ઇલેક્ટ્રિક વ્હીકલઃ ખૂલી રહ્યા છે ઑટો ઉદ્યોગના વિકાસના નવા દ્વાર
- Team Vibrant Udyog
- Jun 9, 2021
- 13 min read
Updated: Jul 5, 2021

હાલ થ્રી વ્હીલર્સ સેગમેન્ટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સૌથી વધુ પોપ્યુલર
ઈલેક્ટ્રિક વ્હીકલની લોકપ્રિયતા વધારવા પાંચ વર્ષમાં દેશમાં સાડા ચાર લાખ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા પડશે
ઈલેક્ટ્રિક વ્હીકલ્સ જ્યારે 250-300ને બદલે 500-600ની રેન્જ આપતા થશે ત્યારે તેની લોકપ્રિયતા આભને આંબશે
ઇલેક્ટ્રિક વ્હીકલના યુગમાં ભારતે ડગ માંડી દીધા છે. 2030 સુધીમાં ભારતના મોટાભાગના વાહનો ઇલેક્ટ્રિક હોય તેવી ભારત સરકારની ઇચ્છા છે. તેથી ઓટોમોબાઈલ ઉદ્યોગે નવી દિશા પકડવા માંડી છે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને એમએસએમઈ મંત્રી નીતિન ગડકરી પણ માને છે કે 2025 સુધીમાં ભારત ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદનનું હબ બની શકે છે. લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ મોટે પાયે ખરીદતા થઈ જશે. જો કે ઈન્ડસ્ટ્રીના કેટલાંક જાણકારોનો મત નીતિન ગડકરી કરતા જુદો પડે છે. અમદાવાદની શીતલ મોટર્સના પ્રમોટર અરવિન્દ ઠક્કર કહે છે, “બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કાર એક ચાર્જમાં 500થી 600 કિલોમીટર ચાલશે નહિ ત્યાં સુધી તેનું બજાર પકડાશે નહિ. લિથિયમ બેટરીમાં હજી ઘણું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થવું જરૂરી છે. તદુપરાંત કારની કિંમત ઘટવી પણ એટલી જ જરૂરી છે. વોલ્વો વી-40ની ઇલેક્ટ્રિક કારની કિંમત આજે રૂ. 40 લાખ છે. તેમાં બેટરીની કિંમત રૂ. 7.5 લાખની આસપાસની છે. એમ.જી.ની ઈલેક્ટ્રિક કાર તેનાથી સસ્તી છે. બીજું, હજી જોઈએ તેટલા ચાર્જિંગ સ્ટેશન પણ નથી. સ્પીડ ચાર્જિંગ પણ એટલા જ અનિવાર્ય છે. ચાર્જિંગના રેટ પણ હજી મોટો સવાલ જ છે. તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી.”
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સહર્ષ દામાણી કહે છે, “આજે દિલ્હી જેવા શહેરોની વાત કરવામાં આવે તો અંદાજે 80 ટકા વાહન માલિકો પાસે પાર્કિંગ સ્પેસ નથી. વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે. તેથી તેનું ચાર્જિંગ કરવું અઘરું છે. જ્યાં સુધી પૂરતા ચાર્જિંગ સ્ટેશન નહિ બને ત્યાં સુધી ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વધી શકે નહિ.” જોકે, મુંબઈ અને અમદાવાદમાં પણ 80 ટકા કાર માલિકો પાસે પાર્કિંગ નથી. ચાર્જિંગ પોઈન્ટ રોડ પર લગાડવા જશે તો ચાર્જિંગ કીટની ચોરી થઈ જવાનો ભય રહેલો છે. ચાર્જિંગ કરવા માટે મોલમાં કે કોમર્શિયલ બિલ્ડિંગના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં વ્યવસ્થા કરવી જરૂરી છે. અન્યથા જોઈએ તેટલા પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશન મળશે નહિ. તેની સીધી અસર ઇલેક્ટ્રિક કારના વેચાણ પર આવશે. જોકે અત્યારે અડધા કલાકમાં 80 ટકા ચાર્જ કરી આપે તેવા ચાર્જર આવતા થઈ ગયા છે. તેથી આ સમસ્યા વહેલી હળવી થઈ જશે તેવું જણાય છે. ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધારવા પણ સરકાર સક્રિય બની ગઈ છે.

