આર્થિક પરિસ્થિતિ સુધારવી છે? આ રહી ગોલ્ડન ટિપ્સ
- Team Vibrant Udyog
- Sep 18, 2021
- 4 min read
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે હાલ જે આર્થિક પરિસ્થિતિમાં છે તેના કરતા આવતી કાલે તેની પરિસ્થિતિ વધારે મજબૂત હોય. દરેકના આર્થિક લક્ષ્યાંક હોય છે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે આયોજન સાથે આગળ વધવું જરૂરી છે. જો તમે અમુક ટિપ્સ તમારા જીવનમાં ઉતારશો તો ટૂંકા ગાળામાં તમે વર્તમાન કરતા વધારે સારી સ્થિતિમાં હશો તે નિશ્ચિત છે.
1. નેટ વર્થ અને પર્સનલ બજેટનું ગણિત બેસાડોઃ
મોટાભાગના લોકો પૈસા વિષે ઊંડી સમજ નથી ધરાવતા. તેઓ ફક્ત એટલું જ સમજે છે કે પૈસો તો આવે અને જાય. પરંતુ આર્થિક સ્થિતિ સુધારવા માટે તમારે સૌથી પહેલા તમારા નેટ વર્થનું ગણિત કરવું પડે છે. નેટ વર્થ એટલે તમારા માથે રહેલી આર્થિક જવાબદારી અને તમારી મૂડી વચ્ચેનો તફાવત. તમારી નેટ વર્થ ગણવા માટે પહેલા તમારી પાસે જે એસેટ (તમે જેની માલિકી ધરાવતા હોવ) તેનું અને તમારી આર્થિક જવાબદારીઓનું લિસ્ટ બનાવો. નેટવર્થનો આંકડો મેળવવા માટે તમારી મૂડીમાંથી તમારી આર્થિક જવાબદારીને બાદ કરી દો. આ માટે તમારે સૌ પહેલા તો તમારા ખર્ચનું આયોજન કરવું પડશે. આ સાથે તમે કયા અને કેટલા ખર્ચ ઘટાડી શકો છો તેની ગણતરી કરો. તમારા ભવિષ્યના લક્ષ્યો માટે બચત કરો, સમજદારીપૂર્વક ખર્ચ કરો. આ ઉપરાંત આકસ્મિક ખર્ચ માટે થોડી રકમ બાજુમાં રાખો. સૌથી મહત્વની વાત, તમે કેટલો ખર્ચ કરવા માંગો છો અને કેટલું બચાવવા માંગો છો તેની પ્રાથમિકતા નક્કી કરો.

તમે અનેક રીતે પર્સનલ બજેટ બનાવી શકો છો. પરંતુ આ તમામમાં તમારે તમારી આવકનો અને ખર્ચનો અંદાજ માંડવો પડશે. તમારા બજેટમાં તમે આવક-જાવકની જે કેટેગરી બનાવશો તે તમારી પરિસ્થિતિ મુજબ બદલાતી રહેશે. તમે એક વાર આવક અને ખર્ચની ધારણા બેસાડો, પછી તમારા ખર્ચને તમારી આવકમાંથી બાદ કરો. જો ત્યાર બાદ પૈસા બચે તો તે સરપ્લસ રકમ છે. તમે નક્કી કરી શકો છો કે એ રકમ તમારે વાપરવી છે, બચાવવી છે કે પછી ઈન્વેસ્ટ કરવી છે. જો તમારા ખર્ચ તમારી આવક કરતા વધારે હોય તો તમારે કાં તો તમારી આવક વધારવી પડશે અથવા તો ખર્ચ ઘટાડવા પડશે. મોટાભાગના લોકો જેમ વધુ કમાય, તેમ ખર્ચ પણ વધારે કરે છે. તેને લાઈફસ્ટાઈલ ઈન્ફ્લેશન તરીકે ઓળખવામાં આવે છે. આ બાબત તમારા માટે જોખમી પુરવાર થઈ શકે છે.
