• 9 October, 2025 - 11:22 AM

SEBI બ્રોકરોને કરવામાં આવતા દંડની જોગવાઈમાં સુધારો કરશે

  • સેબીએ સ્ટોક એક્સચેન્જ દ્વારા બ્રોકરો પર લગાવવામાં આવતા દંડ માટે એક જ એક્સચેન્જને નિયુક્ત કરવા સહમત

 
  • પેનલ્ટી-દંડનો બદલે અન્ય શબ્દનો ઉપયોગ કરીને બ્રોકરોને કલંક ન લાગે તે માટે પગલાં લેવા સેબી તૈયાર

ree

સ્ટોક એક્સચેન્જ દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબી હવે શેરદલાલોને સ્ટોકએક્સચેન્જ દ્વારા લગાવવામાં આવતા દંડને લઈ નીતિમાં સુધારો કરવાનું આયોજન કરી રહ્યું છે. બીજું, દંડને “પેનલ્ટી” તરીકે ઓળખાવાથી શેરદલાલને માથે કલંક લાગે છે. કેટલાક શેરદલાલોને કિસ્સામાં દંડ શબ્દ યોગ્ય નથી. પરિણામે દંડ શબ્દ બિનજરૂરી રીતે બ્રોકરના માથે પરની કાળીટીલી-કલંક તરીકે ચોંટી જાય છે. પરિણામે દંડને બદલે તેમના કિસ્સામાં અલગ શબ્દ ઉપયોગ કરવો જોઈએ, એમ સેબીના હૉલ ટાઈમ મેમ્બર કમલેશચંદ્ર વાર્ષ્ણેયનું કહેવું છે.

 

કમલેશચંદ્ર વાર્ષ્ણેયનું કહેવું કે, “ઘણા બધા કેસોમાં આ કોઈ વાસ્તવમાં પેનલ્ટી હોતી જ નથી તો તેને આપણે પેનલ્ટી તરીકે ઓળખાવીએ તે યોગ્ય ગણાય ખરી? આ જ સૌથી મહત્વનો મુદ્દો છે. કારણ કે દંડ-પેનલ્ટી શબ્દ જ બ્રોકર માટે અનાવશ્યક રીતે નકારાત્મક છાપ ઊભી કરે છે.”

 

એક જ દંડ માટે એક જ એક્સચેન્જ

આ સાથે જ સેબી એક જ નિયમ ભંગ માટે તમામ એક્સચેન્જ શેરદલાલને દંડ કરે છે તે સિસ્ટમ પણ કાઢી નાખવા માગે છે. શેરદલાલના એક નિયમ ભંગ માટે માત્ર એક જ એક્સચેન્જના સત્તાવાળાઓ દંડ કરી શકશે. તેને માટે સેબીએ નિયુક્ત કરેલા એક જ એક્સચેન્જને દંડ કરવાનો અધિકાર અલગથી ફાળવવામાં આવશે. આ દરેક એક્સચેન્જ દંડ કરી શકશે નહિ.

 

વર્તમાન સમયમાં મોટાભાગની દલાલ પેઢીઓ શેરબજાર અને કોમોડિટી બજાર બંનેમાં સભ્યપદ ધરાવતા હોવાનું જોવા મળે છે. તેથી એક જ ગુનાહિત કૃત્ય માટે એટલ કે એક જ વારના નિયમ ભંગ માટે અનેક એક્સચેન્જો અલગ-અલગ દંડ લાદી દે છે. આ બાબતે બ્રોકર્સના ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ-આઈએસએફના હોદ્દેદારો છેલ્લા પાંચ મહિનાથી સેબી સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

 

ગત શનિવારે દિલ્હીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ, સેબી અને દલાલોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શેરદલાલોને નિયમ ભંગ કરવા બદલ દંડ કરવા સહિતના  કેટલાક મુદ્દાઓ પર સહમતી જોવા મળી હતી. પરિણામે એક જ એક્સચેન્જ દંડ કરે તેવી સ્થિતિ નિર્માણ થશે તેવી આશા બળવત્તર બની છે. આ મુદ્દે સેબી નવો સુધારો લાવે તેવી સંભાવના વધી ગઈ છે.

 

બ્રોકરો માટે એકસાથે અનેક નવી સુવિધાઓનું આયોજન

 

બીજીતરફ સેબી હવે એક કોમન રિપોર્ટિંગ પોર્ટલ શરૂ કરવાની યોજના પણ તૈયાર કરી રહ્યું છે. આ પ્લેટફોર્મ પર શેરદલાલો પોતાનો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરી શકશે. તદુપરાંત રજિસ્ટ્રેશન અને મંજૂરીઓ માટે પણ બ્રોકરો માટે એક વિશેષ સમર્પિત પોર્ટલ તૈયાર કરવામાં આવશે.સેબીનું કહેવું છે કે નિયમ ભંગ માટે દરેક એક્સચેન્જ માટે અલગ અલગ પ્રક્રિયા કરે છે તેને બદલે હવે એક જ કોમન પોર્ટલ બનાવવામાં આવશે. તેની સાથે સંકળાયેલા અધિકારીઓ જ તે મુદ્દે તમામ એક્સચેન્જને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેશે. તેથી અલગ અલગ એક્સચેન્જ દ્વારા અલગ અલગ દંડ કરવાની વ્યવસ્થાનો અંત આવશે.

 

શેરદલાલોને પણ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સુવિધાનો લાભ મળે તે માટે સેબીના અધિકારો કેન્દ્રના નાણાં મંત્રાલય સાથે પણ ચર્ચા વિચારણા કરી રહ્યા છે. સેબીએ સાતમી જુલાઈથી પ્રોક્સી એડવાઈઝરી ભલામણ ફીચર શરૂ કર્યુ છે. આ નવા ફીચરને કારણે છૂટક રોકાણકારોને તેમના અધિકારો અંગે વધુ સ્પષ્ટ સમજણ મળશે. તેની સાથે જ કોર્પોરેટ ગવર્નન્સમાં કોઈ ચૂક રહી ન જાય તેના પર નજર રાખી શકાશે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેનું કહેવું છ કે, “શેરધારક સંશોધનને આધારે નિપુણતા પૂર્ણ સલાહો આપતી પ્રોક્સી એડવાઈઝરી પેઢીઓ સામાન્ય રોકાણકારોને પૂર્ણ માહિતી સાથે નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. રોકાણકારો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલા ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરવાની ક્ષમતા ન હોય અને તેની પૂર્ણ સમજ ન હોય ત્યારે વિશ્લેષણ કરી આપનારા હાજર હોય તે પણ જરૂરી છે. આ નવી સુવિધાને એનએસડીએલ અને સીડીએસએલની ઇન્વેસ્ટર્સ એપમાં જ ઈ-વૉટિંગ પ્લેટફોર્મ પર સીધી આપવામાં આવશે. છૂટક રોકાણકારો આ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરતાં હોવાનું જોવા મળે છે.

Read Previous

આર્થિક પરિસ્થિતિ સુધારવી છે? આ રહી ગોલ્ડન ટિપ્સ

Read Next

રિઝર્વ બેન્કે 1 ડિસેમ્બરે લોન્ચ કરેલી ડિજિટલ કરન્સી આખરે છે શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular