સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરો છો? આ 10 ભૂલ તમને ભારે પડી શકે છે
- Team Vibrant Udyog
- Nov 11, 2021
- 4 min read
સ્ટોક માર્કેટમાં બે પ્રકારના રોકાણકારો હોય છેઃ ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સ. બંનેની રોકાણની સ્ટ્રેટેજી અલગ અલગ હોવા છતાં અમુક ભૂલો એવી છે જે બંને કરી બેસતા હોય છે. તમે પણ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કે ઈન્વેસ્ટમેન્ટ કરતા હોવ તો અમુક ભૂલ કરવાથી બચવું જ જોઈએ.

1. આયોજન વિના ટ્રેડિંગ કરવુંઃ
અનુભવી ટ્રેડર્સ આયોજન સાથે જ શેરબજારમાં રોકાણ કરે છે અને તેમને ક્યારે એન્ટ્રી લેવી અને ક્યારે માર્કેટમાંથી બહાર નીકળી જવું તેનો ચોક્કસ ખ્યાલ હોય છે. બજારમાં કેટલા રૂપિયા રોકાયા છે, વધુમાં વધુ કેટલું નુકસાન ખમી શકાય તેમ છે તે અંગે પણ તેમને સ્પષ્ટતા હોય છે. શેરબજારમાં નવા આવેલા રોકાણકારો પ્લાન વિના જ રોકાણ કરવાની ભૂલ કરી બેસે છે અને આયોજન કરે તો પણ તેનાથી ભટકી જાય છે, જેને કારણે તેમને નુકસાન થઈ શકે છે.
2. રિસ્કને નજરઅંદાજ કરવુંઃ
તમે કેટલી ખોટ ખમી શકો તેમ છો તેનો તમને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. ઘણા રોકાણકારો શેરબજારના ઉતાર-ચડાવ સાથે તાલ મિલાવી શકતા નથી. તેમણે ફક્ત બ્લુ ચિપ સ્ટોક્સમાં જ રોકાણ કરવું જોઈએ અને સ્ટાર્ટ અપ કંપનીઓના શેર્સમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. યાદ રાખો કે કોઈપણ ઈન્વેસ્ટમેન્ટ પર રિટર્ન મેળવવા માટે રિસ્ક લેવું જ પડે છે. જો કોઈ ઈન્વેસ્ટમેન્ટમાં ખૂબ સારું રિટર્ન મળતું હોય તો તેના માટે તમારે કેટલું જોખમ ઉઠાવવું પડશે તેનો પણ વિચાર કરી જ લો. જો બધું તમારી ધારણા મુજબ પાર ન પડે તો તમે કેટલી ખોટ ખમી શકો છો તેની ગણતરી કરી લો. તમે સહન કરી શકો તેના કરતા વધારે રૂપિયા દાવ પર ન લગાવો.
3. સ્ટોપ લોસ ઓર્ડરનો ઉપયોગ ન કરવોઃ
તમે સ્ટોપ લોસ ઓર્ડરનો ઉપયોગ નથી કરતા તો તેનો એ જ અર્થ થાય કે તમારી પાસે કોઈ મજબૂત ટ્રેડિંગ પ્લાન નથી. સ્ટોપ ઓર્ડર્સ અનેક પ્રકારના હોય છે અને સ્ટોક માર્કેટમાં ઉથલપાથલ થાય તો તેની મદદથી તમે ખોટને વધતી અટકાવી શકો છો. ટ્રેડર્સ આમાં સૌથી મોટી ભૂલ એ કરતા હોય છે કે સ્ટોપ લોસની નજીક શેર્સના ભાવ પહોંચે ત્યારે જ શેર્સના ભાવ ફરી ઊંચકાશે એ આશાએ ઓર્ડર કેન્સલ કરી દેતા હોય છે.
4. ખોટ વધવા દેવીઃ
સફળ ઈન્વેસ્ટર્સ અન ટ્રેડર્સ સોદામાં થોડી ખોટ થાય તો પણ બીજી સ્ટ્રેટેજી તરફ આગળ વધી જાય છે. આ જ સંજોગોમાં નિષ્ફળ ઈન્વેસ્ટર ફસડાઈ પડે છે. ખોટને રિકવર કરવા માટે તાત્કાલિક પગલા ભરવાના બદલે તે શેર્સને એ આશાએ પકડી રાખે છે કે લાંબા ગાળે તેમની ખોટ પૂરાઈ જશે. આ કારણે તેમની ખોટ વધતી જાય છે અને તેમની મૂડીનું ભારે ધોવાણ થઈ જાય છે.
5. ઊંચા ભાવે ખરીદ્યા હોય એ જ કંપનીના શેર નીચા ભાવે ખરીદવાઃ
કોઈ બ્લુ ચિપ કંપનીમાં લાંબાગાળા માટે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને આ સ્ટ્રેટેજી કામ લાગી શકે છે પરંતુ ઉતાર-ચડાવ વાળા માર્કેટમાં અને જોખમી શેર્સમાં શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે તે ઘાતક પુરવાર થઈ શકે છે. સ્ટોક માર્કેટના ઈતિહાસમાં સૌથી મોટી ખોટ એ જ રોકાણકારોએ ખાધી છે જેમણે ખોટ અસહ્ય બને તે હદ સુધી સ્ટોકને પકડી રાખ્યો હોય. તમે જે કંપનીના ભાવ ઊંચા ભાવે ખરીદ્યા હોય તેના ભાવ ગગડવા માંડે ત્યારે તમે વધારે શેર્સ ખરીદો તો તેનાથી તમારા શેર્સની એવરેજ કિંમત નીચી આવશે પરંતુ તમારી ખોટની શક્યતા પણ ખૂબ જ વધી જશે.

6. ભૂલ ન સ્વીકારવીઃ
ઘણીવાર રોકાણકારો એ સ્વીકારવા જ તૈયાર નથી થતા કે તેમનાથી પણ ભૂલ થઈ શકે છે. મહાનતમ રોકાણકારોથઈ પણ ભૂલ થઈ છે. તમે જ્યારે ઉતાવળે સ્ટોક ખરીદો અને તેના ભાવમાં અચાનક વળાંક આવે તો તેને ભૂલ સમજીને સ્વીકારી લો. તમે ઈગોમાં એ શેર વેચશો નહિ તો તે તમારી ખોટમાં વધારો કરશે. ઘણા તો તેના ભાવ ગગડે તો એમ કહીને વધારે શેર ખરીદે છે કે તેમને XYZ કંપનીના શેર્સ સસ્તામાં મળી ગયા. ઘણા લોકો શેર્સના છેલ્લા એક વર્ષના પરફોર્મન્સ અને ટોચની પ્રાઈઝને ધ્યાનમાં રાખીને આવું કરતા હોય છે. તેમને એવું જ લાગે છે કે શેર્સના ભાવ ગગડવા સારી નિશાની છે. યાદ રાખો કે ભાવ તૂટવા પાછળ કારણ છે અને તમારે ભાવ કેમ તૂટ્યાં તેનું રોકાણકાર તરીકે વિશ્લેષણ ચોક્કસ કરવું જોઈએ.
7. અફવાને આધારે સ્ટોક ખરીદવા
કંપનીની મૂળભૂત સ્થિતિ ખરાબ થવી, ટોચના અધિકારીનું રાજીનામું, વધતી પ્રતિસ્પર્ધા વગેરે અનેક કારણોસર સ્ટોકની કિંમત ઘટી શકે છે. તેના આધારે રોકાણકારો ધારણા બાંધી લે છે કે સ્ટોકની કિંમત નજીકના ભવિષ્યમાં નહિ જ વધે. આ તમામ ઘટનાને વિશ્લેષકની નજરથી જોશો તો અફવાના વમળમાં નહિ ફસાવો અને સાચા નિર્ણય લઈ શકશો.
8. પૂરી કિંમત ચૂકવ્યા વિના શેર્સ ખરીદવાઃ
લિવરેજ અથવા તો પૂરી કિંમત ચૂકવ્યા વિના શેર્સ ખરીદવાની ટેક્નિક બેધારી તલવાર જેવી છે. તેનાથી ફાયદો પણ ડબલ થાય છે અને નુકસાન પણ બમણું થાય છે. વધુ પડતા લિવરેજને કારણે તમારી મૂડી પણ ધોવાઈ શકે છે. તમે મૂડી કરતા 50 ગણું વધારે લિવરેજ લીધું હશે તો ફક્ત 2 ટકા નુકસાનમાં પણ તમારી બધી જ મૂડી ધોવાઈ જશે. ખાસ કરીને ફોરેક્સ માર્કેટમાં આવું થતું જોવા મળે છે.
9. હર્ડ મેન્ટાલિટીઃ
ઘણા રોકાણકારો બાકી બધા જે કરતા હોય તેવું જ કરવાની ભૂલ કરી બેસે છે. આમાં તે કાં તો અમુક સ્ટોક્સ માટે ઘણી ઊંચી કિંમત ચૂકવે છે અથવા તો એવા શેર્સમાં રોકાણ કરી બેસે છે જે પતનની દિશામાં આગળ વધી રહ્યો છે. જે અનુભવી ટ્રેડર હોય તે યોગ્ય સમયે સાચા નિર્ણય લઈને ભીડ વધે ત્યારે સ્ટોક વેચીને નીકળી જાય છે. આથી નવા રોકાણકારોએ આંધળૂકિયા કરવાથી બચવું જોઈએ.
10. બધું રોકાણ એક જ જગ્યાએ કરવુંઃ
જોખમ ઘટાડવા માટે બધું જ ઈન્વેસ્ટમેન્ટ એક જ જગ્યાએ કરવાથી બચવું જોઈએ. પોર્ટફોલિયોમાં તમારું રોકાણ એવી અનેક જગ્યાએ હોવું જોઈએ જેથી એક જગ્યાએ તમને ખોટ જાય તો તમને ખાસ તકલીફ ન પડે. તે તમને માર્કેટના ઉતાર-ચડાવથી પણ રક્ષણ આપે છે. એક એસેટનું પરફોર્મન્સ ખરાબ હોય અને બીજાનું સારું હોય તો તમારો પોર્ટફોલિયો બેલેન્સ થઈ જાય છે. આદર્શ રીતે 70થી 80 ટકા મૂડી ટ્રેડિશનલ સ્ટોકમાં રોકો અને અન્ય 20થી 30 ટકા નવી કંપનીઓના સ્ટોક્સ માટે સાઈડમાં રાખો. આમ કરવાથી લઘુત્તમ રિસ્ક સાથે તમે સંતોષકારક રોકાણ કરી શકશો.
Comments