કૃષિક્ષેત્રે ઈન્નોવેશનને પ્રોત્સાહન આપતી આ કંપનીના શેર્સ રોકાણકારોને લાંબાગાળે ફાયદો કરાવશે
- Team Vibrant Udyog
- Nov 11, 2021
- 4 min read
- 34 વર્ષ જૂની આ કંપની એગ્રોકેમિકલ્સ, કન્વેયર બેલ્ટ, રબર બેલ્ટ, ડાય અને ડાય ઈન્ટરમિડિયેટ્સ બનાવે છે
- નાણાંકીય વર્ષ 2021-21માં કંપનીની રેવન્યુમાં 19.6%નો વધારો નોંધાયો છે
શારદા ક્રોપકેમ લિમિટેડ એ ભારતની કૃષિક્ષેત્રે ઈન્નોવેશનને પ્રોત્સાહન આપતી અગ્રણી કંપની છે. આ 100 ટકા દેવામુક્ત કંપનીના શેર્સની કિંમત હાલ રૂ. 327 છે. વર્ષ 2017માં તે રૂ. 551ની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના મહત્તમ ભાવ રૂ. 363 સુધી પહોંચ્યા છે. શારદા ક્રોપકેમ એગ્રોકેમિકલ્સની નિકાસ કરે છે અને કન્વેયર બેલ્ટ, રબર બેલ્ટ, શીટ, ડાય તથા ડાય ઈન્ટરમિડિયેટ્સ જેવી નોન એગ્રો પ્રોડક્ટ્સ પણ બનાવીને તેની વિવિધ દેશોમાં નિકાસ કરે છે. આ કંપનીની સ્થાપના 1987માં કરવામાં આવી હતી. ક્રોપ પ્રોટેક્શન કેમિકલ ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં આખા વિશ્વની અગ્રણી કંપનીઓમાં શારદા ક્રોપકેમનું નામ લેવાય છે. યુ.એસ અને યુરોપના માર્કેટ પર પણ કંપની સારી પકડ ધરાવે છે. LATAM અને નિયંત્રણ ધરાવતા વિશ્વના અનેક દેશોમાં પણ કંપનીનો સારો વ્યાપ છે.

શારદા ક્રોપકેમ ઈન્નોવેશન માટે માર્કેટમાં ખ્યાતિ ધરાવે છે. સ્થાપનાથી માંડીને અત્યાર સુધી કંપની 2543 IP (ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી) રજિસ્ટ્રેશન મેળવી ચૂકી છે જેમાંથઈ 2270 રજિસ્ટ્રેશન ફોર્મ્યુલેશનના છે જ્યારે 273 એક્ટિવ ઈન્ગ્રેડિયન્ટ્સના છે. ભવિષ્યમાં પણ કંપનીનો ધ્યેય વધુને વધુ પ્રોડક્ટ્સ પોતાના નામે રજિસ્ટર કરાવવાનો છે. કંપનીએ વૈશ્વિક સ્તરે રજિસ્ટ્રેશન માટે 1128 નવી અરજી કરી છે જે જુદા જુદા તબક્કે પેન્ડિંગ છે. કોવિડ 19 મહામારી છતાંય કંપનીએ IP રજિસ્ટ્રેશન અને ઈન્નોવેશન માટે ફળવાતા બજેટમાં જરાય બાંધછોડ કરી નથી. ભારતની આ અગ્રણી ઈન્નોવેશન કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત છે. તેમની પાસે નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 1500 કરોડનું કેશ રિઝર્વ હતું. આ કંપની 80થી વધુ દેશોમાં વ્યાપ ધરાવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં 14 ટકાના CAGRથી વિકસી રહી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2022માં 60 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. છેલ્લા 2-3 ક્વાર્ટરના કંપનીના પરફોર્મન્સ જોતા દરેક ક્વાર્ટરમાં કંપની 30 ટકાનો ગ્રોથ નોંધાવી રહી છે. આ આંક મેનેજમેન્ટે આંકેલા અંદાજિત 15 ટકા ગ્રોથ કરતા લગભગ બમણો છે. મેનેજમેન્ટ શેરહોલ્ડરોને હતાશ ન કરવા માંગતા હોવાથી તેમણે કંપનીનું ગ્રોથ પ્રોજેક્શન ઓછુ આંક્યું છે. આ દર્શાવે છે કે કંપનીનો ગ્રોથ કરવાની ક્ષમતા હજુ ઘણી વધારે છે. હવે જ્યારે દુનિયા કોવિડ-19ના ઓછાયામાંથી બહાર આવી ગઈ છે ત્યારે આગામી સમયમાં કંપનીને આશા છે કે તેમના વોલ્યુમ ઉપરાંત 15થી 18 ટકાનો ગ્રોથ જોવા મળશે.

