top of page

ગુજરાત ગેસઃ લાંબી રેસનો મજબૂત ઘોડો

  • Team Vibrant Udyog
  • Sep 18, 2021
  • 6 min read
ગુજરાત ગેસનો શેર ઊંચામાં રૂ. 830 અને તેનાથી ઉપર રૂ. 1300નું મથાળું બતાવી શકે છે. પરિસ્થિતિ બદલાતા ભાવ તૂટે તો ઘટીને રૂ. 320ના બોટમ સુધી પણ આવી શકે છે.

ગુજરાત ગેસ ડિવિડંડ આપતી કંપની છે, તેની શેરદીઠ કમાણી 2024 સુધીમાં વધીને 33.58 સુધી જાય તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.


ગુજરાત ગેસ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સને નેચરલ ગેસનો સપ્લાય આપતી કંપની છે. ગેસના કુલ સપ્લાયમાંથી 70 ટકા સપ્લાય કંપની ઔદ્યોગિક વપરાશકારોને આપે છે. કંપનીનું શેરબજારમાં અને માર્કેટમાં પરફોર્મન્સ સતત સારુને સારું થઈ રહ્યું છે. આગામી બાર મહિનામાં તેનો શેર 15 ટકા વળતર આપે તેવી સંભાવના છે. પરિણામે જેમણે આ કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કરેલા છે તેઓ તેમના ઇન્વેસ્ટમેન્ટને જાળવી રાખી શકે છે. નિફ્ટીના પરફોર્મન્સની તુલનાએ ગુજરાત ગેસની સ્ક્રિપનું પરફોર્મન્સ 70 ટકા વધુ સારુ રહ્યું છે. ગુજરાત ગેસના શેરના મૂલ્યમાં હજીય વધુ વધારો થવાની સંભાવના દેખાતી હોવાનું જેફ્રીઝના અંદાજોને ટાંકીને બ્લુમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તેમાં ઇન્વેસ્ટ કરવાની અત્યારે ઘણી જ સારી તક છે. શનિવારે બજાર બંધ રહ્યું ત્યારે તેના શેરનો ભાવ રૂા. 680 પર બંધ રહ્યો હતો. તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 6.4 અબજ ડોલરની આસપાસનું છે. આગામી મહિનાઓમાં તેનો ભાવ વધીને રૂા. 830નું મથાળું બતાવી શકે છે. તેનો તેનાથી આગળ જાય તો તે રૂા. 1300ની આસપાસનું ટોપ પણ બનાવી શકે છે. તેની શેરદીઠ કમાણીમાં 13 ટકાનો વધારો જોવા મળી શકે છે. સંજોગવશાત તેમાં ઘટાડો આવે તો રૂા. 320નું તળિયું પણ જોઈ શકે છે. છતાંય બજારના નિષ્ણાતો તેમાં લેવાલી કરવાની સલાહ આપી રહ્યા છે.


ગુજરાત ગેસના સીએનજીના મોટા ક્લાયન્ટ્સમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ છે. અમેરિકાના બજારમાં મોરબીની સિરામિક્સના પ્રોડક્ટની નિકાસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના પહેલા વેવમાં તેના ઉત્પાદન પર અસર થઈ હતી. તેથી તેના ગેસના વેચાણ પર નેગેટીવ અસર જોવા મળી હતી. કોરોનાના બીજા વેવ પછી મોરબીના સિરામિક ઉદ્યોગમાં સીએનજીનું વેચાણ વધી રહ્યું છે. કોરોનાના પહેલા વેવમાં ગયા વર્ષે થયેલા ઘટાડાની તુલનાએ બીજા વેવ અને ત્યારબાદના ગાળામાં તેના સીએનજીની ડિમાન્ડમાં અંદાજે 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં તેના ગેસનું વેચાણ 7.4 એમએમએસસીએમડી (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડે) વધ્યુ હતું. 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં આ વેચામ 5.2 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડે હતું. મોરબીમાં સિરામિકના બીજા નવા પ્લાન્ટ્સ પણ આવી રહ્યા છે. નવા 60 પ્લાન્ટ્સ આવતા તેના ગેસના રોજના વપરાશમાં 0.6 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડેનો વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. મોરબીના સિરામિક્સના ઉત્પાદનોની નિકાસમાં સતત વધારો થવાની ગણતરી મૂકાઈ રહી છે. ચીનના સિરામિક પ્રોડક્સ તરફથી અમેરિકાએ મોઢું ફેરવી લીધું છે.


તેથી ગેસના માર્કેટમાં તેના વોલ્યુમમાં પણ વધારો જોવા મળી શકે છે. 2020-21માં તેનું વોલ્યુમ 9.4 એમએમએસસીએમડી (મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડે)નું છે. 2024 સુધીમાં તેનું વોલ્યુમ વધીને 15.9 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડે થઈ જવાની સંભાવના છે. આમ આગામી ચારેક વર્ષમાં તેનું વોલ્યુમ બમણું થઈ જવાની ધારણા બાંધવામાં આવી રહી છે. કંપની પાસે ગેસના ભાવને ઊંચો લઈ જવાનો પણ સ્કોપ છે. તેથી તેના માર્જિન ઊંચા રહેશે.


નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઔદ્યોગિક વિસ્તારોને કારણે વધી રહેલા પ્રદુષણને મામલે કડક વલણ અપનાવવા માંડ્યું છે. તેથી અન્ય ઇંધણોની તુલનાએ વધુ ઇકો ફ્રેન્ડલી સીએનજીનો વપરાશ અને વેચાણમાં સતત વધારો થતો રહેવાની ગણતરી મૂકાઈ રહી છે. તેથી ગુજરાત ગેસના સીએનજીના વેચાણમાં પણ તગડો વધારો થવાની સંભાવના છે. ગુજરાત ગેસને ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં પણ તેમનું નેટવર્ક ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાત નવા એરિયાને કારણે પણ તેનું વેચાણ ઊંચે જશે. ગુજરાતમાં દહેજનો એરિયા તેને ફાળવવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં થાણેનો એરિયાની પીએનજીઆરબીએ ગુજરાત ગેસને કરેલી ફાળવણીને પરિણામે તેના વેચાણના વોલ્યુમમાં આગામી 3 વર્ષમાં વોલ્યુમમાં 4થી 6 એમએમએસસીએમડીનો વધારો થવાની ગણતરી માંડવામાં આવી રહી છે. તેનું વોલ્યુમ અત્યારની સપાટીથી બમણાથીય વધુ વધીને 23 એમએમએસસીએમડી થઈ શકે છે. ભાવનગરનો જહાજનો ભંગારવાડો પણ તેને મોટો બિઝનેસ અપાવી શકે છે. તેના રોજિંદા વેચાણમાં 0.5 એમએમએસસીએમડીનો વધારો થઈ શકે છે. દહેજ અને થાણેમાં પણ તેના વેચાણમાં રોજનો 0.4 એમએમએસસીએમડીનો વધારો આવી શકે છે. આ બધું જ વ્યવસ્થિત રીતે પાર પડે તો તેના વેચાણનું વોલ્યુમ અત્યારની સપાટીથી બમણું થઈને 23 એમએમએસસીએમડી થઈ શકે છે. તેને હાજરના બજારમાં લિક્વિડ નેચરલ ગેસ-એલએનજીના ભાવ ઊંચા હોવા છતાંય તેની પાસે ભાવ વધારવાનો સારો સ્કોપ હોવાથી તેના પરફોર્મન્સને આંચ આવવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.


આ બધાં જ કારણોસર છેલ્લા બે વર્ષથી દલાલ સ્ટ્રીટની અપેક્ષા કરતાં આ કંપનીના શેરદીઠ કમાણી વધાર જ આવતી રહી છે. તેથી ઈપીએસ-શેરદીઠ કમાણીની તુલનાએ તેના શેરનું બજાર મૂલ્ય વાજબી લાગી રહ્યું છે. કંપનીનો કંમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) 14 ટકાની આસપાસ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. કંપનીનો પીઈ-પ્રાઈસ અર્નિગ રેશિયો ઊંચો છે. ઊંચો પીઈ દર્શાવે છે કે કંપનીનો વિકાસ દર સારો રહેવાની સંભાવના છે. તેના શેરનો ભાવ આ પીઈ રેશિયોને તેની શેરદીઠ કમાણી સાથે આગળ ન વધે તો શેરનો ભાવ તૂટી શકે છે. પરંતુ આ કંપનીના કેસમાં આ પ્રકારની શક્યતા અત્યારે જણાતી નથી. 2023ની સાલમાં તેનો પીઈ વધીને 22 ગણો થવાની સંભાવના છે. પરિણામે બજારની અપેક્ષા કરતાંય તેની શેરદીઠ કમાણી સારી રહી હોવાથી તેના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત ગેસની શેરદીઠ કમાણી 2021માં રૂા. 18.53ની, 2022માં 25.11ની, 2023માં 30.28ની અને 2024માં 33.58ની રહેવાની ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. પરિણામે 2021થી 2024ના ગાળામાં કંપનીનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14 ટકાની આસપાસનો રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે.




