દિવાળી પછી સુરતનાં કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં હજુ પણ વેકેશનનો માહોલ, અમેરિકન ટેરિફ સામે નવા બજાર શોધાયા: ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ નિખીલ મદ્રાસી
સુરત ડાયમંડ અને ટેક્સટાઈલ હબ માટે પ્રખ્યાત છે. હકડેઠઠ ડાયમંડના કારખાના અને કાપડ માટેની ડાઈંગ મીલો, વિવર્સો સહિત માર્કેટથી ઉભરાતા સુરતના ઉદ્યોગને દિવાળી વેકેશન પછી પણ કળ વળી નથી. દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન ગયેલા કારીગરો ટોટલ પરત ફર્યા ન હોવાથી હજુ પણ કાપડ અને ડાયમંડ ઉદ્યોગમાં મીની વેકેશન જેવો માહોલ વર્તાઈ રહ્યો છે.
ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ નિખીલ મદ્રાસીના જણાવ્યા મુજબ હજુ પણ ડાયમંડ ઉદ્યોગ કે ટેક્સટાઈલ માર્કેટ સંપર્ણપણે ધમધમતા થયા નથી, તેની પાછળનું કારણ એ છે કે દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન ગયેલા કારીગરો સંપૂર્ણપણે પરત ફર્યા નથી. અલપ-ઝલપ કારખાના ખૂલ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ સારી એવી નીકળી છે ડિમાન્ડને પહોંચી વળવા માટે કારખાનેદારો આયોજન કરી રહ્યા છે.

ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ નિખીલ મદ્રાસી
વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકન ટેરિફની અસર હવે ઓછી થવા માંડી છે. ઉદ્યોગકારોએ અમેરિકાના સિવાયના વિદેશના અન્ય માર્કેટો પર નજર દોડાવવા માંડી છે અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે માત્ર અમેરિકાના માર્કેટ પર જ નિર્ભર રહેવાને બદલે અન્ય દેશોના બજારો પર નજર દોડાવવામાં આવી રહી છે અને એમાં સફળતા મળી રહી છે.