સહર્ષ દામાણી, સીઈઓ, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન
હજીય એક સમસ્યા છે. આ સમસ્યા છે ભાવના ગાળાની. ઇલેક્ટ્રિક વ્હીકલ અને પેટ્રોલ-ડીઝલથી દોડતા વાહનો વચ્ચેનો ભાવનો ગાળો બહુ જ મોટો છે. હ્યુંડાઈની કૉના ગાડી ઇલેક્ટ્રિક છે. તેના ભાવ રૂ. 22 લાખની આસપાસના છે. તેની સામે આઈ-ટેન અને આઈ-ટ્વેન્ટી તેવી જ ગાડી હોવા છતાં ભાવ રૂ. 8થી 12 લાખની રેન્જમાં છે. આ ગાળો નહિ ઘટે ત્યાં સુધી ઇલેક્ટ્રિક વ્હીકલનું બજાર પકડાશે નહિ. લિથિયમ બેટરીના ક્ષેત્રનું સંશોધન આ કિંમતનો ગાળો દૂર કરી શકશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
છતાં ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે એટ્રેક્શન છે. ટાટા નેક્સોનની ઇલેક્ટ્રિંક કારની રનિંગ કોસ્ટ કિલોમીટરે રૂ.1થી 1.50 છે. પેટ્રોલ અને ડીઝલમાં આ કોસ્ટ રૂ. 6થી 7ની આવી શકે છે. તેથી જ બધાંને ઇલેક્ટ્રિક ગાડી લેવી છે, પરંતુ ભાવ ઊંચા લાગે છે. તેઓ ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે. હા, સરકારે પોતાની રીતે તેનો પ્રમોટ કરવાના પ્રયાસ જરૂર કર્યા છે. રાજ્યો પોતાની રીતે ઇલેક્ટ્રિક ગાડી ખરીદનારને રજિસ્ટ્રેશન ફીમાં છૂટ આપી છે. આ ઉપરાંત ખરીદદારોને ટેક્સમાં રાહત આપવામાં આવે છે. દિલ્હીમાં 15 લાખ સુધીની કિંમતના ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને લાઈફ ટાઈમ ટેક્સમાં માફી છે. આ ઉપરાંત રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપવામાં આવી છે. 15 લાખ સુધીની કિંમતની કારમાં રૂ. 1.5 લાખ સુધીની સબસીડી પણ આપવામાં આવી છે. રાહત આપવાની બાબતમાં દરેક રાજ્યમાં અલગ અલગ સ્થિતિ છે. છતાંય જો બેટરીની કિંમત ઘટશે તો જ ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ વધશે તે નક્કી છે. બેટરીની કિંમત ઘટતી જશે તો ઇલેક્ટ્રિક વાહનની કિંમત ઓછી થશે અને વાહનો વેચાતા થશે. ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ પછીની માઈલેજની રેન્જ વધે તે પણ બીજી મહત્વની જરૂરિયાત છે. આ મોરચે સો ટકા સફળતા ન મળે ત્યાં સુધી હાઈડ્રોજન, ઇથેનોલ-પેટ્રોલના મિશ્રણથી ચાલતા વાહનો કે પછી હાઈબ્રિડ વાહનો તૈયાર કરવાની દિશામાં પણ સંશોધકો સક્રિય બન્યા છે.
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવને ધ્યાનમાં લઈને ઇલેક્ટ્રિક કારના ઉત્પાદકો આરંભના તબક્કામાં થોડો ઓછો નફો કરીને ચલાવી લે તેવું સરકાર ઇચ્છી રહી છે. આ માટે સરકારે પણ તેમણે ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની દિશામાં અગ્રેસર થયેલી કંપનીઓને અનુરોધ કર્યો છે. ઇલેક્ટ્રિક વાહનો જો થોડો નફો જતો કરશે તો તેઓ માર્કેટમાં વધુ સારી રીતે વર્ચસ જમાવી શકશે. તેથી માત્ર ઓટોમોબાઈલ ઉદ્યોગની જ નહિ, ભારતના લોકોની નજર પણ ઇલેક્ટ્રિક વાહન તરફ મંડાઈ ચૂકી છે. પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવને કારણે ભારતીયોની માનસિકતા બદલાઈ રહી છે. સરકાર પણ તેની ફેવર કરી રહી છે, કારણ કે ભારત ક્રુડ ઓઈલની આયાત પાછળ વરસે રૂ. 8 લાખ કરોડનો જંગી ખર્ચ કરી રહી છે.

ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાથી બે ફાયદા થશે. એક, ક્રૂડની આયાત પાછળ ભારત સરકાર વરસે દહાડે 108 અબજ ડૉલર એટલે કે રૂ. 8 લાખ કરોડનો ખર્ચ કરે છે, જેમાં ધરખમ ઘટાડો થઈ શકશે. તેથી અર્થતંત્રના વિકાસને વેગ મળશે. ક્રુડની આયાત માટે કરવામાં આવતો ખર્ચ નવી ટેક્નોલોજી ખરીદવા માટે કરી શકાશે. તેનો દેશના અર્થતંત્રને લાભ વધુ મળશે. બીજુ, હવાનું પ્રદુષણ સતત વધી રહ્યું છે. વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં ભારતના છ શહેરનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિક કાર અપનાવવાથી કાર્બન એમિશન એટલે કે વાતાવરણમાં છૂટતા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં 37થી 42 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આમ ઇલેક્ટ્રિક કાર અપનાવવાથી પ્રદુષણમાં ઘટાડો થશે. આ જ કારણોસર ભારત સરકારે ઇસરો, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ-ભેલ, ડીઆરડીઓ તથા આઈઆઈટીના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વાહનો વધુ ને વધુ સસ્તા બને તે માટે સંશોધન કરવા જણાવ્યું છે. બેશક, નજીકના ભવિષ્યમાં ભારતની સડકો ઇલેક્ટ્રિક વાહનોથી છલકાતી હશે તે તેવો અણસાર મળી રહ્યો છે. 2022 સુધીમાં મોટાભાગના કન્ઝ્યુમર્સ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી કરવા તૈયાર થઈ જશે. તેથી ઇલેક્ટ્રિક વ્હીકલના સેગમેન્ટનો વિકાસ કૂદકે ને ભૂસકે થશે તેમાં કોઈ જ બેમત નથી. આ ક્ષેત્રમાં આગળ વધનારી કંપનીઓના શેર્સમાં ઇન્વેસ્ટ કરીને ભવિષ્યમાં સારો ગેઈન-આર્થિક લાભ મેળવવાનું આયોજન પણ સ્ટોક ઇન્વેસ્ટર્સ કરી શકે છે. ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડ જેવી ભારતીય કંપનીઓ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ મોરચે સારી કામગીરી ચાલુ કરી દીધી છે. ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડને ભેલ લિથિયમ આયન બેટરી બનાવવામાં મદદ કરી રહી છે. ભેલને ઇસરો-ઇન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઈઝેશન મદદ કરી રહ્યું છે. જીએસઆરટીસી-ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જેવી સરકારી બસ દોડાવતી ભારતીય કંપનીઓમાં પણ અંદાજે 4 લાખ બસને બદલીને ઇલેક્ટ્રિક બસમાં રૂપાંતરિત કરવાનું આયોજન છે.
અત્યાર સુધી વિદેશી કંપનીઓ જ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનના ક્ષેત્રમાં હતી, હવે ભારતીય કંપનીઓએ પણ આ સેક્ટરમાં જંપલાવ્યું છે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓ આ સેક્ટરમાં સક્રિય થઈ ગઈ છે. તેમના મોડેલ બજારમાં આવી પણ ગયા છે. એમ.જી. અને બીએમડબ્લયુ જેવી કાર બનાવતી કંપનીઓ પણ ઇલેક્ટ્રિક કાર બનાવવાના સેગેન્ટમાં સક્રિય થઈ ચૂકી છે. વિદેશી કંપનીઓને પણ હવે ભારતના કાર બજારમાં મોટી તક જણાઈ રહી છે. તેથી ઇલેક્ટ્રિક વ્હીકલની ટેક્નોલોજીના મૂળિયા ભારતની ભૂમિમાં ઊંડાં ખૂંપી રહ્યા છે. અમદાવાદની શીતલ મોટર્સના પ્રમોટર અરવિન્દ ઠક્કર કહે છે, “ઇલેક્ટ્રિક વાહન માટે હાલને તબક્કે કોઈ મોટી સમસ્યા હોય તો તે છે બેટરીની કિંમત. બીજું, એકવાર બેટરી ચાર્જ કર્યા પછી માઈલેજ મળવું જોઈએ તેટલું મળતું નથી. અત્યારે ઘણી કંપનીઓ ક્લેઈમ કરે છે કે એક વાર બેટરી ચાર્જ કર્યા પછી 300 કિલોમીટર સુધી વાહન ચાલી શકે છે. પરંતુ વાસ્તવમાં તે એવરેજ અંદાજે 250થી 275 કિલોમીટરની આસપાસની છે. આ સરેરાશ 500થી 600 કિલોમીટરની થશે તે દિવસે ઇલેક્ટ્રિક વ્હીકલના યુગનો ખરો આરંભ થશે. ત્રીજું, બેટરી ચાર્જિંગ માટે જોઈએ તેટલા સ્ટેશન અત્યારે નથી. તેથી એકવાર ચાર્જ કર્યા પછી રસ્તામાં કારનું ચાર્જિંગ અટકી પડ્યું તો તેવા સંજોગોમાં ઇલેક્ટ્રિક કારનો માલિક બે ચાર કલાક અટવાઈ જાય તેવી દહેશત રહેલી છે. 2025-26ના વર્ષ સુધીમાં ભારતમાં 4 લાખથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થપાયેલા હોવા જરૂરી છે. તેની સાથે ચાર્જિંગના રેટ પણ કેટલા રાખે છે તે મહત્વનું છે. ચોથું, રિપ્લેસમેન્ટ બેટરીની કોસ્ટ બહુ જ ઊંચી છે. અત્યારે ઇલેક્ટ્રિક વાહનની બેટરીની કિંમત કારની કુલ કિંમતના 20થી 25 ટકા જેટલી છે. આ એક મોટી સમસ્યા છે. આ સમસ્યા હળવી થશે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનો બિઝનેસ ફોર્થ ગિયરમાં આવી જશે.” આ પરિવર્તન ઝડપથી આવશે તે ભારતના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ માને છે. તેઓ કહે છે કે ઇલેક્ટ્રિક વાહન અને ઇન્ટર્નલ કમ્બશન એન્જિન સાથે ઇલેક્ટ્રિક વ્હીકલના ભાવનો ઘટાડો 2023 સુધીમાં આવી જશે.

ઇલેક્ટ્રિક કારનો બીજો એક મોટો ફાયદો એ છે કે ડીઝલ-પેટ્રોલથી ચાલતી કારની સરખામણીમાં તેનો મેઈન્ટેનન્સ ખર્ચ છ ગણો ઓછો છે. દ્રષ્ટાંત આપીને વાત કરવામાં આવે તો જો ડીઝલ-પેટ્રોલ કારનો મેઈન્ટેનન્સ ખર્ચ વરસે રૂ. 10,000ની આસપાસનો આવતો હોય ઇલેક્ટ્રિક કારનો મેઈન્ટેનન્સ ખર્ચ વરસે રૂ. 1500થી 2000નો જ આવે છે. અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત લોકોને ઇલેક્ટ્રિક કાર ખરીદતા અટકાવી રહી છે. બે ત્રણ વર્ષમાં તેની કિંમત ઘટતા તેના ખરીદારોમાં જંગી વધારો થશે.
બેટરીની માઈલેજ ક્ષમતા વધારવા માટે સંશોધન કરીને સસ્તી બેટરી લાવવામાં આવે તો તેનું બજાર જંગી છે. આ હકીકતને ઓટોમોબાઈલ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝના સેક્ટરના ખેરખાંઓ સમજી ગયા છે. ઓટો સેક્ટરમાં ન પડેલા લોકો પણ ઇલેક્ટ્રિક કારના બજારને સમજતાં થયા છે. તેથી જ બેટરી ઉત્પાદનના ક્ષેત્રની મોખરાની કંપની એક્સાઈડ બેટરીઝ અને અમરરાજા બેટરીઝ લિથિયમ બેટરીના ઉત્પાદનના ક્ષેત્રમાં સક્રિય થઈ ચૂકી છે. ઇલેક્ટ્રિક વાહન માટે જરૂરી લિથિયમ બેટરીના ઉત્પાદનના ક્ષેત્રમાં રિલાયન્સ અને અદાણી બંને ગ્રુપે જંપલાવી દીધું છે. મારુતિના ઉત્પાદકો પણ બેટરીના ઉત્પાદનમાં પ્રવેશ્યા છે. અત્યારે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાથી બેટરીની આયાત કરવી પડે તેવી સ્થિતિ છે. તેની સામે સ્વદેશી બેટરીનું ઉત્પાદન કરવામાં આવશે. નીતિન ગડકરી કહે છે, “લિથિયમ આયન બેટરીની ટેક્નોલોજીના વિકાસ માટે સરકાર સંખ્યાબંધ સુધારાઓ કરી રહી છે. તેથી જ અત્યારે લિથિયમ આયન બેટરીના 81 ટકા પૂરજાઓ ભારતની કંપનીઓ પોતે બનાવતી થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં સંપૂર્ણ સ્વદેશી લિથિયમ આયન બેટરી બનાવવામાં ભારતીય કંપનીઓ પૂર્ણ સફળતા મેળવી લેશે.” મેટલ આયન અને મેટલ એર બેટરની ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ સતત સંશોધન કરી રહી છે. પરિણામે બે વર્ષના ગાળામાં જ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પણ પેટ્રોલ ડીઝલથી દોડતા વાહનોની કિંમતની સ્પર્ધા કરતી થઈ જશે. ઇલેક્ટ્રિક બસ પણ પેટ્રોલ અને ડીઝલથી દોડતી બસના ભાવે મળતી થઈ જશે. બીજી તરફ, સોલાર પાવરથી દોડતી બસના યુગમાં પણ આપણે પ્રવેશવાની તૈયારીમાં છે. અમદાવાદની કંપની આ દિશામાં સંશોધન કરી રહી છે અને અમેરિકાના એક શહેરમાં સોલાર બસ દોડાવવાના આયોજનના અમલીકરણમાં સહયોગ પણ આપી રહી છે.
ભારતમાં 25 ટકા લોકો ટુ વ્હીલર પર અવરજવર કરવાનું પસંદ કરે છે. ટુ વ્હીલર લોકોને પરવડે તેવા ભાવે મળે છે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં તેને વિશ્વસનીય મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ગણવામાં આવે છે. 2019માં ભારતમાં 1.56 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું તેમાં 1.52 લાખ ટુ વ્હીલર્સ જ હતા. માત્ર 3400 ઇલેક્ટ્રિક કાર વેચાઈ છે. ઉપરાંત 600 ઇલેક્ટ્રિક બસો વેચાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ઇલેક્ટ્રિક કાર અને બસનું વેચાણ હવે ગતિ પકડી રહ્યુ છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું માર્કેટ પણ ઘણું જ મોટું બનશે. આ સંજોગોમાં 2030ની સાલ સુધીમાં 100 ટકા વાહનો ઇલેક્ટ્રિક વાહનો જ રહે તેવા સરકારના ગણિતો છે તેથી ઇલેક્ટ્રિક વાહનોનું બજાર જંગી પ્રગતિના પથ પર આવી ગયું છે. સરકારના વધેલા સપોર્ટ અને ટેક્નોલોજીના ઘટી રહેલા ખર્ચને જોતાં આ પરિવર્તન શક્ય છે. ભારતમાં પ્રદુષણના વધી રહેલા લેવલને જોતાં ભારત માટે ઇલેક્ટ્રિક વ્હીકલ એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે દરેક સરકારી કચેરી માટે ઇલેક્ટ્રિક વ્હીકલનો વપરાશ ફરજિયાત બનાવી દેવો જોઈએ. એકલા દિલ્હીની સરકારી કચેરીઓમાં ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવામાં આવે તો મહિને દહાડે રૂ. 30 કરોડની બચત કરી શકાય તેમ છે. આખા ભારતની સરકારી કચેરી માટે આ નિયમ લાગુ કરવામાં આવે તો બચત એક હજાર કરોડથી વધુની થઈ શકે છે. પ્રદુષણમાં આવનારો ઘટાડો તો વધારાનો એડવાન્ટેજ ગણાશે.

ઇલેક્ટ્રિક અને ઇંધણ બંને પર ચાલતા વાહનોનો યુગ પણ શરૂ થયો ક્રૂડની આયાતનું બિલ ઓછું થાય તે માટે ભારત સરકાર વાહન ચલાવવા માટે પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણ વાળા ફ્યુઅલને પ્રમોટ કરી રહી છે. ટુ વ્હિલર અને ફોર વ્હિલર માટેની આ ટેક્નોલોજીને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનની ટેક્નોલોજી તરીકે ઓળખાવવામાં આવે છે. કેનેડા, બ્રાઝિલ અને અમેરિકામાં આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘણાં વાહનોમાં થાય છે. આ સાથે સુગર ફેક્ટરીઓના આર્થિક ગણિતો પણ સુધારવામાં આવી રહ્યા છે. ખાંડના ઉત્પાદનને બદલે શેરડીમાંથી સીધું ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે તો તેનાથી સુગર ફેક્ટરીઓના આર્થિક ગણિતો સુધરી શકે છે. ગણદેવી સુગર મિલના ચેરમેન જયંતીભાઈ પટેલ કહે છ કે ખાંડના અમને કિલોએ રૂ. 20 મળે છે, તેની સામે ઇથેનોલના લિટરે રૂ. 60 મળે છે. ઇથેનોલનું પેટ્રોલમાં વધુ મિશ્રણ કરીને પણ દર વર્ષે ક્રૂડની આયાત પાછળ ખ્ચાતું હુંડિયામણ બચાવી શકાય છે. દર વર્ષે રૂ. 8 લાખ કરોડ ક્રૂડની આયાત પાછળ ખર્ચવા અર્થતંત્રના હિતમાં નથી. તેમ જ બીજા વિકલ્પ તરીકે હાઈડ્રોજનથી ચાલતી કાર પણ બનાવવાની દિશામાં દેશ અને દુનિયા સક્રિય બની ગઈ છે. આજથી અઢી દાયકા પૂર્વે બ્રિટનમાં એચટુઓ એટલે કે હાઈડ્રોજનના બે કણ અને ઓક્સિજનના એક કણથી બનેલા પાણીમાંથી હાઈડ્રોજન અલગ પાડીને તેનો ઉપયોગ કરીને પાણીથી કાર દોડાવવાના સફળ અખતરા થઈ ચૂક્યા છે. આ દિશામાં પણ હવે દેશ અને દુનિયાના સંશોધકો વિચારતા થયા છે, કારણ કે ક્લિન એર – સ્વચ્છ હવા આ પ્રદુષિત હવાથી ખદબદતા વાતાવરણને સુધારવા માટે અનિવાર્ય બની ગઈ છે. આ સુધારો નહિ કરવામાં આવે તો અનેક બીમારીઓનો શિકાર માનવ જાત બની જશે.

