વૈશ્વિક નાણાંકીય તાણ વચ્ચે RBI વિદેશી બેન્કમાં રાખેલું 64 ટન સોનું ભારત પાછું લાવી
– 
– 2025ના સપ્ટેમ્બર સુધીના છ માસમાં 64 ટન સોનું ભારત પરત લાવી, પરંતુ હજી 290.3 ટન સોનું હજુ પણ બેંક ઑફ ઇંગ્લેન્ડ અને બેંક ફૉર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં જમા પડ્યું છે
વિશ્વની બદલાતી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ (RBI) માર્ચથી સપ્ટેમ્બર 2025 વચ્ચે લગભગ 64 ટન સોનું પોતાના ભારતીય વોલ્ટમાં પરત લાવ્યું છે. હવે ભારતમાં રાખેલું કુલ સોનાનું પ્રમાણ 575.8 ટન થઈ ગયું છે. આ નિર્ણય એવા સમયમાં લેવામાં આવ્યો છે જ્યારે ઘણા દેશો વિદેશમાં રાખેલા રાષ્ટ્રીય ભંડારની સુરક્ષા વિશે ચિંતિત છે, કારણ કે અનેક રાષ્ટ્રો નાણાકીય પ્રણાલીઓને ભૂરાજનીતિક દબાણ માટે હથિયાર તરીકે વાપરવા લાગ્યા છે.
RBIના સત્તાવાર આંકડા મુજબ, સપ્ટેમ્બર 2025ના અંતે ભારત પાસે કુલ 880.8 ટન સોનું હતું. તેમાંમાંથી 290.3 ટન સોનું હજુ પણ બેંક ઑફ ઇંગ્લેન્ડ અને બેંક ફૉર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે છે, જ્યારે વધુ 14 ટન સોનું ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ છે. એટલે દેશમાં રાખાયેલા સોનાનો હિસ્સો છેલ્લા 18 મહિનામાં નોંધપાત્ર રીતે વધ્યો છે, જે ભારતના ઇતિહાસમાં સોનાની પાછી લાવવાની સૌથી ઝડપી પ્રક્રિયાઓમાંની એક ગણાય છે.
રિઝર્વ બેન્કે 2023ના આરંભથી શરૂ કરેલી ઓનશોરિંગ નીતિના ભાગરૂપે વિદેશમાં રાખેલું સોનું પાછું લાવવાનું શરૂ કર્યું હતું. કારણ કે રશિયા અને અફઘાનિસ્તાનના વિદેશી ચલણ ભંડારને પશ્ચિમી દેશોએ રોકી દીધા બાદ આંતરરાષ્ટ્રીય નાણાકીય સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. રિઝર્વ બેન્ક માર્ચ 2023થી અત્યાર સુધી RBI કુલ 274 ટન સોનું પાછું લાવી ચૂકી છે.
વિશ્વના સોનાના ભાવમાં થયેલા જબરદસ્ત વધારો પણ ભારતના સોનાના ભંડારના મૂલ્યમાં વધારો લાવ્યો છે. 2025માં સોનાના ભાવમાં 50%થી વધુનો ઉછાળો આવ્યો છે, અને ઑક્ટોબરમાં તે US$4,381 પ્રતિ ઔંસના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વધારાને કારણે ભારતના સોનાના ભંડારનું મૂલ્ય US$77 અબજથી વધી US$108 અબજ થઈ ગયું છે. માત્ર ચાલુ નાણાકીય વર્ષના છ માસમાં જ US$31 અબજનો વધારો નોંધાયો છે. RBIના બેલેન્સ શીટ મુજબ હવે સોનાનો હિસ્સો કુલ વિદેશી ચલણ ભંડારનો 9% થયો છે, જે એક વર્ષ પહેલાં માત્ર 4% હતો.
સપ્ટેમ્બર અંતે RBIના કુલ વિદેશી ચલણ ભંડાર US$579 અબજ હતા. તેમાં મોટો ભાગ અન્ય કેન્દ્રિય બેંકો, BIS અને વિદેશી વ્યાપારિક બેંકોમાં રાખેલા સિક્યોરિટીઝ અને ડિપોઝિટ્સમાં રોકાયેલો હતો. તેમાં US$489.54 અબજ સિક્યોરિટીઝ, US$46.11 અબજ અન્ય બેંકો અને BISમાં, તથા US$43.53 અબજ વિદેશી બેંકોમાં રાખવામાં આવ્યા હતા.
પરંપરાગત રીતે RBIએ પોતાનું થોડુંક સોનું લંડનમાં રાખ્યું છે. ખરીદી અને વેચાણમાં સરળતા રહે તે માટે આ સોનું લંડનમાં રાખી મૂક્યું છે. પરંતુ હવે રશિયા અને અફઘાનીસ્તાન સાથે બનેલી ઘટનાને પરિણામે ભારતનો વિચાર બદલાયો હોવાનું જણાય છે. ઘણા દેશોએ હવે વિદેશી ભંડારની સુરક્ષા વિશે પ્રશ્નો ઉઠાવ્યા છે, કારણ કે નાણાકીય પ્રતિબંધો ઝડપથી લાગુ થઈ શકે છે. જર્મની, નેધરલેન્ડ્સ, તુર્કી જેવા દેશો પહેલેથી જ પોતાનું ઘણું સોનું પોતાના દેશમાં પાછું લાવી ચૂક્યા છે.
ભારતનો આ નિર્ણય વૈશ્વિક સ્તરે ચાલી રહેલા “ડિ-ડોલરાઇઝેશન” (De-dollarisation) વલણ સાથે મેળ ખાય છે. ડી ડૉલરાઈઝેશનમાં જુદાં જુદાં દેશો અમેરિકન ટ્રેઝરી એસેટ્સમાંનો હિસ્સો ઘટાડીને સોનાં જેવા ચલણ વિનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે. RBIએ જણાવ્યું છે કે તેની વિવિધતા નીતિ RBI અધિનિયમ, 1934 અનુસાર છે અને તે દેશના વિદેશી ભંડારની સ્થિરતા અને લાંબા ગાળાની સુરક્ષા માટે છે.
આ ફેરફારનો પ્રભાવ ભારતમાં સોનાના ભાવમાં પણ દેખાયો છે. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઑક્ટોબર અંતે સોનાનો ભાવ રૂ. 1.20 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ રૂ. 1.45 લાખ પ્રતિ કિલો સુધી ચઢ્યો હતો.
ભારતના સોનાના ભંડાર હવે વધુ ભરાઈ રહ્યા છે અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અસ્થિર છે. આ સમયમાં RBIની આ નીતિ સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશની નાણાકીય શક્તિ હવે વિદેશી વિશ્વાસ પર નહીં, પરંતુ પોતાની નિયંત્રણ હેઠળના ભૌતિક ભંડાર પર જ આધારિત રહેશે.




