વિક્રમ સંવત 2078માં કઈ સ્ક્રિપ્સ કમાણી કરાવશે?
- Team Vibrant Udyog
- Nov 30, 2021
- 12 min read

સેન્સેક્સે 2020ની દિવાળી પછી 2021ની દિવાળી સુધીના બાર માસમાં 50 ટકાની છલાંગ લગાવી છે. હવે 2022ની દિવાળીમાં સેન્સેક્સ કઈ સપાટી બતાવશે? નવા વર્ષમાં કયા સેક્ટર અને કઈ સ્ક્રિપ પરફોર્મ કરશે તે અત્યારે દરેક ઇન્વેસ્ટરના મનમાં રમી રહેલો સવાલ છે. બીએસઈ ઇન્ડેક્સ 64000ની સપાટીથી મોટા કરેક્શન મોડમાં આવશે કે તેની આગેકૂચ અવિરત ચાલુ રહેશે? દોઢ વર્ષથી સમગ્ર ભારત અને વિશ્વને ટેન્શનમાં મૂકી રહેલા કોરોનાને કારણે ભારતના આર્થિક વિકાસની ગતિ પર બ્રેક લાગી છે. ભારતનો જીડીપી ઘટીને 7.3 ટકા થવાની ધારણા છે. વિકાસ દર 12 ટકાથી ઘટીને 9 ટકાની આસપાસ રહેવાના નવા અંદાજો મૂકવામાં આવી રહ્યા છે. હવે પરિસ્થિતિ કેવી રહેશે તે એક સવાલ છે. આવી અનિશ્ચિતતાઓમાં પણ અમુક શેર્સ આગામી સમયમાં ખૂબ સારુ પરફોર્મ કરે તેવા ગણિત માંડવામાં આવી રહ્યા છે. વાઈબ્રન્ટ ઉદ્યોગે નિષ્ણાંતોની મદદથી આવી જ કેટલીક સ્ક્રિપ્સ વાચકો માટે શોર્ટલિસ્ટ કરી છે.
ઝાયડસ વેલનેસઃ દેવામાંથી મુક્ત થતાં શેરહોલ્ડર્સને લાભ થશે
વર્તમાન બજાર ભાવ*: રૂ. 2,011.40

કન્ઝ્યુમર ગુડ્સના સેગમેન્ટની આવી જ એક અન્ય કંપની છે ઝાયડસ વેલનેસ. કેડિલા હેલ્થકેરની તે સબસિડિયરી કંપની છે. નવેમ્બર 1994માં આ કંપની શરૂ કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં તેના વેચાણમાં 53.8 ટકાનો સરેરાશ વધારો થયો છે. ડાર્કહોર્સના અંદાજ મુજબ તેનું બજાર મૂડીકરણ રા. 13000 કરોડથી વધારે છે. બાવન અઠવાડિયામાં તેણે રૂ. 2477નું ટોપ ને રૂ. 1682નું બોટમ બતાવ્યું છે.
તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો પણ સંગીન છે. તેનો પ્રિકલી હીટ પાવડર 8.1 ટકાના બજાર હિસ્સા સાથે સૌથી વધુ વેચાણ ધરાવતો પાવડર છે. તેનું સ્ક્રબ પણ 35.8 ટકાના બજાર હિસ્સા સાથે ટોપ પર છે. ફેસિયલ તો 77.9 ટકાના બજાર હિસ્સા સાથે નંબર વન પ્રોડક્ટ છે. કોમ્પ્લાન 5.5 ટકા અને ગ્લુકોન – ડી 58 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે. સુગર ફ્રીનો બજાર હિસ્સો 93 ટકા જેટલો વિશાળ છે. પીલ ઓફનું પ્રોડક્ટ બજારના વેચાણમાં પાંચમાં ક્રમે છે અને તે 8.19 ટકા હિસ્સો ધરાવે છે. ઝાયડસ વેલનેસ હવે દેવા મુક્ત કંપની થવાને આરે છે. તેની ઇક્વિટી સામે દેવું-ઋણનું સરેરાશ 0.12 ટકા છે. પરિણામે ઇન્વેસ્ટર્સને આ સ્ક્રિપ આગામી વર્ષમાં તગડો લાભ કરાવી શકશે.
સપ્ટેમ્બર 2021 સુધીના તેના આર્થિક પરિણામો પર નજર નાખવામાં આવે તો તેનું કુલ વેચાણ 12.18 ટકાના વધારા સાથે રૂ. 383.65 કરોડ થયું છે. સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળાના રૂ. 341.99 કરોડના વેચાણ હતું. કંપનીના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 120.38 ટકા વધીને રૂ. 21.47 કરોડ થયો છે. વેરા પૂર્વેની આવક રૂ. 33.90 કરોડની રહી છે. તેમાં પણ 13.26 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2020માં તેનું વેચાણ રૂ. 29.92 કરોડનું હતું. ઝાયડસ વેલનેસની શેરદીઠ કમાણી રૂ. 3.37ની થઈ છે. આ કંપનીને માથેનું દેવું માર્ચ 2022 સુધીમાં નાબૂદ થઈ જવાનું હોવાથી તેના સ્ટોકમાર્કેટના પરફોર્મન્સમાં સુધારો જોવા મળી શકે છે. કોરોનાનો કાળ હોવા છતાંય 2020-21માં કંપનીએ 11 નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. પરિણામે 2021-23ના ગાળામાં તેની આવકમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે. તેથી તેનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 30 ટકાની આસપાસનો રહેવાનો અંદાજ છે. તેથી લાંબા ગાળા માટેનું એક સંગીન રોકાણ બની રહેવાની ધારણા છે.
મુથ્થુટ ફાઈનાન્સઃ સોનાનું ઇંડું આપતી મરઘી સાબિત થઈ શકે
વર્તમાન બજાર ભાવઃ રૂ. 1,609.80

જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનું નાણાંકીય પરફોર્મન્સ ઘણું જ સારું રહ્યું છે. નાણાંકીય વર્ષ 2022-23 સુધીમાં ભારતનું સોનાનું બજાર વધીને 4617 અબજ રૂપિયાનું થઈ જવાનો અંદાજ છે. પાંચ વર્ષમાં તેનો સરેરાશ વિકાસ દર 13.4 ટકાનો રહ્યો છે. કંપનીના હાથ હેઠળની અસ્ક્યામતો સરેરાશ 25થી 26 ટકાના દરે વધવાની અને તેનો વિકાસ દર વાર્ષિક 15 ટકાનો રહેવાની કંપનીના મેનેજમેન્ટને આશા છે. પરિણામે આ કંપનીની સ્ક્રિપને લાંબી રેસના ઘોડા તરીકે જોવામાં આવે છે. લાંબા ગાળે તેની સ્ક્રિપમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ અંદાજે 25 ટકા કે તેનાથીય વધુ વળતર અપાવી શકે છે. સ્ક્રિપના રોકાણકારો માટે ધીરજના ફળ મીઠાં સાબિત થઈ શકે છે. મુથ્થુટ ફાઈનાન્સ 130 વર્ષ જૂની કંપની છે. ગોલ્ડ લોન આપતી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે. ગોલ્ડ ફાઈનાન્સ ઉપરાંત કંપની ફોરેન એક્સચેન્જ સર્વિસ, મની ટ્રાન્સફર સર્વિસ, વેલ્થમેનેજમેન્ટ સર્વિસ પણ પૂરી પાડે છે. ટ્રાવેલ અને ટુરિઝમ સર્વિસ પણ તેનો પોર્ટફોલિયોનો એક હિસ્સો છે. તદુપરાંત તે ગોલ્ડ કોઈનનું વેચાણ પણ કરે છે. દેશભરમાં તેની 4400 શાખાઓ છે. ભારતની બહાર અમેરિકા, બ્રિટન અને યુનાઈટેડ આરબ અમિરાતમાં પણ તેની ઓફિસો છે.
જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનું કુલ વેચાણ રૂ. 2955. 83 કરોડનું રહ્યું છે. જૂન 2020ના ત્રિમાસિક ગાળાના રૂ. 2604.48 કરોડના વેચાણની તુલનાએ તેમાં 13.49 ટકાનો વધારો થયો છે. કંપનીના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 977.88 કરોડનો રહ્યો છે. જૂન 2020ના રૂ. 853.51 કરોડના ચોખ્ખા નફાની તુલનાએ જૂન 2021ના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 14.57 ટકા વધ્યો છે. વેરા પૂર્વેનો નફો રૂ. 2401.61 કરોડનો રહ્યો છે. જૂન 2021નો આ નફો જૂન 2020ના ત્રિમાસિક ગાળાના રૂ. 2137.56 કરોડના નફા કરતાં 12.77 ટકા ઊંચો છે. કંપનીની શેરદીઠ કમાણી પણ વધીને રૂ. 24.37ની થઈ છે. જૂન 2020ના ત્રિમાસિક ગાળાને અંતે શેરદીઠ કમાણી રૂ. 21.28 હતી. ભારતમાં સોનાનું બજાર વર્ષે સરેરાશ 13.4 ટકાના દરે આગામી પાંચ વર્ષ સુધી વિકસતું રહેવાનો અદાજ છે.
કંપનીના શેરનું બજાર મૂડીકરણ અંદાજે રૂ.59,917 કરોડ છે. તેનો ડેટ ઇક્વિટી રેશિયો 3.29નો છે. બાવન અઠવાડિયામાં શેરના ભાવે રૂ. 1639નું ટોપ અને રૂ. 1090નું બોટમ બનાવેલું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેના વેચાણમાં સરેરાશ 28 ટકાના દરે વધારો થયો છે.
