સુરત મહાનગરપાલિકાનો 200 કરોડનો ગ્રીન બોન્ડ, 16 મીએ મુંબઈ ખાતે રિંગિંગ સેરેમની, રોકાણકારોએ દર્શાવ્યો જબરદસ્ત ઉત્સાહ
સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલા 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં સારો પ્રતિસાદ મળ્યો હતો,અને રોકાણકારોએ પણ ઉત્સાહ દર્શાવતા ઇતિહાસ રચાયો હતો.
સુરત મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી,જેમાં SMCએ જારી કરેલા ગ્રીન બોન્ડ અંગે માહિતી આપવામાં આવી હતી,મનપાના 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે આજે સુરતે ઇતિહાસ રચ્યો છે.
6 થી 9 ઓક્ટોબર સુધી ખુલ્લા મૂકાયેલા આ બોન્ડમાં રોકાણકારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો, અને તે કુલ 8.05 ગણાથી વધુ ઓવર-સબસ્ક્રાઇબ થયા છે.16 મી એ મુંબઈ ખાતે રિંગિંગ સેરેમની યોજવામાં આવી છે. આ સેરેમનીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને નાણા મંત્રી કનુદેસાઈ હાજર રહેશે.
QIB કેટેગરીમાં 8.90 ગણું અને HNI માં 7.82 ગણું સબસ્ક્રાઇબ થયું છે, જે સુરતના ગ્રીન પ્રોજેક્ટ્સ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. આ ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જેના પૈસા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવશે.પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટને કેન્દ્રમાં રાખી પાલિકા એ બોન્ડ બહાર પાડ્યો હતો. આંતરાષ્ટ્રીય સર્ટિફાઇડ ગ્રીન બોન્ડને ભારે પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પાલિકાએ જણાવ્યું છે.