લિક્વિડ નેચરલ ગેસના ભાવ હાજર બજારમાં ઊંચકાઈ ગયા છે. પરંતુ ભૂતકાળમાં પણ ભાવ ઊંચકાયા ત્યારે ઊંચા ભાવ મેળવવાની કંપનીને ક્ષમતાને કારણે તેના પરફોર્મન્સ પર વિપરીત અસર પડી નહોતી. એલએનજીના હાજર બજારના ભાવ એમએમબીટીયુદીઠ 13 ડૉલરની આસપાસ થઈ ગયા છે. તેની સામે તેના કસ્ટમર પાસેથી સારી કિંમત વસૂલી શકવાની ગુજરાત ગેસની ક્ષમતા હોવાથી આ મુદ્દો બહુ ચિંતા વધારે તેવો નથી. ડિસેમ્બર-જાન્યુઆરીમાં છેલ્લે લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યો ત્યારે ગુજરાત ગેસે તેના કસ્ટમર્સની જુદી જુદી કેટેગરીમાં 15 ટકાથી માંડીને 35 ટકા સુધીનો વધારો કરીને પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી લીધો હતો. અમેરિકામાં એલએનજીનો હાજર બજારમાં ભાવ એમએમબીટીયુ દીઠ 10 ડૉલર થઈ ગયો છે. એલએનજીના બજારમાં પણ તેની અસર હેઠળ ભાવનો ઊછાળો જોવા મળી શકે છે.


તેની સામે 2022 અને 2023માં તેનું વોલ્યુમ વધીને 14.5 અને 15.9 એમએમએસસીએમડી થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આ ગાળામાં તેનું સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ વેરા પૂર્વેનું માર્જિન અનુક્રમે રૂ. 5.6 અને રૂ. 5.9 રહેવાની ધારણા છે. ગુજરાત ગેસના પીઈ-પ્રાઈસ અર્નિંગ રેશિયોના 26 ગણું મૂલ્ય થવાની ધારણા બાંધવામાં આવી રહી છે. આ ગણતરીએ 12 મહિનામાં શેરનો ભાવ વધીને રૂ. 830નું મથાળું બતાવી શકે છે. જોકે આગામી 3 મહિના સુધી ગુજરાત ગેસ સાંકડી રેન્જમાં અથડાતો રહે તેવી ધારણા છે. તેમ છતાંય તેના શેરના ભાવમાં આગામી એક વર્ષના ગાળામાં 34 ટકા સુધીનો વધારો આવી શકે છે. તેમ નહિ તો 2020-24ના ગાળામાં તેની સ્ક્રિપના ભાવમાં 25 ટકા સુધીનો વધારો આવી શકે છે. ગુજરાત ગેસની શેરદીઠ કમાણીમાં થનારા 13 ટકાના વધારાને આધારે તેના શેરમાં ભાવ વધારાના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે.


