ડાર્ક હોર્સઃ રોકાણકારોને લાંબા ગાળે જબરદસ્ત લાભ કરાવશે આ ફાર્મા-કેમિકલ કંપનીનો શેર
- Team Vibrant Udyog
- Oct 6, 2021
- 4 min read

માર્કેટમાં હાલ એક ફાર્મા-કેમિકલ કંપનીના શેરની ખાસ્સી ચર્ચા છે. IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સના શેર્સ રોકાણ કરવાને પાત્ર અને લાભ કરાવે તેવો હોવાનું જાહેર કરી રહ્યા છે ત્યારે તેના બજાર ભાવમાં 43 રૂપિયાનો વધારો આવી ચૂક્યો છે. બાવન અઠવાડિયામાં કંપનીના શેરે રૂ. 860નું મથાળું જોયું છે. તેમ જ 522નું બોટમ પણ જોયું છે. કંપની શેરદીઠ 1.01 ટકાનું ડિવિડંડ આપે છે. મંગળવારે બજાર બંધ આવ્યું ત્યારે તેનો ભાવ રૂ. 593.50નો રહ્યો હતો. 1986માં સ્થપાયેલી કંપનીના શેરમાં છેલ્લા એક મહિનાથી લાવલાવ જોવા મળી રહી છે. જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2021માં પૂરા થનારા ત્રિમાસિક ગાળામાં પણ સારા પરિણામો જોવા મળી શકે છે. કંપનીને માથે મોટું દેવું નથી. તેની ઓપરેટિંગ ઇન્કમમાંથી માત્ર એક જ ટકા રકમ તેમણે વ્યાજ પેટે ચૂકવવી પડી છે. તેની સામે કંપનીનો પગાર ખર્ચ કુલ આવકના 5.90 ની આસપાસ જ છે. કંપનીનો વેરા પછીનો નફો રૂ. 67 કરોડનો રહ્યો છે.
કંપની એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સના ક્ષેત્રની અગ્રણી કંપની છે. બીજા શબ્દોમાં કહીએ તો બલ્ક ડ્રગ બનાવતી એક કંપની છે. કંપની પાસે જંગી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે. કોરોનાના કાળ દરમિયાન અને હવે પછીના સમયમાં તેના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. પ્રોડક્ટ લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સ માટે સરકારે સૌથી પહેલા જાહેર કરી હતી. ચીન પર બાંધવો પડતો મદાર ખતમ કરવા સરકાર ઉતાવળી હતી. તેનો લાભ પણ આ કંપનીને મળશે. સ્પેશિયાલિટી કેમિકલ્સના ક્ષેત્રમાં કંપનીની કુશળતા અજોડ છે. વિશ્વ બજારમાં આઈબુપ્રોફેનના કુલ હિસ્સામાંથી 35 ટકા હિસ્સો એકલો આ કંપનીનો જ છે. આઈબુપ્રોફેનનું ઉત્પાદન કરવા માટે જોઈતા કાચા માલનું ઉત્પાદન પણ આ જ કંપની કરે છે. તદુપરાંત કંપની ડાયાબિટીસની દવા બનાવવા માટેના બલ્કડ્રગ-કાચા માલનું પણ ઉત્પાદન કરે છે. હાઈપર ટેન્શનની દવાના ઉત્પાદનમાં પણ આ કંપની સ્થાન ધરાવે છે. તેમ જ આંચકીની સમસ્યાની સારવાર કરતી દવા પણ આ કંપની બનાવે છે. તેની ઉત્પાદન કિંમત પણ રીઝનેબલ કહેવાય તેવી છે. તેથી જુદાં જુદાં એપીઆઈ ડેવલપ કરવા તરફ કંપની સરળતાથી વળી શકે છે.
કંપની આજે દુનિયાના 40 દેશોમાં તેના પ્રોડક્ટ્સનો સપ્લાય આપે છે. આ ચાળીસ દેશોમાં બાંગલાદેશ, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, સિરિયા, સિંગાપોર, હોન્ગકોન્ગ, પાકિસ્તાન, ઇજીપ્તનો પણ સમાવેશ થાય છે. કંપનીના ક્લાયન્ટ બેઝમાં રેનબેક્સી, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા, યુનિફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી લિમિટેડ, આઈસીઆઈ પેઈન્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, પીડીલાઈટ, રાલીઝ ઇન્ડિયા, હિન્દુસ્તાના પોલીમાઈડ, ગુજરાત સુપર ફોસ્ફેટ અને એવોન ઓર્ગેનિક્સનો સમાવેશ થાય છે.