સામાન્ય રીતે લોકો પોતાની આવકમાંથી ખર્ચ બાદ કરીને જે રકમ બચે તે ઈન્વેસ્ટ કરે છે. વાસ્તવમાં તો આવકમાંથી પહેલા ઈન્વેસ્ટમેન્ટ વિષે વિચારવું જોઈએ અને બાકી રકમ બચે તેમાંથી ખર્ચનું આયોજન કરવું જોઈએ.
2. લાઈફસ્ટાઈલ ઈન્ફ્લેશનને ઓળખો અને મેનેજ કરોઃ
મોટાભાગના લોકો પાસે જો વધારે પૈસા આવશે તો તે વધુ ખર્ચ કરવાનું પસંદ કરશે. જેમ જેમ લોકો પોતાની કારકિર્દીમાં આગળ વધતા જાય છે, વધારે પગાર મેળવતા થાય છે, તેમ તેમ તેમના ખર્ચમાં વધારો થતો જાય છે જેને લાઈફસ્ટાઈલ ઈન્ફ્લેશન તરીકે ઓળખવામાં આવે છે. જો તમે અત્યારે તમારા બધા ખર્ચ ઊઠાવી શકતા હોવ તો પણ લાંબા ગાળે લાઈફસ્ટાઈલ ઈન્ફ્લેશન તમારા માટે હાનિકારક પુરવાર થઈ શકે છે. આ આદત તમારી સંપત્તિ સર્જનની તક ઉપર સીધી તરાપ મારે છે. તમે જેટલા વધુ રૂપિયા ખર્ચ કરો છો, રિટાયરમેન્ટ બાદ તમારી પાસે એટલા જ ઓછા રૂપિયા બચે છે.
તમારી આવક વધે, તમે જીવનમાં આગળ વધો તેમ અમુક ખર્ચ વધે તે સ્વાભાવિક છે. તમારી નવી પોઝિશનને અનુરૂપ નવા કપડા ખરીદવા પડે, તમારા પરિવારનું વિસ્તરણ થાય ત્યારે તમારે વધારે બેડરૂમ વાળા ફ્લેટની જરૂર પડે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત કામમાં તમારી જવાબદારી વધે તેમ તમે ઘરની સાફસફાઈ કરવા માટે વધારે માણસ રાખો અને મિત્રો તથા પરિવારજનો સાથે વધારે સારો ગુણવત્તાસભર સમય વીતાવવાનું પસંદ કરો તે પણ સ્વાભાવિક છે. આથી તમને શેની જરૂર છે, તમને શું જોઈએ છે તેની વચ્ચે ભેદ પારખતા શીખી જાવ.
3. ઈચ્છા અને જરૂરિયાત વચ્ચે ભેદ પારખતા શીખો, સમજીને ખર્ચ કરોઃ
તમારી પાસે અમર્યાદિત સંપત્તિ ન હોય ત્યાં સુધી તમે સમજી વિચારીને ખર્ચ કરો એ જ તમારા હિતમાં છે. તમને શેની જરૂર છે અને તમને શું જોઈએ છે, તેની વચ્ચેનો ભેદ પારખતા શીખી જાવ. આમ કરવાથી તમે કઈ ચીજમાં ખર્ચ કરવો તેના વધુ સારા નિર્ણય કરી શકશો. જરૂરિયાત એટલે એવી ચીજો જે તમારે જીવવા માટે જરૂરી છે- જેમ કે ખોરાક, પાણી મકાન, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટેશન, થોડા કપડા. ઘણા લોકો બચતને પોતાની જરૂરિયાતમાં ગણે છે અને તેમની આવકનો 10 ટકા હિસ્સો દર મહિને બચત માટે સાઈડમાં મૂકી દે છે. ઈચ્છા એટલે એવી ચીજો જે તમને ગમે છે પરંતુ ટકી રહેવા માટે તે આવશ્યક નથી.