નાણાંકીય વર્ષ 2020-21માં કંપનીએ 19.6%નો વિકાસદર નોંધાવ્યો હતો અને તેની રેવન્યુ વર્ષ 2020માં રૂ. 2003 કરોડ હતી જે એક જ વર્ષમાં વધીને રૂ. 2395 થઈ ગઈ હતી. કંપનીના એગ્રોકેમિકલ ડિવિઝનની વાત કરીએ તો તેમાં 22.2% જેટલો જંગી ગ્રોથ જોવા મળ્યો હતો. વર્ષ 2020માં કંપનીનો એગ્રોકેમિકલનો બિઝનેસ રૂ.1685 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2021માં વધીને રૂ. 2058 કરોડને આંબી ગયો હતો. નોન-એગ્રો ડિવિઝનમાં 6 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. નાણાંકીય વર્ષ 2020માં તેની રેવન્યુ રૂ. 318 કરોડ હતી જે 2021માં વધીને રૂ. 337 કરોડ થઈ ગઈ હતી. કંપનીના એગ્રો-બિઝનેસમાં અભૂતપૂર્વ વધારામાં 50.6 ટકા ફાળો યુરોપિયન માર્કેટનો છે. નાણાંકીય વર્ષ 2021માં કંપનીની રેવન્યુમાં એગ્રોકેમિકલ્સ બિઝનેસનો ફાળો 86 ટકા અને નોન એગ્રોકેમિકલ્સનો ફાળો 14 ટકા જેટલો રહ્યો છે. ફોરેન એક્સચેન્જમાં નફા-નુકસાન, સ્થાવર-જંગમ મિલકતોને રાઈટ ઓફ કર્યા બાદ કંપનીની આવક (EBITDA)માં 29.8 ટકાનો વધારો થયો હતો. નાણાંકીય વર્ષ 2020માં કંપનીની આવક રૂ. 350 કરોડ હતી જે 2021માં વધીને રૂ. 455 કરોડ નોંધાઈ હતી. ટેક્સ ભર્યા પછી કંપનીનો નફો રૂ. 164 કરોડથી વધીને રૂ. 229 કરોડ થઈ ગયો છે જે 39.2 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2021માં કંપનીનું PAT (પ્રોફિટ આફ્ટર ટેક્સ) માર્જિન 9.6 ટકા રહ્યું હતું.
યર ઓન યર (YOY)ના ધોરણે કંપનીની રેવન્યુમાં 60.1 ટકાનો વધારો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં તે રૂ. 389 કરોડ જેટલી હતી જે નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં વધીને રૂ. 623 કરોડ જેટલી થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે ભારત સાથે સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ કંપનીનું પરફોર્મન્સ મજબૂત રહ્યું છે. ગ્રોસ પ્રોફિટ 57.1 ટકાના વધારા સાથે રૂ. 116 કરોડથી વધીને રૂ. 183 કરોડ નોંધાયો છે. પ્રોડક્ટ મિક્સ ઈમ્પેક્ટને પરિણામે નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ માર્જિન સહેજ ઘટીને 29.3 જેટલું રહ્યું હતું. કંપનીના EBITDAમાં YOY ધોરણે 119.4 ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં તે રૂ. 49 કરોડ હતો જે હવે 2022ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 107 કરોડને આંબી ગયો છે. EBITDAના માર્જિનમાં 463 bpsનો 17.1 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. કંપનીનો PAT 36.4 ટકાના વધારા સાથે રૂ. 38 કરોડને સ્પર્ષી ગયો છે. નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો કેશ પ્રોફિટ રૂ. 63 કરોડ હતો જે 2022 ના પહેલા ક્વાર્ટરમાં વધીને રૂ. 92 કરોડ થઈ ગયો છે. 30 જૂન 2021 મુજબ કંપનીની નેટ કેશ પોઝિશન રૂ. 361 કરોડની હતી.
કંપની જે સેક્ટરમાં સક્રિય છે તે એગ્રીકલ્ચર સેક્ટરનો ગ્રોથ પણ સડસડાટ થવાનો જ છે. એક અંદાજ મુજબ વર્ષ 2050 સુધીમાં પૃથ્વી પર 97 અબજથી વધુ લોકો રહેતા હશે. આ સમયે વસ્તીને ટકાવી રાખવા ફૂડ પ્રોડક્શનમાં 70 ટકા સુધીનો વધારો કરવો પડશે. આ કારણે કૃષિ ક્ષેત્રને લગભગ બધા જ દેશની સરકાર પ્રાથમિકતા આપી રહી છે. મેગ્ના ઈન્ફોર્મેશન સેન્ટરના ગ્લોબલ ક્રોપ પ્રોટેક્શન કેમિકલ માર્કેટ અંગેના રિપોર્ટ મુજબ વર્ષ 2021 એશિયામાં આ માર્કેટનું મૂલ્ય $22,903.4 મિલિયન જેટલું છે. 2030 સુધી આ ઈન્ડસ્ટ્રી 3.87 ટકાના CAGRથી આગળ વધશે તેવી અપેક્ષા છે જ્યારે યુરોપમાં આ માર્કેટ 2.21 ટકાના દરે વિકસવાની આશા છે. એગ્રોકેમિકલ્સ મેનેજમેન્ટમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે આવે છે અને તેની હાલની માર્કેટ વેલ્યુ $4.1 બિલિયન જેટલી છે. 2025 સુધીમાં તે $8.1 બિલિયનને આંબી જાય તેવી ગણતરી છે જેમાંથી ફક્ત એક્સપોર્ટ્સનું જ માર્કેટ $4.2 બિલિયન જેટલું રહેવાની અપેક્ષા છે. શારદા ક્રોપકેમ આ સેગમેન્ટમાં ખૂબ જ સારુ પરફોર્મ કરતી હોવાથી એગ્રોકેમિકલ્સના માર્કેટની સાથે સાથે કંપનીનો પણ સારો ગ્રોથ થવાની શક્યતા નજરઅંદાજ કરી શકાય નહી.
Comments