• 22 November, 2025 - 9:17 PM

આજે ખૂલી રહેલો ઑર્કલા ઇન્ડિયા IPO માટે રોકાણકારોએ અરજી કરવી જોઈએ કે નહિ

  • ઓર્કેલા ઇન્ડિયાનો IPO 29 ઓક્ટોબરથી (બુધવાર) ખુલશે અને 31 ઓક્ટોબર (શુક્રવાર)એ બંધ થશે.
  • કિંમત શ્રેણી (Price Band):₹695 થી ₹730 પ્રતિ ઈક્વિટી શેર (ફેસ વેલ્યુ ₹1 પ્રતિ શેર).
  • એક લોટમાં20 શેર રહેશે, અને તેનાં ગુણાકારમાં વધુ લોટ લઈ શકાય છે.
  • ગ્રે માર્કેટમાં ઓર્કેલા ઇન્ડિયાની ઓફર પ્રાઈસ પર 84નું પ્રીમિયમ બોલાઈ રહ્યું હોવાથી ઓવર સબસ્ક્રાઈબ થવાની સંભાવના
  • ગ્રે માર્કેટના પ્રીમિયમ સાથે તેના લિસ્ટિંગ પ્રાઈસ અંગે તર્ક કરવામાં આવે તો લિસ્ટિંગ રૂ. 814ની આસપાસના ભાવે થવાની સંભાવના જોઈ શકાય
  • ઓર્કલા ઇન્ડિયા પબ્લિક ઇશ્યૂના માધ્યમથી પ્રાઈમરી માર્કેટમાંથી રૂ. 1667.54 કરોડ એકત્રિત કરશે
  • લિસ્ટિંગનો લાભ લઈ લેવા માટે પણ ખાસ્સા રોકાણકારો ઓર્કેલા ઇન્ડિયા લિમિટેડના શેર્સમાં અરજી કરે તેવી સંભાવના
  • SBI Securities-એસબીઆઈ સિક્યોરીટીઝ ઓર્કલા ઇન્ડિયાના પબ્લિક ઇશ્યૂને Neutral-તટસ્થ રેટિંગ આપે છે. એસબીઆઈ સિક્યોરિટીઝને શેર્સનું મૂલ્યાંકન વાજબી લાગે છે, પરંતુ તેમાં વૃદ્ધિ થવાની સંભાવના સીમિત લાગે છે.
  • ઓર્કલા ઇન્ડિયાના પબ્લિક ઇશ્યૂમાં અરજી કરીને ટૂંકા ગાળાનો લાભ લણી લેવાની માનસિકતા ધરાવનારાઓનો થોડો લાભ મળી શકે છે

અગાઉ એમ.ટી.આર. ફૂડ્સ તરીકે જાણીતી કંપની ઑર્કલા ઇન્ડિયાનો IPO-પબ્લિક ઇશ્યૂ આજે આવી ગયો છે. આજથી એટલે કે 29 ઓક્ટોબર, બુધવારથી સબ્સ્ક્રિપ્શન માટે  ઓર્કલા ઇન્ડિયા(Orkla India Limites)નો  પબ્લિક ઇશ્યૂ ખૂલ્લો મૂકી દેવામાં આવશે. આ ઇશ્યૂમાં ઓફર કરવામાં આવનારા શેર્સની ઓફર પ્રાઈસ રૂ. 695 થી ₹730 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO પૂરી રીતે ઓફર ફોર સેલ (OFS) સ્વરૂપમાં છે, આ પબ્લિક ઇશ્યૂમાં કંપનીના પ્રમોટરોએ મળીને 2.28 કરોડ શેર વેચાણ માટે મૂક્યા છે. આ પબ્લિક ઇશ્યૂના માધ્યમથી કંપની રૂ. 1667.54 કરોડ બજારમાંથી ઊભા કરવા જઈ રહી છે. પબ્લિક ઇશ્યૂનું લિસ્ટિંગ 6 નવેમ્બરના રોજ થવાની શક્યતા છે. હાલમાં ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ (GMP) ₹84 છે. છૂટક રોકાણકારોએ ઓછામાં ઓછા 20 શેર્સના એક લૉટ માટે અરજી કરવાની રહેશે. તેને માટે રૂ. 14,600નો મેન્ડેટ આપવો પડશે. છૂટક રોકાણકારો મહત્તમ 260 શેર્સ એટલે કે 13 લૉટ માટે અરજી કરી શકશે. તેને માટે રૂ. 1,89,800 જમા કરાવવાના રહેશે. હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલે ઓછામાં ઓછા 280 શેર્સ- 14 લૉટ માટે અરજી કરવાની રહેશે. તેમનું કુલ રોકાણ રૂ. 2,04,800નું થશે. હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ-એચએનઆઈ વધુમાં વધુ 1360 શેર્સ એટલે કે 68 લૉટ માટે અરજી કરી શકશે. તેમનું કુલ રોકાણ રૂ. 9,92,800નું થશે. અત્યારે કંપનીના પ્રમોટર્સનું હોલ્ડિંગ 90.1 ટકા છે. આઈપીઓ પછી પ્રમોટર્સનુ હોલ્ડિંગ ઘટીને 75 ટકા થઈ જશે. કંપનીનું હાલનું બજાર મૂડીકરણ રૂ. 10000.02 કરોડનું છે. આઈપીઓ પછી એનએસઈ અને બીએસઈ બંનેમાં કંપનીના શેર્સનું લિસ્ટિંગ કરાવવામાં આવશે.

ઑર્કલા ઇન્ડિયા એક જાણીતી ફૂડ કંપની છે. ઓર્કેલો ઇન્ડિયા મસાલા, તૈયાર ભોજન, મીઠાઈઓ અને નાસ્તા માટેના મિક્સ બનાવે છે. તેના મુખ્ય બ્રાન્ડ્સમાં MTR, રસોઈ મેજિક, અને ઇસ્ટર્નનો સમાવેશ થાય છે. કંપની લંચ, ડિનર અને નાસ્તા, સોફ્ટ ડ્રિન્ક્સ અને ડેઝર્ટ પૂરા પાડે છે. કંપની પાસે આઈકોનિક ઇન્ડિયન હેરિટેજ બ્રાન્ડનું મોટું કલેક્શન છે. ઇન્સ્ટન્ટ મિક્સ, રેડી ટુ ઇટ મિલ, મસાલા, બ્રેકફાસ્ટના મિક્સ પણ કંપની તૈયાર કરી બજારમાં મૂકે છે. સેવૈયાનો પણ તેના પ્રોડક્ટ્સમાં સમાવેશ થાય છે. ટેકનોપૅકના રિપોર્ટ મુજબ, ભારતનો પૅકેજ્ડ ફૂડ માર્કેટ વર્ષ 2024માં ₹10,180 અબજનો હતો, જે 2019થી 2024 સુધી દર વર્ષે સરેરાશ 10.8%ના દરે વધ્યો છે. કંપનીનો મુખ્ય સ્પર્ધક ટાટા કન્સ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ છે, જેનો PE રેશિયો 90.1 છે. ઓર્કલ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના 1996માં કરવામાં આવેલી છે. ઓર્કલા ઇન્ડિયા સમગ્ર દેશના ગ્રાહકોને પ્રોડક્ટ્સ પૂરા પાડી રહી છે. દેશની બહાર ગલ્ફ કંટ્રી, અમેરિકા અને કેનેડામાં પણ તેનું માર્કેટ છે. કુલ મળીને વિશ્વના 42 દેશોમાં તેના પ્રોડક્ટ્સ જઈ રહ્યા છે.

