ટોરેન્ટ ગ્રુપની યુએનએમ ફાઉન્ડેશને 69 તળાવોની જાળવણી માટે કરાર કર્યા
ગાંધીનગર- ટોરેન્ટ ગ્રુપની દાતા શાખા યુ.એન. મહેતા ફાઉન્ડેશને મંગળવારે પર્યાવરણ સંવર્ધનના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી 69 તળાવોની જાળવણીની જવાબદારી(Torrent Group’s UNM Foundation initiative) લીધી છે. આ માટે ફાઉન્ડેશને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના છ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર (MoU of Torrent Group) કર્યા છે.
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા
મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સ્ટાર્ટઅપ કૉન્ક્લેવ 2025 દરમિયાન આ MoU પર હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તથા રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પંશેરિયા ઉપસ્થિત રહ્યા હતા.
યુ.એન. મહેતા ફાઉન્ડેશને આ કરારો અમદાવાદ મહાનગરપાલિકા (AMC), ગાંધીનગર મહાનગરપાલિકા (GMC), અમદાવાદ જીલ્લા પંચાયત, ગાંધીનગર જીલ્લા પંચાયત, કલોલ નગરપાલિકા અને માણસા નગરપાલિકા સાથે કર્યા છે. આ 69 તળાવોનો વિસ્તાર અંદાજે 20.29 લાખ ચોરસ મીટર છે.
અમદાવાદના મેયર પ્રતિભા જૈને શું કહ્યું
ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર જિનલ મહેતાએ અમદાવાદ શહેરની મેયર પ્રતિભા જૈન સાથે આ કરારોની આપ-લે કરી હતી. યુએનએમ ફાઉન્ડેશનની ઉપાધ્યક્ષ સપના મહેતાએ કહ્યું કે, “આ કરારો માત્ર પર્યાવરણ જાળવણી માટે જ નહીં, પરંતુ આપણા સમુદાયો માટે જીવનદાયી કુદરતી સંપત્તિઓના સંવર્ધન માટેનો સામૂહિક સંકલ્પ છે. પ્રતિતિ પહેલ હેઠળ આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.”
ટોરેન્ટની પહેલના કામકાજોનું ફલક વિસ્તર્યું
હાલમાં ફાઉન્ડેશન અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દમણમાં 13 બગીચા અને 2 તળાવ સહિત લગભગ 5 લાખ ચોરસ મીટર વિસ્તારનું વિશ્વસ્તરીય હરિયાળું પરિસર વિકસાવી રહ્યું છે, જ્યાં દર વર્ષે અંદાજે 60 લાખ લોકો મુલાકાત લે છે. હવે 69 નવા તળાવો તથા વિકસિત થતા અન્ય બગીચાઓ સાથે ફાઉન્ડેશન કુલ 280.44 લાખ ચોરસ મીટર વિસ્તારની હરિયાળી અને જળાશયો વિકસાવશે. ભવિષ્યમાં આ પહેલને મહારાષ્ટ્ર સુધી વિસ્તૃત કરવાની યોજનાઓ પણ છે.
ટોરેન્ટ ગ્રુપના સ્થાપક શ્રી યુ.એન. મહેતાના નામે શરૂ કરવામાં આવેલા ફાઉન્ડેશન એક નૉન-પ્રોફિટ સંસ્થા છે, જે આરોગ્ય, શિક્ષણ, રોજગારી વિકાસ, કલા-સંસ્કૃતિ તથા પર્યાવરણ પુનર્જીવન ક્ષેત્રે કાર્યરત છે. અત્યાર સુધી તેણે કરેલા કામકાજ નીચે મુજબના છે.
- REACH (Reach Each Child) પહેલ દ્વારા 2,000થી વધુ ગામોમાં 1.8 લાખથી વધુ બાળકોને આરોગ્ય અને પોષણ સહાયતા આપી છે.
- શિક્ષાસેતુ પહેલ હેઠળ 117 શાળાના 30,000થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને માળખાકીય સહાય આપી છે.
- અભિવ્યક્તિ – સિટી આર્ટ્સ પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજ સહિતના શહેરોમાં વિઝ્યુઅલ આર્ટ્સ, થિયેટર, સંગીત અને નૃત્ય ક્ષેત્રે યુવા કલાકારોને મંચ પ્રદાન કર્યા છે.