કંપની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની મોટી મોટી કંપનીઓની સ્પેશિયાલિટી કેમિકલ્સની જરૂરિયાત સંતોષવાનું કામ કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ જરૂરિયાત સંતોવાની કામગીરી કંપની કરે છે. કંપનીએ નાના સ્તરે બલ્ક ડ્રગનું ઉત્પાદન ચાલુ કરીને પછી મોટા બેચ પણ તૈયાર કર્યા છે. ટૂંકા ગાળામાં કંપનીએ છ નવા પ્રોડક્ટ પણ લોન્ચ કર્યા છે. નવા લોન્ચ કરેલા પ્રોડક્ટ્સમાં જેનરિક એપીઆઈનો સમાવેશ થાય છે. તેથી કંપનીના વિકાસની શક્યતાઓ ઘણી જ વધારે છે. ફાર્મા કંપનીઓને ઉપયોગી થાય તેવા પ્રોડક્ટ્સનો મોટો પોર્ટફોલિયો આ કંપની ધરાવે છે. કંપનીના ઉત્પાદનોમાં આઈબુપ્રોફેન, આઈબુપ્રોફેન લાયસિનેટ, આઈબુપ્રોફેન સોડિયમ, ડેક્સ-આઈબુપ્રોફેન, મેટફોર્મિન એચસીએલ, ક્લોપિડોગ્રેલ બાયસલ્ફેટ (ફોર્મ – 2) પેન્ટાપ્રાઝોલ સોડિયમ, ફેન્ડોફાઈબ્રેટ, ગબાપેન્ટિન, લામોટ્રીગાઈન, ઊર્ડોડેઓક્સિક્લોલિક એસિડ, લોસારટન પોટાસિયમ, લેવેટિરેસટામ જેવા એપીઆઈનો સમાવેશ થાય છે. કંપની નવા એપીઆઈ વિકસાવવાના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂકી છે. નવા એપીઆઈમાં ફેક્સોફેનાડાઈન, ક્વેટિએપાઈન, ફુમારેટ, ડેક્સ્ટ્રોમેથોરફાન, એપિક્સાબન, મેસાલાઝાઈન, નેવિવોલોલ, લિસિનોપ્રિલ, વાલસારટનનો સમાવેશ થાય છે. આ એપીઆઈનો ઉપયોગ જુદી જુદી દવાઓ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં પેઈનકીલર, એન્ટિડાયાબિટીક, એન્ટિહાઈપરટેન્શનલ, એન્ટિકોવલ્ઝન્ટ, એન્ટિકોલેસ્ટોરલ અને એન્ટિપ્લેટલેટ દવાઓ બનાવવા માટેની દવાના એપીઆઈનો સમાવેશ થાય છે. તદુપરાંત ફ્લેક્સિબલ પેકેજિંગ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ્સ, ફૂડ પ્રોસેસિંગ, પેસ્ટિસાઈડ્સ-જંતુનાશક દવાઓ તથા રંગ ઉદ્યોગ (પેઈન્ટ ઇન્ડસ્ટ્રીઝ) માટે જરૂરી સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન આ કંપની કરે છે. તેમાં ઇથાઇલ એસેટેડ, મોનોક્લોરો એસેટિક એસિડ, એસેટાઈલ ક્લોરાઈડ અને બ્યુટાઈલ બેન્ઝીનનો સમાવેશ થાય છે. આઈસોબ્યુટાઈલ બેન્ઝીનના ઉત્પાદનના ક્ષેત્રમાં IOL કેમિકલ્સ દુનિયાની બીજા ક્રમની કંપની છે. આઈપ્રોફેનના ઉત્પાદન માટેનો તે મહત્વનું પ્રોડક્ટ છે. તેમાં કંપની 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આઈબુપ્રોફેન નોન સ્ટીરોઈડ એન્ટિઇન્ફ્લેમેટરી ડ્રગ છે. પીડા, તાવ અને સોજા જેવી અનેક તકલીફોની સારવાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ દવાઓનું માર્કેટ આગામી ઘણાં વરસો સુધી સ્થિર ગતિએ વધતુ જ રહેવાનું છે. રોગની સારવાર કરવાની આ દવાઓની ક્ષમતા અંગે જનતામાં વધી રહેલી જાગૃતિને પરિણામે તેનો વપરાશ સતત વધતો રહેવાનો છે. તેના મૂલ્યવર્ધિત ઉત્પાદનો કંપની સતત બજારમાં મૂકી રહી છે તે તેનું મોટું જમા પાસું છે. આઈબુપ્રોફેનના ડેરિવેટીવ્સના વાર્ષિક 500 ટનની ક્ષમતા સુધી લઈ જવાનું આયોજન કંપનીએ અમલમાં મૂકી દીધું છે. આ ક્ષમતા હજીય વધારીને 800 ટન સુધી લઈ જવાનું આયોજન છે. હવે કંપની જાપાનના બજારમાં પણ પ્રવેશ લેવા માગે છે. જાપાની ફાર્માકોપિયાની જરૂરિયાત પ્રમાણેના પ્રોડક્ટ આપવાની સ્થિતિ સુધી કંપની પહોંચી ગઈ છે. અત્યારે કંપનીના કુલ વેપારમાંથી 85 ટકા વેપાર આઈબુપ્રોફેન અને તેના ડેરીવેટીવ્સનો છે. આગામી બે જ વરસમાં આ ટકાવારી ઘટીને 60 સુધી લાવી દેવાનું આયોજન છે.
કંપનીનો બીજો એક બહુ જ મોટું વોલ્યુમ ધરાવતો મોલેક્યુલ પ્રેગાબાલિન છે. તેની પ્રક્રિયા કરવા માટે IOL ચીન પર રતિભાર નિર્ભર નથી. તેથી તેના ઉત્પાદનના ક્ષેત્રમાં કંપની મજબૂતીથી પગદંડો જમાવી શકશે. કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની મજબૂત ટીમ પ્રેગાબાલિનના ઉત્પાદનના ક્ષેત્રમાં ઘણી સંગીન કામગીરી કરી ચૂકી છે. વેરા પછીનો નફો 13 ટકાનો રહ્યો છે. માર્ચ 2021માં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં કંપનિની આવક રૂ. 1991 કરોડ થઈ હતી. તેનો ઈબીઆઈટીડીએ 4 ટકા વધીને રૂ. 616 કરોડ થયો હતો. તેનો વેરા પછીનો નફો રૂ. 445 કરોડનો રહ્યો હતો. તેમાં 23 ટકાનો વધારો થયો હતો.
કંપની એપીઆઈના બિઝનેસમાં વધારો કરવા પર ફોકસ કરી રહી છે. જોકે આઈબુપ્રોફેનની ડીમાન્ડ અને ભાવ ઘટી જતાં કંપનીના માર્જિન ખાસ્સા કપાઈ ગયા છે. તેના વેપારમાં સ્પર્ધા પણ વધી ગઈ છે. પરંતુ કંપનીનું મેનેજમેન્ટ તેની તેમના આર્થિક પરફોર્મન્સ પર કોઈ જ અસર ન આવે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. છતાં કંપનીએ તેના ત્રણ યુનિટ માટે નવું રૂ. 112 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. આગામી વરસોમાં પણ વાર્ષિક રૂ. 100-100 કરોડનો મૂડી ખર્ચ કંપની કરતી રહે તેવી સ્થિતિ જણાઈ રહી છે. કંપની સંપૂર્ણપણે બેકવર્ડ ઇન્ટિગ્રેશનની દિશામાં એટલે કે દરેક નવી દવા માટે જોઈતો કાચો માલ પણ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે, કારણ કે આગામી સમયમાં ડીમાન્ડ પણ વધશે અને ભાવ પણ સુધરતા કંપનીની આવક પણ વધશ તેવી આશા છે. તદુપરાંત ડેવલપ કંટ્રીના માર્કેટમાંથી આવક વધારવા કંપની પ્રયાસ કરી રહી છે. તેમ જ કંપનીના કામકાજમાં 10 ટકાના દરે વધારો થવાની ગણતરી મૂકવામાં આવ રહી છે. તેથી કંપનીના નફામાં પણ વધારો થવાની ગણતરી છે.
કંપની દર વર્ષે રૂ. 300થી 400 કરોડની રોકડ જનરેટ કરે છે. કંપની પાસે તેની બેલેન્સશીટમાં બીજી રૂ. 350 કરોડની રોકડ જમા પડેલી છે. તેનો ઉપયોગ લાંબા ગાળા અને ટૂંકા ગાળાના આયોજન પાર પાડવા માટે કરવાનું કંપનીનું મેનેજમેન્ટ વિચારી રહ્યું છે. કંપનીના ભાવિ વિકાસના આયોજનો પણ વધુ સંગીન છે.
Comments