ટકાની તળિયાની સપાટીએ આવી ગયા છે. ઇન્ફ્લેશન રેટને બીટ કરવા અને બચતનું મૂલ્ય જાળવી રાખવા માટે વધુ ને વધુ ઇન્વેસ્ટર્સ એસઆઈપીના માધ્યમથી શેરબજારમાં નાણાં ઠાલવી રહ્યા છે. (એસઆઈપીના ઇન્વેસ્ટર્સની વધેલી સંખ્યા લેવી.)” આજે તો IPO આવ્યા પછી લિસ્ટિંગ ટાણે કંપનીઓના ખુદના પરફોર્મન્સ અને અમુક અંશે ઓપરેટર્સની કૃપાથી શેર્સના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. ખોટ કરતી કંપની ઝોમેટોનો IPO તેનું મોટું ઉદાહરણ છે. રૂ. 9375 કરોડનો IPO 38 ગણો છલકાયો હતો. તેમ જ રૂ. 76ની ઓફર પ્રાઈસ સામે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં રૂ. 115ના અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રૂ. 116ના ભાવે લિસ્ટ થયો હતો. આમ 51 ટકા ઊંચા ભાવે લિસ્ટ થયો હોવાથી IPOમાં શેર્સ લાગ્યા પછી તે વેચીને કમાઈ લેનારાઓ પાર્ટી કરી રહ્યા છે, કારણ કે લિસ્ટિંગ પછી પહેલા દિવસના અંતે તેનો ભાવ બીએસઈમાં રા. 125.85 અને એનએસઈમાં 125.30 પર બંધ રહ્યો હતો. તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 1.08 લાખ કરોડને આંબી ગયું હતું. બજારમૂડીકરણની બાબતમાં તેમણે આઈઓસી અને બીપીસીએલ જેવી કંપનીઓને પણ પાછળ પાડી દીધી છે.

દસ ઓગસ્ટ સુધીની વાત કરવામાં આવે તો 16 કંપનીઓ IPO લઈને આવી છે. તેમાં કુલ મળીને રૂા. 30,666 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે. જ્યારે 2020-21ના નાણાંકીય વર્ષમાં 30 કંપનીઓએ મળીને રૂા. 31,277 કરોડ બજારમાંથી એકત્રિત કર્યા હતા. 2021-22ના અંત સુધીમાં બીજા 40 IPO માર્કેટમાં આવવાના છે. આ IPO મળીને બજારમાંથી રૂ. 70,000 કરોડ એકત્રિત કરવાના છે. કંપનીઓ બજારમાંથી ફંડ એકત્રિત કરીને દેવા મુક્ત બનવાના પ્રયાસો કરી રહી છે.
આમ IPOના માર્કેટમાં નાણાંની ખનક છે. તેથી કમાવા ઇચ્છતા દરેક ઇન્વેસ્ટર્સે ચેતીને ચાલવાની જરૂર છે. એનએસઈનો ઇન્ડેક્સ પણ 16000 પોઈન્ટના મથાળાને આંબી ગયો છે. બીએસઈનો ઇન્ડેક્સ લાંબા ગાળે 2.5 લાખ પોઈન્ટનું મથાળું બતાવશે તેવી વાતો પણ વહેતી કરી દેવાઈ છે. બજારના જાણકારો અને વિશ્લેષકો આ વાતને હસી કાઢી હોવા છતાંય બજાર તેમના ગણિતોને ખોટા પાડીને આગળ વધી રહ્યા છે. અનિલ શાહ કહે છે, “બે વર્ષ પહેલા જ બજાર 7800 પોઈન્ટથી સુધરીને આજે 16000 પોઈન્ટનું મથાળું વળોટી ચૂક્યું છે. આ મથાળેથી તેમાં દસ પંદર ટકાનું કરેક્શન આવી શકે છે. પરંતુ આગામી બેથી ત્રણ વર્ષ તેજીના લાગે છે. કારણ કે નવું ફંડ બજારમાં ઠલવાઈ રહ્યું છે. એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે. એસઆઈપીમાં રોકાણ કરનારા છૂટક રોકાણકારો વધી રહ્યા છે. 2008માં ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દર 8 ટકાની આસપાસના હતા, આજે વ્યાજના દર 5થી 5.25 ટકાની સપાટીએ આવી ગયા છે. તેમાં વધારો થવાની કોઈ ગુંજાયશ જણાતી નથી. તેથી નાણાંનો ફ્લો બજાર તરફ સતત ચાલુ રહેવાની શક્યતા રહેલી છે.” પરિણામે બજારની ઉપરની તરફની ગતિ અંગે ચોમેર આશાવાદ બુલંદ બની રહ્યો છે. તેથી જ સમજણ વિના ઇન્વેસ્ટ કરનારા અને ચેતીને ન ચાલનારનો ખો નીકળી જવાની શક્યતાને નકારી શકાતી નથી.
માર્ચ 2020માં કોરોનાના કહેરનો આરંભ થયો તે પછી બજારમાં જંગી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. 25મી માર્ચના અરસામાં લૉકડાઉનનો આરંભ થયો તે પછી આર્થિક પ્રવૃત્તિઓમાં ગાબડેગાબડાં પડી ગયા હતા. દેશનું અર્થતંત્ર લગભગ 60 ટકા થંભી ગયું હતું. કંપનીઓએ કર્મચારીઓના પગાર આપવાના બંધ કરી દીધા હતા. રૂ. 5000 કરોડથી વધુનો નફો ધરાવતી મોટી કોર્પોરેટ્સે પણ 30થી 45 ટકા સુધીના સેલેરી કટ લાગુ કરી દીધા હતા. ગરીબ રોજમદારોને ખાવાના સાંસા પડી ગયા હતા. સરકારે 80 કરોડથી વધુ જનતાને મફત અનાજ વિતરણ કરવાની ફરજ પડી હતી. સરકાર માટે તો વોટર્સને પોતાની તરફ ખેંચી લેવાની આ તક હતી. આ તકને સરકારે ઝડપી લીધી છે. જોકે આ સ્થિતિમા નિફ્ટી ઇન્ડેક્સના 50 શેર્સ અને બીએસઈ ઇન્ડેક્સ સાથે સંકળાયેલી 30 કંપનીઓના શેર્સના ભાવ પણ તળિયે પહોંચી ગયા હતા. ચોમેર જોવા મળેલી વેચવાલીનો પ્રભાવ પણ તેના પર જોવા મળ્યો હતો. ભારત સરકારે ઉદ્યોગોને વેગ આપવા માટે 4.5 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આજે તેજીનો આખલો ફરીથી છીંકોટા મારી રહ્યો છે, કારણ કે બજારો બંધ રહેવાથી નિર્માણ થયેલી હતાશા મોટી આશા સાથે બમણા વેગથી સક્રિય બની હતી અને બની રહી છે. જુલાઈથી ડિસેમ્બર 2020ના ગાળામાં 20 કંપનીઓએ મળીને 3.5 અબજ ડૉલર એટલે કે 350 કરોડ ડૉલર ઊભા કરી લીધા હતા.
તેનાય કારણો છે. ગૌરવ સિંઘવી અને અનિલ શાહ કહે છે, આ ગાળામાં રોકાણકારોના ખર્ચ પર કાપ આવી ગયો હતો. પ્રવાસો પર બ્રેક લાગી ગયો હતો. હોટેલ રેસ્ટોરાંમાં જઈને ખર્ચ કરવા પર લૉકડાઉને લગામ ખેંચાઈ ગઈ હતી. દુકાનો બંધ હોવાથી વસ્તુઓ ખરીદીને પૈસા ખર્ચવા માટે તેમની પાસે કોઈ જગ્યા નહોતી. હવે આ નાણાં શેરબજાર તરફ ફંટાયા છે.
ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે લૉકડાઉનના ગાળામાં શ્રીમંતોના નબીરા તો એરપોર્ટ પર ખૂલ્લી રહેતી દુકાનોમાં જઈને કંઈને કંઈ ખરીદીને પૈસા ખર્ચ્યાનો આનંદ લૂંટતા હતા. તેથી શેરબજારમાં રોકાણ કરવાનો રસ્તો ખૂલતા તેમણે બમણા જોરથી શેરબજારમાં રોકાણ કરવા માંડ્યું હતું. મિસિસ બેક્ટર નામની બિસ્કિટ બનાવતી કંપની, ફાસ્ટ ફૂડના વેપાર સાથે સંકળાયેલી બર્ગર કિંગ અને સરકારી માલિકીને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ નામની કંપનીના પબ્લિક ઇશ્યૂ 150 ગણા છલકાઈ ગયા હતા. કોરોનાના ભયને કારણે હજીય લોકો વિદેશ પ્રવાસ જઈ શકતા નથી. તેમ જ છૂટથી હરીફરી શકતા નથી. તેથી આ પૈસા શેરબજાર તરફ વળી રહ્યો છે.
ગૌરવ સિંઘવી કહે છેઃ “કંપનીઓ પણ તેમના બિઝનેસ એક્સપાન્શનના અમલમાં ન મૂકી શકાયેલા આયોજનો અમલમાં મૂકવા માટે આઈ.પી.ઓ. લઈને આવી રહી છે. તેમને રોકડની પણ મોટી જરૂર છે. સંખ્યા બંધ કંપનીઓને કોવિડ પહેલા લીધેલી લોન પાછી ચૂકવી દેવી છે. ઘણી કંપનીઓના પ્રમોટર્સને તેજીના બજારમાં એક્ઝિટ કરી લેવું છે. કાર ટ્રેડ 40 ટકા હિસ્સો એફઆઈઆઈનો છે. તે ઓફર ફોર સેલ લઈને આવે છે.” 2020માં 16 મોટી કંપનીઓ લઈને આવી હતી. તેમાંથી ચાર કંપનીઓએ નેગેટીવ રિટર્ન આપ્યું છે. નેગેટીવ રિટર્ન આપનારી કંપનીઓમાં ઇક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની, એન્જલ બ્રોકિંગ લિમિટેડનો સમાવેશ થાય છે. બીજીતરફ એસબીઆઈ કાર્ડ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડ, રોસારી બાયોટેક લિમિટેડ, માઈન્ડ સ્પેસ બિઝનેસ પાર્ક આરઈઆઈટી, , હેપ્પીએસ્ટ માઈન્ડ્સ ટેક્નોલોજી લિમટિડ, રૂટ મોબાઈલ લિમિટેડ, કેમ્સ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, લિખિતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, ગ્લેન્ડ ફાર્મા લિમિટેડ, બર્જર કિંગ ઇન્ડિયા લિમિટેડ અને મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશિયાલિસ્ટ લિમિટેડનો સમાવેશ થાય છે.