4. જીવનમાં વહેલું ઈન્વેસ્ટ કરવાનું ચાલુ કરી દોઃ
એવું કહેવાય છે કે બચત કરવા અને રિટાયરમેન્ટ માટે રોકાણ કરવા માટે ક્યારેય મોડું નથી હોતું. આ વાત સાચી હોઈ શકે પરંતુ તમે જેટલું જલ્દી શરૂ કરશો, તેટલા વધારે ફાયદામાં રહેશો. કારણ કે પૈસો પૈસાને ખેંચે છે અને તેની તાકાત વિશ્વની આઠમી અજાયબી છે તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તમે બચતના પૈસાને રિઈન્વેસ્ટ કરી શકો છો, તેમાંથી તમને વધારે મોટી આવક થશે. તમારું આર્થિક આયોજન સજ્જડ હશે તો કોઈ અણધાર્યા ખર્ચ માટે તમારી પાસે રોકડની થપ્પીઓ તૈયાર જ હશે.
5. અણધાર્યા ખર્ચ માટે એક ઈમર્જન્સી ફંડ બનાવોઃ
નામ સૂચવે છે તેમ જ ઈમર્જન્સી ફંડ એટલે એવી રકમ જે જીવનના અણધાર્યા ખર્ચ માટે સાઈડમાં રાખવામાં આવી હોય. આ ફંડ એના માટે બચાવવાનું છે જેનો સમાવેશ તમે પર્સનલ બજેટમાં નથી કર્યો. જેમ કે, કાર રિપેરિંગનો અણધાર્યો આવી પડેલો ખર્ચ કે પછી ડેન્ટિસ્ટ પાસે કરાવવી પડતી રૂટ કેનાલ ટ્રીટમેન્ટનો તોતિંગ ખર્ચ. જો તમારી આવકનો પ્રવાહ ખોટકાય તો આ ઈમર્જન્સી ફંડ કપરા દિવસોમાં તમારો સહારો બની શકે છે. દાખલા તરીકે, કોઈ બીમારી કે ઈજાને કારણે તમે કામ ન કરી શકો, નોકરી ગુમાવો તો ઈમર્જન્સી ફંડ તમારી વહારે આવી શકે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે તમારે તમારા ત્રણથી છ મહિનાના ખર્ચની રકમ ઈમર્જન્સી ફંડમાં રાખવી જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમારે મોટો ખર્ચ આવી પડે અથવા તો આવકમાં ગાબડું પડે તો આ ફંડની રકમ અપૂરતી પુરવાર થાય તેવું બની શકે છે. આ માટે જ તમે પર્સનલ બજેટ બનાવો ત્યારે તેમાં ઈમર્જન્સી ફંડને એક ખર્ચ ગણીને સાઈડમાં જ રાખો. આમ કરવાથી તમે બેફામ રૂપિયા ખર્ચવાથી બચી શકશો. ઈમર્જન્સી ફંડમાં નિયમિત રૂપિયા નાંખતા રહો. તે ક્યારેકને ક્યારેક તમને જીવનમાં કામ લાગશે. જો કોઈ અણધાર્યા ખર્ચમાં એ રૂપિયા ન વપરાય તો એ વાતનો સંતોષ રાખો કે તમે આર્થિક રીતે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા.
આર્થિક સફળતાનું પ્રથમ પગથિયું છે પર્સનલ ફાયનાન્સ. શરૂઆતથી જ એવી આદતો પાડો જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરે. આરામદાયક રિટાયરમેન્ટ માટે તમારી ગ્રોસ આવકથી 20 ગણી વધુ રકમ જમા કરીને રાખો અથવા તો પછી નિવૃત્ત થાવ પછી તમારી પાસે જે ફંડ હોય તેના 4 ટકા કરતા ઓછી રકમ ખર્ચ કરો. પસંદગી તમારી છે.
(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ મેનેજમેન્ટના વેલ્થ એડવાઈઝર છે.)
Comments