• 9 October, 2025 - 1:56 AM

અમદાવાદ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે-ITAT પુનરવલોકન કરવાની અરજીને કાઢી નાખી

  • file picture
    Tax Credits Claim Return Deduction Refund Concept
  • રાજકીય ડોનેશન માટે સ્ક્રૂટિની-Scrutiny for political donation-પૂરી થઈ હોય અને કેસના રિવિઝનની પ્રક્રિયા આવકવેરા ખાતાએ ચાલુ કરી હશે તેવા કિસ્સામાં પણ કરદાતાઓને રાહત મળશે

અમદાવાદઃ રજિસ્ટ્રેશન ધરાવતા પરંતું માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષને(RUPP) રૂ. 15 લાખનું ડોનેશન આપનાર દાતાની પુનઃઆકારણી કરવાના ઇન્કમટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનરના ઓર્ડરને અમદાવાદની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની બેન્ચે રદ કરી દીધો છે. આવકવેરાના નિષ્ણાતોનું કહેવું છે કે આઈટીએટી-ITATના પ્રસ્તુત ઓર્ડરની ઘણાં કરદાતાઓ પર મોટી અસર પડશે. ઇન્કમટેક્સના પ્રિન્સિપાલ કમિશનરે પ્રસ્તુત ચૂકાદાને રદ કરતો આ ચૂકાદો છે. હજી અઠવાડિયા પહેલા જ ગુજરાતની બહારથી આવેલા આવકવેરા અધિકારીઓએ રાજકીય ડોનેશન આપનારાઓ પર દરોડા પાડ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રજિસ્ટર્ડ પણ માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપનારાઓ પરગુજરાતમાં અને ગુજરાત ખાસ્સા દરોડા પડ્યા છે.

રજિસ્ટર્ડ પણ માન્યતા ન ધરાવતી કિસાન પાર્ટીને 2020-21માં દાન આપ્યા બાદ કરદાતાએ તે રકમ આવકવેરા ધારાની કલમ 80-જીજીસી(Section 80-GGC) હેઠળ આવકમાંથી બાદ માગી હતી. આકારણી અધિકારીએ કરદાતાની આ માગણીને પડકારવાનું પસંદ કર્યું હતું. જોકે પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સે આકારણી અધિકારીના નિર્ણયની પુનઃ આકારણી કરવાની માગણી સાથે આવકવેરાની કલમ 263નો આશરો લીધો હતો. કમિશનરે વળતી એવી દલીલ મૂકી હતી કે રાજકીય પક્ષ બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવાયેલો હોવાથી આકારણી અધિકારીએ આવકમાંથી ડોનેશન-દાનની રકમ બાદ મેળવવાની કરદાતાની માગણીને માન્ય રાખવી જોઈતી નહોતી. માર્ચ 2021માં જ આવકવેરા ખાતાના દરોડામાં રજિસ્ટર્ડ પણ માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપવાનું કૌભાંડ બહાર આવી જ ગયું હતું.

પ્રિન્સિપાલ કમિશનરના પ્રસ્તુત આદેશને રાજકીય પક્ષને દાન આપનાર કરદાતાએ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારવાનો નિર્ણય લીધો હતો. કમિશનરના ઓર્ડરને પડકારતી અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું કે આકારણી અધિકારીએ આકારણીની પ્રક્રિયા કરતી વેળાએ કેસમાં વિગતવાર તપાસ કરી હતી. આકારણી અધિકારીએ આવકવેરા ધારાની કલમ 142(1) હેઠળ કરદાતાને નોટિસ પણ આપી હતી. આ નોટિસનો જવાબ કરદાતાએ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂ કર્યો હતો. આ દસ્તાવેજી પુરાવાઓમાં ઓડિટ કરેલા હિસાબો, બેન્ક સ્ટેટમેન્ટ અને ડોનેશનની રિસિપ્ટનો સમાવેશ થતો હતો. આ દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી આકારણી અધિકારીએ કરદાતાએ આવકમાંથી દાનની રકમ બાદ આપવાની કરદાતાની માગણીને સ્વીકારી હતી.