ઊંચા ભાવથી લિસ્ટિંગ થવાની સંભાવના

ઑર્કલા ઇન્ડિયા IPO વિશે જાણવાની 10 મુખ્ય બાબતો છે. એક, ગ્રે માર્કેટમાં ઓર્કેલા ઇન્ડિયાનું પ્રીમિયમ  હાલમાં IPOના ઓફર ભાવ કરતાં રૂ. 84 જેટલો ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે. અંદાજિત લિસ્ટિંગ ભાવ જો ₹730ના ઉચ્ચ સ્તરના IPO ભાવ અને ₹84ના ગ્રે માર્કેટ પ્રીમિયમ-GMPને ધ્યાને લઈને વિચારીએ તો લિસ્ટિંગ ભાવ આશરે ₹814 રહેવાની શક્યતા છે. આમ ઓફર ભાવ કરતાં લિસ્ટિંગ ભાવ 11.5 ટકા ઊંચો રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે.

ઓર્કેલા ઇન્ડિયાનો પબ્લિક ઇશ્યૂ સંપૂર્ણપણે OFS (Offer For Sale) સ્વરૂપમાં છે. એટલે કે, કોઈ નવા શેર ઇશ્યૂ નહીં થાય અને કંપનીને કોઈ નવી નાણાકીય આવક નહીં મળે. બધી રકમ વેચનાર શેરહોલ્ડરોને જશે. OFS હેઠળ ઑર્કલા એશિયા પેસિફિક પ્રાઇવેટ લિમિટેડ, નવાસ મીરાન અને ફિરોઝ મીરાન તેમના શેર વેચી રહ્યા છે. પ્રોમોટરોની હિસ્સેદારી: હાલ ઑર્કલા એશિયા પેસિફિક પ્રાઇવેટ લિમિટેડ અને નૉર્વેની ઑર્કલા ASA કંપની પાસે 90% હિસ્સો છે, જ્યારે નવાસ મીરાન અને ફિરોઝ મીરાન પાસે 5-5% હિસ્સો છે.

 ઓર્કેલા ઇન્ડિયાના શેરનું એલોટમેન્ટ અને લિસ્ટિંગ

શેર ફાળવણી (Allotment) – 3 નવેમ્બર 2025 (સોમવાર)ના કરવામાં આવશે.

રિફંડ પ્રક્રિયા ચોથી નવેમ્બર 2025 (મંગળવાર)ના કરવામાં આવશે.

શેર્સના એલોટમેન્ટ પછી રોકાણકારોના ડીમેટ એકાઉન્ટમાં શેર ટ્રાન્સફર પણ ચોથી નવેમ્બર 2025ના જ કરવામાં આવશે.

ઓર્કેલા ઇન્ડિયાના શેર્સનું લિસ્ટિંગ 6 નવેમ્બર 2025 (ગુરુવાર)

BSE-મુંબઈ શેરબજાર અને NSE-નેશનલ સ્ટોક એક્સચેન્જ બન્ને પર થશે.

ઓર્કેલા ઇન્ડિયાના લીડ મેનેજર અને રજીસ્ટ્રારની વિગતો નીચે મુજબ છે. લીડ મેનેજર તરીકે ICICI સિક્યુરિટીઝ, સિટિગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, JP મોર્ગન ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની છે. ઓર્કેલા ઇન્ડિયાના રજિસ્ટ્રાર Kfin ટેકનોલોજીઝ છે.

કોને કેટલા શેર્સ ફાળવવામાં આવશે

ઓર્કેલા ઇન્ડિયાના આઈપીઓમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs): વધુમાં વધુ 50 ટકા શેર્સ આપવામાં આવશે. તેમ જ નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટરો (NII)ને ઓછામાં ઓછા 15 ટકા શેર્સ ફાળવવામાં આવશે. તેમ જ છૂટક રોકાણકારોને ઓછામાં ઓછા 35 ટકા શેર્સ ઓફર કરવામાં આવશે. ઓર્કેલા ઇન્ડિયાના કર્મચારીઓ માટે ખાસ 30,000 ઈક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા છે.

