સ્વદેશી મોલ: ભૂજનાં કુકમાની ગૌશાળામાં ગાયના ગોબરમાંથી બને છે ચીજવસ્તુઓ, દિવાળીમાં સુશોભનની અનેક વસ્તુઓ થાય છે તૈયાર
તહેવારોના રાજા એવા પ્રકાશ પર્વ દીપોત્સવનો માહોલ ચારે તરફ જામ્યો છે. ધાર્મિક રીતે આ તહેવારનું મહત્વ ઘણું છે. ત્યારે દિવાળીના તહેવારમાં ઘરની સજાવટ માટે પગલાં, તોરણ, ફેન્સી દીવડાઓ, રંગોળી, ફૂલો, રોશની વગેરે વસ્તુઓ બજારમાં ધૂમ વેચાય છે. અનેક નવી વસ્તુના આગમનથી દિવાળીની રોનકમાં ચાર ચાંદ લાગી જાય છે. ત્યારે ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે આવેલા રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબરમાંથી બનાવેલ સુશોભનની ચીજ વસ્તુઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

દિવાળી નિમિત્તે ખાસ કરીને દીવડાનો ઉપયોગ થાય છે, પછી તોરણ વપરાય છે, વોલપીસ આવે છે એવી ગોબરની ઘરની અંદર રાખી શકાય એવી વસ્તુઓની ડિમાન્ડ છે. તોરણની ડિમાન્ડ સદન વધતી હોય છે લોકો હવે કંઈક સુશોભનમાં નવું ઈચ્છી રહ્યા છે એમાં ગોબરની પ્રોડક્ટને સ્થાન મળ્યું છે. તોરણ તો એક પરંપરા છે, ત્યારે એવા સમયે અહીં ઘરને સુશોભન થાય એવું ગોબરમાંથી તોરણ બનાવવામાં આવ્યું છે. જેની ડિમાન્ડ સ્પેશિયલ વધતા હવે કચ્છ જિલ્લાની સાથે અન્ય રાજયોમાં પણ ગોબરમાંથી બનેલી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે.

રામ કૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું કે પાછલા 10 વર્ષથી અહીંયા ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. હજારોની સંખ્યામાંં દિવડાઓ બનાવવામાં આવે છે. તહેવારોની સિઝનમાં દિવાળીમાં સુશોબનની વસ્તુઓ હોય કે રક્ષાબંધન પર રાખડી હોય આ બધું અહીંયા તૈયાર કરવામાં આવે છે. સ્વાવલંબનનાં આધારે કામ કરવામાં આવે છે. નયનાબેન ગોસ્વામીએ જણાવ્યું કે ગોબરમાથી વસ્તુ બનાવી છીએ. કાચો માલ તૈયાર કરી ડાઈ તૈયાર કરી દિવડા સહિતની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. પેઈન્ટીંગનું કામ મારે ભાગે છે એટલે હું પેઈંન્ટીંગનું કામ કરું છું.


