બાબુ સમજો ઈશારે... ક્રિપ્ટો અંગે સરકારે બજેટમાં શું કહ્યું?
- Team Vibrant Udyog
- Feb 4, 2022
- 2 min read

આ બજેટમાં સરકાર ક્રિપ્ટો કરન્સી અંગે સરકાર કેવું વલણ દાખવશે તેને લઈને અનેક મતમતાંતર હતા. સરકારે ક્રિપ્ટો કરન્સી જ નહિ, ટોકન્સ, NFT સહિતની તમામ ડિજિટલ એસેટ્સ પર 30 ટકા ફ્લેટ ટેક્સ અને તેના ટ્રાન્સફર પર 1 ટકા ટેક્સ ડિડક્શનની જોગવાઈ કરી છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઝીલ બંગડીવાલા જણાવે છે, "એક વાત સ્પષ્ટ છે કે સરકાર ક્રિપ્ટોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માંગતી નથી. જો સરકારે ક્રિપ્ટોને કાયદેસર બનાવવી હોત તો તેના પર 30 ટકા ફ્લેટ ટેક્સ લાદવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ અને ઈક્વિટીની જેમ તેને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈનમાં બાયફરકેટ કરી દેત અને તેના પર ટેક્સ પણ ઓછો રાખત. ઈક્વિટીમાં તો ડિમેટ ચાર્જ વગેરે બાદ મળે છે. ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શનમાં પ્લેટફોર્મ દ્વારા કોઈ ચાર્જ વસૂલવામાં આવશે, નુકસાન થશે તો તે ક્યાંયથી બાદ મળશે નહિ. આ સ્પષ્ટ દર્શાવે છે કે સરકાર રોકાણકારોને ક્રિપ્ટોમાં પૈસા રોકવા માટે પ્રોત્સાહન આપવા માંગતી નથી."
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ વધુમાં જણાવે છે, "આપણા દેશમાં એવો કોઈ કાયદો નથી કે હું ક્રિપ્ટો કરન્સી હોલ્ડ ન કરી શકું. કાયદા મુજબ હું ક્રિપ્ટોનો અધિકૃત કરન્સી તરીકે એટલે કે માલ કે પૈસાની આપ-લે માટે ઉપયોગ ન કરી શકું. સરકારે લોટરી પર જે ટેક્સના કાયદા છે તે ક્રિપ્ટો કરન્સી પર લાગુ પાડ્યા છે."
ક્રિપ્ટોકરન્સી અંગે કરેલી જાહેરાતમાં નીચેના મુદ્દા ખાસ ધ્યાનમાં લેવા જેવા છેઃ
- ક્રિપ્ટોકરન્સીને ઈન્કમટેક્સ એક્ટની કલમ 2 (47એ) અંતર્ગત 'વર્ચુઅલ ડિજિટલ એસેટ' તરીકે ઓળખ મળી છે.
- કલમ 115BBH ઉમેરીને સ્પષ્ટતા કરાઈ છે કે વર્ચુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફરથી થતી આવક પર સરકાર 30 ટકા ટેક્સ (ઉપરાંત જો લાગુ પડતા હોય તો સરચાર્જ) વસૂલ કરશે.
- 30 ટકા ટેક્સને કારણે ક્રિપ્ટોમાં રોકાણ આકર્ષણ ગુમાવી દેશે. રોકાણકારો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તરફ વધુ વળશે. શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં થતા નફા પર 15 ટકા શોર્ટ ટર્મ અને 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે.
- ક્રિપ્ટો એસેટમાં ખરીદીની કિંમત સિવાય કોઈપણ ખર્ચ બાદ નહિ મળે.
- ક્રિપ્ટોમાં નફો થશે તો તેની સામે લોસ સેટ ઑફ નહિ કરી શકાય, તે પછીના વર્ષમાં કેરી ફોરવર્ડ થશે.
-ક્રિપ્ટો એસેટમાં નુકસાન થશે તો તે ક્યાંય પણ સેટ ઓફ કરી નહિ શકાય.
- ક્રિપ્ટો એસેટ ખરીદતી વખતે ખરીદદાર પાસેથી 1 ટકા ટીડીએસ ડિડક્ટ કરવામાં આવશે. જો ટ્રાન્ઝેક્શનની કિંમત આખા નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 10,000થી ઓછી હશે તો કોઈ ટેક્સ લાગશે નહિ.
તો પછી સરકાર પોતાની ડિજિટલ કરન્સી કેમ લોન્ચ કરવા માંગે છે?

સરકાર ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપવા નથી માંગતી પરંતુ સરકારે બ્લોકચેઈન આધારિત ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ અંગે વાત કરતા સી.એ હેમ છાજેડ જણાવે છે, "પહેલું, ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ ઘણું મોટું છે. વળી, ફોરેક્સ ફ્લક્ચુએશનની તેના પર અસર પડતી નથી. આમ જોવા જઈએ તો ક્રિપ્ટો કરન્સી પ્રમાણમાં સસ્તી અને સિક્યોર્ડ છે. તેને છાપવાનો ખર્ચ નથી કરવો પડતો. આવા અનેક કારણસર સરકારે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનો નિર્ણય લીધો હોઈ શકે છે."
ક્રિપ્ટો કરન્સીમાં પાવર કન્ઝમ્પશનની સમસ્યા વિકરાળ છે. વળી તેને ટ્રેક કરવી મુશ્કેલ છે. ક્રિપ્ટોના આ પડકારોનો સરકાર કેવી રીતે સામનો કરશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી. વળી, આ ડિજિટલ કરન્સી સરકારે થોડા મહિના પહેલા જાહેર કરેલા ઈ-રૂપી કરતા જુદી હશે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે.
Comentarios