• 15 January, 2026 - 10:15 PM

દરદીઓને સસ્તી દવા મળે અને ફાર્માકંપનીઓ ટકી રહે તેવા સુધારાઓ ફાર્મા ઉદ્યોગ માટે જરૂરી

ફાર્માસ્યૂટકિલ્સના ક્ષેત્રના MSME એકમોને નાણાંકીય સહાય આપવા સહિતની સુવિધાઓ સરકારે આપવી જોઈએ

દરદીઓને દવા સસ્તી મળે અને ફાર્મા ઉદ્યોગને ટકવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ફાર્મા કંપનીઓ માટે લાવવી જોઈએ. તેમ જ દવાઓના ભાવમાં સુધારાઓ એવા હોવા જોઈએ કે જેનાથી એક તરફ દર્દીઓ માટે દવાઓ સસ્તી રહે અને બીજી તરફ ફાર્મા ઉદ્યોગની આર્થિક ટકાઉપણું પણ જળવાઈ રહેવું જોઈએ.

રુસાન ફાર્મા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કુણાલ સક્સેનાનું કહેવું છે કે, તર્કસંગત અને પારદર્શક ભાવ મોડેલ, મોટા જથ્થા સામે ભાવ નક્કી કરવાની પદ્ધતિ (volume-for-price contracts) તથા અતિ આવશ્યક ન હોય તો થેરાપીઓ માટે સ્તરવાર (tiered) ભાવ વ્યવસ્થા અમલમાં મૂકવાથી ઉત્પાદકોનો ભાગીદારી જળવાઈ રહેશે.

ડૉ. સક્સેનાનું કહેવું છે કે સુધારેલા શેડ્યૂલ-એમ (Schedule M) નિયમોના અમલ દરમિયાન MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો)ને નરમ લોન, ગુણવત્તા નિયંત્રણ (QC) અને વેલિડેશન-સમર્થન આપતી સુવિધાઓ, તેમજ પ્રાથમિક ખરીદીમાં પ્રાધાન્ય આપવાથી સપ્લાયમાં ખલેલ પડશે નહિ તથા ગુણવત્તા ધોરણોમાં સુધારો થશે. તેની સાથે જ ગુણવત્તા અંગે પારદર્શક માહિતી મળતી થશે.  ડોક્ટરો સાથે સંવાદ અને સમુદાય સ્તરે જાગૃતિ દ્વારા જનરિક દવાઓ પર વિશ્વાસ વધારવાથી લાંબા ગાળે ક્ષેત્રની વૃદ્ધિ સુનિશ્ચિત થશે.

આજના સમયમાં ફાર્મા ઉદ્યોગને સૌથી વધુ અસર કરતા તત્ત્વોમાં વિશિષ્ટ થેરાપીઓ તરફનો વલણ, ગુણવત્તા અને અનુપાલન અંગે કડક ધોરણો છે. આ જ સંદર્ભમાં આવનારા તબક્કાની નીતિમાં એક સાથે અનેક લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારતમાં સસ્તી દવાઓનું તંત્ર વિખરાયેલું છે. તેને બદલે એક સંયુક્ત રાષ્ટ્રીય દવા વ્યૂહરચનામાં પરિવર્તિત થવું જોઈએ. તેમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના (PMBJP – જન ઔષધિ)ડ્રગ્સ (પ્રાઇસ કંટ્રોલ) ઓર્ડર, 2013 (DPCO), રાજ્ય સરકારોની મફત દવા યોજનાઓ અને આયુષ્માન ભારત (PM-JAY)ને એકસાથે ગોઠવવામાં આવે તે જરૂરી છે.

નીતિવિષયક અન્ય પગલાંમાં અંતિમ માઇલ સુધી દવાઓ પહોંચે તે માટે નિશ્ચિત સ્ટોક ઉપલબ્ધતા માટેના ધોરણો નક્કી કરવા જોઈએ. તેમ જ લાંબા સમય સુધી સારવારની જરૂર પડે તેવા રોગો માટે 90 દિવસની દવા પુરવઠાની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. તેમજ ટેલિમેડિસિનને ઇ-પ્રિસ્ક્રિપ્શન અને ઘર સુધી દવા પહોંચાડવાની સેવાઓ સાથે જોડવાની બાબતનો સમાવેશ થાય છે. આ પગલાં ખાસ કરીને પછાત વિસ્તારોમાં સારવારની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ડિજિટલ હેલ્થ આઈડી, એકબીજાથી જોડાઈ શકે તેવી ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ, ઇ-પ્રિસ્ક્રિપ્શન, રાષ્ટ્રીય આરોગ્ય રજિસ્ટ્રી અને રિયલ-ટાઇમ ડેટા જેવા એકીકૃત ડિજિટલ હેલ્થ માળખાને મજબૂત બનાવવાથી માંગ અનુમાન, ખરીદી અને ગુણવત્તા દેખરેખમાં મોટો સુધારો થશે અને ટેક્નોલોજી આધારિત વિશ્વસનીય સપ્લાય ચેઇન વિકસશે.

રસી ઉદ્યોગમાં બદલાતા વલણ

રસી ઉદ્યોગ અંગે વાત કરતાં  નોવો મેડિ સાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ફોરમ ભગતે જણાવ્યું કે ત્રણ મુખ્ય પ્રવાહો ઉદ્યોગને નવી દિશા આપી રહ્યા છે: આ ત્રણ પ્રવાહોમાં ભારતની રોગપ્રસાર સ્થિતિને અનુરૂપ ઉત્પાદનોની માંગ, મોટી હોસ્પિટલોની બહાર વાસ્તવિક પરિસ્થિતિમાં કાર્યકારી ફોર્મેટ્સની જરૂર અને અટકાવી શકાય તેવા રોગોના પ્રકોપ સામે સમાજની વધતી અસહનશીલતાને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

નીતિ ઘડનારાઓ માટે હાલની રસીકરણ યોજનાઓ અને સ્વદેશી ઉત્પાદન પ્રોત્સાહન પર આધાર રાખીને પરિણામ આધારિત ખરીદી, નવી પેઢી-ન્યૂ જનરેશનની રસી માટે ઝડપી મંજૂરી આપવાનો રસ્તો અપનાવવાની સાથે સાથે જ કોલ્ડ-ચેઇન તથા ડિલિવરી અડચણો ઘટાડતી ટેક્નોલોજીઓને પ્રોત્સાહન આપવાની અનોખી તક છે.

સતત સહાય અને નવીનતાને અનુકૂળ સાધનોના સંયોજન દ્વારા ભારત માત્ર રસી પુરવઠો આપનાર વિશ્વનો મોટામાં મોટો દેશ જ નહિ, પરંતુ સમાનતાવાળી અને સ્વદેશી રસીકરણ વ્યવસ્થાનું વૈશ્વિક માપદંડ બની શકે છે.

ક્લિનિકલ રિસર્ચમાં બદલાવ

ક્લિનિકલ રિસર્ચ ક્ષેત્ર અંગે વાત કરતાં ડાયગ્નોસર્ચ લાઇફ સાયન્સિસની સહ-સ્થાપિકા તથા  પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મનીષા ગિન્દેએ જણાવ્યું હતુ કે અદ્યતન એનાલિટિક્સ અને દર્દી કેન્દ્રિત અભિગમના કારણે ક્લિનિકલ રિસર્ચ ઉદ્યોગમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. ટ્રાયલની ગુણવત્તા, ગતિ અને નિયમન અનુપાલન સુધારવા માટે સ્પોન્સર અને CRO હવે રિસ્ક-બેઝ્ડ મોનિટરિંગ અને રિયલ-ટાઇમ ડેટાનો વધતો ઉપયોગ કરી રહ્યા છે.

ઊભરી રહેલા વિવિધ બજારોમાં ટ્રાયલનો વિસ્તાર થવાથી દર્દી ભરતી, જાળવણી અને સાઇટ મેનેજમેન્ટના અભિગમમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. નીતિ સ્તરે, ડિજિટલાઇઝેશન, ક્લિનિકલ ટ્રાયલ સુધારાઓ અને ઝડપી નિયમન માર્ગો માટે સરકારની સતત સહાય પ્રયોગશાળાથી બજાર સુધીનો સમય ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ છે, જેનો લાભ અંતે દર્દીઓને મળે છે.

આગામી સમયમાં, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સંશોધન માળખું મજબૂત કરવું, તેમજ વિકેન્દ્રિત અને ટેક્નોલોજી આધારિત ટ્રાયલ માટે સ્પષ્ટ માર્ગદર્શન આપતી નીતિઓ મહત્વપૂર્ણ રહેશે. નવીનતાને અનુકૂળ નિયમનની પદ્ધતિ અને તેની સ્થિરતા ઉદ્યોગને દર્દી સલામતી અને ડેટાની અખંડિતતા જાળવી રાખીને ઉચ્ચ ગુણવત્તાનું સંશોધન ઝડપી કરવા માટે સક્ષમ બનાવશે.

 

Read Previous

ડાયબિટીસ અને જાડિયાપણુ દૂર કરવાની દવાના વેચાણ આગામી વરસોમાં તેજી જોવા મળે  

Read Next

પહેલી જાન્યુઆરીથી વિશ્વનો પ્રથમ કાર્બન ટેક્સ લાગુ થતાં ભારતના મેટલ એક્સપોર્ટના ભાવમાં 22 ટકા સુધીની કપાત આવવાનો ખતરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular