top of page

આજે સ્ટોક માર્કેટમાં શુ કરશો

  • Team Vibrant Udyog
  • Aug 30, 2022
  • 2 min read


અઠવાડિયાના પહેલા દિવસે સેન્સેક્સ 861 અને નિફ્ટી 246 પોઈન્ટ અને બેન્ક નિફ્ટી 710 પોઈન્ટ ઘટીને બંધ આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં બેન્ક નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી ત્રણેય ઇન્ડેક્સે જે વધારો આવ્યો હતો તો તે સુધારો એક જ દિવસના ટ્રેડિંગ સેશનમાં આવેલા ઘટાડાને કારણે ધોવાઈ ગયો હતો. બજાર પાછળથી બાઉન્સબેક થયું હતું. બજારમાં ફરી એકવાર એફઆઈઆઈ રોકડના સેગમેન્ટમાં વેચવાલ બની હતી. ઉપરાંત એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચર, ઇન્ડેક્શ ઓપ્શન અને સ્ટોક ફ્યુચરમાં વેચવાલી કાઢી હતી.


ડૉલર સામે રૂ. 80ની ઉપરના લેવલે પહેલીવાર બંધ આવ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષની ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. વૈશ્વિક બજારો આજે પણ નરમાઈ દર્શાવી રહ્યા છે. ડાઉજોન્સ તથા યુરોપના બજારો નેગેટીવ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. માર્કેટ બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. નિફ્ટીના 50 સ્ટોક્સમાંથી 39 સ્ટોક્સ અને નિફ્ટી 500માંથી 366 સ્ટોક્સ ઘટીને બંધ આવ્યા હતા.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં 5જી સર્વિસ ચાલુ કરવાની અને તેની પાછળના રોકાણ તથા રિટેઈલ બિઝનેસ તથા ન્યુ એનર્જી બિઝનેસના પ્લાનની રૂપરેખા આપવામાં આવી હતી. આજે ઇન્ડેક્સ અને નિફ્ટી ઘટવા છતાં નિફ્ટીના જે સ્ટોક્સે સુધારો દર્શાવ્યો છે તેમાં એફએમસીજી સેક્ટરમાં બ્રિટાનિયા, નેસલે, મારુતિ સૂઝુકી, એશિયન પેઈન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર અને આઈટીસી મુખ્ય હતા. મંગળવારે પણ બજાર રેન્જબાઉન્ડ મુવમેન્ટ દર્શાવે તેવી શક્યતા છે. તેમ જ નેગેટિવ બાયસ વાળુ રહે તેવી શક્યતા છે. પરંતુ પ્રાઈસ પેટર્ન પ્રમાણે વેલ્યુ વેઈટેડ એવરેજ પ્રાઈસને ધ્યાનમાં લેવાય તો કે.આર.બી.એલ (ભાવ રૂ. 303), આઈડીએફસી ફર્સ્ટ બેન્ક (ભાવ 48.50) અને એલઆઈસી હાઉસિંગ (ભાવ 404) પોઝિટિવ મોમેન્ટમ દર્શાવે તેવી શક્યતા છે.


ટેકનિકલી વાત કરીએ તો સતલજ જલ વિકાસ નિગમ, ઇન્ડિયા સિમેન્ટમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળે તેવો બ્રેકઆઉટ આપ્યો છે. ઉપરાંત એજિસ લોજિસ્ટિકનો ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. વૈભવ ગ્લોબલ 78 દિવસ પછી પોઝિટીવ ટ્રેન્ડમાં પ્રવેશ્યો છે. ટૂંકા ગાળા માટે આ બે સ્ક્રિપને ધ્યાનમાં રાખી શકાય. રિલેટીવ સ્ટ્રેન્ગ્થ ઇન્ડેક્સની દ્રષ્ટિએ વાત કરીએ તો પોઝિટીવ ટ્રેન્ડ દર્શાવતા શેર્સમાં કેથલિક સિરિયન બેન્ક, મેપ માય ઇન્ડિયા અને સુરદર્શન કેમિકલ તથા મિન્ડા કોર્પોરેશન મુખ્ય છે.


સમગ્રતયા જોઈએ તો બજારમાં સ્ક્રિપ સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળે તેવી સંભાવના છે. આજના સેન્સેક્સ અને નિફ્ટીએ તળિયાના લેવલ બનાવ્યા તે ચાલુ સપ્તાહના બાકીના દિવસોમાં ન તૂટે તો આ સપાટીથી બજાર બાઉન્સ બેક કરી શકે છે. સેન્સેક્સ તળિયાની સપાટી 57367, નિફ્ટીએ 17166 અને બેન્ક નિફ્ટીએ 37943ના તળિયા બનાવ્યા હતા. આ લેવલ બાકીના ચાર દિવસોમાં ન તૂટે તો બજારમાં ચોક્કસ પણે આ સપાટીથી બાઉન્સ બેક આવી શકે છે. આ લેવલથી જાય તો બજારમાં વધુ નરમાઈની શક્યતા નકારી શકાતી નથી. અત્યારે બજાર સેલ ઓન રાઈઝના મોડમાં ચાલી રહ્યું છે.


નિલેશ કોટક


ધનવર્ષા ફિનકેપ પ્રા.લિ.

Comments


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page