ગુજરાત ગેસના બિઝનેસમાં ઔદ્યોગિક કસ્ટમર્સ તરફથી તેમના રેવન્યુમાં ખાસ્સો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. તેના માર્જિન અપેક્ષા કરતાં ઊંચા છે. મોરબીના સિરામિક ઉદ્યોગનું વોલ્યુમ વધે અને તેની નિકાસમાં વધારો થઈ જાય તો તેના શેરનો ભાવ વધીને રૂ. 1300નું મથાળું બતાવી શકે છે. હા, કંપની લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં આવેલો વધારો તેના કસ્ટમર્સને પાસ ન કરી શકે અને મોરબીના સિરામિક ઉદ્યોગની નિકાસમાં વધારો ન થાય તો તે એક તબક્કે કંપની માટે નકારાત્મક બાબત બની શકે છે. સ્થાનિક બજારમાં સીએનજી માટે નીચા દામે પસંદગીના ધોરણે ગેસની ફાળવણી કરવાની નીતિ બદલાઈ છે. તેની શી અસર આવે છે તેના પર પણ નજર રાખવી જરૂરી છે. બીજી તરફ મોરબીના એરિયામાં થર્ડ પાર્ટી તરીકે ગેઈલે એન્ટ્રી લીધી છે. તેને પરિણામે ગુજરાત ગેસના માર્જિન કપાઈ શકે છે. આ સંજોગોમાં તેના ભાવમાં ઘટાડો આવે તો શેરનો ભાવ ઘટીને રૂ. 320નું તળિયું પણ બતાવી શકે છે.


2021ની સાલમાં કંપનીની આવક રૂ. 985.42 કરોડની રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. 2022માં આવક વધીને 1735.32 કરોડ અને 2023માં વધીને 2034.85 અને 2024માં 2231.40 કરોડની થવાના ગણિતો માંડવામાં આવી રહ્યા છે. તેની સામે તેની વેરા, વ્યાજ, ઘસારા અને એમોરટાઈઝેશન એટલે કે કંપનીની ન દેખાતી અસ્ક્યામતોના મૂલ્યનો મળતો સંભવિત લાભ પૂર્વેની કમાણી 2021માં 208.21 કરોડ, 2022માં 264.58 કરોડ, 2023માં 310.48 કરોડ અને 2024માં 340.47 કરોડની થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. કંપનીનો રીટર્ન ઓન ઇક્વિટી 2021માં 32.8 ટકા રહેવાની ધારણા છે. 2022માં પણ આ જ સપાટી જાળવી રાખે તેવી અપેક્ષા છે. પરંતુ ત્યારબાદ રીટર્ન ઓન ઇક્વિટી 2023માં 29.8 ટકા અને 2024માં 26 ટકાનો રહેવાનું અનુમાન છે.


કંપનીના શેરની બુક વેલ્યુ સારી છે. 2021માં તેની બુક વેલ્યુ રૂ. 65.12ની છે. 2022માં તેની બુક વેલ્યુ રૂ. 88.23, 2023માં રૂ. 114.75 અને 2024માં તેની બુક વેલ્યુ રૂ. 143.79 થવાના અંદાજો મૂકવામાં આવી રહ્યા છે. બુક વેલ્યુ તેના પરફોર્મન્સને આધાર તેના શેર્સ ખરીદવા માટે બજાર જે કિંમત ચૂકવવા તૈયાર થાય તેને બુક વેલ્યુ તરીકે ઓળખાવવામાં આવે છે. બુક વેલ્યુ કંપનીની નેટ એસેટ વેલ્યુ દર્શાવે છે. ઇન્વેસ્ટર્સ તેના શેર્સ ખરીદે છે ત્યારે તેને તેની બુક વેલ્યુ મળે છે. બીજીતરફ તેની શેરદીઠ કમાણી પણ વધવાના ગણિતો માંડવામાં આવી રહ્યા છે. 2024 સુધીમાં શેરદીઠ કમાણી વધીને રૂ. 33.58 થવાના અંદાજ મૂકાઈ રહ્યા છે.


કંપનીનું બીજું એક જમા પાસું હોય તો તે ડિવિડંડ આપતી કંપની છે. 2015માં ગુજરાત ગેસમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનનું વિલીનીકરણ થયું ત્યારથી કંપની ડિવિડંડ આપતી આવી છે. કંપની 2022માં શેરદીઠ રૂ. 2.00, 2023માં શેરદીઠ રૂ. 3.77નું અને 2024માં શેરદીઠ રા. 4.54નું ડિવિડંડ આપે તેવા હાલના ગણિતો પરથી લાગી રહ્યું છે.


સાલ શેરદીઠ ડિવિડંડ


2015 રૂ. 5.00


2016 રૂ. 2.50


2017 રૂ. 3.00


2018 રૂ. 4.00


2019 રૂ. 1.00


2020 રૂ. 1.25


2021 રૂ. 2.00

コメント


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page