• 15 January, 2026 - 10:14 PM

સામાન્ય શોખથી શરૂ થયેલી ગૌ સેવાએ મહેન્દ્ર પટેલને શ્રેષ્ઠ પશુપાલક બનાવ્યા, મજબૂત આવક ઊભી કરી આપી 

Ø ગાયના છાણમાંથી બનેલા વર્મીકમ્પોસ્ટ ખાતર ઉપરાંત દૂધ અને ઘીનું વેચાણ કરીને મહેન્દ્રભાઈ મેળવે છે મહીને ૨.૫ થી ૩ લાખ રૂપિયાની આવક

Ø તબેલામાં ૨૦થી વધુ દૂધણી ગાયોનું રોજનું ૧૨૦ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન

Ø તબેલામાં માખીજીવજંતુના ઉપદ્રવને ટાળવા મહેન્દ્રભાઈએ કુદરતી સિક્યુરિટી ગાર્ડ તરીકે મરઘા પાળ્યા

Ø ગાયોને ઘાસ ઉપરાંત રજકોખોળકપાસિયાગોળ અને મકાઈનું મિશ્રણ કરીને અપાય છે બેલેન્સ્ડ ડાયેટ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું સાંતેજ ગામમાં મહેન્દ્ર પટેલે સામાન્ય શોખ સાથે શરૂ કરેલા તબેલો આજે પશુપાલન ક્ષેત્રે એક ‘મોડેલ તબેલો’ બની ગયો છે. મહેન્દ્રભાઈ પટેલની ૧૨ વર્ષની અવિરત મહેનતે આ સફળતા અપાવી છે, પશુઓ પ્રત્યેનો તેમનો પ્રેમ અને કંઈક નવું કરવાની ખેવના-ચિંતા તેમને શ્રેષ્ઠ પશુપાલક બનાવી રહી છે.

૨૦૧૨ની સાલમાં મહેન્દ્રભાઈ પટેલે માત્ર પોતાના પરિવારને શુદ્ધ દૂધ મળે અને તેમનો પશુપાલનનો શોખ પૂરો થાય તે હેતુથી માત્ર ૨ ગાય ખરીદીને શરૂઆત કરી હતી. એ સમયે કોઈએ વિચાર્યું ન હતું કે ગાય પ્રત્યેનો તેમનો આ લગાવ એક દિવસ લાખોનું ટર્નઓવર કરતો વ્યવસાય બની જશે. સમયાંતરે મહેન્દ્ર પટેલે ગાયોની સંખ્યા વધારી અને આજે તેમના તબેલામાં ૫ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સાંઢ સહિત ૭૦ થી ૮૦ ગાયોનો વિશાળ પરિવાર છે. તેમાં મોટાભાગની ગુજરાતની દેશી ઓલાદ ગીર ગાયનો સમાવેશ થાય છે.

મહેન્દ્ર પટેલે પશુપાલનને માત્ર ધંધો ગણ્યો નથી. પરંતુ પશુઓને પોતાનો ‘પરિવાર’ ગણીને તબેલામાં અનેકવિધ નવીન પહેલ કરી છે. તેમણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાયોને તકલીફ ન પડે તે માટે તબેલામાં પંખા અને કૂલરની વ્યવસ્થા કરી છે. મહેન્દ્ર પટેલ માને છે કે પશુ સુખી હશે તો જ તે તમને પણ સુખ આપશે. ઉપરાંત તબેલામાં માખી કે જીવજંતુનો ત્રાસ ન થાય તે માટે તેમણે કુદરતી સિક્યુરિટી ગાર્ડ તરીકે ૧૫-૨૦ મરઘા પણ પાળ્યા છે. આ મરઘા તબેલામાં અને તેની આસપાસમાં રહેલા કીટકોને ખાઈ જાય છે, પરિણામે દવા વગર જ તબેલો જીવાતમુક્ત રહે છે.

 

મહેન્દ્ર પટેલે ગાયોને માત્ર ઘાસ જ નહીં, પણ રજકો, ખોળ, કપાસિયા, ગોળ અને મકાઈનું મિશ્રણ કરીને એક ‘બેલેન્સ્ડ ડાયેટ’ આપે છે. તેમાં પણ ગાયોનો તમામ ચારો પાછો પોતાના જ ખેતરમાં કેમિકલ વગર પ્રાકૃતિક રીતે ઉગાડે છે, જેથી ગાયોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ગાયના છાણને પણ તેઓ વ્યવસ્થિત ઉપયોગ કરી રહ્યા છે. છાણમાંથી વર્મી કમ્પોસ્ટ -અળસિયા ખાતર બનાવીને મહેન્દ્ર પટેલ તેનું અન્ય ખેડૂતોને વેચાણ કરે છે. આમ, દૂધથી લઈને છાણ સુધી સંપૂર્ણ તબેલો તેમની આવકનું માધ્યમ બન્યો છે.

મહેન્દ્ર પટેલ કહે છે કે ગૌ સેવા એ જ પ્રભુ સેવા છે. જો આપણે પશુઓના સ્વાસ્થ્ય અને આહારનું ધ્યાન રાખીએ, તો પશુપાલન એ ખેતી સાથે પૂરક આવકનો શ્રેષ્ઠ સ્ત્રોત બની શકે છે.

તેમની પાસે હાલમાં ૨૦થી વધુ દૂધણી ગાયો છે, જે રોજનું સરેરાશ ૧૨૦ લીટર જેટલું દૂધ આપે છે. દૂધ અને તેમાંથી બનતા શુદ્ધ ઘી લેવા દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. ગાયના દૂધ, ઘી અને ખાતરના વેચાણથી તેઓ મહિને લગભગ રૂપિયા ૨.૫ થી ૩ લાખની કમાણી તો કરે જ છે, સાથે-સાથે તબેલામાં કામ કરતા અન્ય બે પરિવારોને પણ રોજગારી આપી છે.

મહેન્દ્ર પટેલે દૂધ ઉત્પાદનથી આગળ વધીને ગીર ઓલાદના સાંઢના માધ્યમથી પશુ સંવર્ધનની દિશામાં પણ મોટું કદમ ઉઠાવ્યું છે. તેઓ હવે ગીર ગાય અને ગીર સાંઢથી પોતાના તબેલામાં ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદકતા વધારવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. તેમની આ નિષ્ઠાને બિરદાવતા ગુજરાત સરકારના પશુપાલન વિભાગે મહેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવતીકાલે પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે મહેન્દ્ર પટેલને ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે સન્માનિત કરવામાં આવશે.

સૌથી મહત્વની વાત તો એ છે કે નોકરી કરીને મહિને રૂ. 2.5 લાખના પગાર સુધી પહોંચતા કદાચ 40 વર્ષની કારકીર્દી પણ ઓછી પડે છે. પરંતુ જો તેટલી જ મહેનત પોતાના ધંધામાં કરવામાં આવે તો વધુ સ્વમાનપૂર્ણ જિંદગી અને ગરિમાપૂર્ણ આવક પણ અપાવે છે.

 

Read Previous

નિકાસ વધારવા માટે EPM–NIRYAT DISHA હેઠળ માર્કેટ એક્સેસ સપોર્ટ આપવાનું શરૂ કરવામાં આવ્યું

Read Next

2026નો પહેલો IPO: ભારત કોકિંગ કોલના રૂ.1,071 કરોડના ઈશ્યૂના ગ્રે માર્કેટ પ્રીમિયમ-GMPમાં 70 ટકાનો ઉછાળો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular