રાલીઝ ઇન્ડિયાઃ દેવા મુક્ત કંપની સારા બિઝનેસ થકી તગડું રિટર્ન અપાવી શકે
- Team Vibrant Udyog
- Sep 18, 2021
- 5 min read
હાઈનેટવર્થ ઇન્વેસ્ટર રાકેશ ઝૂનઝૂનવાલાએ છેલ્લા થોડા મહિનાઓમાં કંપનીમાંનું તેનું હોલ્ડિંગ ધીમે ધીમે વધારીને 10 ટકા કરી નાખ્યુ

એગ્રોકેમિકલ બનાવતી ટાટા ગ્રુપની કંપની રાલીઝ ઇન્ડિયાની આવકમાં વર્ષે સરેરાશ 11.7 ટકા વધીને રૂ. 741 કરોડ થઈ છે. કંપનીના ફાઈનાન્શિયલ પરફોર્મન્સને જોતાં રાકેશ ઝૂનઝૂનવાલાઓ જેવા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરે કંપનીના દસ ટકા શેર્સ ખરીદ્યા છે. નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીના વેચાણમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો વધારો જોવા મળ્યો છે. ભારત સરકાર આયાતી ખાતર પર ઓછો મદાર બાંધવો પડે તેવી નીતિને પ્રમોટ કરી રહી છે. તેથી સ્થાનિક કંપનીઓના વેચાણમાં વધારો જોવા મળશે. તેની સીધી અસર તેના નાણાંકીય પરફોર્મન્સ પર જોવા મળશે. છેલ્લા થોડા ત્રિમાસિક ગાળાથી રાકેશ ઝૂનઝૂનવાલાનું તેમાં સતત બાઈંગ જોવા મળી રહ્યું છે. પરંપરાગત વ્યવસાય તરીકે ભારતમાં ખેતીને જોવામાં આવે છે. તેમાં ઘરની જરૂરિયાત સંતોષવા માટે જ પાક લેવામાં આવતો હતો. 20મી સદીને છેલ્લા 50 વર્ષના ગાળામાં ગ્રીન રેવોલ્યુશનના બીજ રોપાયા હતા. તેથી વધુ ઉપજ આપતા બિયારણની બાબતમાં જાગૃતતા વધી છે. તેમ જ ઓછા પાણીએ વધુ પાક લેવાની ટપક સિંચાઈની સિસ્ટમને વધુ લોકો અનુસરતા થયા છે. હવે માઈક્રો ઇરિગેશન પર ખેડૂતો આવી ગયા છે. ભારતમાં 18.20 કરોડ હેક્ટર જમીનમાં ખેતી થાય છે. ભારતમાં 200 મિલિયન ટનથી વધુ અનાજનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ભારતના 60 ટકાથી વધુ લોકો તેના પર જ નિર્ભર છે.
તેનો ડોમેસ્ટિક ક્રોપ કેરનો બિઝનેસ 32 ટકાના દરે વધી રહ્યો છે. કંપનીના પ્રોડક્ટના વેચાણ પરના કુલ માર્જિનમાં 90 બેઝીસ પોઈન્ટ (એક ટકાથી થોડો ઓછો) ઘટાડો જોવા મળ્યો છે. આવકવેરા પૂર્વેના તેના નફામાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી તેનો વેરા પૂર્વેનો નફો 16.4 ટકા વધ્યો છે. વેરા પૂર્વેનો નફો ઘટીને 121.5 કરોડ થયો છે. વેરા પછીનો નફો 10 ટકા ઘટીને રૂ. 82.3 કરોડ થયો છે. સ્થાનિક બજારમાં કંપનીનું વેચાણ 17 ટકા વધીને રૂ. 608 કરોડને આંબી ગયું છે. તેનો આંતરરાષ્ટ્રીય ક્રોપ કેરના બિઝનેસમાં 32 ટકાના વધારા સાથે તેનો નફો 131.9 કરોડનો થયો છે.
31મી માર્ચે 2021ના પૂરા થયેલા નાણાંકીય વર્ષને અંતે કંપનીએ રૂ. 2429.44 કરોડની આવક કરી હતી. માર્ચ 2020માં પૂરા થયેલા વર્ષમાં તેની રૂ. 2251.82 કરોડની આવકની તુલનાએ ગત નાણાંકીય વર્ષની તેની આવકમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનો વેરા પૂર્વેનો નફો રૂ. 294.05 કરોનો રહ્યો હતો. જે આગળના વર્ષમાં 226.07 કરોડનો હતો. તેમાં 30.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો 24.4 ટકાના વધારા સાથે રૂ. 183.69 કરોડથી વધી રૂ. 228.57 કરોડ થયો છે. માર્ચ 2021ના પૂરા થયેલા વર્ષમાં કંપનીની સ્થાનિક બજારમાંથી થયેલી કુલ આવક રૂ. 1287 કરોડની હતી, જે આગળના વર્ષની રૂ. 1165 કરોડની આવક કરતાં વધારે હતી. તેમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીના આંતરરાષ્ટ્રીય બિઝનેસ થકી રૂ. 741 કરોડની આવક થઈ હતી. 2019-20ના વર્ષમાં આ આવક રૂ. 722 કરોડની હતી. તેમાં એક વર્ષમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઉત્તર અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકાના દેશો, અમેરિકા તથા બ્રાઝિલમાં તેના વેપારો વધી રહ્યા છે. ક્રોપ ન્યુટ્રીશનના બિઝનેસમાં વરસે અંદાજે 22 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ક્રોપ ફોર્મ્યુલેશન તૈયાર કરવા માટે કંપનીએ રૂ. 198 કરોડનો મૂડી ખર્ચ કર્યો છે. આગામી પાંચ વર્ષમાં તે માટે રૂ. 800 કરોડનો મૂડીખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ટાટા ગ્રુપની 1948માં સ્થપાયેલી કંપની રાલીઝ ઇન્ડિયા સો ટકા દેવામુક્ત કંપની છે. રાલીઝ ઇન્ડિયાની ફોર્મ્યુલેશનના બિઝનેસ થકી થતી આવકમાં વર્ષે વર્ષે 14 ટકાનો વધારો થઈ રહ્યો છે. તેના ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કમાં વર્ષે 5 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2020-21ના વર્ષમાં કંપનીએ 26 નવા પ્રોડક્ટ માર્કેટમાં મૂક્યા છે. તેમાં ઉધઈ નાશક દવાનો સમાવેશ થાય છે. આ દવાનો મકાન બાંધતી વખતે અને બંધાઈ ગયા પછી પણ ઉપયોગ થાય છે.
એગ્રોકેમિકલ બનાવતી આ કંપની છે. બિયારણથી માંડીને છોડવાઓના ઓર્ગેનિક વિકાસ માટેના પોષક તત્વો બજારમાં આ કંપની મૂકી રહી છે. વિશ્વની કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગની કામગીરી પણ રાલીઝ ઇન્ડિયા કરે છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે જરૂરી ક્વોલિટી ઇનપુટ અંગેની કંપનીની સમજણ પણ ખાસ્સી ઊંડી છે. બ્રાન્ડિંગના ક્ષેત્રમાં અને માર્કેટિંગમાં પણ તેની માસ્ટરી છે. ક્રોપ કેરના સેગમેન્ટમાં તેનો પોર્ટફોલિયો પણ સંગીન છે. કંપની 10,000 મેટ્રિક ટન ટેકનિકલ ગ્રેડ પેસ્ટીસાઈડ્સનું ઉત્પાદન કરે છે. જંતુનાશક દવાઓના બિઝનેસમાં કંપની વિશ્વની ઘણી અગ્રણી કંપનીઓ સાથે ભાગીદારી ધરાવે છે.
વરસે 30,000 ટન ફોર્મ્યુલેશન પણ બનાવે છે. જંતુનાશક, ફૂગ નાશક અને હર્બલ જંતુનાશક કંપની બનાવે છે. કોન્ટાફ ને કોન્ટાફ પ્લસ જેવા ફૂગનાશક જાણીતા પ્રોડક્ટ્સ છે. તેમ જ ખેતરમાં નકામું ઘાસ થતું અટકાવવાના પતેહ, ટાટા મેત્રી, ટાટા પાણીદા અને ટાટા મિડા, રિવા ને અસાતફ, નાણિક જેવા પ્રોડક્ટ તેની પાસે છે. કંપનીએ બે બાયો પેસ્ટિસાઈડ્સ ઉપરાંત પાકને પોષણ આપતા છ નવા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે.

રાલીઝ ઇન્ડિયા સ્થાનિક બજાર માટે હાઈબ્રિડ સિડ્સ વિકસાવવાનું, ઉત્પાદન કરવાનું, તેની પ્રોસેસ કરવાનું અને વિતરણનું કામ પણ સારી રીતે કરી શકે છે. ડાંગર, મકાઈ, બાજરી, કપાસ અને રાયડાનું બિયારણ તૈયાર કરે છે. તેમ જ મરચાં, ભીંડા, ટામેટા, દૂધી જેવા શાકભાજી માટેનું બિયારણ પણ તૈયાર કરે છે. બીટી કોટનનું બિયારણ પણ કંપની બનાવે છે. તેનાથી બોલવર્મ અને સ્પોડોપટેરા જેવા જીવાણુંઓને સારી રીતે અંકુશમાં રાખી શકાય છે. બી.ટી. કોટનની જેમ જ તેણે બી.ટી. રાઈસના બિયારણ પણ વિકસાવેલા છે. કંપની પાકને પોષણ આપતા તત્વો પણ બજારમાં મૂકે છે. તેમાં બાયો ફર્ટિલાઈઝર, બાયો સ્ટીમ્યુલન્ટ, માઈક્રો ન્યુટ્રીઅન્ટ, પાણીમાં ઓગળી જાય તેવા ખાતર અને ઓર્ગેનિક ખાતરનો પણ સમાવેશ થાય છે. ભારતના 80 ટકા જિલ્લાઓને આવરી લે તેવું વિતરણનું નેટવર્ક કંપની ધરાવે છે. તેની સાથે 1500 ડીલર અને 40,000 રિટેઈલર્સ સંકળાયેલા છે. તેમની મદદથી ખેડૂતોના ખેતર સુધી તેમના પ્રોડક્ટ પહોંચાડી શકે તેવી ક્ષમતા કંપની ધરાવે છે.
ખેડૂતો કઠોળનો વધુ પાક લઈ શકે તે માટે રાલીઝ ઇન્ડિયાએ મોર પલ્સ-મોપુ નામની સર્વિસ ચાલુ કરી છે. આ સર્વિસ ખાસ્સી લોકપ્રિય થઈ છે. સમૃદ્ધ કૃષિના માધ્યમથી કંપની ખેડૂતોને ખેતી કામ અંગેની જાણકારી પણ આપે જ છે. બિયારણથી માંડીને પાક લણવા સુધીનું માર્ગદર્શન તે ખેડૂતોને આપે છે. ખાસ કરીને મરચાં, દાડમ અને દ્રાક્ષના પાક માટે આ માર્ગદર્શન આપે છે. સોઈલ હેલ્થ સુધારવા માટે તેમે ખાસ કરીને જિઓ ગ્રીન પ્રોડક્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ બાયો પેસ્ટીસાઈડ્સ પણ તૈયાર કરી છે.
રાલીઝ ઇન્ડિયા વિશ્વના 70 જેટલા દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે. પહેલા વિશ્વના દેશોમાં તે સીધું વિતરણ કરતી હતી. હવે રાલીઝ ઇન્ડિયાએ જે તે દેશમાં આવેલી કંપનીઓ સાથે જોડાણ કે ભાગીદારી કરીને તેના નેટવર્કને વધુ સંગીન બનાવવાની કામગીરી કરી છે. છેલ્લા થોડા વરસોમાં કંપનીએ નવા પ્રોડક્ટ્સ વિકસાવવા પર, પ્રોડક્શન કેપેસિટી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના નિકાસને પાત્ર પ્રોડક્ટ્સમાં ટેકનિકલ ગ્રેડ પેસ્ટિસાઈડ્સ, બલ્ક એન્ડ બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન્સ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. તેના પ્રોડક્ટ્સ કડકમાં કડક રેગ્યુલેટરી નોર્મ્સની કસોટી પર ખરા ઉતરી રહ્યા છે. કંપનીએ વિશ્વ સ્તરે ડૉવ એગ્રો સાયન્સીસ, સિન્જેન્ટા અને નિહોન નોહ્યાકુ સાથે જોડાણ કર્યું છે. તેની મદદથી કંપનીએ વિશ્વની સારામાં સારી ક્રોપ પ્રોટેક્શન માટેની દવા તૈયાર કરે છે.
રાલીઝ ઇન્ડિયા કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગની કામગીરી પણ કરે છે. તેણે ત્રણ નવા ક્રોપ પ્રોટેક્શન વિકસાવ્યા છે. તેમ જ ક્રોપ ન્યુટ્રીશનના પણ ત્રણ નવા પ્રોડક્ટ તૈયાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નવ નવા પ્રોડક્ટ્સના રજિસ્ટ્રેશન મેળવ્યા છે. ભારતમાં 13 નવા પ્રોડક્ટ્સના રજિસ્ટ્રેશન મેળવ્યા છે.
કંપનીના નાણાંકીય પરફોર્મન્સ અને બિઝનેસના વધી રહેલા સ્કોપને ધ્યાનમાં લેતા તેની આવક અને નફામાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ખાસ્સો વધારો જોવા મળી શકે છે. તેથી લાંબા ગાળા માટે તેમાં રોકાણ કરીને નફો કમાવાનું આયોજન કરી શકાય છે. લાંબા ગાળે તગડું રિટર્ન અપાવનારી બ્લ્યુ ચિપ કંપની સાબિત થઈ શકે છે.
תגובות