top of page

ચેતજો! તમારા આ મોટા નાણાંકીય વ્યવહારો પર બાજ નજર રાખે છે આવકવેરા ખાતુ

  • Team Vibrant Udyog
  • Nov 30, 2021
  • 3 min read
- રિટર્નમાં નહિ દર્શાવ્યું હોય તો તમને આ નાણાંકીય વ્યવહારો માટે ખુલાસો કરવાની નોટિસ પણ મળી શકે છે


તાજેતરમાં જ આવકવેરા વિભાગે કરદાતાઓના ઊંચી કિંમતના નાણાંકીય વ્યવહારો પર બાજ નજર રાખવા માટે દરેક કંપનીઓ, બેંકો, સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેને રોકાણકારોના અમુક વ્યવહારોની વિગતો દર્શાવતું AIR (એન્યુઅલ ઈન્ફોર્મેશન રિટર્ન) ફાઈલ કરીને મોકલવાનું ફરજિયાત બનાવી દીધું છે. જે આ માહિતી ન મોકલે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ શરૂઆત કરી દેવાઈ છે. તો આજે આપણે જાણી લઈએ કે કયા કયા મોટા નાણાંકીય વ્યવહારોની વિગત આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે. આનાથી દરેક કરદાતા જાણી શકશે કે તેણે જે નાણાંકીય વ્યવહારો કર્યા છે તે રિટર્નમાં દર્શાવેલી આવકમાં શામેલ છે કે નહિ. જો આ વહેવાર જાહેર ન કરેલી આવકમાંથી કરાયા હશે તો ઈન્કમ ટેક્સની નોટિસ પણ મળી શકે છે.


1. રૂ. 10 લાખ કે તેથી વધુ રકમ નાણાંકીય વર્ષ દરમિયાન સેવિંગ્સ ખાતામાં કે રિકરિંગ ખાતામાં રોકડેથી જમા કરાવેલી હોય. (કરંટ ખાતામાં નહિ.)


2. કરંટ ખાતામાં નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 50 લાખ કે તેથી વધુ રકમ રોકડેથી જમા કરાવી હોય અથવા તો ઉપાડ કર્યો હોય.


3. નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની ટાઈમ ડિપોઝિટ કોઈ વ્યક્તિના એક ખાતામાં અથવા તો વધુ ખાતાઓ જેવા કે બેન્ક, પોસ્ટ ઑફિસ વગેરેમાં કરવામાં આવે.


4. ક્રેડિટ કાર્ડના રૂ. 1 લાખ કે તેથી વધુ રકમના બિલની ચૂકવણી રોકડમાં કરવામાં આવે. અથવા તો નાણાંકીય વર્ષ દરમિયાન ક્રેડિટ કાર્ડના બિલની રૂ. 10 લાખ કે તેથી વધુની ચૂકવણી કરવામાં આવી હોય.


5. કોઈ કંપનીના બોન્ડ અથવા ડિબેન્ચર માટે નાણાંકીય વર્ષમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે ચૂકવણી કરવામાં આવી હોય.


6. કોઈ કંપનીના શેર ખરીદવા માટે નાણાંકીય વર્ષમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની ચૂકણવી કરવામાં આવે.


7. કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈ કંપની તેના શેર બાયબેક કરે અને તેની ચૂકવણી પેટે નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવે.


8. કોઈ વ્યક્તિ દ્વારા રૂ. 10 લાખ કે તેથી વધુ રકમના મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સની ખરીદી કરવામાં આવે.


9. કોઈ વ્યક્તિ દ્વારા નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 10 લાખ કે તેથી વધુ મૂલ્યના ટ્રાવેલર્સ ચેકની ખરીદી કરવામાં આવે અથવા તો આંતરરાષ્ટ્રીય કાર્ડથી રૂ. 10 લાખ કે તેથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવે.


10. કોઈ વ્યક્તિ દ્વારા સ્થાવર મિલકતની ખરીદી માટે રૂ. 30 લાખ કે તેથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવે અને તેની જંગી વેલ્યુ રૂ. 30 લાખથી વધુ થતી હોય.


11. કોઈ પણ માલ કે સેવાની ખરીદી માટે રૂ. 2 લાખ કે તેથી વધુ રકમની રોકડેથી ચૂકવણી કરવામાં આવે.


ઉપર જણાવેલા તમામ નાણાંકીય વ્યવહારો AIR (એન્યુઅલ ઈન્ફોર્મેશ રિટર્ન) દ્વારા આવકવેરામાં રિપોર્ટ થતા હોવાથી તે તમામે તમામ વહેવારો 26ASમાં પણ રિપોર્ટ થયેલા બતાવે છે. આ વહેવાર કરદાતાએ પોતાની કરપાત્ર આવકમાંથી કરેલ છે કે પછી બે નંબરના વહેવાર કરેલ છે તેની સ્પષ્ટતા માટે આવકવેરા ખાતુ નોટિસ પાઠવી શકે છે અને ખુલાસો કરવાની મુદત પાઠવે છે. ખુલાસો સંતોષકારક જણાય તો આવકવેરા અધિકારી ફાઈલ પૂર્ણ કરે છે. જો ખુલાસો શંકાશીલ કે અસંતોષકારક જણાય તો આવકવેરા અધિકારી કરદાતાને કેસ રિ-ઓપન કરવાની નોટિસ પાઠવીને સ્ક્રૂટિની-આકારણી માટે બોલાવે છે.


કેટલાંક કરદાતા રિટર્ન ફાઈલ કર્યા વિના જ આવા વ્યવહારો કરે છે. તેમને રિટર્ન ફાઈલ કરવાની નોટિસ પાઠવીને સ્ક્રૂટિની માટે બોલાવાય છે.



હવે આસાનીથી પકડાઈ જશે કરદાતાની ચાલાકીઃ


કેટલાંક કરદાતા જુદી જુદી બેન્કોમાં ખાતુ રાખે છે. એક બેંકમાં 6 લાખ રોકડ જમા કરાવી બીજી બેન્કમાં બીજા 8 લાખ રોકડ જમા કરાવે છે. એમને મનમાં એવો ખ્યાલ રહે છે કે રૂ. 10 લાખથી ઓછી રકમ હોવાથી આવકવેરાની નોટિસ નહિ મળે. આ તેમની મોટી ભૂલ છે. હવે દરેક બેન્કમાં PANનો ડેટા હોય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી બેન્કનું સોફ્ટવેર જ આ બંને ટ્રાન્ઝેક્શન ભેગા કરીને બેન્ક અધિકારીને રિપોર્ટ કરે છે. આ રીતે જુદા જુદા ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચનું પણ ટોટલ થઈને રિપોર્ટ થાય છે. આથી ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરતા પહેલા પણ ખૂબ વિચારવું જોઈએ.

Comentarios


Related Post

ad-space-placeholder-300x250-300x250.png
bottom of page