વ્હર્લપુલ ઇન્ડિયાઃ માથે દેવું નથી, બિઝનેસ ગ્રોથ તગડો છે
વર્તમાન બજાર ભાવઃ રૂ. 2,285.00

વ્હર્લપુલ ઇન્ડિયાને માથે આજની તારીખે કોઈ જ દેવું નથી. તેની પાસે રોકડની રેલમછેલ છે. વ્હર્લપુલ ઈન્ડિયા એ હોમ એપ્લાયન્સના ક્ષેત્રની અમેરિકાની અગ્રણી મલ્ટીનેશનલ મેન્યુફેક્ચરિંગ કંપનીની એક સબસિડિયરી છે. અમેરિકાના મિશીગનમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે. તે માઈક્રોવેવ ઓવન, રેફ્રિજરેટર, વૉશિંગ મશિન સહિતના હોમ એપ્લાયન્સનું ઉત્પાદન કરે છે. સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનું ચોખ્ખું વેચાણ રૂ. 1607.10 કરોડનું હતું. સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળાના રૂ. 1599.47 કરોડના વેચાણની તુલનાએ તેમાં અંદાજે અડધા ટકાનો વધારો થયો છે. તેનો ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 413.19 કરોડનો થયો છે. સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળાના રૂ. 134.67 કરોડના ચોખ્ખા નફાની તુલનાએ આ વરસના ત્રિમાસિક ગાળાનો નફો 206.82 ટકા ઊંચો છે. વ્હર્લપુલ કોર્પોરેશનની શેરદીઠ કમાણી રૂ. 32.57ની છે, જે સપ્ટેમ્બર 2020માં રૂ. 10.61ની હતી.
વ્હર્લપુલ કોર્પોરેશન એક મજબૂત બ્રાન્ડ છે. પ્રીમિયમ વેલ્યુએશનથી તેના પ્રોડક્ટ્સ વેચાય છે. છેલ્લા પાંચ-છ વર્ષથી ભારતીય બજાર પરનું તેનું વર્ચસ્વ વધતું જ જાય છે. કંપની એરકન્ડિશનર્સ અને વૉશિંગ મશીન ઉપરાંત કિચન એપ્લાયન્સના નવા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે. 2021-22ના અંતે ડાર્કહોર્સના અંદાજ મુજબ તેની આવકમાં અંદાજે 31 ટકાનો વધારો જોવા મળી શકે છે. છેલ્લા બે વર્ષનો તેનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 18 ટકાની આસપાસનો રહ્યો છે. જે રૂમ એસીના ક્ષેત્રની અન્ય કંપનીઓ કરતાં સારો છે. વોલ્ટાસનો ગ્રોથ રેટ માઈનસ 30 ટકા, બીએલએટીઆરનો માઈનસ 25 ટકા અને હિટાચીનો માઈનસ 28 ટકા રહ્યો છે. વ્હર્લપુલ વ્હાઈટ ગુડ્સના સેક્ટરની એક માત્ર કંપની છે જે તેની આવકના ટાર્ગેટને પૂરા કરી શકે છે. આ લખાય છે ત્યારે તેનું બજાર મૂડીકરણ 26,162 કરોડનું છે. આ લખાય છે ત્યારે તેના શેરનો ભાવ રૂ.2054નો છે. તેનો ડેટ ઇક્વિટી રેશિયો 3,29નો છે. બાવન અઠવાડિયામાં તેની સ્ક્રિપે રૂ. 2787નું ટોપ અને 1970નું બોટમ જોયું છે. છેલ્લા પાંચ વર્ષથી તેના વેચાણમાં સાત ટકાના દરે વધારો થઈ રહ્યો છે.
ફર્મેન્ટા બાયોટેકઃ બિઝનેસ ગ્રોથથી શેરહોલ્ડરને તારી શકે
વર્તમાન બજારભાવઃ રૂ. 276.95

બાયોટેક્નોલોજીના સેક્ટરની કંપની ફર્મેન્ટા બાયોટેક 70 વર્ષ જૂની કંપની છે. તે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવે છે. તદુપરાંત ન્યુટ્રિશનલ પ્રીમિક્સ બનાવે છે. બાયોટેક્નોલોજી પણ તેનો એક એરિયા ઓફ ઓપરેશન છે. એન્વાયર્નમેન્ટ સોલ્યુશન્સ પણ આપે છે. તેમાં એસટીપી, ડ્લ્યુટીપી અને ઈટીપી માટેના એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. તદુપરાંત ક્રિસ્ટલાઈન, રેઝિન ઓઈલ, કોલ્ડ વૉટર ડિસ્પર્સિબલ અને ફીડ ગ્રેડ પાવડરનો સમાવેશ થાય છે. ઇન્જેક્ટિબલ્સ, સોફ્ટજેલ કેપ્સ્યૂલ્સ, પ્રિમિક્સિસ તરીકે અથવા તો પછી ફૂડ અને બીવરેજીના ફોર્ટિફિકેશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જૂન 2021ના અંતે કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 109.65 કરોડનુ રહ્યું હતું. જૂન 2020ના અંતે થયેલા તેના રૂ. 94.44 કરોડના વેચાણ કરતાં તેમાં 16.1 ટકાનો વધારો થયો હતો. જૂન 2020માં તેણે કોઈ જ નફો કર્યો નહોતો. તેની સામે જૂન 2021માં તેણે રૂ. 13.60 કરોડનો નફો કર્યો હતો. તેની વેરા પૂર્વેની આવક જૂન 2021માં રૂ. 27.60 કરોડની રહી હતી. જૂન 2020માં તેની વેરા પૂર્વેની આવક રૂ. 27.60 કરોડની તુલનાએ 16,75 ટકાનો વધારા સાથે રૂ. 23.64 કરોડ થઈ હતી. તેની શેરદીઠ કમાણી રૂ. 3.92ની હતી. જે જૂન 2020માં રૂ. 4..72 હતી. આમ તેમાં ઘટાડો થયો છે.
2019માં વિડામિન ડીનું માર્કેટ 1.1 અબજ અમેરિકી ડૉલરનું હતું તે 2025 સુધીમાં વધીને 1.7 અબજ અમેરિકી ડૉલરનું થઈ જવાનો અંદાજ છે. તેનો સીએજીઆર 7 ટકાના આસપાસનો રહેવાનો અંદાજ છે. કંપનીનો કામકાજમાં જંગી વધારો થવાની ગણતરી મૂકવામાં આવ રહી છે. છ વર્ષમાં તેનો સીએજીઆર ઓછામાં ઓછો 15 ટકાનો થઈ જવાની ધારણા છે.
ડાર્કહોર્સે કંપનીના આવક અંગે માંડેલી ત્રિરાશી મુજબ ફર્મેન્ટેશનના બિઝનેસમાંથી કંપનીની થનારી આવક કુલ આવકનાર 70 ટકાની આસપાસની રહેવાનો અંદાજ છે. હ્યુમન ડી-3નો બિઝનેસ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. તેના થકી કંપનીને થનારી આવકમાં ઝડપી વધારો થવાની ગણતરી મૂકાઈ રહી છે. કોરોનાના કાળને કારણે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે તેનું માર્કેટ વધી રહ્યું છે. કંપનીએ આ બિઝનેસ મેળવવા માટે વધારાના રૂ. 40 કરોડનો મૂડી ખર્ચ પણ કર્યો છે.
વિધિ સ્પેશિયાલિટી: ઇન્વેસ્ટર્સને તગડું રિટર્ન અપાવી શકે
વર્તમાન બજાર ભાવઃ રૂ. 322.50

ફૂડ કલરના ક્ષેત્રની કંપની છે વિધિ સ્પેશિયાલિટી. બેસ્ટ ક્વોલિટીના સિન્થેટિક વોટર સોલ્યુબલ કલર્સ-ગ્રેન્યુઅલ્સ બનાવે છે. ફૂડ, ફાર્માસ્યૂટિકલ્સ, કોન્ફેક્શનરી, પેટ ફૂડ્સ, હેલ્થકેર, ડેરી પ્રોડક્ટ્સ, સોફ્ટડ્રિન્ક્સ, કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેના કલર્સ ઉપયોગમાં લેવાય છે. તદુપરાંત કંપની કેમિકલ્સમાં ટ્રેડિંગ પણ કરે છે. વિશ્વના 80 દેશમાં તેના પ્રોડક્ટ્સ વપરાય છે.
જૂન 2021ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીનું વેચાણ જૂન 2020ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની તુલનાએ 157.43 ટકા વધીને રૂ. 102.48 કરોડનું થઈ ગયું હતું. જૂન 2020માં તેનું વેચાણ 40.20 કરોડનું હતું. જૂન 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો 99.65 ટકા વધીને 13.41 કરોડનો થયો છે. જૂન 2020ના અંતે તેનો ચોખ્ખા ત્રિમાસિક નફો રૂ. 6.72 કરોડનો હતો. વિધિ સ્પેશિયાલિટીની શેરદીઠ કમાણી રૂ. 2.69ની છે. જૂન 2020માં તેની શેરદીઠ કમાણી રૂ. 1.34ની હતી.
ફૂડ કલરનું ગ્લોબલ માર્કેટ 2024 સુધીમાં 5.7 અબજ અમેરિકી ડૉલરનું થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તેનો સીએજીઆર 4.9 ટકાની આસપાસનો રહેવાનો અંદાજ છે. છેલ્લા બે વર્ષથી કંપનીના પરફોર્મન્સમાં ધ્યાન ખેંચે તેવા સુધારો જોવા મળ્યો છે. આગામી વરસોમાં પણ એ પરફોર્ન્સને જાળવી રાખવામાં કંપનીને સફળતા મળશે તેવી કંપનીના મેનેજમેન્ટને આશા છે. કામકાજમાં વધારો કરવા માટે કંપનીનું મેનેજમેન્ટ નવી મૂડી લગાવવા પણ તૈયાર છે. કંપનીની આવક રૂ. 266.41 કરોડની રહી છે. 2019-20ની તુલનાએ 18.6 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વેરા પછીનો કંપનિનો ચોખ્ખો નફો 36.72 કરોડનો છે. વેરા પૂર્વેનો નફો 54.08 કરોડનો રહ્યો છે. માર્ચ 2021માં પૂરા થયેલા નાણાંકીય વર્ષને અંતે કંપનીની વેરા પૂર્વેની આવકમાં 22.75 ટકાનો વધારો થયો છે. કંપનીના શેરનું બજાર મૂડીકરણ રૂ. 1652 કરોડનું છે. તેના શેરનો વર્તમાન ભાવ રૂ. 331ની આસપાસનો છે. કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો 0.19નો છે બાવન અઠવાડિયામાં શેરના ભાવે રૂ. 416નું ટોપ અને રૂ. 112નું બોટમ બતાવ્યું છે. તેના વેચાણમાં છેલ્લા ત્રણ વર્ષથી 33 ટકાના દરે વધારો થઈ રહ્યો છે.
રૂપા એન્ડ કંપનીઃ મજબૂત બ્રાન્ડથી સંગીન આવકની ખાતરી આપતી કંપની
વર્તમાન બજાર ભાવઃ રૂ. 452.00

ડાર્કહોર્સના મતે રૂપા એન્ડ કંપની ફંડામેન્ટલની દ્રષ્ટિએ એક મજબૂત કંપની છે. તેનો મજબૂત વિકાસ થતાં તેના શેર્સના ભાવમાં પણ સંગીન સુધારો જોવા મળી શકે છે. કંપનીના શેરનો વર્તમાન બજારભાવ રૂ. 295ની આસપાસનો છે. હોઝીયરી અને નિટેડ એપરલના બિઝનેસમાં 53 વર્ષનો અનુભવ ધરાવતી કંપની છે. ટેક્સટાઈલ, લેધર અને એપરલ પ્રોડક્ટ્સ આપતી કંપની છે. તેણે એફસીયુકે અને એફઓટીએલ જેવી બ્રાન્ડ પણ હસ્તગત કરેલી છે. રૂપા ફ્રન્ટલાઈન તેની જાણીતી બ્રાન્ડ છે. તેની પાસે 18 સબબ્રાન્ડ પણ છે. કંપની થર્મલ વેરના અને કેઝ્યુઅલ વેરના માર્કેટમાં પણ સારું વર્ચસ ધરાવે છે. રોજના 7 લાખ નંગ રેડી ટુ વેર કપડાં બનાવવાની ક્ષમતા કંપની ધરાવે છે. કંપની વિન્ડમિલથી પાવર જનરેટ કરવાના બિઝનેસમાં પણ પડેલી છે. કસ્ટમર્સ તેની બ્રાન્ડના પ્રોડક્ટથી સંતુષ્ટ છે. કંપની પાસે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી છે. ગ્લોબલ માર્કેટમાં પણ ઇમ્પ્રેસિવ ફૂટપ્રિન્ટ ધરાવે છે. ડોમજૂર, તિરપુર, બેન્ગ્લોર અને ગાઝિયાબાદમાં તેના પ્રોડક્શન યુનિટ્સ છે. આધુનિક ટેક્નોલોજી અપનાવવામાં કંપની જરાય પાછળ નથી. કંપનીના પ્રોડક્ટની સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમિરાત, કુવૈત, ઇરાક, નાઈજિરિયા, મ્યાંમાર, યુક્રેન, અલ્જિરિયા, ઇન્ડોનેશિયા, કોન્ગોર સહિતના અનેક દેશોમાં નિકાસ થાય છે. નિકાસ થકી તેને થતી આવક તેની કુલ આવકના 3 ટકા જેટલી છે. ભારતમાં તેના પ્રોડક્ટના વેચાણ થકી થતી આવક કુલ આવકનાર 97 ટકા છે. બ્રાન્ડ ડેવલપ કરવા માટે કંપની ખર્ચ કરવામાં કસર કરતી નથી. કંપનીએ અત્યાર સુધીમાં બ્રાન્ડ ડેવલપ કરવા માટે રૂ.1000 કરોડથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. ઇનરવેરના પોર્ટફોલિયોમાં તેની હરીફાઈ કરી શકે તેવા બહુ જ ઓછા ઉત્પાદકો ભારતમાં છે. શ્રેષ્ઠ ક્વોલિયી અને ચોકસાઈ તેની ખાસિયત છે.
કંપની એમેઝોન, ફ્લિપકાર્ટ અને તેના જેવા ઈ-રિટેઈલર્સ સાથે ટાઈઅપ કરીને પોતાના બિઝનેસને વધુ સંગીન ફલક પર લઈ જવા માગે છે. માત્ર બે જ વર્ષમાં થર્મલ વેરનો બિઝનેસ રૂ. 200 કરોડથી વધી જાય તેવો ટાર્ગેટ કંપનીએ રાખ્યો છે. 2022ના અંત સુધીમાં નિકાસ થકી થતી આવક રૂ. 25 કરોડથી વધારી રૂ. 50 કરોડનો કરી દેવાનો લક્ષ્યાંક નક્કી કરેલો છે. કંપનીની સબસિડિયરીઓમાં યુરોફેશન ઇનર્સ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ, ઇમૂજી ફેશન્સ, ઓબાન ફેશન્સ, રૂપા ફેશન્સ, રૂપા બાંગલાદેશનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર 2021ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 346 કરોડની આવક કરી હતી. જે 2020ના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના રૂ. 308 કરોડની આવકથી 12 ટકા ઊંચી છે. કંપનીનો વેરા પૂર્વેનો નફો પણ આ ગાળામાં 40 ટકા વધીને રૂ. 64 કરોડનો થયો છે. વેરા પછીનો નફો સપ્ટેમ્બર 2020માં 29 કરોડ હતો તે 2021ના સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાને અંતે રૂ. 43 કરોડનો થયો છે. વેરા પછીના માર્જિનમાં 3.30 ટકાનો વધારો થયો છે.
2021ના પહેલા નવ માસમાં તેની આવક રૂ.859 કરોડની થઈ છે. તેમાં 2020ના પહેલા નવ માસની તુલનાએ 8 ટકાનો વધારો થયો છે. વેરા પૂર્વેનો નફો રૂ. 167 કરોડનો થયો છે. જે 2020ના વર્ષના રૂ. 106 કરોડની તુલનાએ 57 ટકાનો વધારો દર્શાવે છે. વેરા પૂર્વેના માર્જિનમાં 6.10 ટકાનો તગડો વધારો થયો છે. વેરા પછીનો નફો 2020માં રૂ. 66 કરોડ હતો તે 65 ટકા વધીને 2021માં રૂ. 109 કરોડનો થયો છે. પુરુષ અને મહિલાઓના ઇનરવેરના માર્કેટમાં નવા નવા પ્રોડક્ટની ડિમાન્ડ સતત વધી રહી છે. વુમેન્સ ઇનરવેરનું માર્કેટ 12 ટકાના દરે વધી રહ્યું છે. તેનું કુલ માર્કેટ 2027 સુધીમાં 56,364 કરોડનું થઈ જશે. અત્યારે તેનું માર્કેટ 18,454 કરોડનું છે. તેમાં બ્રાન્ડેડ ઇનરવેરનું માર્કેટ 38થી 42 ટકા જેટલું છે. 2022 સુધીમાં તેનો માર્કેટશેર વધીને 45થી 48 ટકા થઈ જવાની ગણતરી છે.
નિકાસને મોરચે આગામી વર્ષમાં 40થી 50 ટકાનો વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. તેના ફાયદા પણ આ કંપની લણશે. મોલ્સ થકી થતાં બિઝનેસમાં પણ રૂપાની આવક સારી છે. કંપની નવા વર્ષમાં 13થી 15 ટકા બિઝનેસ ગ્રોથ કરવાનું ટાર્ગેટ રાખી બેઠી છે. યાર્નના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. તેથી કંપનીએ પણ તેના પ્રોડક્ટના ભાવમાં સમપ્રમાણમાં વધારો કરી દીધો છે. બજારે આ વધારો સ્વીકારી પણ લીધો છે. તેથી કંપનીનો નફો કપાયો નથી. કંપનીએ તેનું દેવું ઘટાડવા સઘન પ્રયાસો ચાલુ કરી દીધા છે. તેથી આ કંપનીનો શેર લાંબા ગાળા માટે મજબૂત રોકાણ સાબિત થઈ શકે છે. ડૉલર બ્રાન્ડ તેની મજબૂત હરીફ બ્રાન્ડ છે.
બેન્કિંગ શેર્સ કેવી કમાણી કરાવશે?

બેન્ક નિફ્ટી 42000ની આસપાસ છે. વિક્રમ સંવત 2077માં તેમાં 65થી 75 ટકાનો સુધારો જોવા મળ્યો છે. એચડીએફસી, સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અ કોટક મહિન્દ્રા બેન્કની સ્ક્રિપના મજબૂર પરફોર્મન્સને કારણે બેન્ક નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે. બાંધકામ એટલે કે રિયલ્ટી ઇન્ડસ્ટ્રીએ વેગ પકડવા માંડ્યો છે. તેથી બેન્કોના હોમ લોનનો પોર્ટફોલિયો સંગીન બનવાની સંભાવના છે. હોમ લોનના વ્યાજના નીચા દરને જોતાં પ્રોપર્ટી વસાવવા ઇચ્છનારાઓ સક્રિય બનશે. તેમ જ બેન્કો દ્વારા આપવામાં આવતી વ્હીકલ લોનના પોર્ટફોલિયોમાં પણ સુધારો થવાની ધારણા બાંધવામાં આવી રહી છે. નવા વર્ષમાં વેપાર ઉદ્યોગે દોઢ વર્ષનું સાટું વાળી લીધુ હોય તેવો સારો બિઝનેસ મળ્યો છે. બેન્કિંગ સેક્ટરના શેર્સમાં ઇન્વેસ્ટ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. જોકે ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશને આપેલા આંકડાઓ મુજબ રાષ્ટ્રીય કૃત બેન્કોની એનપીએ (ફસાયેલી મૂડી) સપ્ટેમ્બર 2021 સુધીમાં 6.16 લાખ કરોડના આંકને આંબી ગઈ છે તે એક મોટી ચિંતાનો વિષય છે. 2022ની દિવાળી સુધીમાં બેન્ક શેર્સના પરફોર્મન્સ પર તેની કેવી અસર થશે તે એક વિચાર માગી લેતો મુદ્દો છે. નાની ખાનગી બેન્કોની અસ્ક્યામતોની ગુણવત્તા સામે પણ સવાલ ઊઠી રહ્યો છે. તેની સીધી અસર તેમના બિઝનેસ મોડેલ પર પડી શકે છે. આ યાદીમાં જાહેર ક્ષેત્રની વીસ બેન્કોનો સમાવેશ થાય છે. વીસ બેન્કો પાસેની કુલ ડિપોઝિટ 1 કરોડ 17 લાખ, 31 હજાર 378 કરોડની છે. તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની એનપીએ સૌથી વધુ 1,26,389 કરોડની છે. પંજાબ નેશનલ બેન્કની એનપીએ 1,04,423 કરોડની છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની એનપીએ 89788 કરોડની છે. બેન્ક ઓફ બરોડાની 66,671 કરોડ, બેન્ક ઓફ ઇન્ડિયાની 56535 કરોડ, કેનેરા બેન્કની 60,288 કરોડ,અલબત્ત મોટી બેન્કોની કુલ ડિપોઝિટની તુલનાએ તેની એનપીએ ઓછી જણાતી હોવાથી તેમની એનપીએ દેખાતી હોવા છતાંય તેમના શેર્સના ભાવ પર પર બહુ મોટી અસર પડવાની સંભાવના ઓછી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એનપીએના બોજને તેઓ નફામાંથી જોગવાઈ કરીને હળવો જરૂર કરી શકશે. માઈક્રો લેવલે વિચાર કરવામાં આવે તો તેની અવળી અસર શેરહોલ્ડર્સના મળનારા ડિવિડંડ કે શેર્સના એપ્રિશિયેશનના પ્રમાણ પર આવી જ શકે છે. બેન્કોના શેર્સનું આ એક નકારાત્મક પાસું છે.
ઓએનજીસીઃ ડિવિડંડ ને શેરના ભાવ વધારાનો લાભ થઈ શકે

ગમે તે પરિસ્થિતિમાં અમુક સ્ક્રિપ મજબૂત વળતર આપશે તેમાં કોઈ જ બેમત નથી. આ પ્રકારની એક સ્ક્રિપ છે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની. ઓએનજીસીના વેરા પછીનો નફો જુલાઈ-સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 18,749 કરોડનો રહ્યો છે. તેના નફામાં ગયા વર્ષના આ જ ત્રિમાસિક ગાળાની તુલનાએ 234 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના આ ત્રિમાસિક ગાળામાં તેનો વેરા પછીને નફો રૂ.5675 કરોડનો હતો. ઓએનજીસીની કુલ આવક રૂ. 1,22,029 કરોડની છે. તેમાં 46 ટકાનો વધારો થયો છે. તેની આવક ગયા વર્ષના આ જ ત્રિમાસિક ગાળામાં રૂ. 83,619 કરોડની હતી. બ્રેન્ટ ક્રૂડના ઓઈલ પ્રાઈસમાં થયેલા વધારાનો લાભ આ કંપનીને મળ્યો છે. તેના ઓપરેટિંગ માર્જિન ગયા વર્ષે 32.8 ટકા હતા તે આ વરસે સુધરીને 48.2 ટકાના થયા છે. વિશ્વ બજારમાં ક્રૂડઓઈલના ભાવ સતત ઊંચા રહ્યા હોવાથી કંપનીને ફાયદો મળી રહ્યો છે. કંપનીની નફાકારકતા સતત વધી રહી છે. તેથી ચાર્ટર્ટ એકાઉન્ટન્ટ કૈલાશ ગઢવી કહે છે, “જાહેર ક્ષેત્રની નફો કરતી આ કંપની પાસેથી મોટું ડિવિડંડ મેળવવાની સરકાર આશા રાખશે. સરકાર તેને ડિવિડંડ અને બોનસ આપવા જણાવશે. સરકારને પણ પૈસાની જરૂર છે. તેનો લાભ દરેક શેરહોલ્ડરને મળી શકે છે. તેથી આ કંપનીના શેરમાં વર્તમાન ભાવે રોકાણ કરનારાને ડિવિડંડ અ બોનસનો પણ લાભ મળી શકે છે.” ક્રૂડ થકી થતી આવકમાં ત્રિમાસિક ગાળામાં વિશ્વભરમાં વધારો થયો છે. તેનો તગડો લાભ ઓએનજીસીને મળશે. ક્રૂડના ભાવ વધારાને કારણે વાર્ષિક ધોરણે ઓએનજીસીની આવકમાં અંદાજે 75 ટકાનો વધારો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે.
નાયકા જેવી કંપનીના શેર્સમાં ઈન્વેસ્ટ કરાય?

થોડા સમય પહેલા જ અગ્રણી ઈ-કોમર્સ કંપની નાયકાના IPOએ સ્ટોક માર્કેટમાં ખળભળાટ મચાવી દીધો હતો. રૂ. 1125ના ઈશ્યુ પ્રાઈઝ સામે તેના શેર્સની કિંમત લગભગ બમણી એટલે કે રૂ. 2206.70 જેટલી થઈ ગઈ હતી. નાયકાના લિસ્ટિંગે ઈન્વેસ્ટર્સ અને પ્રમોટર્સને બખ્ખા કરાવી દીધા હતા. ઓવરસબસ્ક્રાઈબ થયેલા આ આઈપીઓની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ જબરદસ્ત આઈપીઓના પગલે કંપનીના સીઈઓ ફાલ્ગુની નાયરને ભારતના સૌથી ધનવાન સેલ્ફ-મેડ મહિલા સીઈઓના લિસ્ટમાં ટોચનું સ્થાન મળી ગયું હતું. એક અંદાજ મુજબ નાયકાના શેર્સમાં હજુ 25 ટકા વધારો થાય તેવી શક્યતા છે. સવાલ એ છે કે નાયકાએ સ્ટોક માર્કેટમાં ધમાકેદાર શરૂઆત તો કરી છે પરંતુ શું આવી બ્યુટી અને લાઈફસ્ટાઈલ સેક્ટરની કંપનીમાં ઈન્વેસ્ટ કરવું જોઈએ? લાંબા ગાળે આ ઈન્વેસ્ટમેન્ટમાંથી કેવો લાભ મળી શકે તે અંગે રોકાણકારોએ ચોક્કસ વિચારવું જોઈએ.
નાયકાની વાત કરીએ તો હાલમાં તે બ્યુટી સેક્ટરમાં અવ્વલ ઈ-કોમર્સ પ્લેયર છે. પરંતુ ભારતના બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરને જોશો તો ઓનલાઈન માર્કેટનું પેનિટ્રેશન ફક્ત 8 ટકા જેટલું જ છે. અર્થાત્ 92 ટકા લોકો તો હજુ ઓફલાઈન જ આ પ્રોડક્ટ્સની ખરીદી કરે છે. જો કાલે ઓફલાઈન માર્કેટમાંથી કોઈ એગ્રેસિવ પ્લેયર શેર માર્કેટમાં પ્રવેશ લે તો તેની સીધી અસર નાયકાના સ્ટોક્સ પર પડી શકે છે. બીજું, ભારતમાં હજુ પણ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટર સેચ્યુરેશન પોઈન્ટથી જોજનો દૂર છે. અર્થાત્ આ સેક્ટરમાં બીજા પ્લેયર્સના પ્રવેશની શક્યતા ઘણી વિશાળ છે. નાયકાના સ્ટોકમાં ઈન્વેસ્ટ કરનારા રોકાણકારોએ તેની પ્રતિસ્પર્ધી કંપની પર્પલ પર નજર રાખવી જોઈએ. આ ઉપરાંત રિલાયન્સના એક્વિઝિશન પર પણ રોકાણકારોએ નજર રાખવી જોઈએ.
જો લાંબા ગાળાના રોકાણનો વિચાર હોય તો નફા-નુકસાનથી ઉપર ઊઠીને રોકાણકારે કોઈ કંપનીની ગ્રાહકો મેળવવાની અને તેને જાળવી રાખવાની ક્ષમતા કેવી છે તેના પર ભાર આપવો જોઈએ. આમ કરવાથી કંપનીના ભવિષ્યનો ચિતાર મેળવી શકાય છે.
*નોંધઃ વર્તમાન બજાર ભાવ આ આર્ટિકલ લખાઈ રહ્યો છે તે દિવસ મુજબના છે.
Comments