આકારણી અધિકારીની તપાસ યોગ્ય હોવાનું ITATએ સ્વીકાર્યું

આકારણી અધિકારીએ રાજકીય ડોનેશનની કરદાતાની માગણીના કિસ્સામાં યોગ્ય અને અર્થપૂર્ણ તપાસ કરી હોવાનું ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ-ITATએ સ્વીકાર્યું હતું. એપેલેટ ટ્રિબ્યુનલે એમ પણ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનરે રાજકીય પક્ષની કૌભાંડકારી પ્રવૃત્તિ સાથે કરદાતાને કોઈપણ જાતનું કનેક્શન હોવાનું પ્રસ્થાપિત કરતાં કે રાજકીય પક્ષ સાથે સીધું કનેક્શન કરદાતાને હોવાનું પુરવાર કરતાં કોઈ જ વાંધાજનક દસ્તાવેજો પ્રિન્સિપાલ ચીફ કમિશનર-ઈન્કમટેક્સ (PCIT)ને મળ્યા જ નહોતા.

ટ્રિબ્યુનલનો ઓર્ડર શું છે?

ITAT-ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે તેના ઓર્ડરમાં આવકવેરા ધારાની કલમ 263ની જોગવાઈ હેઠળ પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઇન્કમટેક્સ-PCITએ રજૂ કરેલા અનુમાનો ટકી શકે તેવા નથી. આ સંજોગોમાં આકારણી અધિકારીના ઓર્ડરને આવકવેરા કચેરીની આવકના હિતના વિરુદ્ધમાં હોવાનું જણાવી શકાય નહિ. ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે આકારણી અધિકારીનો ઓર્ડર ભૂલ ભર્યો હોવાનું પણ જણાવી શકાય તેમ નથી. વાસ્તવમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઇન્કમટેક્સનો ઓર્ડર આવકવેરા ધારાની કલમ 263 હેઠળ આકારણીના ઓર્ડરને પડકારવાની મર્યાદિત સત્તા છે.

આવકવેરા કાયદાના નિષ્ણાતોનું કહેવું છે કે આઈટીએટીના પ્રસ્તુત ઓર્ડરની રાજકીય ડોનેશન આપનારા મોટી સંખ્યાના કરદાતાઓ પર પડશે. તેમના રાજકીય ડોનેશનની રકમને આવકમાંથી બાદ આપવાના દાવાઓ સામે સવાલો ઊઠ્યા છે તેમની માટે આઈટીએટીનો આ ચૂકાદો મહત્વનો સાબિત થશે. રાજકીય ડોનેશન આપ્યા પછી સ્ક્રૂટિનીનો સામનો કરી રહેલા સંખ્યાબંધ કરદાતાઓને રાહત આપતો આ ચૂકાદો છે. પરિણામે કલમ 263 હેઠળના તમામ કેસોમાં કરદાતાઓને રાહત મળી શકે છે. આવકવેરા ખાતાએ આ તમામ કેસોના પુનરવલોકનની કાર્યવાહી કરવી પડશે. તેમ જ આ પ્રકારના કિસ્સાઓમાં આવકવેરા ખાતાએ સ્ક્રૂટિની કરી લીધા બાદ રિવિઝનના પ્રક્રિયાનો આરંભ કર્યો છે તેમને આ ચૂકાદાનો લાભ મળશે.

(બોક્સ)

કમિશનર કલમ 263 હેઠળ શું કરી શકે?

કલમ 263માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ ઇન્કમટેક્સ કમિશનર કેસના સંદર્ભમાં રજૂ કરેલા રેકોર્ડની ચકાસણી કરી શકે છે. રેકોર્ડની ચકાસણી કર્યા પછી કમિશનરને લાગે કે રાજકીય ડોનેશનના જેતે કેસમાં કરવામાં આવેલો ઓર્ડર સરકારની આવકવેરાની આવકના હિતના વિરુદ્ધમાં છે અને આવકવેરા અધિકારીએ કરેલો ઓર્ડર ભૂલભરેલો છે તો તેવા સંજોગોમાં કરદાતાને સાંભળવાની તક આપીને તથા તપાસ કરીને કમિશનરને યોગ્ય લાગે તો કમિશનર આકારણી ઓર્ડરમાં સુધારો કરી શકે છે. તેમ જ નવેસરથી આકારણી કરવાનો આદેશ પણ કરી શકે છે.

 

Read Previous

વેપારીઓની બેઠક બોલાવીને  જીએસટીના દરના ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા કડક સૂચના આપી

Read Next

GSTના દર ઘટાડા સાથે કિંમત ઘટતા વાહનોના વેચાણમાં તગડો વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular