• 15 January, 2026 - 8:29 PM

સહકારી બેન્કના બોર્ડમાં દસ વર્ષ પૂરા થયા પછી ડિરેક્ટર્સ ત્રણ વર્ષ સુધી બેન્કમાં કોઈ હોદ્દો ધારણ કરી શકશે નહિ

હિતધારકોને ૩૦મી જાન્યુઆરી સુધીમાં તેમના મંતવ્યો મોકલી આપવાની રિઝર્વ બેન્કે સૂચના આપી

અમદાવાદઃ સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે સેવા આપવાની શરૃઆત કર્યા પછી દસ વર્ષ પૂરા થઈ ગયા બાદ તે ડિરેક્ટર્સ ત્રણ વર્ષ સુધી તે બેન્કમાં કોઈપણ હોદ્દો ધારણ કરી શકશે નહિ.સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો ટૂંકા ગાળા માટે રાજીનામા આપીને ફરીથી તે જ હોદ્દા પર ચઢી બેસતા હોવાથી રિઝર્વ બેન્કે આ જોગવાઈ દાખલ કરવાનું આયોજન કર્યું છે. દેશની દરેક અર્બન કોઓપરેટીવ બેન્કના ડિરેક્ટર્સ અને બોર્ડના સભ્યોને આ જોગવાઈ લાગુ પડશે.  રિઝર્વ બેન્ક આ નવી જોગવાઈ દાખલ કરવા જઈ રહી છે. તેના અંગે લોકોને ૩૦મી જાન્યુઆરી સુધી તેમના પ્રતિભાવ આપવા જણાવી દેવામાં આવ્યું છે.

કૂલિંગ ઓફ તરીકે ઓળખાવવામાં આવતા ત્રણ વર્ષના ગાળામાં બેન્કમાં તેઓ કોઈ જ કામ કરી શકશે નહિ

રિઝર્વ બેન્કે નવા તૈયાર કરેલા નિયમો જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને રાજ્ય સ્તરની સહકારી બેન્કોને પણ લાગુ પડશે. આ બેન્કના હોદ્દા પર નિયુક્તિ પામેલી વ્યક્તિએ ગમે તે રીતે નિમણૂક મેળવી હોય તેમને આ જોગવાઈ લાગુ પડશે એમ રિઝર્વ બેન્કે આઠમી જાન્યુઆરીએ બહાર પાડેલી પરિપત્રના માધ્યમથી સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે.

આમ રિઝર્વ બેન્ક ભારતની સહકારી બેન્કો અંગેના સરકારના આદેશમાં સુધારો દાખલ કરવા જઈ રહી છે. આ જોગવાઈઓ તમામ અર્બન કોઓપરેટીવ બેન્ક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને રાજ્ય સ્તરની સહકારી બેન્કોને લાગુ પડશે. આ જોગવાઈ મુજબ એકવાર એક વ્યક્તિ કોઈપણ સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સતત દસ વર્ષ સુધી સ ેવા આપી દે પછી તેમણે તેમનો હોદ્દો છોડી દેવો પડશે. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી તે બેન્કમાં તે કોઈપણ કામગીરી કરી જ શકશે નહિ. આ ત્રણ વર્ષ માટે હોદ્દો ન ધારણ કરવાનો નિયમ રિઝર્વ બેન્ક ફરજિયાત અમલ કરાવવા જઈ રહી છે. બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કોઈપણ વ્યક્તિ દસ વર્ષથી વધુ સમય સુધી સક્રિય રહી શકશે નહિ. દસ વર્ષની સમય મર્યાદાના નિયમને તોડી મરોડીને હોદ્દાની મુદત લંબાવી દેનારાઓને લાઈન પર લઈ આવવા માટે રિઝર્વ બેન્ક આ નવી જોગવાઈ લાવી રહી છે.

દસ વર્ષ વીત્યા બાદ તેના ડિરેક્ટરના હોદ્દા પરથી છૂટા થઈ જઈને બેથી ત્રણ જ મહિનામાં વહીવટ પોતાના હાથમાં લઈ લેતા હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું છે. તેઓ નવેસરથી ચૂંટાઈને કે પછી કોઓપ્શનની પદ્ધતિથી પોતાના હોદ્દા પર ફરીથી ચઢી બેસતા હોવાનું જોવા મળ્યું છે. તેને પરિણામે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈના લીરેલીરા ઊડી જઈ રહ્યા છે. તેથી જ વધુ ચુસ્ત જોગવાઈ લાવવાની ફરજ પડી રહી છે. કાયદામાં ડિરેક્ટરના હોદ્દા માટેની મહત્તમ સમય મર્યાદા ૧૦ વર્ષની રાખવામાં આવેલી છે.

Read Previous

આજે બજારમાં શું કરશો?

Read Next

ઇરાન સાથે વેપાર કરનાર ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ વધારતા ડ્રાયફ્રૂટની આયાતમાં અવરોધ આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular