ક્રિપ્ટોકરન્સીમાં છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો કાયદાકીય રીતે શું પગલા ભરી શકાય?
- Team Vibrant Udyog
- Mar 7, 2022
- 5 min read
અત્યાર સુધી 1 કરોડ જેટલા ભારતીયો ક્રિપ્ટોકરન્સી સ્કેમમાં પૈસા ગુમાવી ચૂક્યા છે.
ધ્યાન નહિ રાખો તો ક્રિપ્ટો વોલેટમાંથી કરન્સી ચોરી થતા વાર નહિ લાગે

ફક્ત ભારત જ નહિ, આખા વિશ્વમાં વર્ષ 2021માં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. હાલ 10 કરોડથી વધુ ભારતીયોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે. પરંતુ રોકાણનું આ ક્ષેત્ર નવું નવું છે. તેને અંગે હજુ પૂરતું સંશોધન થયું નથી અને જાગૃતિનો પણ અભાવ છે. તેને કારણે ઘણા ભારતીયો ક્રિપ્ટોકરન્સીને લગતા સ્કેમનો ભોગ બન્યા છે. Chainalysis (ચેનાલિસિસ)ના રિપોર્ટ મુજબ 2021માં ફેક ક્રિપ્ટો વેબસાઈટ પર ભારતમાંથી 96 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા હતા. આવી સ્કેમ વેબસાઈટ્સમાં Coinpayu.com, Adbtc.top, Hackertyper.net, Dualmine.com, Coingain.appનો સમાવેશ થાય છે. ચેનાલિસિસના રિપોર્ટ મુજબ ક્રિપ્ટોકરન્સી સ્કેમ કરનારાઓએ 2021માં વિશ્વભરમાંથી $7.7 બિલિયનના (લગભગ રૂ. 58,597 કરોડ) મૂલ્યની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી.
મોટાભાગે રેન્સમવેર (સામાન્યભાષામાં જેને કોમ્પ્યુટર કે મોબાઈલ વાઈરસ કહેવાય છે તે). પોન્ઝી સ્કીમના માધ્યમથી રોકાણકારોને છેતરવાની કોશિશ કરવામાં આવી હતી. 2022ની વાત કરીએ તો આવા ગેરકાયદેસર ખાતા પાસે હાલ $10 બિલિયનથી વધુની ક્રિપ્ટોકરનન્સી છે, જેમાંથી મોટાભાગની ચોરેલી છે.
કઈ રીતે થાય છે ક્રિપ્ટોકરન્સીની ચોરી?
ક્રિપ્ટોકરન્સીની ફેક વેબસાઈટ ગેરકાયદેસર રીતે તેના વિઝિટરની પર્સનલ ઈન્ફોર્મેશન ચોરી કરી લે છે. તેમાં નામ, ઈમેઈલ, ફોન નંબર સહિતની માહિતીનો સમાવેશ થાય છે. આવી સ્કેમ કરનારી વેબસાઈટ્સ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સને ફેક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન આપીને તેમને છેતરી લે છે.
ઉદાહરણ આપીને વાત કરીએ તો કેરળના 31 વર્ષના નિષાદ નામના યુવાને morriscoin.com નામની વેબસાઈટ બનાવીને રૂ. 1200 કરોડનો ગોટાળો કર્યો હતો. તેણે હયાત પણ ન હોય તેવી મોરિસ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી તગડું રિટર્ન આપશે તેવો વાયદો કરીને લગભગ 900 જેટલા રોકાણકારો પાસેથી રૂ. 1200 કરોડ ખંખેરી લીધા હતા. નવાઈની વાત એ છે કે વેબસાઈટ પર નિષાદનો કોન્ટેક્ટ એડ્રેસ કે ફોન નંબર ન હોવા છતાંય લોકોએ આંખ બંધ કરીને રૂપિયા ઈન્વેસ્ટ કરી દીધા હતા. નિષાદે તેમને વાયદો કર્યો હતો કે તેમને ઈન્વેસ્ટ કરેલી રકમના 3 ટકા પ્રતિ દિન પરત મળશે.

