શેર બજારમાં નવા નવા છો? આ 7 ટિપ્સ તમને મદદ કરશે
- Team Vibrant Udyog
- Nov 30, 2021
- 3 min read
શેરબજારમાં સાચા નાણાં રોકતા પહેલા વર્ચુઅલ મનીથી ઈન્વેસ્ટ કરીને તમે સ્ટોક માર્કેટનો અનુભવ મેળવી શકો છો.

એવું કહેવાય છે કે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ બધાને માફક નથી આવતું. જે લોકોને બિઝનેસનું બેકગ્રાઉન્ડ હોય અથવા તો જેમણે ફાયનાન્સ કે કોમર્સમાં અભ્યાસ કર્યો હોય તેઓ જ શેર બજારમાં સફળતાપૂર્વક રોકાણ કરી શકે છે. અથવા તો જે લોકોને રોકાણનું સારુ જ્ઞાન હોય તેમણે જ શેર બજારમાં પડવું જોઈએ. ના, આ બધી જ ખોટી માન્યતાઓ છે.
લાંબાગાળા માટે ભંડોળ ઊભું કરવા માટે સ્ટોક માર્કેટમાં રોકાણ ફાયદાકારક રહે છે તે સિદ્ધ વાત છે. પણ આ માટે તમારે સુદૃઢ આયોજન કરવું પડે છે અને સમયસર ડહાપણભર્યા નિર્ણય લેવા પડે છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે શેર બજારમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. ખેદજનક વાત એ છે કે મોટા ભાગના લોકો શેર બજારને લગતી અફવાઓને સાચી માનીને રોકાણની શરૂઆત સુદ્ધાં કરતા નથી. હું છેલ્લા 16 વર્ષથી સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરી રહ્યો છે, અને મારા અનુભવના આધારે હું શેર બજારમાં ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરનારાઓની મૂંઝવણ અને મુશ્કેલીઓને સારી રીતે સમજી શકુ છુ. પેપર વર્ક, મગજ ચકરાઈ જાય તેવા અઘરા અઘરા શબ્દો અને કોઈપણ પ્રકારના ગાઈડન્સને અભાવે શેરબજારમાં નવા નિશાળીયાઓ પોતાના પહેલા ડગ માંડતા જ ગભરાય છે. આથી જ, હું શેર બજારમાં નવી શરૂઆત કરનારાઓને એવી સરળ સલાહ આપવા જઈ રહ્યો છું જે તમને ખૂબ મદદરૂપ બનશે.
તમે સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોવ તો નીચેના મુદ્દા ખાસ ધ્યાનમાં રાખો.
1. શેર બજારના કક્કો બારાખડી શીખી લોઃ
સ્ટોક માર્કેટ શું છે, નિફ્ટી, સેન્સેક્સ, ઈન્ડેક્સ શું છે, શેરની કિંમત કેમ વધ ઘટ થાય છે, સ્ટોક માર્કેટમાં કઈ કઈ ટર્મ્સ વપરાય છે વગેરે શીખી લો. આમાંથી મોટા ભાગનું તમે ગૂગલ સર્ચ કે પછી યુટ્યુબ વિડીયો જોઈને શીખી શકશો. ગૂગલ પર એટલું જ લખો- New to stock market? Start here. આ લખતા સાથે જ તમને અસંખ્ય રિઝલ્ટ્સ મળશે જેમાંથી તમે સ્ટોક માર્કેટને લગતી મૂળભૂત બાબતો આસાનીથી સમજી શકશો.
2. સ્ટોક માર્કેટને લગતા પુસ્તકો વાંચોઃ
સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ પર હજારો પુસ્તકો લખાયા છે. તેમાંથી તમને રોકાણ કરવા અંગેની સમજ મળશે. પીટર લીન્ચની 'One up on Wall Street', બેન્જામિન ગ્રેહામની ‘The Intelligent Investor’ જોએલ ગ્રીનબ્લાટની ‘The little book that beats the market’ અને ફિલિપ ફિશરની ‘Common stocks & Uncommon profits’ ખૂબ જ વખણાયેલી બુક્સ છે.
