ડાઈંગ મીલોમાં કાપડનું ઉત્પાદન સામાન્યવત, કમૂર્તા બાદ ફરી ધમધમતા થવાની આશા: જીતુભાઈ વખારીયા
સુરત ભારતના કાપડ ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર છે, જે મુખ્યત્વે સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સ અને ડેનિમ માટે પ્રખ્યાત છે, જે દેશના કુલ કાપડ ઉત્પાદનમાં 40% હિસ્સો ધરાવે છે અને કરોડોનું એક્સપોર્ટ કરે છે, જ્યાં હજારો ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો કાર્યરત છે, અને આ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે, ખાસ કરીને ઝરી ક્રાફ્ટ અને મોડર્ન વીવિંગમાં વિશ્વમાં બીજા ક્રમે છે. આ સાથે જ સુરતમાં ડાઈંગ ઉદ્યોગનું મોટું માર્કેટ છે. કાપડને પ્રોસેસ કરવાની બાબતમાં પણ સુરત અગ્રેસર છે. સુરતમાં ડાઈંગ ઉદ્યોગ ફૂલ્યા-ફાલ્યા છે, પરંતુ વર્તમાન સમયમાં સુરતનાં કાપડ પ્રોસેસર્સ હાઉસ એટલે ડાઈંગ મીલોની શું સ્થિતિ છે તેનાં પર સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોશિએશનનાં પ્રમુખ જીતુભાઈ વખારીયા સાથે વાતચીત કરી છે. તો ચાલો જાણીએ જીતુભાઈ વખારીયાએ શું કહ્યું…

સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોશિએશનનાં પ્રમુખ જીતુભાઈ વખારીયાએ હાલનાં સમયમાં ડાઈંગ મીલોની સ્થિતિની વાત કરતા જણાવ્યું કે લગ્ન સિઝન પુરી થઈ ગઈ છે અને હાલ કમૂર્તા બેસી ગયા હોવાથી પ્રોડક્શનમાં ઘટાડો નોંધાયો છે. 14મી ડિસેમ્બરથી લઈને 14મી જાન્યુઆરી સુધી કમૂર્તા રહેશે અને ત્યાં સુધીમાં પ્રોસેસિંગ હાઉસમાં સામાન્યવત પ્રોસેસિંગ ચાલુ રહેશે. મેરેજ સિઝન પૂર્ણ થઈ ગઈ હોવાથી પ્રોડક્શન પર તેની અસર પડી છે. ખાસ કરીને સાડી અને ડ્રેસ મટીરિયલના પ્રોડક્શન સામાન્યવત 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ત્યાર બાદ લગ્ન સિઝન ફરી શરુ થશે એટલે પ્રોસેસિંગ યુનિટો ધમધમતા થઈ જવાની આશા છે.
તેમણે જણાવ્યું કે યાર્નનાં ઉપતળે થઈ રહેલાં ભાવોના કારણે પણ પ્રોસેસિંગ હાઉસો માટે ભાવની સ્થિતિ યથવાત રાખવી મુશ્કેલ થઈ રહી છે. સુરતનાં પ્રોસેસ હાઉસોમાં રિલાયન્સ મુખ્ય સપ્લાયર હોવાથી યાર્નનાં ખરીદ વેચાણને લઈ રિલાયન્સ પર જ મોટા ભાગનાં પ્રોસેસ હાઉસો નિર્ભર રહેલા છે.



