કરદાતા સાવધાનઃ આવકવેરા ખાતું કંપનીઓએ ક્લાઉડમાં અપલોડ કરેલી વિગતોની પણ ચકાસણી કરશે

- નાણાંકીય વહેવારો ઉપરાંત અંગત જીવનની અત્યંત ખાનગી વાતો પણ જાહેર થઈ જવાની સંભાવના
- આવકવેરા અધિકારીઓને ફોડીને લોકો અંગત માહિતી શેર કરીને દુરુપયોગ કરે તેવી સંભાવના
- માહિતીની ઓથોન્ટિસિટી-અધિકૃતતા જાળવી રાખવા માટે તમામ માહિતી એકત્રિત કરીને સાચવી રાખવી જરૂરી
કરચોરી રોકવા માટે સરકારે તૈયાર કરેલા અને સંસદમાં પસાર કરવામાં આવેલા- Income Tax (No.2) Bill, 2025ની જોગવાઈઓનો ઉપયોગ કરીને આવકવેરા અધિકારીઓ તમારો પાસવર્ડ પણ ખેંચી લઈને ડિજિટલ વહેવારોની ચકાસણી કરી શકશે. કંપનીઓએ કે વ્યક્તિઓએ ક્લાઉડમાં અપલોડ કરીને સાચવી રાખેલી માહિતીની પણ ચકાસણી કરી શકશે. તમારી આવકવેરાને લગતી નહિ, તેના સિવાયની અંગત માહિતીઓની પણ તેના થકી ચકાસણી કરી શકાશે. પરિણામે સંખ્યાબંધ કરદાતાઓના અંગત જીવનની માહિતી જાહેર થઈ જવાની સંભાવનાને નકારી શકાતી નથી. ક્લાઉડ પરના કે પછી સોશિયલ મિડીયા પરના તમારા એકાઉન્ટની વિગતોની ચકાસણી કરવા માટે આવકવેરા અધિકારીઓએ કોઈ જ કારણ આપવું પડશે નહિ.
બારમી ઑગસ્ટ 2025ના રોજ, ભારતીય સંસદે Income Tax (No.2) Bill, 2025 પાસ કરી દીધો છે. આ નવો કાયદો 1961ના જૂના કાયદાનું સ્થાન લેશે. આ સાથે જ નવા ડિજિટલ યુગની જરૂરિયાત મુજબ સુધારો કર્યો છે. નવો કાયદો 1 એપ્રિલ 2026થી લાગુ થશે. અત્યાર સુધી આવકવેરા તપાસીઓ મુખ્યત્વે ફિઝિકલ દરોડા પાડતા હતા. કરદાતાના ઘર, ઓફિસ અને તેમના ભાગીદારના ઘરે પહોંચી જઈને આખું ઘર અને ઓફિસ ફેંદી નાખતા હતા. તેમના ઘરમાં પડેલા રોકડ અને દાગીનાનો હિસાબ માગતા હતા. પરંતુ ડિજિટલ યુગમાં સરકારે આવકવેરા અધિકારીઓને તમારા ઇમેઇલ, ક્લાઉડ ડેટા, WhatsApp, iCloud, ઇન્ટરનેટ ચેટ્સ બધું જ તપાસવાની સત્તા આવકવેરા અધિકારીઓને આપી દીધી છે.
નવા સુધારેલા આવકવેરા ધારાની કલમ 247-Section 247માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આવકવેરા અધિકારીઓ તમારો ફોન, લૅપટોપ અને ક્લાઉડમાં પણ ડોકિયું કરી શકશે. નવા સુધારેલા કાયદા મુજબ ટેક્સ અધિકારીને મનોમન ખાતરી થઈ જાય કે ચોક્કસ કરદાતાએ તેની આવક છુપાવી છે તો તે આવકવેરા અધિકારી કરદાતાના ઘર, ઓફિસ જ નહિ, પરંતુ કમ્પ્યુટર્સ, મોબાઇલ્સ, ક્લાઉડ, સર્વર્સ, ડિજિટલ એપ્સ જેવી વર્ચ્યુઅલ જગાઓની પણ તપાસ કરી શકે છે. આ ચકાસણી કરવા માટે આવકવેરા અધિકારીએ કોઈપણ કોર્ટની મંજૂરી લેવાની કે પછી વોરંટ મેળવવાની જરૂર જ નથી. નવો કાયદો કહે છે કે તમારે તમારું પાસવર્ડ, પિન અથવા ડેટા ડિક્રિપ્શન કી કે વિગતો અધિકારીઓને આપવી જ પડશે. કરદાતા તેની ના પાડી શકશે જ નહિ.
કરદાતા પાસવર્ડ કે કી આપવાની ના પાડે તો તેને કાયદાનો ભંગ (legal non-compliance) ગણવામાં આવશે. અધિકારીઓ પાસે હવે અધિકાર છે કે તેઓ તમારા ડિવાઈસમાં “હેક” કરીને પણ તમારા સોશિયલ મિડીયા એકાઉન્ટમાં કે ક્લાઉડ સર્વરમાં પ્રવેશ મેળવી શકશે. પરિણામે WhatsApp, Signal જેવી એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ ચેટ્સ પણ હવે સલામત નથી. આ વિગતો પણ કરદાતાઓ છુપાવી શકશે નહિ.
સુધારેલા આવકવેરા ધારાની કલમ 249માં કરવામાં આવેલી જોગવાઈ તો વધુ ખતરનાક છે. કલમ 249-Section 249માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે કરદાતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં શા માટે તપાસ કરવામાં આવી રહી છે તેની જાણકારી આવકવેરા અધિકારીઓ પાસે માગવાનો કરદાતાને કોઈ અધિકાર જ નથી. આ કારણો ગુપ્ત રાખવાની સંપૂર્ણ સત્તા અધિકારીઓ પાસે છે. આ ચકાસણીને અંતે મેળવેલા પુરાવાઓ કરદાતાને કે તેના વકીલને પણ દેખાડી શકાતા નથી. આ કેસ અપીલમાં પહોંચે તે પછી તેમાંથી વેરાને લગતી માહિતી રજૂ કરી શકાશે.
આમ હવે કરદાતાના ઘર કે ફોનમાં દરોડો પડી શકે છે. કરદાતાના Gmail, WhatsApp, Drive ખૂલી જશે. આ દરોડા શા માટે પાડવામાં આવ્યા છે તે પણ કરદાતાને જણાવવામાં આવશે નહિ. તમને જાણીને નવાઈ લાગશે કે કોર્ટે પણ એવા અવલોકન કર્યા છે કે આવકવેરા અધિકારીઓને આ પ્રકારે અંધાધૂંધ અધિકાર આપી શકાય નહિ. આ અધિકારીઓ આપવા એ ન્યાયની પ્રક્રિયા સાથેનો દગો છે. છતાંય સરકાર આ અધિકાર આવકવવેરા અધિકારીઓને આપવા તૈયાર છે. આમ યોગ્ય કોર્ટની કે ન્યાયાલયની મંજૂરી વિના જ એટલે કે કોઈ પણ ન્યાયાધીશ અથવા મેજિસ્ટ્રેટની મંજૂરી વિના જ ઇન્કમટેક્સ અધિકારીઓને પોતાની આંતરિક નોંધ (internal note) આધારે ફિઝિકલ કે ડિજિટલ જગ્યા પર દરોડો પાડવાનો અધિકાર મેળવી રહ્યા છે.
આજ સુધી આપણે જોયું છે કે Enforcement agencies કેવી રીતે પત્રકારો, કાર્યકરો અને રાજકીય વિરોધીઓને ટારગેટ કરવા માટે ઉપયોગમાં લેવાઈ છે. આ અંગે ભયંકર ઊહાપોહ થયો હોવા છતાંય અને વિપક્ષોએ બૂમરાણ મચાવી મૂકી હોવા છતાંય ડિજિટલ એકાઉન્ડમાં ઘૂસી જવાની સત્તા આવકવેરા અધિકારીઓને આપી દેવામાં આવી છે. કરદાતાના ડિજિટલ વિશ્વમાં ડોકીયું કરવાની સુવાંગ-સંપૂર્ણ સત્તા આવકવેરા અધિકારીઓને આપી દેવામાં આવી છે. બીજું, કરદાતાના એકાઉન્ટમાંથી ડિજિટલ માહિતી લઈ લીધા બાદ એટલે કે ડિજિટલ એકાઉન્ટમાંથી ફોટા, મેડિકલ રિપોર્ટ્સ, ચેટ્સ, ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ લઈ લીધા બાદ તે કેટલા સુરક્ષિત રહેશે તેની કોઈ જ ખાતરી કરદાતાને મળતી નથી. આ માહિતી સુરક્ષિત રીતે રાખવામાં આવશે કે નહીં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. કરદાતાના ડિજિટલ એકાઉન્ટ પરથી કલેક્ટ કરેલી માહિતી કઈ રીતે સ્ટોર કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવતી નથી.
જોકે ભારતનાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહે છે કે ડિજિટલ માહિતીના હેન્ડલિંગ માટે SOP (Standard Operating Procedure) બનાવવામાં આવશે. પરંતુ SOP કોઈ કાયદાકીય માન્યતા ધરાવતી નતી. તેમાં ગમે ત્યારે ફેરફાર કરી શકાય છે. પરિણામે આવકવેરા અધિકારી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ભંગ કરે તો પણ તેની કરદાતાને ખબર પડી શકશે નહિ. તેથી જ એવા સવાલો કરવામાં આવી રહ્યા છે કે આવકવેરાનો નવો સુધારેલો કાયદો કરચોરી રોકવા માટે છે કે પછી કરદાતાઓના અંગત જીવનની માહિતીનો દુરુપયોગ કરીન તેની કઠણાઈ વધારવા માટે છે.
One Comment
Misuse of power to be given to ITO likely, Dangerous provisions, Must have some check and balances