સુરત: સાયબર ફ્રોડના ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ, 150 બેન્કોની કીટ, 46 કરોડના વ્યવહારો મળી આવ્યા
સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતનાં અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસ ખાતેથી ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર સેલે આ ફ્રોડ કેસનાં મુખ્ય સૂત્રધાર પ્રવીણ ધાંધલ પાસેથી 150 જેટલી બેન્કોની કીટ કબ્જે કરતા ચકચાર મચી જવા પામી છે. બેંક કીટોની તપાસ કરતા 46 કરોડના આર્થિક નાણાકીય વ્યવહારો મળી આવ્યા હોવાનું જણાઈ આવ્યું છે.
આ કેસ અંગે વાત કરતા સુરત સાયબર ક્રાઈમ સેલનાં ડીસીપી બિસાખા જૈને માહિતી આપતા જણાવ્યું કે તમામ બેંક કીટ કરંટ એકાઉન્ટની છે. કરંટ બેન્ક એકાઉન્ટ જુદી જુદી બેંકોમાં ખોલાવવામાં આવ્યા હતા, સ્થળ પરથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા.આ ઉપરાંત 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સીમકાર્ડ, 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઇપ મશીન,ડાયરી અને 35 ક્યુ આર કોડ મળી આવ્યા છે.
તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન એનસીઆર પોર્ટલ પર તમામ 155 બેંક એકાઉન્ટો પર 432 સાયબર ફ્રોડની ફરિયાદ મળી આવી છે. જેમાં 45.92 કરોડની છેતરપીંડીની ફરિયાદો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં આ ટોળકીએ સાયબર ફ્રોડને અંજામ આપ્યો છે.જ્યારે દિલ્હી, લદાખ, મેઘાલય, ઉતરાખંડ, ઓડિશા, જમ્મુ કાશ્મીર અને બિહાર જેવા રાજ્યોમાં પણ આ ટોળકી સામે ગુના નોંધાયા છે. આ સિવાય છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગોવા, આસામ,તેલંગાના, કેરલા, તમિલનાડુ, મણીપુર, પંજાબ, ઝારખંડ, દાદરા નગર હવેલી અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સાયબર ફ્રોડનીની અલગ અલગ ફરિયાદો નોંધાયેલી છે.
તેમણે જણાવ્યું કે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરીશ પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપી અને તેનો પુત્ર ચંદ્રરાજ ધાંધલ ,પોતાના અમરોલી સ્થિત સ્ટાર પેલેસ ના ફ્લેટ નંબર 504માં રહેતા હતા. મનીષા ગરનાળા પાસે આવેલા ઘર નંબર 60 ખાતેથી પોતાના અન્ય મળતીયાઓ સાથે મળી ખોટી પેઢીઓ ઉભી કરી હતી, અને પેઢીઓના નામે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા. બેંક એકાઉન્ટોની ઇન્સ્ટન્ટ અને સીમકાર્ડ કમિશન ઉપર મેળવી હતી.દુબઇ સ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરતી ટોળકીને મોકલાવતા હતા, દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના ગુનાને અંજામ આપતા હતા, જે ફ્રોડના નાણાં આરોપી પાસેથી મળી આવ્યા છે.
તેમણે જણાવ્યું કે આ તમામા રુપિયા કરંટ બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થતા હતા,આરોપી બેંક એકાઉન્ટ દીઠ 1.75 લાખ વસુલાત કરતો હતો. જેની સામે અન્ય વ્યક્તિને 1.10 લાખ આપી, પોતે 60 હજાર લેતો હતો, સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં હજી કરોડોના આર્થિક નાણાકીય વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે. વધુ તપાસ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.