સેન્સેક્સ ઑલ ટાઈમ હાઈઃ મેક્ઝિમમ ફાયદા માટે રોકાણકારોએ શું કરવું જોઈએ?
- Team Vibrant Udyog
- Jun 17, 2021
- 3 min read
Updated: Jul 5, 2021

શેરબજારમાં રિસર્ચ જેટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે નસીબ. બજારમાં એવા ઘણા ઓછા રોકાણકારો હશે જેમણે માર્કેટ તળિયે હોય ત્યારે શેરબજારમાં રોકાણ કર્યું હોય અને બજાર ટોચ પર પહોંચે ત્યારે એક્ઝિટ લઈ લીધી હોય. આથી બજારમાં ટકી રહેવું હોય તો શ્રેષ્ઠ સ્ટ્રેટેજી એ જ છે કે તમે દરેક લેવલ પર ઈન્વેસ્ટ કરતા રહો. અત્યારે માર્કેટ એટલું હાઈ છે કે ઓવરવેલ્યુ થયું હોય તેવું જણાય છે. શેરબજાર નવી ઊંચાઈ આંબી રહ્યું છે ત્યારે ઘણા નિષ્ણાંતોએ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. પણ આવામાં રોકાણકારોએ નીચેના ત્રણ સવાલો પોતાની જાતને અવશ્ય પૂછવા જોઈએ. 1. માર્કેટ ક્યારે નીચે પટકાશે? 2. જો માર્કેટ ધાર્યા પ્રમાણે નીચે ન આવ્યું તો શું? દાખલા તરીકે, જો એમાં ફક્ત ટાઈમ-બાઉન્ડ કરેક્શન જ આવ્યું હોય, પ્રાઈસ-બાઉન્ડ કરેક્શન નહિ, તો શું? 3. જો માર્કેટ નીચું આવશે તો હદમાં હદ કેટલું નીચે આવશે? સારી આદતો પાડવી મુશ્કેલ છે અને ખરાબ આદતો છોડવી મુશ્કેલ છે (જેમ કે સ્મોકિંગ). સ્ટોક માર્કેટમાં પણ આ જ લોજિક ચાલે છે. હાલ ઘણા ઈન્વેસ્ટર્સ અવઢવમાં છે કે શું તેમણે હાલમાં પ્રોફિટ બુક કરીને માર્કેટ નીચે જાય ત્યારે ફરી માર્કેટમાં એન્ટ્રી લેવી જોઈએ? ધારો કે આ વિચારને અમલમાં મૂકીને તમે તમારું બધું જ રોકાણ વેચી દો અને માર્કેટ નીચે આવે ત્યારે ફરી એન્ટ્રી લેવાનું આયોજન કરો, અને આપણે ધારી લઈએ કે તમારો નિર્ણય સાચો પુરવાર થયો અને માર્કેટ આવનારા થોડા દિવસો કે અઠવાડિયાઓમાં ઘણું નીચે આવી ગયું. જો આવું થાય તો એ સારા સમાચાર નથી. તેનું કારણ એ છે કે જો તમે આ નિર્ણયમાં સાચા પડ્યા તો તમે ભવિષ્યમાં પણ આવું કરશો. શેર બજારની દુનિયામાં આ સારી આદત નથી. જો તમે આગામી 10 વર્ષમાં આવું કર્યા કરશો તો તમે 10માંથી 6થી 7 વાર ખોટા પડશો. આમાં તમે રિટર્ન તો ભૂલી જ જાવ, તમારે મૂડી પણ ગુમાવવાનો વારો આવશે. તમે સફળ ઈન્વેસ્ટર્સના રેકોર્ડ ચેક કરો. શું એ લોકો આવું કરે છે? નહિ, તો તેનું શું કારણ છે? જો તેઓ માર્કેટને ચોકસાઈપૂર્વક પ્રેડિક્ટ નથી કરી શકતા તો તમે સાચા પડશો એના ચાન્સ કેટલા? આપણે આવું કોઈપણ પગલું ભરતા વિચારવું જોઈએ કારણ કે આગળ જતા આ તમારી આદત બની શકે છે. એક વાર આ ખરાબ લત લાગી ગઈ તો તેને છોડવી મુશ્કેલ છે. ચાલો, હવે જોઈએ કે તમે ઉપરના ત્રણ પ્રશ્નોનો સાચો જવાબ આપી શકો છો કે નહિ. હું એવા ઘણા રોકાણકારોને ઓળખું છું જેમણે પોતાનો પોર્ટફોલિયો જુલાઈ 2020માં વેચી નાંખ્યો. 2020ના માર્ચમાં માર્કેટ ખાસ્સું નીચે આવ્યું હતું અને પછી જુલાઈમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થતા માર્કેટ ઊંચકાયું હતું. એ મોકા પર ઘણા રોકાણકારોએ પોતાના શેર્સ વેચી નાંખ્યા. લોજિકની દૃષ્ટિએ જોઈએ તો એ નિર્ણય સાચો હતો. ઘણા રોકાણકારો અને એક્સપર્ટ્સને અપેક્ષા છે કે માર્કેટ ફરી પાછું નીચે પટકાશે. આપણે અત્યારે એપ્રિલ 2021માં છીએ અને આપણે બધા જ જાણીએ છીએ કે જુલાઈ પછી શું થયું. આ વાત લોજિકની દૃષ્ટિએ સાચા-ખોટાની નથી પરંતુ સારી આદત વિકસાવવાની છે. હું એવા પણ રોકાણકારોને ઓળખું છું જેમણે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2020માં માર્કેટમાં એન્ટ્રી લીધી હતી. માર્કેટને સતત વધતું જોવું તેમના માટે આસાન નહતું. માર્કેટ ડાઉન જશે તેવી ગણતરીએ તેમણે તેમના ઈન્વેસ્ટમેન્ટ વેચી દીધા. એક કહેવત છે કે કરેક્શન કરતા તો રોકાણકારો કરેક્શનની તૈયારી કે ગણતરીમાં વધારે પૈસા ગુમાવી બેસે છે. એ જ રીતે, જો તમે અત્યારે એપ્રિલ 2021માં વેચશો અને પછી આવનારા થોડા અઠવાડિયાઓ કે મહિનાઓ માટે માર્કેટ વધ્યા કરશે તો તમારા માટે કોઈપણ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ બની જશે. દરેક દિવસે તમે અવઢવમાં જ રહેશો. જો આ ફક્ત ટાઈમ-બાઉન્ડ કરેક્શન જ હોય તો શું કરશો? કરેક્શન પ્રાઈસ-બાઉન્ડ હોઈ શકે છે. આપણે 2008 અને માર્ચ 2020માં આ જોઈ જ ચૂક્યા છે. એ જ રીતે કરેક્શન ટાઈમ-બાઉન્ડ પણ હોઈ શકે. મતલબ કે માર્કેટ અમુક રેન્જમાં ઘણા લાંબા સમય સુધી રહી શકે છે. તેના કેટલાંક ઉદાહરણ પણ આપું. 1. ડિસેમ્બર 1993થી ફેબ્રુઆરી 1999 એટલે કે પાંચ વર્ષ કરતા પણ વધુ સમયગાળા માટે સેન્સેક્સ 3000થી 4000ના લેવલ પર રહ્યો હતો. 2. જુલાઈ 2009થી ડિસેમ્બર 2011 સુધી સેન્સેક્સ રેન્જમાં જ રહ્યો હતો. બંને કિસ્સામાં જોવા મળ્યું છે કે રેન્જમાં રહ્યા પછી માર્કેટ ઉપર જ ગયું છે. જો આવનારા થોડા મહિનાઓ કે વર્ષોમાં આવું થાય તો માર્કેટ ડાઉન જાય ત્યારે એન્ટર થવાનો તમારો પ્લાન ક્યારેય સફળ નહિ થાય. માર્કેટનો સમય માપવાને બદલે તમે જ માર્કેટમાં થોડો સમય વીતાવો, તમને આપોઆપ તેના ગણિતો સમજાતા જશે. લેખક ગૌરવ સિંઘવી સર્ટિફાઈડ પર્સનલ ફાયનાન્સ સ્પેશિયાલિસ્ટ અને બ્લુ પેલિકન વેલ્થના મ્યુચ્યુઅલ ફંડ એનાલિસ્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર છે.
Kommentare