3. સ્ટોક માર્કેટના ચડાવ ઉતાર પર નજર રાખોઃ
સારા પુસ્તકો વાંચ્યા પછી ભારતના સ્ટોક માર્કેટને સમજો. ઈન્ડિયન માર્કેટમાં રિલાયન્સ, ટાટા મોટર્સ, HUL, હીરો મોટોકોર્પો, ITC, HDFC બેન્ક વગેરે ઘણા બ્લુ ચિપ સ્ટોક્સ છે. તમે તેમના વિષે બાળપણથી સાંભળતા આવ્યા હશો. ઈન્ડિયન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ જુદી જુદી પબ્લિક કંપનીઝ વિશે સંશોધન કરીને તેમને સમજવાનો પ્રયત્ન કરો.

4. કામની વેબસાઈટ્સને બુકમાર્ક કરો અને રોજેરોજના સમાચાર વાંચોઃ
સ્ટોક માર્કેટને અસર કરતી ઘણી બાબતો છે- જેમ કે, કોર્પોરેટ એનાઉન્સમેન્ટ, સરકારે લીધેલા પગલા, પોલિસી, વ્યાજના દર, રેપો રેટ વગેરે. તમે આ તમામ જાણકારી સમાચાર વાંચીને મેળવી શકો છો. ઉપરાંત, સ્ટોક માર્કેટમાં સતત વધઘટ થયા કરે છે. આથી તમારે દેશ-દુનિયામાં શું થઈ રહ્યું છે તેના પર સતત નજર રાખવી જોઈએ.
5. સાચા રૂપિયા ઈન્વેસ્ટ કરતા પહેલા વર્ચુઅલ ટ્રેડિંગ ટ્રાય કરોઃ
તમને ઓનલાઈન એવા પોર્ટલ્સ મળશે જેના પર તમે સાચા રૂપિયા ઈન્વેસ્ટ કર્યા વિના વર્ચુઅલ મની ઈન્વેસ્ટ કરીને ટ્રેડિંગ શીખી શકો. થોડા અઠવાડિયા સુધી વર્ચુઅલ સિમ્યુલેટર્સ ટ્રાય કરો. તેનાથી તમને સ્ટોક માર્કેટ કેવી રીતે કામ કરે છે તે સમજ પડી જશે. Investopedia stock simulator આવું જ એક લોકપ્રિય સિમ્યુલેટર છે.
6. સ્ટોક બ્રોકર સાથે શરૂઆત કરોઃ
એક વખત શેર બજારની ઉથલ પાથલ પર પકડ આવી જાય પછી મોટું પગલું છે તમારું પોતાનું ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવાનું. સ્ટોક બ્રોકર્સના પણ બે પ્રકાર છેઃ
- ફૂલ સર્વિસ બ્રોકર જેવા કે ICICI ડિરેક્ટ, SBI સિક્યોરિટીઝ, HDFC સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસ્વાલ, એન્જલ બ્રોકિંગ વગેરે.
- ડિસ્કાઉન્ટ બ્રોકર જેવા કે ઝેરોધા, અપસ્ટોક્સ, 5 પૈસા વગેરે.
તમે તમારી પસંદ મુજબ કોઈપણ સ્ટોક બ્રોકર પાસે તમારું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો.
7. હંમેશા શીખવાનો અભિગમ રાખોઃ
સફળ સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર બનવું એ એક લાંબી યાત્રા છે. એક બ્લોગ પોસ્ટ વાંચીને કોઈ ઈન્વેસ્ટર નથી બની શકતું. તમારે જુદા જુદા સોર્સમાંથી વાંચતા રહેવું પડે છે. તમે શીખતા રહેશો તો જ આગળ વધી શકશો. શરૂઆતમાં આ અઘરુ લાગી શકે છે પણ તમે જો સાચા અભિગમથી આગળ વધશો તો અદભૂત રિઝલ્ટ મળશે.
(લેખક ગૌરવ સિંઘવી બ્લુ પેલિકન વેલ્થ એડવાઈઝર્સના વેલ્થ એડવાઈઝર છે)
Comments