સ્કેમ કરનારા વ્હોટ્સએપ અને ટેલિગ્રામ જેવી નેટવર્કિંગ એપ પર મેસેજ મોકલીને પણ ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સને ટાર્ગેટ કરતા હોવાનું જોવા મળ્યું છે. ગત વર્ષે નવેમ્બરમાં શિબા ઈનુ ક્રિપ્ટો કરન્સીના ઑફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રોકાણકારોને ટેલિગ્રામ મારફતે થતા સ્કેમથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ 2021માં ક્રિપ્ટો કરન્સી ફ્રોડને લગતી 72 ફરિયાદ મહારાષ્ટ્રમાં અને 50 ફરિયાદ દિલ્હીમાં નોંધાઈ હતી. દિલ્હીમાં 24 વર્ષના કપિલ સિંહના લાખો રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ડૂબી ગયા હતા. તેણે સોશિયલ મીડિયા પર અનેક હેન્ડલ્સ પર તપાસ કરી, મિત્રો સાથે ચર્ચા કરીને બિટકોઈન અને ઈથિરિયમમાં ઈન્વેસ્ટ કરવાનું નક્કી કર્યું. તેમણે ટ્વીટર પર એક વ્યક્તિની પ્રોફાઈલ જોઈ જેનું એકાઉન્ટ પણ વેરિફાઈડ હતું અને ફોલોઅર્સની સંખ્યા લાખોમાં હતી. તેમને ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ માટે તેની સ્કીમ સારી લાગતા તેમણે મહિને રૂ. 5000-10,000 તેમાં રોકવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં તેને થોડા રિફંડ અને ગિફ્ટ પણ મળ્યા. કપિલના અમુક મિત્રોને તો ફોન પણ ગિફ્ટમાં મળ્યા. રૂ. 25,000ના ઈન્વેસ્ટમેન્ટ સામે સેમસંગના મોંઘા ફોન મેળવીને તે ઈમ્પ્રેસ થઈ ગયા. એ વ્યક્તિએ પછી તેન વેબસાઈટ મારફતે ઈથિરિયમમાં રૂ. 70,000નું ઈન્વેસ્ટમેન્ટ કરવા જણાવ્યું. સારા રિટર્નની આશાએ યુવાને રોકાણ તો કર્યું પણ તેને થોડા સમય પછી ખબર પડી કે એ વેબસાઈટ ગાયબ થઈ ગઈ છે. તેની જેમ બીજા 500 રોકાણકારો પણ તેમાં છેતરાયા હતા. પોલીસ પણ જણાવે છે કે યુવાનોને રિવોર્ડ અને તગડા રિટર્નની લાલચ આપીને ફસાવવામાં આવે છે. સ્કેમ કરનારાઓ ચીનમાં ફેક એપ બનાવે છે અને પછી સોશિયલ મીડિયા બલ્ક મસેજિંગ, મલ્ટી લેવલ માર્કેટિંગ વગેરે થકી રોકાણકારોને લલચાવે છે. આટલું જ નહિ, તેઓ પેટીએમ, ગૂગલ પે જેવા પેમેન્ટ ગેટ વે થકી પણ પેમેન્ટ સ્વીકારે છે જેથી રોકાણકારોને લાગે કે તે જેન્યુઈન જ છે. આ રીતે વધારે રોકાણકારોને લલચાવીને તેઓ રાતોરાત વેબસાઈટ ગાયબ કરીને કરોડો રૂપિયા લઈ ફરાર થઈ જાય છે.
કાયદો શું કહે છે?
રિઝર્વ બેન્કે વર્ચુઅલ કરન્સી અંગે 2021માં જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ કરતી વખતે RBIએ તમામ એન્ટિટીને KYC (નો યોર કસ્ટમર), AML (એન્ટિ-મની લોન્ડરિંગ) અને CFT (કોમ્બેટિંગ ફાયનાન્સિંગ ઑફ ટેરરિઝમ) અને PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ)ના કાયદાનું પાલન કરવાની સલાહ આપી છે. ભૂતકાળમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થયો હોવાના કિસ્સા બન્યા છે. આવા ગંભીર ગુનામાં જે કાયદા અસ્તિત્વમાં છે તેના નિયમો ક્રિપ્ટોને લાગુ પડે છે. એટલે કે ડ્રગ ટ્રાફિકિંગ માટે ક્રિપ્ટોનો ઉપયોગ થાય તો NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ) 1985ના નિયમો લાગુ પડશે. NCBએ આવા કિસ્સામાં ક્રિપ્ટો વૉલેટ ફ્રીઝ કર્યા હોવાના પણ કિસ્સા બન્યા છે. આ રીતે મની લોન્ડરિંગ માટે ક્રિપ્ટોનો ઉપયોગ થયો હોય તો PMLA 2002 અને AML (એન્ટિ-મની લોન્ડરિંગ)ના કાયદા લાગુ પડશે.

હવે વાત કરીએ ફાયનાન્શિયલ ફ્રોડની. CoinDCX, Coinswitch Kuber અથવા WazirX ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ માટે પ્લેટફોર્મનું કામ કરે છે. તેઓ રૂપિયાને ક્રિપ્ટો અને ક્રિપ્ટોને રૂપિયામાં કન્વર્ટ કરી આપે છે. આવા ટ્રાન્ઝેક્શનમાં કોઈ ગોટાળા થાય તો તે IPCની કલમ 403 ( બદદાનતથી નાણાંની ઉચાપત), 411 (બેઈમાનીથી ચોરેલી પ્રોપર્ટી મેળવવી), 420 (છેતરપિંડી) અંતર્ગત ગુનો નોંધાય છે. આવા ગુનાનો ભોગ બનેલા આ કાયદા અંતર્ગત ન્યાયની માંગણી કરી શકે છે. ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે પરંતુ CrPCની કલમ 179 અને 180 અંતર્ગત કાયદાનું રક્ષણ મળે છે.
છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો શું કરી શકો?
ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગમાં તમે છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તમે ન્યાય મેળવી શકો છો.
- તમને ક્રિપ્ટો એક્સચેન્જ વૉલેટમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો એક્સચેન્જના કસ્ટમર સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો અને તેમના પ્રતિનિધિ સાથે વાત કરો. તેમની સાથે રહેલી વાતચીતનો રેકોર્ડ જાળવી રાખો.
- જો મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરે તો સ્થાનિક સાઈબર-ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન સેલ અથવા તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. તેમને ગુનાના પ્રકાર, નુકસાનીની રકમ, લાગતાવળગતા દસ્તાવેજ, ડેટા અને ફરિયાદને લગતી તમામ માહિતી પૂરી પાડો. કસ્ટમર સર્વિસ સેન્ટર સાથે તમારે જે વાત થઈ હોય તેની કોપી પણ અટેચ કરો.
- એવુ જોવામાં આવ્યું છે કે પોલીસ આવા કેસ રજિસ્ટર કરવાથી દૂર ભાગે છે કારણ કે ટેક્નીકલી ક્રિપ્ટોકરન્સી કેવી રીતે કામ કરે છે તે અંગે ખાસ જાણકારી નથી. જો પોલીસ ફરિયાદ લેવાની ના પાડે તો ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરીને CrPCની કલમ 200 અંતર્ગત ન્યાય માંગ શકે છે.
આટલું ધ્યાન રાખોઃ
- રોકાણ કરતા પહેલા ક્રિપ્ટો પ્રોજેક્ટ અંગે ઊંડાણપૂર્વક રિસર્ચ કરો. શરૂઆતમાં તમને આ કામ કંટાળાજનક લાગી શકે છે પરંતુ લાંબાગાળે તમે સુરક્ષિત રહી શકશો.
- Coinmarketcap, Coingecko, Messari જેવી વેબસાઈટ પર ક્રિપ્ટો પ્રોજેક્ટની વિગતો મળી રહે છે. જે પ્રોજેક્ટનું માર્કેટ કેપિટલાઈઝેશન ઓછું હોય તેમાં પૈસા રોકવાથી બચો.
- $100 મિલિયન કરતા ઓછા માર્કેટ કેપ ધરાવતા કોઈનમાં ઈન્વેસ્ટ કરવાથી બચવું જોઈએ.
- છેતરપિંડી કરનારાઓ વેબસાઈટના નામ લગભગ સરખા જેવા જ રાખે છે. આથી ખૂબ તકેદારી રાખીને વેબસાઈટ સિલેક્ટ કરો. લોગિન-પાસવર્ડની વિગતો ફોન પર ક્યારેય શેર ન કરશો. ગૂગલ ઓથેન્ટિકેટર અને પાસવર્ડ મેનેજર થકી તમે તમારો પાસવર્ડ ચોરી થતા બચાવી શકો છો.
- ક્રિપ્ટો કરન્સીમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોવ તો હાર્ડવેર વોલેટ વધુ સુરક્ષિત વિકલ્પ છે.
ક્રિપ્ટો પર ટેક્સ લેવા માંગતી સરકાર રોકાણકારોને રક્ષણ આપે

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ક્રિપ્ટોકરન્સી અંગે વલણ સ્પષ્ટ કરવાની તાકીદ કરતા પૂછ્યું છે કે બિટકોઈન ભારતમાં કાયદેસર છે કે નહિ. ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટો પર ટેક્સ લાદ્યો એનો અર્થ એ નહિ કે તે કાયદેસર છે. આ અંગે વાત કરતા એડવોકેટ સંદીપ ક્રિસ્ટી જણાવે છે, “જો સરકાર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર ૩૦ ટકા જેટલો ઊંચો ટેક્સ લેવા માંગતી હોય તો તેમણે રોકાણકારોને રક્ષણ પણ આપવું જોઈએ. કોઈ લીગલ ફ્રેમવર્કની ગેરહાજરીમાં કેસ સાઈબર ક્રાઈમમાં નોંધવો, આઈપીસી હેઠળ પગલા લેવા, મની લોન્ડરિંગ અંતર્ગત કાર્યવાહી કરવી તે અંગે મૂંઝવણ સર્જાઈ શકે છે. સૌથી પહેલા ભારતમાં ક્રિપ્ટો કરન્સી કાયદેસર છે કે નહિ તે નક્કી થાય પછી જ તેમાં છેતરપિંડીમાં કયા કાયદા હેઠળ પગલા ભરી શકાય તે નિશ્ચિત કરી શકાય.”
Opmerkingen