ફંડનો ઉપયોગ શો કરશે

આઈપીઓ થકી ઊભા થનારા ભંડોળનો ઉપયોગ કંપનીના પ્રોડક્ટ્સના માર્કેટિંગના કામ કરતી તેની સબસિડિયરી કંપનીઓના કામકાજના વિસ્તરણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ઓર્કેલા ઇન્ડિયાએ તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં તેની જાહેરાત કરેલી જ છે. તેમાંથી માત્ર આઈપીઓ લાવવા માટે કરેલો ખર્ચ જ કંપની અલગ તારવશે. આ સિવાયના તમામ નાણાં તેના પ્રોડક્ટ્સના માર્કેટિંગના કામ કરતી કંપનીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ સબસિડિયરીઓમાં ઓર્કેલા એશિયા પેસિફિક પીટીઈ લિમિટેડ, નવાસ મીરાન, ફિરોઝ મીરાનનો સમાવેશ થાય છે. આઈપીઓ પૂર્વે ઓર્કલા ઇન્ડિયાનું ઓર્કલા એશિયા પેસિફિકમાં 90 ટકા હોલ્ડિંગ છે. નવાસ મીરાન અને ફિરોઝ મીરાનમાં ઓર્કલા ઇન્ડિયા લિમિટેડનું હોલ્ડિંગ અનુક્રમે પાંચ પાંચ ટકા છે. આમ આ આઈપીઓ કંપનીની સબસિડિયરીઓના જ શેર્સ છે. તેમાં નવા શેર્સ નથી. તેથી આઈપીઓ થકી ઊભઆ થનારા નાણાં સબસિડિયરીઓના નેટવર્કને વધુ સંગીન બનાવવા માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. સબસિડિયરીઓના જ શેર્સ વેચવામાં આવતા હોવાથી અને નવા શેર્સ ઓફર ન કરવામાં આવતા હોવાથી ઓર્કલા ઇન્ડિયા લિમિટેડની અસ્ક્યામતો, નાણાંકીય જવાબદારી અને સબસિડિયરીઓમાંના શેરહોલ્ડિંગમાં કોઈ જ બદલાવ આવવાનો નથી. તેમના શેર્સના લિસ્ટિંગને કારણે કંપનીના વર્તમાન શેરહોલ્ડર્સને શેર્સની લે વેચ કરવા માટે મોટું માર્કેટ મળશે. તેમના શેર્સની લિક્વિડિટીમાં વધારો થશે. સબસિડિયરીના શેર્સની પબ્લિક ઓફરની મદદથી શેરહોલ્ડર્સ આંશિક રીતે શેર્સ ઓછા કરશે, પરંતુ તેમાં કોઈ નવી મૂડીનું રોકાણ કરશે નહિ.

સામાન્ય રીતે મોટા પ્રમોટરો લિસ્ટિંગ કરાવીને તેમનું હોલ્ડિંગ થોડું ઘટાડી દેતા હોય છે. આ રીતે કંપનીમાં નવા રોકાણકારોનો સમાવેશ કરે છે. કંપનીના શેર્સના મૂલ્યમાં વધારો કરે છે. તેમ જ તેના શેર્સના હાથબદલા વધુ સરળતાથી થાય તેવી સ્થિતિ નિર્માણ કરે છે. તેની સાથે તેના શેર્સ વધુ બજારમાં દેખાય અને લે-વેચ થાય તેવી ગણતરી પણ આ આઈપીઓ લાવવા પાછળની છે.

ઓર્કલો ઈન્ડિયા બિઝનેસના વિસ્તરણ માટે નવા શેર્સ ઓફર કરીને નવું ભંડોળ એકત્રિત ન કરતી હોવાથી તેના શેર્સનું પબ્લિક કંપની તરીકે લિસ્ટિંગ થતાં ઓર્કલાની બ્રાન્ડ વધુ મજબૂત બનવાની સંભાવના છે. કંપનીના ગવર્નન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો આવવાની, રોકાણકારોમાં કંપની અંગેની જાગૃતતામાં સુધારો થવાની, તેમ જ શેર્સના મૂલ્યમાં વધારો થવાની સંભાવના વધી જાય છે. પબ્લિક ઇશ્યૂ લાવીને કંપની સંભવતઃ લિસ્ટેડ કંપનીઓની માફક દરેક ગતિવિધિઓ અંગેની માહિતી બહાર પાડતી થશે. તેમ જ તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માળખામાં નિયમ પ્રમાણેના સુધારા વધારા કરશે.

નિષ્ણાતોની અભિપ્રાય

Orkla India એ એક જાણતી ફૂડ-બ્રાન્ડ્સ (MTR, Eastern) ધરાવતી કંપની છે. કંપની પાસે સંગીન ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક છે. કંપની માર્કેટમાં આગવું સ્થાન છે. નિષ્ણાતો કહે છે કે કંપની મૂડીનો અસરકારક ઉપયોગ(capital-efficient) કરવાની ક્ષમતાવાળું માળખું ધરાવે છે. કંપનીને માથે દેવું બહુ જ ઓછું છે. કંપનીનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઇડ-(ROCE) સારો છે. કંપની 2,28, 43,004 શેર્સનો આઈપીઓ લાવી રહી છે. ઓર્કલા ઇન્ડિયાના પબ્લિક ઇશ્યૂના મૂલ્યાંકનની વાત કરીએ તો રૂ. 730ના અપર પ્રાઈસ બેન્ડને આધારે તેના પ્રાઈસ અર્નિંગ રેશિયોના 34થી 35 ગણા ભાવે શેર્સ ઓફર કરવામાં આવી રહ્યા છે. તેનો પીઈ તેના જ ક્ષેત્રની અન્ય કંપનીઓના પીઈ કરતાં ઓછો છે. તેથી જ કેટલાક નિષ્ણાતો આ કંપનીની પબ્લિક ઓફરમાં અરજી કરીને શેર્સ ખરીદનારાઓ માટે લાંબા ગાળાનું રોકાણ કરવાની એક સારી તક તરીકે જોઈ રહ્યા છે. જોકે SBI Securities-એસબીઆઈ સિક્યોરીટીઝ ઓર્કલા ઇન્ડિયાના પબ્લિક ઇશ્યૂને Neutral-તટસ્થ રેટિંગ આપે છે. એસબીઆઈ સિક્યોરિટીઝને શેર્સનું મૂલ્યાંકન વાજબી લાગે છે, પરંતુ તેમાં વૃદ્ધિ થવાની સંભાવના સીમિત લાગે છે. અરિહંત આ પબ્લિક ઇશ્યૂમાં અરજી કરવા ઇચ્છતા લોકોને લાંબા ગાળા માટે જ રોકાણ કરવાની ભલામણ કરે છે.

ટૂંકા કે મધ્યમ અને લાંબા ગાળાની સંભાવનાઓ

પબ્લિક ઓફર પૂરી થયા પછી શેરનું લિસ્ટિંગ ગ્રેમાર્કેટના પ્રીમિયમ સહિતના ભાવથી થવાની સંભાવના છે. તેથી લિસ્ટિંગ ટાણે જ રોકડી કરી લેનારાઓ વધુ સક્રિય રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. લિસ્ટિંગ પછી બજાર ઉપર ન જાય તો રોકાણકારોને ઓછો લાભ મળી શકે છે. બ્રાન્ડની વર્તમાન ઇમેજને કારણે શરૂઆતમાં તેનું રેટિંગ ઊંચું જોવા મળી શકે છે. છથી બાર મહિનામાં કંપનીના પરફોર્મન્સમાં બહુ મોટો તફાવત જોવા ન મળે તેવી સંભાવના છે. કંપનીને કાચા માલના વધનારા ભાવ અને બ્રાન્ડના વિસ્તરણમાં કેટલીક તકલીફ પડી શકે છે. તેથી ટૂંકા ગાળામાં કે મધ્યમ ગાળામાં તેનો લાભ પબ્લિક ઇસ્યૂના રોકાણકારોને ન મળે તેવી સંભાવના રહેલી છે. કંપની ટૂંકા કે મધ્યમ ગાળામાં તેના પરફોર્મન્સમાં સુધારો ન કરી શકે તો લાંબે ગાળે તેના ભાવ વર્તમાન ઓફર ભાવની સપાટી આસપાસ જ રહે અથવા તો નીચા આવી જાય તેવી શક્યતા છે. તેની સામે કંપની તેના કામકાજના પરફોર્મન્સમાં ટૂંકા કે મધ્યમ ગાળામાં નોંધપાત્ર સુધારો કરી દેખાડે તો શેર ચાલી પડવાની સંભાવના રહેલી છે. રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરવાનો વિચાર કરી શકે છે.

આમ ઓર્કલા ઇન્ડિયાના પબ્લિક ઇશ્યૂમાં અરજી કરીને ટૂંકા ગાળાનો લાભ લણી લેવાની માનસિકતા ધરાવનારાઓનો થોડો લાભ મળી શકે છે. પરંતુ રોકાણકારમાં ધીરજ હોય અને મધ્યમ કે લાંબા ગાળા સુધી લાભ મળવાની રાહ જોઈ શકે તો ઓર્કલા ઇન્ડિયા લિમિટેડના શેર્સ થકી કમાણી થવાની શક્યતાને પણ નકારી શકાતી નથી. પરંતુ તેનો ઝડપી વિકાસ શક્ય જણાતો નથી. આઈપીઓ લિસ્ટિંગ ટાણેના લાભ સિવાય ટૂંકા ગાળામાં લાભ લેવા માગતા અને ઓછા જોખમી રોકાણ કરવા માગતા અરજદારોને અરજી ન કરે તે જ તેમના હિતમાં છે.

છતાં ઓર્કલા ઇન્ડિયા લિમિટેડનો બ્રાન્ડ પોર્ટફોલિયો મજબૂત છે. તેને માથે દેવું ઓછું છે. તે કંપનીનું જમા પાસું છે. એમટીઆર ઇસ્ટર્નને તેનો સીધો લાભ ન મળે તેવી શક્યતા છે. તેનો વૃદ્ધિ દર પાંચ ટકાની આસપાસ છે. આ વૃદ્ધિદર FMCG-એફએમસીજી-ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સના સેક્ટરની અન્ય કંપનીઓના વૃદ્ધિ દર કરતાં ખાસ્સો નીચો છે. કંપનીના પીઈ રેશિયોમાં ભવિષ્યમાં સુધારો જોવા મળી શકે છે. પબ્લિક ઓફરમાં જોડાનારને ટૂંકા ગાળામાં લાભ મળી શકે છે, પરંતુ જોખમ પણ છે જ છે. જોખમ કદાચ મોટું પણ છે. અલબત્ત મધ્યમ કે લાંબા ગાળે રોકાણ કરવાની યોજના હોય અને રોકાણકાર ધીરજ ધરીને બેસવાની ક્ષમતા ધરાવતો હોય તો મધ્યમ કે લાંબા ગાળાનું એક સારુ રોકાણ બની શકે છે. કંપનીના શેર્સમાં ઝડપી ઊછાળો આવવાની અપેક્ષા વધુ પડતી ગણાશે. તરત દાન અને મહાપુણ્યની જેમ ત્વરિત નફો કરવા માગનારાઓએ ઓર્કલ ઇન્ડિયાના આઈપીઓથી દૂર રહેવું જોઈએ.

સમયગાળો30 જૂન 202531 માર્ચ 202531 માર્ચ 202431 માર્ચ 2023
અસ્ક્યામતો3,158.203,171.303,375.193,101.96
કુલ આવક605.382,455.242,387.992,201.44
વેરા પછીનો નફો78.92255.69226.33339.13
વેરા પહેલાનો નફો111.75396.44343.61312.44
કંપનીની નેટવર્થ1,931.121,853.472,201.482,237.69
રિઝર્વ ફંડ2,523.562,445.802,793.352,227.28
કંપનીને માથે દેવું2.333.7734.99
નોંધઃ અહી તમામ આંકડાંઓ રૂ. કરોડમાં દર્શાવવામાં આવ્યા છે

 

Read Previous

આવકવેરાના રિટર્નની ભૂલ સુધારી લેવાની કાર્યવાહી હવે CPC બેન્ગલોર કરશે

Read Next

ટ્રમ્પે કહ્યું,”ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર”, પીએમ મોદી માટે કહી આ વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular