રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રશિયાથી ઓઈલની આયાત બંધ કરી દીધી, નોન-રશિયન રિફાઈનરીઓમાંથી મંગવાવાશે ઓઈલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની રિફાઇનરીમાં પ્રોસેસિંગ માટે રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે 20 નવેમ્બરથી તેની નિકાસ-માત્ર રિફાઇનરીમાં પ્રોસેસિંગ માટે રશિયન ઓઈલની આયાત બંધ કરી દીધી છે. ભારતના સૌથી મોટા ઓઇલ રિફાઇનરે એમ પણ જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરથી આ જ રિફાઇનરીમાંથી નિકાસ સંપૂર્ણપણે બિન-રશિયન ઓઈલમાંથી કરવામાં આવશે.
રશિયન ઓઈલની આયાત પર રોક કેમ?
આ નિર્ણય ઓક્ટોબરમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો લાદ્યાના થોડા સમય પછી આવ્યો હતો. આ પ્રતિબંધો લુકોઇલ અને રોઝનેફ્ટ જેવી મુખ્ય રશિયન ઓઈલ કંપનીઓને લક્ષ્ય બનાવે છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર અને પુતિન વચ્ચે વધતા તણાવને કારણે આ પગલાં લેવામાં આવ્યા હતા. રશિયન ઓઈલના ભારતના સૌથી મોટા ખરીદદાર તરીકે, રિલાયન્સ આ પ્રતિબંધોથી સીધી પ્રભાવિત થઈ હતી. કંપનીએ લાંબા સમયથી સ્પોટ માર્કેટ અને લાંબા ગાળાના સોદાઓ દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે.
રિલાયન્સની જામનગર રિફાઇનરી રશિયન ઓઈલ પર નિર્ભર
રિલાયન્સની જામનગર રિફાઇનિંગ કોમ્પ્લેક્સ વિશ્વની સૌથી મોટી રિફાઇનરી સેટઅપ છે, જેની પ્રોસેસિંગ ક્ષમતા 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) છે. કંપનીનો રશિયાની રોઝનેફ્ટ સાથે આશરે 500,000 બેરલ ઓઈલ ખરીદવા માટે લાંબા ગાળાનો કરાર છે. જોકે, આ સોદો યુએસ પ્રતિબંધોથી પ્રભાવિત થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે તે આ લાંબા ગાળાના કરાર હેઠળ તેની ઓઈલ ખરીદી ઘટાડશે.
રિલાયન્સ સરકારી માર્ગદર્શિકાઓનું પાલન કરશે
રિલાયન્સના પ્રવક્તાએ અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે કંપની તેની આયાત વ્યૂહરચના “પુનઃકેલિબ્રેટ” કરી રહી છે અને ભારત સરકારની તમામ નીતિઓ અને નિર્દેશોનું પાલન કરશે. આનો અર્થ એ થયો કે કંપની પરિસ્થિતિના આધારે તેની રશિયન ઓઈલ આયાત ઘટાડી અથવા બંધ કરી શકે છે, જે હવે અમલમાં આવી છે.
યુએસ-ભારત વેપાર તણાવને લઈ ઓઈલ આયાતને અસર
ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય શિપમેન્ટ પર ટેરિફ 50% સુધી વધારવાનો નિર્ણય લીધો, જેમાંથી લગભગ અડધા સીધા રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની ભારતની નીતિ સાથે જોડાયેલા હતા. આનાથી ભારત અને યુએસ વચ્ચેના વેપાર મુદ્દાઓ વધુ વકરી ગયા. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારત એક નવા વેપાર કરાર પર કામ કરી રહ્યું છે જેમાં રશિયા પાસેથી ઓઈલની આયાત ઘટાડવાના બદલામાં અમેરિકા આ ભારે ટેરિફને એશિયન દેશો સાથે સુસંગત બનાવી શકે છે.



