જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો પાસેથી ગ્રામ પંચાયતો પ્રોપર્ટી ટેક્સ માગી શકે?
ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન કરી
સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને હિરાપુર, ચરળ અને બળ ગામની ગ્રામપંચાયતોએ ઉત્પાદન ચાલુ થયાના પહેલા પાંચ વર્ષમાં વસૂલેલો પ્રોપર્ટી ટેક્સ પાછો માગ્યો
અમદાવાદઃ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને ત્રણ ગ્રામ પંચાયતોને પત્ર લખીને પ્રોપર્ટી ટેક્સના રિફંડની માગણી કરી છે. સાણંદ જીઆઈડીસીમાં કામકાજ ચાલુ કર્યાના પહેલા પાંચ વર્ષ દરમિયાન જમા કરાવવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સની રકમનું રિફંડ માગ્યું છે. હિરાપુર, ચરળ અને બોળ નામના ત્રણ ગ્રામપંચાયતો પાસેથી પ્રોપર્ટી ટેક્સના નાણાં પાછા માગ્યા છે. આ ત્રણ ગામની સીમામાં જ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પથરાયેલી છે.
પ્રોપર્ટી ટેક્સ પરત કરવા હાઈકોર્ટનો અન્ય કેસમાં આદેશ
સાણંદ પછી સમગ્ર ગુજરાત રાજ્યની જીઆઈડીસી તરફથી ગ્રામ પંચાયતો પાસેથી પ્રોપર્ટી ટેક્સની રકમ પરત માગવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે માર્ચ 2025માં એક ઓર્ડર આપ્યો છે. સોલાર કંપનીના સંદર્ભમાં આપેલા ઓર્ડરમાં ગ્રામ પંચાયત દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલવા વિરુદ્ધનો ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો છે. ગુજરાત હાઈકોર્ટે સોલાર પાવર સાથે સકળાયેલી કંપની પાસેથી વસૂલવામાં આવેલો પ્રોપર્ટી ટેક્સ બે જ અઠવાડિયામાં પરત કરી દેવા ગ્રામ પંચાયતોને આદેશ કર્યો હતો. હાઈકોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું છે કે ગુજરાત ગ્રામ પંચાયત અને નગર પંચાયતો ટેક્સ અને ફી અંગેના 1964ના નિયમ નંબર 7ના પેટા નિયમ નંબર 3માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જમીન અને મકાનની માલિકી નવા ઉદ્યોગની હોય તો તેવા સંજોગોમાં પેટા નિયમ નંબર 3માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પાંચ વર્ષ સુધી તેના પર પ્રોપર્ટી ટેક્સ વસૂલી શકાતો નથી.
હાઈકોર્ટના ઓર્ડરને પરિણામે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ અજિત શાહે ત્રણ ગ્રામ પંચાયતને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગુજરાત ગ્રામ પંચાયત અને નગર પંચાયતો ટેક્સ અને ફીના નિયમ સાતના પેટા નિયમ નંબર 3માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ નવા ઔદ્યોગિક એકમોને કામકાજના પહેલા પાંચ વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી માફી આપવામાં આવે છે. અજિત શાહનું કહેવું છે કે 2015-16માં સાણંદ જીઆઈડીસીની ફેક્ટરીઓ ચાલુ થઈ તે સાથે જ ત્રણેય ગ્રામ પંચાયતોએ તેમની પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનું ચાલુ કરી દીધું હતું. ઉપરોક્ત ત્રણેય ગ્રામ પંચાયતોએ ઔદ્યોગિક એકમોને તેમણે પ્રોપર્ટી ટેક્સ જમા ન કરાવ્યો હોવાની નોટિસો પણ મોકલી હતી. આ ત્રણ ગામને મળીને ઔદ્યોગિક એકમોએ રૂ. 50 કરોડથી વધુ રકમની માગણા નોટિસ ઇશ્યૂ થયેલી છે. તેમાંથી રૂ. 20 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ જમા આપ્યો છે. તેથી પરત લેવાના ટેક્સની રકમની ગણતરી કરવાની હજી બાકી છે. તેને માટે અમે ગુજરાત હાઈકોર્ટમાં જઈશું. વાસ્તવમા ફેક્ટરીમાં ઉત્પાદન ચાલુ કરે તેના પાંચ વર્ષ બાદ ટેક્સ વસૂલવાનું ચાલુ કરી શકે છે.
અજિત શાહે લખેલા પત્રમાં ઔદ્યોગિક એકમોને પ્રોપર્ટી ટેક્સ માટે પહેલા પાંચ વર્ષ દરમિયાન નોટિસો આપવાનું બંધ કરી દેવા પણ જણાવ્યું છે. ગ્રામ પંચાયતો રિફંડ નહિ આપે તો તેવા સંજોગોમાં સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ગુજરાત હાઈકોર્ટમાં જશે. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને પણ જીઆઈડીસી એસ્ટેટમાં લેવાતા બેવડા વેરાનો વિરોધ કરતી પિટીશન ગુજરાત હાઈકોર્ટમાં ફાઈલ કરી છે.
સાણંદ જીઆઈડીસીમાં સક્રિય તમામ ઔદ્યોગિક એકમો જીઆઈડીસીને સર્વિસ ચાર્જ પેટે રકમ ચૂકવે જ છે. ઔદ્યોગિક એકમોને પાણી, સ્ટ્રીટ લાઈટ અને ગંદા પાણીના નિકાલની સુવિધા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-જીઆઈડીસી તરફથી આપવામાં આવે છે. ગ્રામ પંચાયત આ સુવિધા આપતા ન હોવાથી તેમની પાસે અમારી પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો કોઈ જ અધિકાર નથી.
સાણંદ જીઆઈડીસીનો પ્રોપર્ટી ટેક્સનો વિવાદ, હિરાપુર, ચારલ અને બાઈ ગ્રામપંચાયતોએ ઉદ્યોગો પાસેથી ગેરકાયદે પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો, સાણંદ જીઆઈડીસી હાઈકોર્ટમા જશે, સાણંદના ઔદ્યોગિક એકમોનો પાંચ વર્ષના પ્રોપર્ટી ટેક્સની વસૂલી સામે વિરોધ, પ્રોપર્ટી ટેક્સ અંગે ગુજરાતના મોટા સમાચાર, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને હાઈકોર્ટમાં ધા નાખી, પ્રોપર્ટી ટેક્સ અંગે હાઈકોર્ટમાં પિટીશન કરેલી છે. સરકારે તેનો જવાબ હજી સુધી કોર્ટમાં ફાઈલ કર્યો નથી.