આવકવેરાની આવક 6.3 ટકા વધી, પરંતુ રિફંડમાં 16 ટકાનો ઘટાડો થયો

- રિફંડના ખોટા ક્લેઈમ પર બ્રેક લગાવવા કરદાતાની દરેક કેટેગરીમાં મહત્તમ રિફંડની મર્યાદા ઉપરના રિફંડના દાવાઓની થતી ચુસ્ત ચકાસણી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
આવકવેરાના રિફંડ લેવામાં થતી છેતરપિંડીઓને રોકવા માટે ચોક્કસ રકમથી વધુ રકમના રિફંડની રકમ ચૂકવતા પહેલા ચાર વાર વિચાર કરીને નિર્ણય લેવાની સિસ્ટમ દાખલ કરવામાં આવી હોવાથી આ વરસે રિફંડના ક્લેઈમ સોળ ટકા ઓછા સેટલ કરવામાં આવ્યા છે. આ વરસે વેરાની આવકમાં 6.3 ટકાનો ચોખ્ખો વધારો થયો છે તેની સામે રિફંડની રકમમાં અનુક્રમે 16 ટકાનો ઘટાડો થયો છે.
આવકવેરાનું નેટ કલેક્શન 11.9 લાખ કરોડ થયું છે. પહેલી એપ્રિલ 2025થી બારમી ઓક્ટોબર 2025 સુધીમાં આવકવેરાની કુલ આવક 2.4 ટકા વધીને રૂ. 13.9 લાખ કરોડને વળોટી ગયું છે. વ્યક્તિગત આવકવેરામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાંય વેરાની આવકમાં વધારો થયો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આપેલા સત્તાવાર આંકડાં મુજબ રિફંડની રકમ 2.4 લાખ કરોડથી ઘટીને રૂ. 2 લાખ કરોડથી થોડી વધારે થઈ છે. થઈ છે. ગયા વરસે આ ગાળામાં ચૂકવેલા રિફંડની રકમ રૂ. 1.2 લાખ કરોડની હતી. તેની સામે આ વરસે 62,359 કરડનું રિફંડ ચૂકવાયું છે.
રિફંડના ખોટા ક્લેઈમનું જોખમ ઘટાડવા જોખમી ન હોય તેવા રિફંડના ક્લેઈમ આપોઆપ જ મંજૂર થઈ જાય તેવી વ્યવસ્થા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર દ્વારા કરવામાં આવી હોવાથી પણ રિફંડના ક્લેઈમ ઓછા મંજૂર થયા છે.
આવકવેરા અધિકારીનું કહેવું છે કે આવકવેરાના તમામ રિટર્નમાં ચોક્કસ રકમથી વધુ રકમના રિફંડ ક્લેઈમ કરવામાં આવ્યા હોય તે તમામ ક્લેઈમની વધારાનીચકાસણી કરીને પછી જ રિફંડ મંજૂર કરવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી છે. ટેક્સ પેયરની કેટેગરી પ્રમાણે મહત્તમ રિફંડની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
આમ સમગ્રતયા રિફંડ પ્રોસેસ કરવાની પ્રક્રિયા પહેલાની તુલનાએ વધુ ચુસ્ત અને જડબેસલાક બની ગઈ છે. તેમાં રિફંડ માટેના ખોટા ક્લેઈમ મંજૂર થતાં નથી. આ જ કારણસર રિફંડની રકમમાં ઘટાડો થયો હોવાનું જણાય છે. જાહેર જનતાના નાણાંની સલામતી વધારવા માટેનું આ એક મજબૂત પગલું છે.


