SEBI એ AMC માટે એડવાઈઝરી સર્વિસનું ફલક વિસ્તારવા દરખાસ્ત મૂકી
સેબીની નવી દરખાસ્ત AMC અને વિદેશી રોકાણકારો બંને માટે નવો અવસર સાબિત થઈ શકે
સેબીની સૂચિત દરખાસ્ત ભારતીય મૂડીબજારમાં વધુ રોકાણ લાવવામાં પણ મદદરૂપ બની શકે
આગામી 28 જુલાઈ, 2025 સુધીમાં રોકાણકારો પોતાના પ્રતિભાવો અને સૂચનો આપી શકે છે
Management નિયામક સંસ્થા સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-SEBI એ ભારતમાં રોકાણ કરવા ઇચ્છુક વિદેશી ફંડ્સને સલાહ આપવાની મંજૂરી ભારતની એસેટ મેનેજમેન્ટ કંપનીઓને આપવા માટે દરખાસ્ત મૂકી છે. આ દરખાસ્તના થકી એસેટ મેનેજમેન્ટ કંપનીઓ AMCને તેમના બિઝનેસના ફલકને વિસ્તારવાની તક મળશે. સોમવારે SEBI દ્વારા જાહેર કરાયેલા એક કન્સલ્ટેશન પેપરમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત AMC અને વિદેશી રોકાણકારો બંને માટે નવો અવસર સાબિત થઈ શકે છે અને ભારતીય મૂડીબજારમાં વધુ રોકાણ લાવવામાં પણ મદદરૂપ બની શકે છે.
અત્યારે વિદેશી ફંડ્સ ભારતીય એસેટમેનેજમેન્ટ કંપનીઓ-AMC સાથે સંયુક્ત સાહસ કરનાર તરીકે જોડાયેલી હોવા છતાં સેબી ના નિયમોને કારણે તેઓ પોતાની સલાહકાર સેવા ભારતીય AMCને આપી શકતા નથી. AMC ફક્ત એવી ‘બ્રોડ બેઝ્ડ’ સંસ્થાઓના ફંડ્સ મેનેજ કરી શકે છે જેમાં ઓછામાં ઓછા 20 રોકાણકાર હોય અને કોઈ એક રોકાણકર્તાનો હિસ્સો કુલ ફંડનો 25 ટકા કે 49 ટકા કરતા વધુ ન હોવો જોઈએ.

એક સમાન તક મળવી જરૂરી
સેબીના નિયમોને કારણે એસેટ મેનેજમેન્ટ કંપનીઓને બાકી કેટલાક કાર્યો એટલે કે નોન-બ્રોડ બેઝ્ડ ફંડ્સને સેવા આપવી, ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનું વિતરણ કરવું, અને વિવિધ કામગીરીઓમાં સાધનસામગ્રી વહેંચવા પર પ્રતિબંધ તો લાગેલો જ છે. જો કે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અલગ લાયસન્સ મેળવીને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ (PMS) સહિતની પ્રસ્તુત સેવાઓ આપી જ શકે છે.
એસેટમેનેજમેન્ટ કંપનીઓ વર્ષોથી સેબીને એવી રજૂઆત કરતી આવી છે કે ‘બ્રોડ બેઝિંગ’ ની આવશ્યકતા વિઘ્નરૂપ બની રહી છે અને એડવાઈઝરી સર્વિસીસ આપતી અન્ય સંસ્થાઓ સામે AMC માટે અસમાન સ્થિતિ ઉભી કરે છે. કેટલાંક AMC એ અલગ યુનિટ થકી એડવાઈઝરી સેવા શરૂ કરી છે પણ તેની કિંમત વધારે હોવાથી મોટા ભાગે AMC આ માર્ગે જતી નથી.
SEBI કહે છે કે ઉદ્યોગકારો એ પણ સૂચવ્યું છે કે AMC પાસે સંયુક્ત સંપત્તિ (pooled assets) ના મેનેજમેન્ટ અને સલાહકાર કાર્ય માટે યોગ્ય ક્ષમતા છે, પણ નિયમોની કારણે તેઓ એ સેતુ જોડતી તકથી વંચિત રહે છે. AMC ના ઉદ્યોગસંઘ AMFI એ પણ SEBI સમક્ષ રજૂઆત કરી છે કે AMC માટે બ્રોડ બેઝિંગ શરત શિથિલ કરીને નવો વ્યવસાય વિકસાવવાનો માર્ગ ખોલવો જોઈએ.
SEBIની નવી દરખાસ્ત
SEBI હવે એ વિચારણા કરી રહી છે કે AMC ને નોન-બ્રોડ બેઝ્ડ પુલ્ડ ફંડ્સને સેવા આપવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ કડક નિયમો અને ગવર્નન્સના ધોરણો હેઠળ જેથી ફંડ્સના વ્યવહારમાં કોઈ પણ પ્રકારની હિતસંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય. SEBI એ જણાવ્યું છે કે 28 જુલાઈ, 2025 સુધીમાં રોકાણકારો પોતાની સૂચનો આપી શકે છે.
રોકાણકારોની સુરક્ષા માટે સૂચવેલા પગલાં
AMC એ નોન-બ્રોડ બેઝ્ડ ફંડ્સ માટે ફાળવવામાં આવેલા સંસાધનો તેમાંથી મળતી ફીના પ્રમાણમાં હોવા જોઈએ અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ઉપર તેનો કોઈ ખર્ચનો બોજ ન આવે તેની ખાતરી આપવી પડશે.
AMC એ નોન-બ્રોડ બેઝ્ડ ફંડ્સ પર લાદવામાં આવતા ફી પર ઉંમર અને પરફોર્મન્સ આધારિત ફી પર મર્યાદા લાદવાની દરખાસ્ત પણ છે.
AMC એ આ પ્રકારના ફંડ્સનું પરફોર્મન્સ છ મહિના દરમ્યાન મ્યુચ્યુઅલ ફંડ્સના પરફોર્મન્સની તુલનામાં કેવું રહ્યું છે તે જાહેર કરવું પડશે.
AMC ના એવા કર્મચારીઓ કે જેઓ નાણાકીય નિર્ણય લેતા હોય અથવા ફંડ મેનેજમેન્ટમાં હોતા હોય, તેઓને અલગ રાખવાનો નિયમ રહેશે.
‘ફ્રન્ટ રનિંગ’ અને ‘ઇન્સાઇડર ટ્રેડિંગ’ જેવી ગેરવહીવટ ટાળવા માટે હાલના નિયમો કડક રીતે લાગુ કરવામાં આવશે.
AMC એ એવું ધ્યાન રાખવું પડશે કે નોન-બ્રોડ બેઝ્ડ ફંડ માટે ઉપયોગમાં લેવાયેલી માહિતીના આધારે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને કોઇ નુકસાન ન થવું જોઈએ.