આ સંજોગોમાં શેરબજારની સમજણ ન ધરાવનારા આમઆદમી પણ શેરબજાર તરફ ધસારો કરી રહ્યા છે. 1992 અને 2008માં સ્થિતિ અલગ હતી. અત્યારે સ્થિતિ નબળી નથી. વોરેન બફેટના નિયમને ટાંકતા ગૌરવ સિંઘવી કહે છે, “પહેલી વાત માર્કેટ કેપ ટુ જીડીપીની વાત કરીએ. અત્યારે બજાર મૂડીકરણ 220 લાખ કરોડનું છે. તેની સામે ભારતનો જીડીપી 20 લાખ કરોડનો છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતનું અર્થતંત્ર 20 લાખ કરોડનું છે. વોરન બફેટે આપેલો નિયમ છે કે જીડીપી ટુ માર્કેટ કેપિટલાઈઝેશન 150થી વધુ જાય ત્યારે બજારમાં ક્રેશ(કડાકો) આવે છે. આજની તારીખે ભારતનો માર્કેટ કેપ ટુ જીડીપી 110 ટકા છે. તેથી હજી બજારમાં તેજી ટકી રહેવા માટે અવકાશ છે. અમેરિકાના બજારની 100 વર્ષની ચાલ પરથી આ નિયમ તૈયાર થયો છે.
તેથી હજીય IPO, ન્યુ ફંડ ઓફર, એલઆઈસી જેવી કંપનીઓ આવશે. તે પછી માર્કેટ કેપ ટુ જીડીપી 150 ટકાથી વધી જશે ત્યારે માર્કેટમાં કડાકો આવશે. 2008માં માર્કેટ કેપ ટુ જીડીપી 156 ટકા થયા પછી ક્રેશ આવ્યું હતું.
1992 અને 2008ના કડાકાના વાત લોકો કરે છે, પરંતુ ઘણી અધૂરી વાત રજૂ કરવામાં આવે છે. 1992માં માર્કેટ કેપ ટુ જીડીપી 200 ટકા હતું. 1990થી 1992માં બજાર ચાર ગણું વધી ગયું હતું. ત્યારબાદ તેમાં 50 ટકા કરેક્શન આવ્યું હતું. તે વખતે બજાર 1250થી વધીને 5000 પોઈન્ટ થયું હતું. ત્યારબાદ 50 ટકા કરેક્શન સાથે 2500 પર આવી ગયું હતું. 2008ના કડાકાની વાત કરીએ. 2003માં ઇન્ડેક્સ 4000નો ઇન્ડેક્સ હતો. 2008માં ઇન્ડેક્સ વધીને 21000 પર પહોંચી ગયો હતો. તે પછી તેમાં 50 ટકાનું કરેક્શન આવ્યું હતું. અત્યારે ઇન્ડેક્સ 60000થી 62000ની સપાટી વટાવે તે પછી તેમાં કરેક્શન આવી શકે છે.
તેનાથીય આગળ જઈને વાત કરતાં ગૌરવ સિંઘવી કહે છે કે અત્યારે ડિમેટ એકાઉન્ટ ધારકની સંખ્યા વધીને 7 કરોડની થઈ ગઈ છે. 1992 કે 2008માં રિટેઈલ ઇન્વેસ્ટર્સ લિમિટેડ હતા. અત્યારે રિટેઈલ ઇન્વેસ્ટર્સ ઘણાં વધી ગયા છે. ડિમેટ એકાઉન્ટ 7 કરોડથી વધી ગયા છે. બેન્ક એફ.ડી.ના રેટ ઘટી જતાં લોકો સ્ટોક માર્કેટ તરફ ફંટાયા છે. સીધા સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં આવ્યા છે. સ્થાનિક ઇન્વેસ્ટર્સ જ વધુ પ્રમાણમાં બજારમાં આવ્યા હોવાથી તેજી ટકી રહેવાના એંધાણ છે. પહેલા IPOમાં પ્રમોટર્સ 50 ટકા, મ્યુચ્યુઅલ ફંડ અને નાણાં સંસ્થાઓ 25 ટકા પૈસા નાખતા હતા. હવે રિટેઈલર્સની સંખ્યા 15 ટકાની આસપાસની થઈ ગઈ છે. ઇક્વિટી માર્કેટ નીચે નથી જતું તેનું એક બીજું મોટું કારણ એ છે કે દર મહિને એસઆઈપીના રૂ. 9500 કરોડ શેરબજારમાં ઠલવાય છે.” આમ રોજના રૂ. 450થી 500 કરોડ ઇક્વિટી માર્કેટમાં ઠલવાય છે. તેઓ ખાસ કરીને ટોચની 500 કંપનીઓમાં જ રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ 500 કંપનીઓમાં જ રોકાણ કરે આમ વરસે રૂ. 1.15 લાખ કરોડનો એસઆઈપીનો ફ્લો છે. દોઢ વર્ષથી સેવિંગ વધ્યું છે. ફોરેન ટ્રીપ પર જઈ શક્યા નથી. કોરોનાની સારવાર માટે લોકોએ બચાવેલા પૈસા હવે કોરોનાનો ભય ઓછો થતાં બજાર તરફ ફંટાઈ રહ્યા છે. કારણ કે બીજેથી 5.5 ટકાથી વધુ વળતર મળતું નથી.
અત્યારે નોલેજ વધી ગયું છે. પહેલા ડિમેટ એકાઉન્ટ ઓપન કરવામાં 40 પેજનું ફોર્મ ભરવું પડતું હતું. પંદર દિવસ લાગતા હતા. આજે 30 મિનિટમાં આધારકાર્ડની મદદથી ડિમેટ એકાઉન્ટ ખૂલી જાય છે. તેથી રોકાણ કરનારાઓ વધ્યા છે. બીજું, આજે 21 વર્ષથી ઉપરના યુવાનોને રાતોરાત હર્ષદ મહેતાની જેમ કમાઈ લેવું છે. તેઓ બહુ લાંબો વિચાર કર્યા વિના IPO ભરે છે. સ્ટોક્સમાં લે વેચ, એફ એન્ડ ઓમાં રોકી રહ્યા છે. આ ઉપરછલ્લી સમજથી સોદા કરે છે. સામાન્ય રીતે કંપની કેવું પરફોર્મ કરે છે. કંપનીના પ્રમોટર, પ્રોડક્ટ, પ્રોફિટ લોસ, ત્રણ વર્ષના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને IPO ભરનારાઓને બહુ પસ્તાવાનો વારો આવશે નહિ. માર્કેટ અનપ્રેડિક્ટેબલ છે. અનપ્રેડિક્ટેબલ રહેવાનું છે. લોકોએ ચેતીને ચાલવાનું છે. પોતાની સમજ ન કામ આપતી હોય તો ફાઈનાન્શિયલ એડવાઈઝરને પૂછીને આગળ વધી શકે છે.
IPO ઇન્વેસ્ટર્સ ચેતતા રહે
IPOના માર્કેટમાં લોકોનું રોકાણ વધ્યુ તેનું એક કારણ કોરોનાને કારણે લોકો સાવ જ નવરા પડી ગયા હતા. આ સ્થિતિમાં તેમણે એક પ્રવૃત્તિ કરવાના ઇરાદા સાથે જ શેરબજારમાં રોકાણ કરવા માંડ્યું છે. બીજું, દોઢ વર્ષથી કોરોનાને કારણે નોર્મલ જિંદગી ન જીવી શક્યા હોવાથી હરવાફરવા અને લાઈફની લક્ઝરી પાછળ ખર્ચ કરી ન શક્યા હોવાથી પણ તેઓ શેરબજાર તરફ ફંટાયા હતા. ત્રીજું, ટૂંકા ગાળામાં કમાઈને કરોડપતિ બની જવા નવયુવાનોના ધાડેધાડાં શેરબજારમાં ઉતરી પડ્યા છે. ડિમેટ એકાઉન્ટ ઓનલાઈન જ ગણતરીની મિનિટોમાં ખૂલી જતાં હોવાથી પણ તેમણે સ્ટોક ટ્રેડિંગમાં જંપલાવ્યું છે. રોકાણકારો IPOમાં સૂંઢલામોઢે નાણાં ઠાલવી રહ્યા છે. બજારનો પરપોટો ગમે ત્યારે ફૂટી શકે છે. વિશ્વ વિખ્યાત ઇન્વેસ્ટમેન્ટ ગુરુ જિમ રોજર્સે આગાહી કરી છે કે 2021ના અંતમાં શેરબજારની તેજીનો પરપોટો ફૂટી જશે. સ્ટોક માર્કેટમાં બહુ જ મોટું કરેક્શન આવશે અને 2008માં સર્જાયેલી સ્થિતિ કરતાંય બદતર સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે. ફાઈનાન્શિયલ એડવાઈઝર ગૌરવ સિંઘવી પણ કહે છે કે બજાર 60000થી 65,000નું ટોપ પકડે તે પછી તેમા કદાચ કરેક્શન આવી શકે છે. આગામી બાર મહિનામાં શેરબજારમાં બહુ જ મોટી ઊથલપાથલ જોવા મળશે. માત્ર ભારત જ નહિ, વિશ્વના સંખ્યાબંધ શેરબજારોને કેન્દ્રમાં રાખીને આ આગાહી કરવામાં આવેલી છે. ભારતની રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે પણ શેરબજારની તેજી તરફ શંકાની નજરે જોયું છે. દેશનું અર્થતંત્ર અને શેરબજાર વચ્ચેની સહજ દેખાતી કડી અત્યારની બજારની ચાલમાં જોવા મળતી ન હોવાનું રિઝ્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે જણાવ્યું છે. રોકાણકારો અને કંપનીઓ આ હકીકત સામે આંખ આડા કાન કરી રહ્યા છે.

બીજી તરફ ભારત સરકારનું દેવું પણ વધી રહ્યું છે. રિઝર્વ બેન્કે 30મી જૂને જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતનું બાહ્ય દેવું 31મી માર્ચ 2021ની સ્થિતિએ 570 અબજ ડૉલરનું છે. માર્ચ 2020ની સ્થિતિએ તેમાં 11.5 અબજ ડૉલરનો વધારો થયો છે. કુલ રાષ્ટ્રીય ઉપજ (જીડીપી) સામે બાહ્ય દેવાની સરેરાશ 21.1 ટકા છે. માર્ચ 2020માં આ દેવું 20.6 ટકા હતું. બીજી તરફ અમેરિકન ડૉલર, પાઉન્ડ, યુરો સહિતના ચલણો સામે ભારતીય રૂપિયો ગગડી જવાને કારણે 6.8 અબજ ડૉલરનું નુકસાન થયું છે. બાહ્ય દેવામાં કોમર્શિયલ બોરોઇંગનો હિસ્સો મોટો છે. કુલ દેવામાં કોમર્શિયલ બોરોઇંગ 37.4 ટકા જેટલું છે. તેવી જ રીતે નોન રેસિડન્ટ પાસેથી મેળવવામાં આવેલી ડિપોઝિટ 24.9 ટકા છે. તેમ જ શોર્ટ ટર્મ ટ્રેડ ક્રેડિટની ટકાવારી 17.1 ટકા જેટલી ઊંચી છે. બીજી તરફ લોન્ગટર્મ ડેટ એટલે કે એક વર્ષથી વધુના મેચ્યોરિટી પિરિયડનું દેવું 468.9 અબલ ડોલરનું છે. તેમાં માર્ચ 2020ની તુલનાએ માર્ચ 2021 સુધીમાં 17.3 અબજ ડૉલરનો વધારો થયો છે. તેની સામે શોર્ટ ટર્મ ડેટ 19.1 ટકાથી ઘટીને 17.7 ટકા પર આવ્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ પટેલ કહે છે કે, "દેશનું દેવું વધે તેની સામે એસેટ વધે અને માળખાકીય સુવિધાઓ વધે તો તે નકારાત્મક ન ગણાય. પરંતુ દેવાના વધવાની સાથે સાથે એસેટ વધતી હોવાનું કે વધુ ડેવલપમેન્ટ થતુ હોવાના નિર્દેશ ન મળતા હોવાથી ફંડ બીજે ક્યાંક જઈ રહ્યું હોવાના નિર્દેશો મળી રહ્યા છે. કદાચ તેનો અનપ્રોડક્ટિવ યુઝ થઈ રહ્યો હોવાની શક્યતા રહેલી છે. કારણ કે માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતમાં ભારત દેશ પાછળ ચાલી રહ્યો છે. વિકાસના બીજા કામ દેખાતા નથી. તેની સામે જાહેર ક્ષેત્રની કંપનીઓની એસેટ્સ વેચવામાં આવી રહી છે. આ અર્થતંત્ર માટે નકારાત્મક બાબત ગણાય. અર્થતંત્ર માટેની નકારાત્મક બાબત શેરબજાર પર પણ નકારાત્મક અસર લાવી શકે છે." અત્યારે તેજીનો ટોન હોવાથી તમામ કંપનીઓના શેર્સના ભાવ ઊંચા જઈ રહ્યા છે. લિસ્ટિંગ થયા પછી પણ કંપનીના શેર્સના ભાવ નવી નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ગ્લેન્ડ ફાર્માનો શેર તેનું એક ઉદાહરણ જ છે. પબ્લિક ઇશ્યૂમાં રૂા.1500ના ભાવે તે શેર ઓફર કરાયો હતો. તેનું લિસ્ટિંગ રૂ. 1820ના ભાવે થયું હતું. આજે તેનો બજાર ભાવ રૂ. 4000ની આસપાસનો છે. આ કંપનીની માલિકી ચીનની ફોસૂન ફાર્મા ઇન્ડસ્ટ્રીયલની છે. નવેમ્બર 2020થી તેના ભાવમાં સતત ચઢાઈ જ જોવા મળી રહી છે. ગ્લેન્ડ ફાર્માથી થોડીક વિપરીત ચાલ યુટીઆઈ એસેટમેનેજમેન્ટ કંપનીના શેર્સમાં જોવા મળી હતી. આ શેરની ઓફર પ્રાઈસ રૂ. 554 હતી. તેનું લિસ્ટિંગ ઓફર પ્રાઈસ કરતાં નીચા ભાવે એટલે કે રૂ. 476ના ભાવે થયું હતું. આજે તેનો બજાર ભાવ રૂ. 1000ની આસપાસનો છે. તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડના શેરની રૂ. 1083ની ઓફર પ્રાઈસ સામે રૂ. 2111ના ભાવે તેનું લિસ્ટિંગ થયું હતું. આજે તેનો બજાર ભાવ રૂ. 2025ની આસપાસનો છે. રોલેક્સો રિન્ગ્સ લિમિટેડના IPO પછી સ્ક્રિપનો ભાવ 22 ટકા જેટલો ઉપર ચાલી રહ્યો છે. આમ શેરબજારમાં ચોમેર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી રોકાણકારો સ્ક્રિપની રિયલ માર્કેટ વેલ્યુ પર ધ્યાન જ આપતા નથી. બ્રુકફિલ્ડ આરઈઆઈટીનો શેર તેનું એક ઉદાહરણ છે. રૂ. 275ની ઓફર પ્રાઈસ સામે રૂ. 265ના ભાવે લિસ્ટ થયો હતો. આજે તેનો ભાવ રૂ. 260ની આસપાસનો બોલાઈ રહ્યો છે. આઈઆરએફસીના શેરનો ભાવ પણ એકથી સવા ટકો માઈનસમાં ચાલી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સના શેરની રૂ. 87ની ઓફર પ્રાઈસ સામે તેનું લિસ્ટિંગ રૂ. 73ના ભાવે થયું હતું. આ લખાય છે ત્યારે તેનો બજાર ભાવ રૂ. 66નો બોલાઈ રહ્યો છે. જોકે અત્યારે નરમાઈના ઓછા દ્રષ્ટાંતો છે. તેનાથી નિશ્ચિંત બની જવાને કારણ નથી. ભૂતકાળમાં આર. પાવરના શેર રૂ. 425ના ઊંચા ભાવે એલોટ થયા પછી આજે તેનો ભાવ સિંગલ ડિજિટની આસપાસ જ બોલાઈ રહ્યો છે. આ પ્રકારની ઘટના આજકાલના IPOમાં પણ બની શકે છે. તેથી ચેતતો નર સદા સુખીના અભિગમથી ઇન્વેસ્ટ કરવું શાણપણ ભર્યું ગણાશે. ઘણાં શેર્સના ભાવ તેના ફંડામેન્ટલ્સની તુલનાએ ઉચિત જણાતા નથી. ઇન્ડિગો પેઈન્ટ પણ આ પ્રકારનું એક ઉદાહરણ છે. ઇન્ડિગો પેઈન્ટના શેરનો ઓફર પ્રાઈસ રૂ. 1490 હતી. તેનું લિસ્ટિંગ રૂ. 2700ના ભાવે થયું હતું. આજે તેનો બજાર ભાવ રૂ. 2400ની આસપાસનો છે. આ ભાવમાં સાહજિકતા લાગતી નથી. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ નામની બહુ જ જાણતી પેઈન્ટ કંપનીનો શેર તેના પ્રાઈસ અર્નિંગના 83 ગણા ભાવે બજારમાં વેચાઈ રહ્યો છે. તેની સામે ઇન્ડિગો પેઈન્ટ્સના શેરનો ભાવ તેના કુલ નફાના 200 ગણો બોલાઈ રહ્યો છે, તે કેટલો ઉચિત છે? શેરબજારની આ ચાલ અસહજ અને આતાર્કિક લાગે છે. પરંતુ શેરબજારને અર્થતંત્રની પારાશીશી ગણાવવામાં આવે છે. જે વાસ્તવમાં નથી. તેથી સરકારને પણ શેરબજારની તેજી ટકાવી રાખવામાં રસ હોઈ શકે છે. પરિણામે રિઝર્વ બેન્કે અર્થતંત્રને વેગ આપવા માટે અર્થતંત્રમાં પૈસા ઠાલવવાનું ચાલુ રાખ્યું છે. ભારત સરકારે રૂા. 4.5 લાખ કરોડનું આપેલું પેકેજ પણ તેનો જ એક હિસ્સો ગણી શકાય તેમ છે. આ નાણાં આખરે શેરબજારમાં જ ઠલવાઈ રહ્યા છે. બીજી તરફ સંસ્થાકીય રોકાણકારોએ પણ પૂરી તાકાતથી તેમના પૈસા બજારમાં ઠાલવવા માંડ્યા છે. ( સંસ્થાકીય રોકાણકારોના રોકાણના આંકડાઓ મૂકવા) ત્રીજું, પહેલીવાર જ શેરબજારમાં રોકાણ કરવા આવનારાઓની સંખ્યા વધી છે. જે બજારનું આકર્ષણ ગજબનું વધી ગયું હોવાનો નિર્દેશ આપે છે. આ જ હકીકત પણ બજાર માટે આવનારા મહિનાઓ અમંગળ હોવાની એંધાણી આપે છે. તેથી લિસ્ટિંગ ટાણે કમાઈ લેવાની લાલસા સાથે વધુ લોકો સક્રિય બની ગયા છે. આ વલણ ચાલતું જ રહેશે. લાંબા ગાળા માટે રોકાણ કરનારાઓએ ચેતતા રહેવું જરૂરી છે. ચોથું, વ્યાજના દર 5 ટકાની નીચે સપાટીએ છે. ફુગાવાનો દર તેનાથી ઊંચો છે. (ફુગાવાનો દરની વિગતો લેવી.) તેથી બચતના નાણાંનો પરચેઝિંગ પાવર ઘટી રહ્યો છે. IPOનું મૂલ્યાંકન પણ ચિંતાનો વિષય છે. અત્યાર સુધીમાં આવેલા ઇશ્યૂના ઓફર પ્રાઈસ અને તેના ફંડામેન્ટલ્સ વચ્ચે સુમેળ જણાતો નથી. તેથી જ એકવાર આ તેજીનો પરપોટો ફૂટી ગયા પછી નવા અને શેરબજારની પાક્કી સમજણ ન ધરાવનારાઓએ તો માથે હાથ મૂકીને રોવાની જ નોબત આવી શકે છે. ખોટ કરતી કંપની ઝોમેટોના IPO અંગે પણ પરસ્પર વિરોધાભાસી મંતવ્યો વચ્ચે બજારમાં IPO બહુ જ ઊંચો ભરાયો હતો. સંસ્થાકીય રોકાણકારોએ તેમાં મન મૂકીને રોકાણ કર્યું હતું. બિન સંસ્થાકીય રોકાણકારોએ પણ તેમાં આંખ બંધ કરીને રોકાણ કર્યું છે. તેમ છતાંય ઝોમેટોના પોતાના કર્મચારીઓ માટે અલગ રાખવામાં આવેલો હિસ્સો પૂરો ભરાયો નથી. તે એક ચેતવણીની ઘંટડી જ છે. જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ IPOના જંગી સબસ્ક્રિપ્શન પછી ઝોમેટોને ગયેલી રૂા. 3000 કરોડની ખોટનો ટ્વિટર પર ઉલ્લેખ કર્યો છે. તેમના ભૂતકાળના પરફોર્મન્સને ઇગ્નોર કરીને તેમનામાં વિશ્વાસ મૂકવા જણાવવામાં આવી રહ્યું છે. તેમના ભાવિ વિકાસની શક્યતાને કેન્દ્રમાં રાખીને તેમાં રોકાણ કરવા આવાહન આપવામાં આવ્યું હતું. વાસ્તવમાં પાસ્ટ પરફોર્મન્સને ઇગ્નોર કરી ન શકાય. તેના પાયા પર જ તેની વર્તમાન ઇમારત છે. તેથી ચેતતો ઇન્વેસ્ટર સદા સુખી જ રહે છે. માર્ચ 2021ની સ્થિતિએ પે ટીએમના અંદાજે 33.3 કરોડ વપરાશકારો હતા. તેમાંથી 11.4 કરોડ વપરાશકારો દર વર્ષે આર્થિક વહેવાર તેના માધ્યમથી જ કરે છે. હવે વધુ ઊંડાણમાં ઉતરીએ. ભારતના તમામ ઘરનું મળીને સરેરાશ દેવું જીડીપીના 11 ટકા જેટલું છે. તેની સામે અમેરિકામાં આ દેવાનું 2019ની સાલમાં પ્રમાણ જીડીપીના 75 ટકા જેટલું હતું. તેથી ભારતમાં લોન લેનારાઓની સંખ્યા વધી શકે છે. પે ટીએમ પેમેન્ટ બેન્ક છે. તેથી તે નાણાંનું ધિરાણ કરી શકે તેમ નથી. તેથી ધિરાણ થકી તેની આવક વધવાનો કોઈ જ અવકાશ નથી. જોકે પેટીએમ નાણાં સંસ્થાઓ વતીથી લોનનું વેચાણ કરે છે. તે માટે નાણાં સંસ્થાઓનો ઉપયોગ કરે છે. ડિજિટલ ચેનલથી તે આ કામગીરી કરે છે. ભારતમાં ક્રેડિટ લેનારાઓનું પ્રમાણ માત્ર 4 ટકા જ છે. અમેરિકામાં આ ટકાવારી 32થી 39 ટકાની છે. ચીનમાં તે 53 ટકાની છે. તેનો અર્થ એ થયો કે 31મી માર્ચ 2021ની સ્થિતિએ ભારતમાં 100 જણમાંથી માત્ર 4 જણ જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતના શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા માત્ર 3 ટકા જ છે. તેનો અર્થ એ થયો કે દર 100 વ્યક્તિએ માત્ર 3 વ્યક્તિ જ શેરબજારમાં રેગ્યુલર રોકાણ કરે છે. તેમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં આ ટકાવારી 55ની છે. એક તરફ પેટીએમનો IPO તો બીજી તરફ જીવન વીમા નિગમનો IPO આવવાની તૈયારીમાં છે. અત્યાર સુધીમાં ઘણાં IPO આવી ચૂક્યા છે. તેમાં રોકાણકારોના ખાસ્સા નાણાં આવી ચૂક્યા છે. સંસ્થાકીય રોકાણકારોએ પણ ખાસ્સું ફંડ ઠાલવી દીધું છે. તેથી નવા IPOમાં કેટલું ફંડ આવે તે પણ એક મોટો સવાલ છે. તેથી લિસ્ટિંગ ટાણે તેનો લાભ મળવાની શક્યતા સીમિત થઈ શકે છે. તેથી રોકાણકારોએ લાંબા સમય સુધી તેમના નાણાં રોકી રાખવાની ફરજ પડશે. આ સંજોગોમાં કંપની સારી હોય અને તમને લાગે તે તેમાં સારું વળતર છૂટી શકે છે તો જ તેમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો રહેશે. IPOમાં કમાવાની તુલનાએ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વધુ સલામત બની શકે તેવી સંભાવના રહેલી છે. નાણાંની સલામતી માટે રોકાણકારો આટલું ધ્યાન રાખે એક, તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ પાછળના ઉદ્દેશને સ્પષ્ટ કરી લો. બજાર વધે કે ઘટે તમારા રિટર્ન માટેના ટાર્ગેટ મુજબ રોકાણ કરવાનું આયોજન કરો. તમારે કઈ અસ્ક્યામતમાં રોકાણ કરવું છે તે નક્કી કરી લો. તમારા લક્ષ્યાંકો નક્કી કરી લો. તેમ કરવાથી તમે બજારમાં નાની મોટી ઊથલપાથલ આવે તો ભાવનાત્મક બનીને નિર્ણય લેશો નહિ. બજારની ગતિને તમે તર્કબદ્ધ રીતે સ્વીકારીને ઉતાવળીયા નિર્ણય લેશો નહિ. બીજું, વિશ્વભરમાં બનતી નાની મોટી ઘટનાઓની અસર બજારની ગતિ પર પડતી જોવા મળે છે. તેથી વિશ્વમાં બનતી દરેક ઘટનાઓ પર નજર રાખો. એફઆઈઆઈના રોકાણમાં થતી વધઘટ પર નજર રાખો. સરકારની નીતિઓ કેટલી સંગીન છે તેનો અભ્યાસ કરતાં રહો. મોટી કંપનીઓ તે અંગે કેવો પ્રતિભાવ આપે છે તે પણ વાંચતા રહો. તેમના પોઝિટિવ પ્રતિભાવ બજારને ગતિને નવી રૂખ આપી શકે છે. હાઈનેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ બજારના ઊંડા અભ્યાસી હોય છે. તેમના સ્ટેટમેન્ટ પર પણ ધ્યાન આપો. કોરોના બહુ જ મોટી ઊથલપાથલ લાવવા સક્ષમ છે. તેથી ભારત સરકારની વેક્સિનેશન ડ્રાઈવ કેટલી સંગીન છે તેના પર પણ ધ્યાન રાખો. કોરોનાના કેસો એકાએક અત્યંત વધી જાય અને લૉકડાઉનની નોબત આવે તો અર્થતંત્રના દરેક ગણિતો બદલાઈ શકે છે. તેથી બજારમાં મોટા કરેક્શન આવી શકે છે. તેને આધારે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ અંગે નિર્ણય લઈ શકો છો. નાણાંકીય વિશ્લેષકો અત્યારે દરેકને નાના અને લઘુ ઉદ્યોગની કેટેગરીમાં આવતી કંપનીઓના શેર્સમાં રોકાણ કરવાની ભલામણ કરી રહ્યા છે. તેથી જે બિઝનેસ કોરોના કે નાની મોટી ઘટનાઓને કારણે ન ખોરવાઈ જાય તેવા બિઝનેસ સાથે સંકળાયેલા કંપનીઓના શેર્સમાં જ રોકાણ કરવામાં શાણપણ છે. તેમ જ જે બિઝનેસ નાની મોટી ઘટનાઓને કારણે ખોરવાઈ જાય તેવો હોય તેવી કંપનીઓના શેર્સમાં રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ. ભારતે હવે નિકાસની આવકમાં 20થી 25 ટકાનો વધારો કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. લોકલ ગો ગ્લોબલનું નવું સૂત્ર પ્રધાનમંત્રીએ આપ્યું છે. આ ધ્યેયને સિદ્ધ કરવામાં કેટલા સફળ થાય છે તે પણ અર્થતંત્રની દિશા નક્કી કરવામાં મોટો ફાળો આપશે. અર્થતંત્રની ગતિ શેરબજારની ચાલને નિયંત્રિત કરવામાં અમુક અંશે ભૂમિકા ભજવે છે તે હકીકતને કોઈ જ નકારી શકશે નહિ. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા કેટલી છે તેના પર પણ નજર રાખો. ઇન્વેસ્ટમેન્ટ કરવાના તમારા વ્યૂહને ધ્યાનમાં રાખીને તમારા પોર્ટફોલિયોની વિવિધતા પર નજર રાખો. શેરબજારમાં કરેક્શન આવે તો તેની અસર એક સામટી બધી કંપનીઓના શેર્સ પર પડતી નથી. તેથી તમારા પર પણ એકઝાટકે મોટી અસર ન આવે તે રીતે તમારો પોર્ટફોલિયો તૈયાર કરો. શોર્ટ ટર્મમાં અને લોન્ગટર્મમાં લાભ કરાવે તેવો પોર્ટફોલિયો બનાવો. સ્ટોક ઉપરાંત ફિક્સ આવક આપે તેવા ઇન્વેસ્ટમેન્ટ પણ રાખો. તમારા કુલ ઇન્વેસ્ટમેન્ટમાં વધુ જોખમવાળું ઇન્વેસ્ટમેન્ટ વધી ન જાય તેવી તકેદારી રાખો.

શેરબજાર આજે આસમાન પર તો આવતીકાલે ખાઈમાં જઈ શકે છે. શેરબજાર અનિશ્ચિતતાથી ભરપૂર છે. શેરબજારમાં રોકાણ કર્યા પછી સ્ક્રિપ અંગે અને બજારની ચાલ અંગે જાતજાતની વાત સાંભળવા, જાણવા મળે છે. કઈ વાતને કેટલી ગંભીરતાથી લેવી તે તમારા પર છે. તેનાથી ભયભીત થઈને કે ઉત્સાહમાં આવી જઈને કોઈ જ નિર્ણય લેવાવો જોઈએ નહિ. જોખમ લેવાની તમારી ક્ષમતાથી આગળ ક્યારેય ન વધો. તમારા ઇન્વેસ્ટમેન્ટ થકી કેટલું કમાવું છે તે નક્કી કર્યા પછી તેને વળગી રહો. વધુ લોભ ન કરો. આર્થિક બાબત અંગે કોઈપણ નિર્ણય લેતા પૂર્વે સમજી લો કે તમારા ભાવિ આયોજન પર તેની કેવી અસર પડી શકે છે. તમારા ફાઈનાન્શિયલ એક્સપર્ટને કન્સલ્ટ કરીને પછી જ નિર્ણય લો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 54000 પોઈન્ટની નજીક સરકી રહ્યો છે. આ સ્થિતિમાં ગમે ત્યારે મોટું કરેક્શન આવી શકે છે. બજારની અફરાતફરી માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.
Comments