ખરીફ મોસમમાં ભારતમાં અનાજનું વિક્રમ સર્જક ઉત્પાદન થયું

- ચોખા અને મકાઈના ઉત્પાદનમાં તગડો વધારો આવ્યોઃ દક્ષિણ ભારતના રાજ્યોમાં કપાસના ઉત્પાદન પર અવળી અસર
નાણાંકીય વર્ષ 2025-26ની ખરીફ સીઝનમાં અનાજનું ઉત્પાદન વિક્રમ સર્જક 173.33 મિલિયન ટન થયું છે. આ ઉત્પાદન ગયા વર્ષના અનાજના કુલ ઉત્પાદન 169.4 મિલિયન ટન કરતાં 3.87 મિલિયન ટન વધારે છે. આ વરસો ચોમાસું નોર્મલ કરતાં વધુ સારું રહ્યું હોવાથી ઉત્પાદન વધી ગયું છે. તેમાંય ખા કરીને ચોખા અને મકાઈના ઉત્પાદનમાં તગડો વધારો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે 26મી નવેમ્બ, બુધવારે જાહેર કરેલા પ્રથમ પૂર્વાનુમાનમાં જણાવ્યા મુજબ ખરીફ મોસમ(2025–26) માં ચોખાનું કુલ ઉત્પાદન 124.504 મિલિયન ટન થયું છે. ચોખાનું ઉત્પાદન ગયા વર્ષ કરતા આ વરસે 1.732 મિલિયન ટન વધારે થયું છે.
મકાઇનું ઉત્પાદન વધ્યું
આ જ રીતે મકાઈનું ઉત્પાદ 28.303 મિલિયન ટન થયું છે. ગયા વર્ષે મકાઇનું ઉત્પાદન 24.8 મિલિયન ટન થયું હતું. ગયા વરસની સરખામણીમાં આ વરસે મકાઇનું ઉત્પાદન 3.495 મિલિયન ટન વધારે થયું છે. કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદથી નુકસાન થયું હોવા છતાં, મોટાભાગના પ્રદેશોને મજબૂત મોન્સૂનનો લાભ મળ્યો અને કુલ ઉત્પાદન વધારવામાં મદદ મળી છે.
ચોમાસું 108 ટકા રહ્યું
વાસ્તવમાં 2025-26ના નાણાંકીય વર્ષનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબા ગાળા સરેરાશના 108 ટકા વરસાદ સાથે નોર્મલ કરતાંય સારુ રહ્યું હતું. આ વરસે ચોમાસું પહેલી જૂને બેસી ગયું હતું. આમ નોર્મલ કરતાં એક અઠવાડિયું ચોમાસું વહેલું બેઠું હતું. ચોમાસું 16મી ઓક્ટોબરે પૂરું થયું હતું. આમ આ વરસે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ નોર્મલ કરતાં લાંબા સમય સુધી ચાલ્યુ હતું.
કપાસના પાક પર અસર પડી
જોકે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વધારે વરસાદે દાળ અને તેલબિયાંના પાકોને નુકસાન પહોંચાડ્યું છે. ઓક્ટોબરમાં આવેલા સાયક્લોન મોન્થા-મોન્થા વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કપાસના ઉત્પાદન પર અસર પડી છે.
મોટા અનાજ (Coarse Cereals) અને દાળ
જાડા ધાન્યનું એટલે કે અનાજનું ઉત્પાદન વધીને ખરીફ મોસમમાં 41.414 મિલિયન ટન થવાનું અનુમાન છે. ગયા વરસે જાડા ધાન્યનું ઉત્પાદ 38.95 મિલિયન ટન થયું હતું. જોકે ખરીફ મોસમમાં દાળ ઉત્પાદન થોડું ઓછું રહેવાની શક્યતા છે. આ વરસે દાળનું કુલ ઉત્પાદન 7.41 મિલિયન ટન થયું છે. ગયા વર્ષે દાળના થયેલા કુલ 7.73 મિલિયન ટનના ઉત્પાદન કરતાં આ વરસે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. તુવેર દાળનું આ વરસે 3.59 મિલિયન ટન ઉત્પાદન થયું હતું. તેની સામે ગયા વર્ષે તુવેરદાળનું ઉત્પાદન 3.62 મિલિયન ટન થયું હતું.
અડદ દાળનું ઉત્પાદન આ વરસે 1.20 મિલિયન ટન થયું છે. ગયા વરસે અડદ દાળનું ઉત્પાદન 1.34 મિલિયન ટન થયું હતું. મગની વાત કરીએ તો આ વરસે 1.72 મિલિયન ટન મગનું ઉત્પાદન થયું છે. ગયા વર્ષને મગનું ઉત્પાદન 1.74 મિલિયન ટન થયું હતું. ગયા વરસ કરતાં આ વરસે મગનું ઉત્પાદન થોડું ઓછું થયું છે. અલબત્ત ભારે વરસાદે ખાસ કરીને કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ખરીફ મોસમના ઊભા પાકને નુકસાન પણ પહોંચાડ્યું છે.
તેલબિયાંનું ઉત્પાદન
ખરીફ મોસમમાં તેલબિયાંનું કુલ ઉત્પાદન 27.563 મિલિયન ટન થયું છે. આ ઉત્પાદન ગયા વર્ષના 28 મિલિયન ટન ઉત્પાદનથી થોડું ઓછું છે. મગફળી (Groundnut)નું ઉત્પાદન આ વરસે 11.09 મિલિયન ટન થયું છે. તેની સામે ગયા વર્ષ કુલ ઉત્પાદન 10.4 મિલિયન ટન રહ્યું હતું.
ગુજરાતમાં સારી વાવણી અને ઉપજ
ગુજરાતમાં સોયાબીનનું ઉત્પાદન થોડું ઘટ્યું છે. સોયાબીનનું આ વર્ષની ખરીફ સીઝનમાં 14.26 મિલિયન ટન ઉત્પાદન થયું છે. આ ઉત્પાદનગયા વર્ષના કુલ 15.2 મિલિયન ટનના ઉત્પાદન કરતાં થોડું ઓછું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધુ વરસાદની અસર હેઠળ આ ઉત્પાદન ઘટ્યું છે.
ખાંડ, કપાસ, જ્યુટનું ઉત્પાદન
ખરીફ મોસમમાં શેરડી-Sugarcaneનું કુલ ઉત્પાદન 475.614 મિલિયન ટન થયું છે. શેરડીનું ગયા વર્ષનું ઉત્પાદ ગયા વર્ષની સરખામણીમાં 21 મિલિયન ટન વધારે થયું છે. ખરીફ મોસમમાં કપાસનુ કુલ ઉત્પાદન 29.215 મિલિયન ગાંસડી થયું છે. દરેક ગાંસડી 170 કિ.ગ્રાની હોય છે. શણ-જ્યુટ અને મેસ્ટાના ઉત્પાદનની વાત કરીએ તો ખરીફ સીઝનમાં તેનું કુલ ઉત્પાદન 8.345 મિલિયન ગાંસડી-180 કિ.ગ્રા.ની એક ગાંસડી- થયું છે.




