ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે નવા મંત્રીઓની શપથવિધિ, મુખ્યમંત્રીને છોડી તમામ 16 મંત્રીઓનાં રાજીનામા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ૧૧:૩૦ વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.
રાજીનામું આપનારા કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર દિંડોર અને ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે.
રાજીનામું આપનારા રાજ્ય સ્તરના મંત્રીઓમાં હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, પુરુષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ શુક્રવાર, તા.૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવશે.
નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. તેમ કહેવાય છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.
સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ભાજપના મોવડીઓએ દિલ્હીમાં પીએમ હાઉસમાં સળંગ પાંચ કલાક મેરેથોન મિટિંગ કર્યાના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ-ફેરફારનુ ચિત્ર સ્પષ્ટ થઈ ચુકયુ છે. અને ગઈકાલે બુધવારે સાંજે વિધાનસભામાં શાસકપક્ષના મુખ્ય દંડક, ઉપદંડકોએ ભાજપના તમામ ધારાસભ્યોને ૧૬મી ઓક્ટોબરે ગુરૂવાર અને ૧૭મી ઓક્ટોબરને શુક્રવાર એમ બે દિવસ ગાંધીનગરમાં રહેવા ફોન કરી સૂચના આપી છે. ભાજપના ધારાસભ્યોના ગાંધીનગરમાં આગમન વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુરૂવારે બપોર પછી મુંબઈથી પરત આવશે. બાદમાં તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી શકે છે. સોમવારે દિલ્હીમાં પીએમ હાઉસમાં મેરેથોન બેઠક પછી કોને પડતા મુકાશે ? કોને પદ મળશે ? તેને લઈને ભાજપમાં સૌ કોઈનો રક્તચાપ વધી રહૃાો છે. તેવામાં સળંગ ત્રીજા દિવસે પણ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ જોવા મળ્યા ન હતા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ૮ કેબિનેટ અને ૮ રાજ્યકક્ષાના મળી ૧૬ મંત્રીઓ છે. બંધારણ મુજબ મંત્રીપરિષદનું કદ મુખ્યમંત્રી સમેત ૨૭ નું રહી શકે છે. વિસ્તરણ પછી ૨૧થી વધુ મંત્રીઓ અને વિધાનસભાના ૬ પદો ઉમેરતા ભાજપના ૧૬૨માંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી કે તેને સમકક્ષ પદ મળશે.
પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન મંત્રીમંડળમાંના તમામ મંત્રીઓને રાજીનામું આપવાનું કહેવામાં આવશે. જેમને જાળવી રાખવામાં આવશે તેઓ નવા મંત્રીઓ સાથે ફરીથી શપથ લેશે. પાંચ કે છ સિવાય, મોટાભાગના મંત્રીઓને બદલવાની શકયતા છે, જેમાં સૌરાષ્ટ્ર અને આદિવાસી પ્રદેશોના નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી અપેક્ષા છે. વર્તમાન મંત્રીમંડળમાં ફક્ત એક મહિલા મંત્રી છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે નવા મંત્રીમંડળમાં બે કે ત્રણ મહિલા સભ્યો હોઈ શકે છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પછી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું મંત્રીમંડળ વિસ્તરણ હશે. સૂત્રોએ સંકેત આપ્યો છે કે ભગવા પક્ષ દલિતો અને આદિવાસીઓ જેવા સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને પ્રતિનિધિત્વ આપવા માટે બે નાયબ મુખ્યમંત્રી રાખવાના ફોર્મ્યુલા પર પણ વિચાર કરી રહૃાો છે.
મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ ૨૦થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-૨ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે. ૧૭ મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી ૧૦ થી ૧૧ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તેમ જણાય છે.
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન મળે તેમજ જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા જેવા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અટકળો છે. જોકે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શકયતા છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે કયાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.
કોણ પડતા મુકાશેઃ કોણ નવા ચહેરા?
છેલ્લા બે દિવસથી કોણ કોણ પડતા મુકાશે, તેવી ચર્ચા થઈ રહી છે, જયારે આજે થતી અટકળો મુજબ નવા મંત્રી મંડળમાં શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડીયા, સંગીતા પાટિલ, બાલુ શુકલા, મનિષા વકિલ, કૌશિક વેકરિયા, ગણપત વસાવા, જીતુ વાઘાણી, સી.જે. ચાવડા, અલ્પેશ ઠાકોર, હીરા સોલંકી અને જામનગરના રીવાબા જાડેજાનો સમાવેશ થઈ શકે છે. કેટલાક સુત્રો પબુભા માણેકને પણ મંત્રીપદ મળી શકે, તેવી સંભાવના જણાવી રહ્યા છે.
અટકળો મુજબ કનુભાઈ દેસાઈ, ભાનુબેન બાબરીયા, રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, પરષોતમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુવરજી હળપતિને પડતા મુકવામાં આવે અને ભાજપ કોઈ નવા ચહેરાઓને લઈને સરપ્રાઈઝ પણ આપી શકે. તેવા સંકેતો પણ સુત્રો આપી રહ્યા છે.