હાઈડ્રોજન અને ફ્લેક્સ ફ્યુઅલ સેલની ટેક્નોલોજી પણ આવનારા દિવસોની ટેક્નોલોજી છે. ભારત સરકાર આ બંને ટેક્નોલોજીને પણ ખાસ પ્રોત્સાહન આપી રહી છે. તેનાથી વાતાવરણમાં છૂટતા કાર્બનડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રોસ ઓક્સાઈડ જેવા ગ્રીન હાઉસ ગેસની સમસ્યા હળવી થતી નથી. તેનાથી પૃથ્વી પરની ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સામે ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારનું પોલ્યુશન થતું નથી. તેનો બીજો ફાયદો એ છે કે ઓઈલ પ્રોડ્યુસિંગ એન્ડ એક્સપોર્ટિંગ કંટ્રીઝ પાસે ક્રૂડ ઓઈલ મેળવવા માટે વધુ મદાર બાંધવો પડશે નહિ. ક્રૂડના ઉત્પાદન પર બ્રેક લગાવી મનસ્વી ભાવ વધારો કરી દેવાની તેની નીતિનો શિકાર બનવું પડશે નહિ. જૂના વાહનોને ભંગારમાં નાખવાની નીતિ ભારત સરકારે જાહેર કરી ભારતમાં આજની તારીખે મોટી સંખ્યામાં જૂની કાર દોડી રહી છે. જૂના ટુ વ્હીલર્સ પણ રસ્તાઓ ધમરોળી રહ્યા છે. જૂના ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ સાથે જૂની ટ્રક્સ પણ ભયંકર પ્રદુષણ ફેલાવી રહી છે. આ જૂના વાહનોને ભંગારમાં જવા દઈને નવા વાહન ખરીદનારાઓને ભારત સરકારે નવા વાહનની ખરીદી પર 5 ટકા રિબેટ આપવાનું માર્ચ 2021માં જાહેર કર્યું છે. તેની સાથે જ રોડ ટેક્સમાં 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. તેની સાથે સાથે જ વ્હીકલ રજિસ્ટ્રેશન ફીમાં પણ માફી આપી દીધી છે. તેની સાથે જ પંદર વર્ષથી જૂની કાર વેચાય અને તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તો તેના રજિસ્ટ્રેશનના ચાર્જ વધારીને રૂ. 5000 કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારો પણ તેમાં સહયોગ આપશે તેવી અપેક્ષા કેન્દ્ર સરકાર રાખી રહી છે. રાજ્ય સરકારો તેમની આ આવકમાં ઘટાડો થશે તે ચલાવશે ખરી? ભારતના દરેક રાજ્યની સરકાર આ મુદ્દે સહમત થશે ખરી? આ મુદ્દે પણ આગામી મહિનાઓમાં વિવાદ થવાની સંભાવના રહેલી છે. કારણ કે ઘણી રાજ્ય સરકારો રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જની આવક જતી કરવા તૈયાર થશે નહિ. ભારતના ઘણાં રાજ્યોની આર્થિક સ્થિતિ જોઈએ તેટલી સંગીન નથી. તેથી તેઓ તેનો વિરોધ કરશે. અત્યારે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વાર્ષિક 14 ટકાના વધારા સાથે જીએસટીની આવકમાં પડનારી ઘટના નાણાં રાજ્ય સરકારોને આપી દેવાની કાયદા હેઠળ બાંયધરી આપી તે પછીય દરેક રાજ્યને મળવા પાત્ર વળતરના પૂરા નાણાં ન મળ્યા હોવાથી રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં રાહત આપવા તરત તમામ રાજ્ય તૈયાર થશે કે કેમ તે એક મોટો સવાલ છે. તેથી જ તેઓ પેટ્રોલ-ડીઝલ અને સીએનજી જેવા ઇંધણો પરનો વેટ ઘટાડવા તૈયાર થતાં નથી. પેટ્રોલ અને ડિઝલના લિટરદીઠ ભાવમાં વેટનું ભારણ રૂ. 30થી 40નું છે. પાંચેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આવ્યો નથી. બાકી તેના ભાવ રૂ. 90ની સપાટીને ગમે ત્યારે આંબી જશે.

ઈલેક્ટ્રિક વ્હીકલનો લાભ દરેક નાગરિકને મળવાનો છે. તમે પૂછશો વાહન ન ખરીદનારાઓને કઈ રીતે તેનો લાભ મળશે. અરે ભાઈ, હવાનું પ્રદુષણ ઓછું થતાં આરોગ્યના મળનારા લાભને તમે ધ્યાનમાં લો. હવાના પ્રદુષણને કારણે થતાં શ્વસનતંત્રના દમ સહિતના રોગો અનેકના જીવ લઈ જાય છે. પરંતુ આ લાભ સીધો ન જોઈ શકતા અને નફાખોરીની માનસિકતા ધરાવતા વાહન ઉત્પાદકો તેમના કોસ્ટિંગ ઊંચા બતાવીને આ લાભને ઓહિયા કરી જવાનું આયોજન કરશે. તેમને આ ડિસ્કાઉન્ટ આપવાની સરકારે ફરજ પાડવી પડશે. બીજી તરફ ઓટો ઉદ્યોગના મોભીઓની પણ ફરિયાદ છે કે બીએસ-6ના નોર્મ્સ લાવવા માટે એન્જિનમાં કરવા પડેલા સુધારા માટે તેમણે જંગી ખર્ચ કરવો પડ્યો છે. હવે સરકાર કહે છે. કે ઇન્ટર્નલ કમ્બશન એન્જિનની ટેક્નોલોજીને અભેરાઈએ ચઢાવી દો. સરકારની આ દરખાસ્ત ઓટોમોબાઈલ ઉદ્યોગને સ્વીકાર્ય જ નથી. ભારત સ્ટાન્ડર્ડ (બીએસ-6) હાંસલ કરવા માટે ઉદ્યોગોએ અંદાજે રૂ. 80,000 કરોડનો ખર્ચ કર્યો છે. હવે આ ટેક્નોલોજીને અલવિદા કરી દેવાની સરકાર વાત કરે છે તે કેટલી ઉચિત ગણાય તેવો સવાલ મેન્યુફેક્ચરર્સ કરી રહ્યા છે. સરકારની સ્ક્રેપેજ પોલીસી ઉદ્યોગને ગભરાવી રહી છે. બીએસ-4થી બીએસ-6 પર જવાની વાત કરતાં પહેલા જ તેમણે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરવી જોઈતી હતી એવું ઓટોમોબાઈલ ઉત્પાદકોનું માનવું છે. સરકારના ઓવર રેગ્યુલેશનને કારણે તેમની હાલત ખરાબ થઈ રહી છે. તેથી જ મોટર સાઈકલ અને સ્કૂટર્સના ભાવમાં 25 ટકાનો વધારો કરવાની ફરજ પડી છે. વાસ્તવમાં આ વધારો ઘણો જ મોટો છે. તેની સીધી અસર વાહન ખરીદનારાઓની સંખ્યામાં થતાં ઘટાડા રૂપે જોવા મળી રહી છે. ઓટોમોબાઈલના વેપારીઓએ ગ્રાહકોને પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાની ફરજ પડી રહી છે. કોઈપણ કાર મેન્યુફેક્ચરર આ ડિસ્કાઉન્ટ આપવા તૈયાર નથી અને તેઓ ડિસ્કાઉન્ટ આપવાને બદલે વાહનની કિંમતમાં 5 ટકાનો વધારો કરી દેવાનું પસંદ કરે તેવી સંભાવના છે. તેથી જૂના વાહનોને સ્ક્રેપ કરવાની સરકારની નીતિનો પર્યાવરણના સુધારારૂપે મળનારો લાભ મળશે કે કેમ તે મોટો સવાલ છે. આ સંજોગોમાં સરકાર કોઈ દબાણની યુક્તિ અજમાવે તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી. હજી સ્કીમની જાહેરાત થઈ છે. તેનું નોટિફિકેશન આવ્યા બાદ આ અંગેનો વિવાદ વકરી શકે છે. પંદર વર્ષથી જૂના વાહનોને ભંગારમાં કાઢવાની વાત કરવામાં આવે છે, પરંતુ તેને માટે દેશના દરેક રાજ્યોમાં ગુજરાતના અલંગના ભંગારવાડાની માફક મોટા મોટા ભંગારવાડા ઊભા કરવા પડશે. આ ભંગારમાં નીકળનારા સ્ટીલ એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓને પીગાળી અને ઓગાળીને તેમાંથી નવી વસ્તુઓ કે ઓટો પાર્ટ્સ બનાવવાના વ્યવસાય માટે પણ નવી તક નિર્માણ થશે. તેનો લાભ લેવા પણ ઘણી કંપનીઓ સક્રિય થશે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં નવા નવા લોકેશન શોધવા પડશે. આ ભંગારને કારણે પર્યાવરણની અન્ય સમસ્યા ન થાય તે જોવું પણ જરૂરી છે. તેના પ્રદુષણની અસર નદીઓ પર, જમીન પર કે હવા પર ન પડે તેની તકેદારી પણ રાખવી એટલી જ જરૂરી છે. આ તમામ મોરચે આયોજન કર્યા વિના સરકારે સ્ક્રેપ પોલીસી જાહેર કરી છે તે ઉચિત નથી. જાહેરાત કરવા પૂર્વે આ તમામ મુદ્દા પર વિચાર કરવો આવશ્યક છે.

થ્રી વ્હિલર્સમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલઃ લોડ ખેંચતા વાહનો ઈવી નથી અત્યારે સૌથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો તે થ્રી વ્હિલર્સના સેગમેન્ટમાં છે. થ્રી વ્હીલર્સમાં દર મહિને 11000થી વધુ નવી ઇલેક્ટ્રિક ઓટોરિક્ષા આવી રહી છે. ત્યારબાદ સૌથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ ટુ વ્હીલર્સમાં છે. ટુ વ્હીલરમાં મહિને 8000થી 10,000 ગાડી વેચાઈ રહ છે. જોકે આ વેચાણ નવા ટુ વ્હીલર્સના કુલ વેચાણના એક ટકા જેટલું જ છે. પેસેન્જર વ્હીકલના સેગમેન્ટમાં બહુ જ ઓછી ગાડી છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલની કેટેગરીમાં આવે છે. તેમાં એમ.જી. હ્યુંડાઈનું એક અને ટાટાના બે મોડેલ જ બજારમાં છે, એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોશિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સહર્ષ દામાણીનું કહેવું છે. પેસેન્જર વ્હીકલમાં રેન્જ એન્ગઝાઈટી વધુ છે. ગાડી ગમે ત્યારે અટકી પડશે તેવો ભય રહે છે. તેથી તેમણે સીટી લિમિટમાં જ ગાડી ચલાવવી પડે છે. નોર્મલ રોડ કન્ડિશનમાં ટાટાની નેક્સોન ઈવીની રેન્જ માત્ર 280 કિલોમીટરની આસપાસની જ છે. હાઈવે પર આ ગાડી ચાલી શકતી નથી. દિલ્હીથી જયપુર પહોંચી શકાય તે માટે 600 કિલોમીટરની રેન્જ દોડતી ગાડી આવવી જોઈએ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2025 સુધીમાં 5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ બજારમાં મૂકશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલના બિઝનેસમાં ત્રણ વર્ષમાં રૂ.3000 કરોડનું રોકાણ કરશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બેન્ગ્લુરુમાં તેની ઇલેક્ટ્રિક વ્હીકલની ટેક્નોલોજી સાથેનું એકમ ચાલુ કરી દીધું છે. આ એકમમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની બેટરી તૈયાર કરવામાં આવશે. તદુપરાંત પાવર ઇલેક્ટ્રોનિક્સ તથા મોટર્સ તૈયાર કરવામાં આવશે. તદુપરાંત ચાકન ખાતેના પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું નિર્માણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક વ્હીકલ એ ભાવિ છે, તેના માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અન્ય કંપનીઓ સાથે જોડાણ કરવાનું પણ આયોજન કરી રહી છે. ડેટ્રોઈટ અને ઇટાલીમાં આવેલા તેના એકમો સહિતના અન્ય એકમોનો સહયોગ લઈને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પ્લેટફોર્મ તૈયાર કરવાની વેતરણમાં છે. કંપની 2025 સુધીમાં ભારતના માર્ગો પર 5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ મૂકવાનું ટાર્ગેટ ધરાવે છે. આ ટાર્ગેટને એચિવ કરવા માટે તેણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે બીજા રૂ. 500 કરોડ ફાળવ્યા છે. આ અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલના માર્કેટમાં કંપનીએ રૂ. 1700 કરોડનું રોકાણ કરેલું છે. જરૂર પડ્યે કંપની આ સેક્ટરમાં વધુ રોકાણ કરશે. કંપની ડિસ્ચાર્જ થયેલી બેટરીને સ્થાને નવી ચાર્જ થયેલી બેટરી મૂકી દેવાની વ્યવસ્થા લાવી રહી છે. તેથી ચાર્જિંગ રસ્તામાં ખૂટી પડવાનો કે બીજા દિવસ માટે ચાર્જિંગ કરવા માટે લાંબા સમય સુધી રાહ જોવાની નોબત ન આવે તેવી ગોઠવણ આ કંપની કરી રહી છે. આમ રોજ રોજ બેટરી બદલતા રહીને ગાડી ચલાવવાના કોન્સેપ્ટ સાથે કંપની આવી રહી છે. ઇલેક્ટ્રિક વ્હીકલના ક્ષેત્રમાં ધમાકાભેર એન્ટ્રી લેવાનો ઇરાદો ધરાવતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઇઝરાયલની આરઈઈ ઓટોમોટીવ સાથે નાની ટ્રક અને કોમર્શિયલ વ્હીકલ માટે સમજૂતી કરાર પણ કર્યા છે. ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલના સેક્ટરમાં તે અન્ય કંપની સાથે પણ જોડાણ અને કરાર કરવાનો ઇરાદો ધરાવે છે. ટેક્નોલોજી પાર્ટનરશીપ અને ઇક્વિટી પાર્ટનરશીપ બંને કરવા કંપની તૈયાર છે. આ સંદર્ભમાં ઘણી કંપનીઓ સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ચર્ચા વિચારણા કરી રહી છે. આગામી બેથી ત્રણ વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલના સેક્ટરમાં કંપની બહુ જ લાંબી મજલ કાપી લેવાનો ઇરાદો ધરાવે છે. પેસેન્જર વ્હીકલના સેગમેન્ટમાં હજી બે ચાર વરસ લાગી જાય તેવું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમોટર્સને લાગે છે. પરંતુ 2025 સુધીમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ પણ ભારતના રસ્તાઓ પર મોટી સંખ્યામાં દોડતા જોવા મળશે.
Comments