• 15 January, 2026 - 8:32 PM

ઇરાન સાથે વેપાર કરનાર ભારત પર અમેરિકાએ 25 ટકા ટેરિફ વધારતા ડ્રાયફ્રૂટની આયાતમાં અવરોધ આવશે

  • ઈરાનમાં ચાલી રહેલી અશાંતિ અને આર્થિક તણાવથી પિસ્તા, ખજુર, કેસર, બદામ અને કિસમિસ જેવી વસ્તુઓની આયાત પર મોટો પ્રભાવ પડી શકે છે.
  • ભારતમાંથી કેળાંની નિકાસમાં ઘટાડો થઈ શકે, ઇરાનમાંથી કરાતી કીવી ફ્રૂટ અને સફરજનની આયાત પર અવળી અસર પડી શકે છે

અમદાવાદઃ ઈરાનમાં વધી રહેલી આંતરિક અશાંતિ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે ડ્રાયફ્રૂટ્સના વેપારમાં અવરોધ ઊભો થવાની સંભાવના ખાસ્સી વધી ગઈ છે. ડ્રાયફ્રૂટની માફક તાજાં ફળોની આયાત પર પણ અસર પડી શકે છે. જોકે આ લખાય છે ત્યાં સુધીમાં તેની ખાસ કોઈ અસર જોવા મળી નથી. ઈરાન સાથે વેપાર ચાલુ રાખનારા દેશો પર 25 ટકા શુલ્ક લાદવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ દિવસ પૂર્વે  ધમકી આપી તે પછી ભારતના બાદ ડ્રાયફ્રૂટ્સ ઉદ્યોગની ચિંતામાં ખાસ્સો વધારો થઈ ગયો છે.

દિલ્હીના ફ્રેશ ફ્રૂટ્સ ઇમ્પોર્ટર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી અનિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “જ્યાં સુધી સરકાર કોઈ પ્રતિબંધ મૂકે નહીં અને વેપારને મંજૂરી છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. જોકે, જો લોજિસ્ટિક્સમાં વિક્ષેપ આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે.” હાલમાં ચાબહાર બંદર પર કામગીરી મર્યાદિત હોવાથી માલની હેરફેર મુખ્યત્વે બંદર અબ્બાસ મારફતે જ થાય છે. ભારતમાંથી તાજા ફળોની નિકાસ અને તેમાંય ખાસ કરીને કેળાંની નિકાસ પર અસર પડી શકે છે. બીજીતરફ ઈરાનથી સફરજન તથા કિવીની આયાત પરઅવળી અસર પડી શકે છે. કીવી ફ્રૂટ અને સફરજનની આયાત કરનારી ભારતીય કંપનીઓએ ઈરાનની કંપનીઓ સાથે બાર્ટર જેવી વ્યવસ્થા દ્વારા ચુકવણીનું સંચાલન કરવામાં આવે તેવી સંભાવના છે.

ઇરાનની વર્તમાન સ્થિતિની સૌથી વધુ અસર ડ્રાયફ્રૂટ્સના સેક્ટર-ક્ષેત્રે પર થવાની શક્યતા છે. નટ્સ એન્ડ ડ્રાયફ્રૂટ્સ કાઉન્સિલ (ઇન્ડિયા)ના સ્થાપક સભ્ય રાજીવ પાબરેજાએ જણાવ્યું હતું કે ઈરાનમાં ચાલી રહેલી અશાંતિ અને આર્થિક તણાવથી પિસ્તા, ખજુર, કેસર, બદામ અને કિસમિસ જેવી વસ્તુઓની આયાત પર મોટો પ્રભાવ પડી શકે છે. ભારત એકલા પિસ્તાની કુલ રૂ. 1800થી 1900 કરોડની આયાત કરે છે. તેમ જ બદામની રૂ. 8000થી રૂ. 8500 કરોડની આયાત કરે છે. તેમાં બદામની આયાતમાં ઇરાનનો હિસ્સો અદાજે  અંદાજે રૂ. 440થી 570 કરોડનો છે.

પાબરેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં ઈરાન સૌથી ગંભીર આંતરિક અશાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન, મોંઘવારી અને સરકાર પર રાજકીય દબાણ વધી રહ્યું છે. તેના કારણે વેપાર ચેનલ્સ અને નાણાકીય કામગીરી પહેલેથી જ ખોરવાઈ ચૂકી છે.” તદુપરાંત આર્થિક અસ્થિરતાના કારણે ઈરાની આયાતકારોને ચુકવણી અને રેમિટન્સમાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે નિકાસ ચુકવણીઓમાં વિલંબ થઈ રહ્યો છે. “અનિશ્ચિતતા હોવાના કારણે વેપારીઓ લાંબા ગાળાના કરાર કે મોટા ઓર્ડર આપવામાં ખચકાટ અનુભવી શકે છે,”.

ભારતીય આયાતકારો ઈરાનની પરિસ્થિતિ અને અમેરિકાની ટેરિફ ધમકી પર નજીકથી નજર રાખી રહ્યા છે, બીજીતરફ બંદરો પર કસ્ટમ્સની કામગીરીમાં વિક્ષેપ સર્જાઈ શકે છે. આ તણાવ વધતા અને અમેરિકી સૈન્ય હસ્તક્ષેપની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ભારતીય સરકારે બુધવારે ઈરાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને ઉપલબ્ધ સાધનો, જેમાં વ્યાવસાયિક ફ્લાઇટ્સ પણ શામેલ છે, દ્વારા દેશ છોડવાની સલાહ આપી છે અને ઈરાનની યાત્રા ટાળવા જણાવ્યું છે. અત્યારે અંદાજે 10,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં રહે છે. તેમને પણ દેશ છોડીને નીકળી જવાની સૂચના આપી દેવામાં આવી છે.

ટ્રમ્પે 12 જાન્યુઆરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, “આજથી અમલમાં આવે તે રીતે, જે કોઈ દેશ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે વેપાર કરશે, તેને અમેરિકા સાથેના દરેક વેપાર પર 25 ટકા ટેરિફ ચૂકવવી પડશે. આ આદેશ અંતિમ અને નિશ્ચિત છે.” તેમણે બુધવારે ઈરાનને પોતાના નાગરિકો સામે હિંસક કાર્યવાહી ચાલુ રાખશે તો “પરિણામો” ભોગવવા પડશે તેવી ચેતવણી પણ આપી હતી.

ભારતમાં સૂકા મેવાની આયાતનું અંદાજિત મૂલ્ય

2024ની વાત કરવામાં આવે તો અમેરિકાથી 59.7 ટકા એટલે કે 110.42 મિલિયન અમેરિકી ડૉલરના સૂકા મેવાની, ઇરાનમાંથી 74.18 મિલિયન ડૉલરની, અફઘાનિસ્તાનમાંથી 0.15 મિલિયન અમેરિકી ડૉલરના સૂકામેવાની, ચીનમાંથી 0.16 મિલિયન અમેરિકી ડૉલરના મૂલ્યના તથા યુનાઈટેડ આરબ અમિરાતમાંથી 0.059 મિલિયન અમેરિકી ડૉલરના મૂલ્યના સૂકા મેવાની આયાત કરી હતી.

Read Previous

સહકારી બેન્કના બોર્ડમાં દસ વર્ષ પૂરા થયા પછી ડિરેક્ટર્સ ત્રણ વર્ષ સુધી બેન્કમાં કોઈ હોદ્દો ધારણ કરી શકશે નહિ

Read Next

 ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીયો પર કેમ ગુસ્સે ભરાયા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular